બંગાળ ચૂંટણી પરિણામ : મોદી-શાહ તમામ પ્રયાસો છતાં મમતા પાસેથી બંગાળ કેમ આંચકી ન શક્યા?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)નાં અધ્યક્ષ મમતા બેનરજીએ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષ તરફથી એક નારો આપ્યો હતોઃ 'ખેલા હોબે' એટલે કે ખેલ ખેલાશે.
હવે પરિણામે સ્પષ્ટ કરી દીધું છે કે આઠ તબક્કામાં અને એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા ચૂંટણીના આ ખેલમાં મમતા અને ટીએમસી મોટી જીત તરફ આગળ ધપી રહ્યાં છે.
બીજી તરફ 'અબકી બાર, દોસો કે પાર'ના નારા અને પોતાની તમામ તાકાત તેમજ સંસાધનો સાથે રાજ્યમાં સત્તા હાંસલ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડેલી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) તેનું અડધું લક્ષ્ય પણ હાંસલ કરી શકી નથી.
સત્તાની હૅટ્રિક સર્જ્યા પછી ટીએમસી તથા તેના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ છે, જ્યારે ભાજપમાં આ હારની જવાબદારી કેન્દ્રીય નેતૃત્વને માથે ઢોળવામાં આવી રહી છે.
ભાજપે આ વર્ષની શરૂઆતથી જ પશ્ચિમ બંગાળમાં રાજ્યની ટીએમસી સરકાર સામે આક્રમકતાથી વ્યાપક ચૂંટણીઅભિયાન શરૂ કર્યું હતું. તેને કારણે રાજકીય વર્તુળોમાં ઘણીવાર એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે ભગવો પક્ષ સત્તા પર આવશે અથવા તો ટીએમસીને જોરદાર ટક્કર આપશે.

'આશોલ પરિવર્તન'નો નારો

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
કેટલાક રાજકીય વિશ્લેષકો તો ભાજપનો 'આશોલ પરિવર્તન' (અસલી પરિવર્તન)નો નારો વાસ્તવ બનશે એવી ભવિષ્યવાણી કરવા લાગ્યા હતા, પરંતુ પરિણામે સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપના હિન્દુત્વવાદ સામે મમતાના બાંગ્લા ઉપ-રાષ્ટ્રવાદનું પલડું ભારે સાબિત થયું છે.
જોકે, આ એકમાત્ર બાબત ટીએમસીની જીતનું કારણ નથી.
કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ અને નેતા તથા કેટલાંય રાજ્યોના મુખ્ય મંત્રીઓ લગભગ ત્રણ મહિના બંગાળમાં સતત ચૂંટણીપ્રચાર કરતા રહ્યા હતા. આ ત્રણ મહિનામાં ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે, જ્યારે કોઈ કેન્દ્રીય મંત્રી કે નેતાએ બંગાળમાં રોડ શો કે રેલી ન કરી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ અહીં દોઢ ડઝન રેલીઓ સંબોધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓની રેલીઓ તથા રોડ શોની યાદી તો બહુ લાંબી છે.
પોતાની તમામ તાકાત, સંસાધનો અને હેલિકૉપ્ટર મારફત પ્રચારઅભિયાન ચલાવતી રહેલી ભાજપ એક સમયે એવો માહોલ બનાવવામાં સફળ રહ્યો હતો કે તે દરેક બેઠક પર ટીએમસીને જોરદાર ટક્કર આપશે, પરંતુ ચૂંટણીનાં પરિણામે તેને જોરદાર આંચકો આપ્યો છે.

2019ની લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
અલબત, 2016ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપના આ વખતના પ્રદર્શનને બહેતર કહી શકાય.
વળી પશ્ચિમ બંગાળમાં એક દાયકા પછી કોઈ એક પક્ષને આટલી બેઠકો મળી છે, પરંતુ હાલના પરિણામની સરખામણી 2019ની લોકસભા ચૂંટણીના પરિણામ સાથે કરીએ તો આ પરિણામ પક્ષ માટે મોટો આંચકો છે.
હકીકતમાં ભાજપની સમગ્ર વ્યૂહરચના જ લોકસભા ચૂંટણીમાં 21 બેઠકો પર મળેલી સરસાઈની આજુબાજુ ગૂંથાયેલી હતી.
પશ્ચિમ બંગાળમાં ભાજપનો પ્રચાર સંખ્યાબંધ કેન્દ્રીય નેતાઓએ ભલે કર્યો હોય, પણ ચૂંટણીની સંપૂર્ણ વ્યૂહરચના અમિત શાહે જ તૈયાર કરી હતી.
તેથી પક્ષનું સપનું તૂટવાની જવાબદારી તેમના પર ઢોળવામાં આવશે એ નક્કી છે. કમસેકમ પ્રદેશ ભાજપના નેતાઓ તો અમિત શાહને આરોપી બનાવવાની તૈયારીમાં છે.
પાયાનો સવાલ એ છે કે ભાજપના જોરદાર અભિયાન છતાં મમતા બેનરજી તેમનો કિલ્લો સફળતાપૂર્વક કઈ રીતે સલામત રાખી શક્યાં?

મમતાની જીતનાં કારણો

ઇમેજ સ્રોત, REUTERS/RUPAK DE CHOWDHURI
ટીએમસીના વિજયના ઘણા કારણો છે. ભાજપ મમતા પર સગાંવાદ, ભ્રષ્ટાચાર અને લઘુમતીના તુષ્ટિકરણના આક્ષેપ બહુ પહેલાંથી કરતો રહ્યો હતો.
એ ઉપરાંત પક્ષે જ્ઞાતિગત ઓળખનો મુદ્દો પણ બહુ મોટા પ્રમાણમાં ઉઠાવ્યો હતો.
મતુઓ મતદારોને રાજી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન મતુઆ ધર્મગુરુ હરિચાંદ ઠાકુરના જન્મસ્થળે બનાવવામાં આવેલા મંદિરે પણ ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે મતુઆ લોકોની બહુમતીવાળા ઠાકુરનગરમાં રેલીને પણ સંબોધી હતી.
અમિત શાહે સિટિઝનશીપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સીએએ) મારફત મતુઆ સમુદાયના લોકોને નાગરિકત્વ આપવાનું વચન આપ્યું હતું.
ભાજપના હિન્દુત્વવાદના સામના માટે મમતા બેનરજીએ ચૂંટણીમંચ પરથી ચંડીપાઠ કર્યા હતા અને ખુદને બ્રાહ્મણની દીકરી ગણાવ્યાં હતાં. તેમને લઘુમતીનો જોરદાર ટેકો મળ્યો અને હિંદુ મતદારોના એક મોટા વર્ગે પણ ટીએમસીને સમર્થન આપ્યું છે.
એ ઉપરાંત પગમાં થયેલી ઈજાને કારણે વ્હીલચૅર પર બેસીને ચૂંટણીપ્રચાર અભિયાન ચલાવવાની યુક્તિથી પણ તેમને લાભ થયો હતો.

બંગાળી અસ્મિતાનો મુદ્દો

ઇમેજ સ્રોત, EPA
'કન્યાશ્રી' અને 'રૂપશ્રી' જેવી યોજનાઓને કારણે પશ્ચિમ બંગાળમાં મહિલાઓએ પણ મમતાને ટેકો આપ્યો હતો.
મમતા તેમનાં ભાષણમાં ભાજપને બહારનો પક્ષ ગણાવતાં રહ્યાં હતાં અને બાંગ્લા સંસ્કૃતિ, ઓળખ તથા અસ્મિતાનો મુદ્દો ઉઠાવતાં રહ્યાં હતાં.
એ ઉપરાંત તેમણે એવો માહોલ બનાવ્યો હતો કે દેશનાં એક માત્ર મહિલા મુખ્ય મંત્રી પર વડા પ્રધાનથી માંડીને તમામ કેન્દ્રીય નેતાઓ તથા મંત્રીઓ કેવા હુમલા કરી રહ્યા છે.
ખાસ કરીને વડા પ્રધાન જે રીતે 'દીદી ઓ દીદી' કહીને મમતા બેનરજીની ઠેકડી ઉડાવતા હતા તેને કારણે મહિલાઓના એક મોટા હિસ્સાનો ટેકો મમતાને સાંપડ્યો હતો.
એ સિવાય મમતા ચૂંટણીપંચ પર શાબ્દિક હુમલા કરતા રહ્યાં હતાં અને ચૂંટણીપંચ તથા ભાજપ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરતા રહ્યાં હતાં. તેનો ફાયદો પણ ટીએમસીને થયો છે.
આ ચૂંટણીમાં કૉંગ્રેસ તથા ડાબેરીઓના સંયુક્ત મોરચાની દુર્ગતિને કારણે એ બન્ને પક્ષોના મતોનો એક મોટો હિસ્સો પણ ટીએમસીને મળ્યો છે.
પક્ષને કૉંગ્રેસનો ગઢ ગણાતા માલદા તથા મુર્શિદાબાદમાં મળેલી સફળતાથી ઉપરોક્ત વાત સ્પષ્ટ થઈ જાય છે.

ભાજપની આશા ઠગારી નીવડી

ઇમેજ સ્રોત, REUTERS/RUPAK DE CHOWDHURI
ભાજપને આશા હતી કે ફુરફુરા શરીફવાળો પક્ષ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ લઘુમતી વોટ બૅન્કમાં ગાબડું પાડી શકશે, પરંતુ એ પક્ષ કે અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટી એવું કરી શક્યાં નહીં.
ભાજપના ગઢ ગણાતા જંગલમહલ વિસ્તારમાં પણ મમતાએ મોટું ખાતર પાડ્યું છે અને પોતાના મજબૂત ગઢને બચાવવામાં ઘણી હદે સફળ રહ્યાં છે.
પરિણામ જાહેર થયું એ પહેલાં રવિવારે સવારે પ્રદેશ ભાજપની ઓફિસમાં લોકોની ભીડ હતી અને ઉજવણીનો માહોલ હતો. પ્રારંભિક વલણમાં ટીએમસીની સરસાઈ છતાં કૈલાશ વિજયવર્ગીયએ દાવો કર્યો હતો કે "ખરું પરિણામ જાહેર થવા દો. અમે સરકાર રચીશું."
જોકે, દિવસ આગળ વધવાની સાથે ટીએમસીની સરસાઈમાં વધારો થવાની સાથે પ્રદેશ ભાજપની ઓફિસ બહાર લોકોની ભીડ ઘટવા લાગી હતી.
બીજી તરફ મમતા બેનરજીના કાલીઘાટસ્થિત ઘર પાસે સવારથી જ તેમના ટેકેદારોની ભીડ વધતી રહી હતી અને ત્યાં ઉત્સવનું વાતાવરણ હતું.

ભાજપ બ્રાન્ડનું રાજકારણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મમતા બેનરજીના ઘરની બહાર ઉભેલા ટીએમસીના એક ટેકેદાર કૃષ્ણ દાસે કહ્યું હતું કે "દીદીએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે ભાજપને સમજાઈ જશે કે તેની બ્રાન્ડનું રાજકારણ બંગાળમાં નહીં ચાલે."
મમતા બેનરજીએ ચૂંટણીનાં પરિણામો વિશે અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પણ રાજ્યના શહેરી વિકાસમંત્રી ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે ટીએમસીની જીત પહેલાંથી જ નક્કી હતી. પરિણામ પક્ષની અપેક્ષા અનુસારનાં છે. ભાજપના દાવા આભાસી સાબિત થયા છે.
તેમણે કહ્યું હતું કે "અમે વિજયસરઘસ કાઢવાના નથી. આ સામાન્ય લોકોનો વિજય છે. રાજ્યમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યારે કોરોના મહામારીને અંકુશમાં લઈને લોકો સાથે ઊભા રહેવું એ અમારી અગ્રતા છે."
બીજી તરફ ભાજપમાં દોષારોપણનો દૌર શરૂ થઈ ગયો છે. જોકે, એકેય સ્થાનિક નેતાએ કોઈ ટિપ્પણી કરી નથી.

ભાજપ શા માટે હાર્યો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પ્રદેશ ભાજપના એક નેતાએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે "સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પર ભરોસો નહીં કરવાનું નુકસાન ભાજપ ચૂકવી રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી આવેલા નિરિક્ષકોએ સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા ન હતા અને તેમણે તેમનાં રાજ્યોની ફૉર્મ્યુલાના બંગાળમાં અમલનો પ્રયાસ કર્યો હતો. અમે આ બાબતે ઘણીવાર ફરિયાદ કરી હતી, પણ કશું થયું નહીં"
એક અન્ય નેતાએ કહ્યું હતું કે "ઉમેદવારોની પસંદગીમાં પણ પ્રદેશના નેતાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો અને ઘણા ઉમેદવારો બળજબરીથી લાવી બેસાડવામાં આવ્યા હતા. બીજા પક્ષમાંથી આવેલાઓને રાતોરાત ટિકિટ આપવામાં આવી હતી. તેને કારણે પાયાના કાર્યકરોમાં અસંતોષ વધ્યો હતો. પરિણામ પર તેની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે."
રાજકીય નિરિક્ષકોનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતાઓએ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભલે તેમની તમામ તાકાત લગાવી દીધી હોય, પણ રાજ્યમાં સત્તા હાંસલ કરવાનું બહુ મુશ્કેલ છે એ તેઓ પણ જાણતા હતા.
પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પાર્થ પ્રતિમ ચક્રવર્તીએ કહ્યું હતું કે "ભાજપના કેન્દ્રીય નેતાઓ બંગાળની વાસ્તવિક હકીકતથી અજાણ હતા."
"ઘણી બાબતોમાં સ્થાનિક નેતાઓના અભિપ્રાયને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. એ ઉપરાંત તેમણે મમતા તથા ટીએમસી સામે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેની સામાન્ય લોકો પર કોઈ અસર થઈ ન હતી."
"પક્ષપલટુઓને મોટા પ્રમાણમાં ટિકિટ આપવાનું, મમતા બેનરજીની સતત હાંસી ઉડાવવાનું, તેમને થયેલી ઈજા બાબતે વ્યંગ કરવાનું અને ધાર્મિક ધ્રુવિકરણના પ્રયાસ તથા હિન્દુત્વનો મુદ્દો ઉઠાવવાનું ભાજપને ભારે પડ્યું છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













