ઉન્નાવ : બે દલિત બાળકીઓના હત્યારાની ધરપકડ કરી લીધી હોવાનો પોલીસનો દાવો

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, ઉન્નાવથી બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બબુરહા ગામમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મૃત મળી આવેલી બંને છોકરીઓના અંતિમ સંસ્કાર ગામમાં જ કરી દેવામાં આવ્યા. જ્યારે ત્રીજી છોકરી હજુ પણ કાનપુરની રિજેન્સી હૉસ્પિટલમાં જીવન અને મોત સામે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન, પાછલા ત્રણ દિવસથી બબુરહા ગામ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે અને હવે પોલીસે દાવો કર્યો છે કે તેમણે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે ઉન્નાવમાં દલિત કિશોરીઓનાં ડબલ મર્ડર કેસમાં હત્યા બાજુંના ગામના યુવકે એક સગીર સાથે મળીને કરી છે અને તેમની ધરપકડ કરી લેવાઈ છે.
પોલીસે પાઠકપુર ગામમાંથી વિનય નામના યુવકની અને એક સગીરની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારી લક્ષ્મી સિંહે મીડિયાને કહ્યું કે વિનય નામના યુવકનું ખેતર છોકરીઓનાં ખેતરને અડીને આવેલું છે અને તે યુવક એક છોકરીને એકતરફી પ્રેમ કરતો હતો.
લક્ષ્મી સિંહ અનુસાર, વિનયે એક છોકરીને પ્રેમનો પ્રસ્તાવ આપ્યો હતો જેને છોકરીએ અસ્વીકાર કર્યો હતો અને એ પછી વિનયના મનમાં છોકરી પરત્વે ખૂબ ઈર્ષા હતી.
પોલીસે કહ્યું કે એક ખબરીની બાતમીને આધારે યુવકની ધરપકડ કરવામાં આવી અને એ પછી પૂછપરછમાં એણે ગુનો કબૂલ્યો છે.
ઉન્નાવ જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિલોમિટર દૂર અસોહા સ્ટેશન છે. સ્ટેશનથી લગભગ ત્રણ કિલોમિટર દૂર બબુરહા ગામ છે. આ ગામમાં જ આ ત્રણેય છોકરીઓનાં ઘર છે, જેઓ બુધવારે સાંજે એક ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. તે પૈકી બે છોકરીઓનું મૃત્યુ થઈ ગયું છે. ઘટનાસ્થળ છોકરીઓનાં ઘરથી લગભગ દોઢ કિલોમિટર દૂર છે.
ગુરુવારના ઉન્નાવના જિલ્લા હૉસ્પિટલમાં બંને છોકરીઓનું પોસ્ટમૉર્ટમ થયું, પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોતનું કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવી શક્યું. ઉન્નાવના ઉપ મુખ્ય ચિકિત્સાધિકારી ડૉક્ટર તન્મય કક્કડે ગુરુવારે જણાવ્યું કે અત્યારે તેમણે રિપોર્ટ જોયો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ગુરુવારે સાંજે ઉત્તર પ્રદેશ પોલીસ મહાનિદેશક હિતેશ ચંદ્ર અવસ્થીએ એક વીડિયો નિવેદનમાં રિપોર્ટ વિશે જાણકારી આપી અને જણાવ્યું, “બંને છોકરીઓનાં શરીરના બહાર કે અંદરના ભાગે કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નથી મળી આવ્યાં. મોતનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું, તેથી વિસરાને તપાસ માટે સુરક્ષિત રાખવામાં આવ્યું છે.”
ઉન્નાવના ડેપ્યુટી CMO ડૉક્ટર તન્મય કક્કડે બીબીસીને જણાવ્યું કે રાસાયણિક તપાસ વગર એ કહેવું મુશ્કેલ છે કે છોકરીઓનાં મોત ઝેર ખાવાના કારણે થયાં છે. આ વિશે ઉન્નાવના પોલીસ અધીક્ષક સુરેશ કુલકર્ણીએ ઘટના બાદ કહ્યું હતું કે ઘટનાસ્થળ પર ફીણ મળ્યું હતું, જેનાથી છોકરીઓનાં મોત ઝેર આપવાના કારણે થયાં હોવાની આશંકા હતી.
ઘટનાના બીજા દિવસે મૃત છોકરીઓ પૈકી એકના પિતાએ અસોહા સ્ટેશનમાં અત્રાત લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધાવડાયો. FIRમાં પણ પણ એ વાત નોંધવામાં આવી કે મૃતક છોકરીઓનાં ગળામાં દુપટ્ટો મળ્યો હતો અને બંનેનાં મોઢાંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. ત્રીજી છોકરી પણ કંઈક આવી જ હાલતમાં મળી આવી હતી, જેની કાનપુરના રિજેન્સી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોસ્ટમૉર્ટમ બાદ ગુરુવારે મોડી સાંજે છોકરીના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા. જેના શુક્રવારે સવારે અંતિમ સંસ્કાર કરી દેવાયા. ગુરુવારના દિવસે મૃતક છોકરીઓને દફનાવવા માટે પ્રશાસને જેસીબી મશીન બોલાવી લીધી હતી, પરંતુ ગામના કેટલાક લોકો અને કેટલાક રાજકીય દળના કાર્યકર્તાઓના જબરદસ્ત વિરોધના કારણે જેસીબી મશીનો પાછી મોકલી દેવાઈ હતી.

એક જ પરિવારની છોકરીઓ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન બબુરહા ગામ છાવણી તરીકે જળવાઈ રહ્યું. ગામના રસ્તામાં ત્રણ જગ્યાએ બૅરિયર લગાવાયાં હતાં, જ્યાં દરેક જનારની તલાશી લેવામાં આવી રહી હતી. મીડિયાવાળાને પણ ઓળખપત્ર બતાવ્યા વગર બૅરિયર પાર કરવાની પરવાનગી નહોતી અપાઈ રહી. ઉન્નાવના ડીએમ રવીન્દ્ર કુમાર અને આનંદ કુલકર્ણી સિવાય લખનઉ પરિક્ષેત્રનાં પોલીસ મહાનિરીક્ષક લક્ષ્મી સિંહ પણ સમગ્ર દિવસ દરમિયાન ત્યાં હાજર રહ્યાં.
સાંજે લક્ષ્મી સિંહ બીબીસી સાથેની વાતચીમાં કહ્યું, “અંતિમસંસ્કાર માટે કોઈ દબાણ નથી કરવામાં આવ્યું. અમે તેમને સંપૂર્ણ સુરક્ષા આપી રાખી છે. પરિવાર પર નિર્ભર કરે છે કે તેઓ ક્યારે અંતિમસંસ્કાર કરવા માગે છે.”
આ ત્રણેય છોકરીઓ એક જ પરિવારની હતી. તે પૈકી બે પિતરાઈ બહેનો છે, જેમની ઉંમર 13 વર્ષ અને 16 વર્ષ છે, જ્યારે ત્રીજી છોકરી સંબંધમાં આ બંનેનાં ફોઈ થતાં હતાં. તેઓ પૈકી 16 વર્ષીય છોકરી જીવિત છે, જેની ગંભીર સ્થિતિમાં કાનપુરમાં સારવાર થઈ રહી છે.
આઈજી લક્ષ્મી સિંહે જણાવ્યું કે છોકરીની પરિસ્થિતિમાં સુધારો છે. પરંતુ પરિવારજનો આખો દિવસ તેને કાનપુરથી દિલ્હીની કોઈ સારી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાની માગ કરતા રહ્યા. ઉન્નાવના જિલ્લાધિકારીએ હૉસ્પિટલ પ્રબંધનને પત્ર લખીને સૂચિત કર્યા છે કે છોકરીની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
મૃત છોકરીઓ પૈકી એકનાં મહિલા સંબંધીએ અત્યંત ગુસ્સામાં કહ્યું કે, “અમને એ પણ ખબર નથી કે તે જીવિત છે કે તે પણ મરી ગઈ. તેની હાલત અહીંથી પણ ખરાબ હતી. અમે લોકો કહેતા રહ્યા કે તેને ક્યાંક બીજે દાખલ કરવામાં આવે પરંતુ પોલીસવાળઓએ અમારી વાત ન સાંભળી. તેને જ ઘટના વિશે ખબર છે. જો તે જ ન બચી, તો અમને કંઈ પણ ખબર નહીં પડે કે અમારી છોકરીઓ સાથે શું થયું અને આ બધું કોણે કર્યું.”

પોલીસનો જમાવડો

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
હાલ પોલીસે તપાસ માટે છ ટીમો બનાવી છે અને સમગ્ર ગામમાં ભારે પોલીસ જાપ્તો તહેનાત કરવામાં આવ્યો છે. ગુરુવારે દિવસ ભર રાજકીય દળોના નેતાઓનો પણ જમાવડો જારી રહ્યો.
આ ઘટનાને લઈને ગામમાં પણ ગુસ્સો છે અને આશ્ચર્ય પણ છે. ગામમાં દલિતોનાં મુશ્કેલથી છ-સાત ઘરો જ છે, જેમાં પીડિત પરિવારજનોનાં ઘરો પણ સામેલ છે.
ગામના જ એક મોટી ઉંમરના શખસ દયારામે કહ્યું હતું કે, “છોકરીઓ ચારો લેવા માટે અવારનવાર ખેતરમાં જતી હતી. ગામની બીજી છોકરીઓ પણ જાય છે. પરંતુ ક્યારેય આવું કંઈ નહોતું બન્યું. ગામમાં આ લોકોનો કોઈની સાથે કોઈ વિવાદ પણ નહોતો.”
એક મૃતકાના ભાઈએ જણાવ્યું કે પહેલાં ત્રણેય સ્કૂલે જતી હતી, પરંતુ લૉકડાઉન બાદ જ્યારથી સ્કૂલો બંધ છે, ત્યારથી તેઓ ઘરે જ હતી.
ભાઈનું કહેવું છે કે, “મારી બહેન દસમા ધોરણમાં ભણતી હતી, જ્યારે બીજી મૃતક છોકરી મારી ભત્રીજી હતી. તેની માતા બાળપણમાં જ ગુજરી ગઈ હતી. હું અને મારો ભાઈ બંને મજૂરી કરીએ છીએ. સમજાતું નથી કે આ બધું કેવી રીતે થઈ ગયું અને કોણે કર્યું.”
મોતનાં કારણોને લઈને પરિવારજનો સિવાય પોલીસ પણ પરેશાન છે. પરંતુ મૃતકોના પરિવારજનો અને ગામલોકોએ આરોપ મૂક્યો છે કે પોલીસ પરિવારજનોને સતત પરેશાન કરી રહી છે અને તેમને જ હત્યાના જવાબદાર સાબિત કરવામાં લાગેલી છે.
ઘટનામાં મૃત સૌથી નાની છોકરીના ઝૂંપડી જેવા ઘરની બહાર સૌથી વધારે પોલીસનો જમાવડો હતો. ઉન્નાવ જિલ્લાના ઘણા અધિકારીઓ પણ ત્યાં ઊભા હતા.

શું કહી રહ્યા છે ઘરના લોકો?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
અમે ઘરની અંદર ખાટલા પર બેઠેલા મૃતક છોકરીનાં માતા સાથે વાત કરવાનો જેમ પ્રયાસ કર્યો, વર્દી પર નૅમપ્લૅટ વગરનાં એક મહિલા પોલીસકર્મીએ તેમનો હાથ પકડીને કંઈ પણ ન બોલવાનું સૂચન કર્યું.
અમારી સાથે હાજર કૅમેરામૅનને પાછળથી નૅમપ્લૅટ વગર એક પોલીસ અધિકારી વાતચીત રેકૉર્ડ ન કરવાનું જણાવતા રહ્યા. જોકે અમે મૃતક છોકરીનાં માતા અને તેમનાં ભાભી સાથે વાત કરી.
મૃતક છોકરીનાં માતાએ બીબીસીને જણાવ્યું, “ત્રણેય હંમેશાં એક સાથે જ જતી હતી. અમે શું જણાવીએ કે શું થઈ ગયું. અમારી છોકરીઓ સાથે ખોટું કામ પણ થયું છે. મારા ઘરના પુરુષો, બાળકો બધાને પોલીસવાળા ઉઠાવીને લઈ ગયા છે. અમારા ઘરની પણ પૂરી તલાશી લેવામાં આવી. દરેક વસ્તુ, કાગળ બધું ઉઠાવીને લઈ ગયા. ઘરના લોકો ક્યાં છે, અમને કંઈ ખબર નથી.”

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
મૃતક છોકરીનાં માતાને સહારો આપી રહેલ એક અન્ય મહિલાએ જણાવ્યું, “તમામ પુરુષો પોલીસ સ્ટેશનમાં છે. ઘરનો બધો સામાન પણ પોલીસવાળા ઉઠાવીને લઈ ગયા છે. બાળકોની દવા પણ તેઓ લઈ ગયા છે. પોલીસવાળાને લાગે છે બાળકીઓએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે, પરંતુ તેઓ આવું શું કામ કરશે? અને જો તેઓ આત્મહત્યા કરશે તો પણ દુપટ્ટાથી તેમના હાથ કેમ બંધાયેલા હશે.”
વાતચીત દરમિયાન મહિલા પોલીસ અધિકારી સતત ત્યાંથી હઠવાની અને અંદર તરફ જવાની અપીલ કરતાં રહ્યાં.
આ દરમિયાન પરિવારજનોએ ઉન્નાવના જિલ્લાધિકારીને પત્ર લખીને મામલાની સંપૂર્ણ તપાસ SITને સોંપવામાં આવે તેવી માગણી કરી છે, આ સિવાય તેમણે માગણી કરી છે કે પરિવારજનોને વળતર ચૂકવવામાં આવે અને જે છોકરીની કાનપુરમાં સારવાર ચાલી રહી છે, તેને દિલ્હીમાં શિફ્ટ કરવામાં આવે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













