મધ્યપ્રદેશ બસ દુર્ઘટના : 45 મુસાફરોનાં મોત, 7 લોકોને બચાવી લેવામાં આવ્યા

મધ્યપ્રદેશમાં 54 મુસાફરોને લઈ જતી બસ સીધી કૅનાલમાં ખાબકી, 18થી વધુનં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANI

તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ સીધી કૅનાલમાં ખાબકી હતી. આ ઘટનામાં 45 લોકો મૃત્યુ પામ્યા છે.

કૅનાલમાંથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સાત લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

32 લોકોની ક્ષમતા ધરાવતી આ બસમાં 55 લોકો સવાર હતા અને મૃતકોની સંખ્યા વધી શકે છે એમ કહેવાઈ રહ્યું છે.

એજન્સીના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં આ ઘટના ઘટી હતી.

NDRF અને SDRFની ટીમો મૃતદેહોની તલાશમાં લાગેલી છે.

પહેલાં જણાવાયું હતું બસમાં 54 મુસાફરો સવાર હતા. પરંતુ હવે સ્થાનિક પ્રશાસને અત્યાર સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં ખરેખર કેટલા લોકો હતા.

જણાવાઈ રહ્યું છે કે આ દુર્ઘટના મંગળવારે સવારે સાડા સાત વાગ્યે થઈ હતી. આ બસ મધ્ય પ્રદેશના સીધીથી સતના જિલ્લા જવા માટે નીકળી હતી અને સંભવિતપણે નિયંત્રણ ગુમાવવાના કારણે બસ નહેરમાં ખાબકી ગઈ.

થોડી વાર પહેલાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "સીધીની દુર્ઘટનાના કાણે મન અત્યંત વ્યથિત છે. બચાવકાર્ય સતત ચાલુ છે. કલેક્ટર, કમિશનર, IG, SP અને SDRFની ટીમો બચાવમાં લાગેલી છે."

શિવરાજસિંહ ચૌહાણે આ મામલે બેઠક બોલાવી હતી.

તેમણે કહ્યું, "રાહતકામગીરીની દેખરેખ માટે બે કૅબિનેટ મંત્રીને ત્યાં મોકલી દેવામાં આવ્યા છે. રાહતકામગીરીની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે."

ચૌહાણે કહ્યું, "ખૂબ જ દુ:ખદ છે કે અંદાજે 18 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે."

આ સાથે જ તેમને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

જોકે, તેમનું આ નિવેદન મૃત્યુઆંક વધ્યો એ પહેલાંનું છે.

line

રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભાજપના ગુજરાતના ઉમેદવાર જાહેર

રામ મોકરિયા

ઇમેજ સ્રોત, facebook/Ram mokariya

રાજ્યસભાની ગુજરાતની બે બેઠકો માટેની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે.

ભાજપના કેન્દ્રીય કાર્યાલય વતી રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાનાં નામોની જાહેરાત કરી છે.

રાજ્યસભાની બે બેઠકો માટે પહેલી માર્ચે ચૂંટણી યોજાશે, જેના ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 18 ફેબ્રુઆરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજનાં અવસાન બાદ ખાલી પડેલી બે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

line

દિશા રવિ બાદ ટૂલકિટ મામલે વધુ બે ઍક્ટિવિસ્ટ સામે ફરિયાદ

દિશા રવિ

ઇમેજ સ્રોત, Disha Ravi

પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ બાદ દિલ્હી પોલીસે કર્મશીલ નીકિતા જેકબ અને શાંતનુની ધરપકડ માટે વૉરંટ બહાર પાડ્યાં છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર બંને ઍક્ટિવિસ્ટો સામે બિનજામીનપાત્ર ગુના દાખલ કરવામાં આવ્યા છે. નીકિતા જેકબે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરીને ધરપકડ સામે ચાર અઠવાડિયાં સુધી રક્ષણ આપવાની માગ કરી છે.

તેમણે અદાલત સમક્ષ દિલ્હી પોલીસે જે એફઆઈઆર દાખલ કરી છે, તેની નકલ આપવની માગ કરી છે. અદાલતમાં તેમણે જણાવ્યું કે ગુરુવારે દિલ્હી પોલીસની ટીમ તેમના ઘરે આવી હતી અને ગૅઝેટસ્ અને દસ્તાવેજો કબજે કર્યાં હતાં.

દિલ્હી પોલીસ મુજબ ત્રણેય વ્યક્તિઓએ ટૂલકિટ બનાવીને શૅર કરી હતી. પ્રજાસત્તાક દિવસે યોજાયલ ટ્રૅક્ટર રેલી પહેલાં અભિયાનની યોજના બનાવવા માટે ત્રણેય ઝૂમ કોલથી જોડાયા હતાં. પોલીસ હવે આ ઝૂમ કોલ વિશે તપાસ કરી રહી છે.

અહેવાલ અનુસાર દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે ટૂલકિટ પાછળ જેમનો હાથ છે, એ પોએટિક જસ્ટિસે નીકિતા જેકબનો સંપર્ક કર્યો હતો અને પ્રજાસત્તાક દિવસ પહેલાં ટ્વીટ સ્ટોર્મ (વાવાઝોડું) ઊભું કરવા માટે જણાવ્યું હતું.

પોલીસે પત્રકારોને જણાવ્યું કે ટ્રૅક્ટર રેલી પહેલાં અભિયાનની યોજના બનાવવા માટે પોએટિક જસ્ટિસ અને બીજા લોકો સાથે દિશા રવિ, નીકિતા જેકબ અને શાંતનુ પણ ઝૂમ કોલ પર હાજર હતાં.

line

શૌચાલય ન હોવાના કારણે કૉંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારીપત્રક રદ

શૌચાલય ન હોવાના કારણે અમદાવાદ જિલ્લા પંચાયતના સિંગરવા બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર ક્રિના પટેલનું ઉમેદવારીપત્રક રદ કરી નાખવામાં આવ્યું છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 47 વર્ષની ક્રિના પટેલે ઉમેદવારીપત્રક સાથે વોટર આઈડી કાર્ડ પણ આપ્યું હતું, જેમા તેમણે પોતાનું સરનામું દસ્ક્રોઈ તાલુકાના પટેલવાસ, કણબા-2 જણાવ્યું હતું.

ઉમેદવારીપત્રકમાં તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરે ટૉઇલેટ છે. અહેવાલ અનુસાર દસક્રોઇના રીટર્નિંગ ઑફિસર કોમલ પટેલે જણાવ્યું કે ચકાસણી દરમિયાન ભાજપના એક સભ્ય અને તેમના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો કે કૉંગ્રેસના ઉમેદવાર ક્રિના પટેલના કણબા-2 સ્થિત તેમનાં ઘરે શૌચાલય નથી.

શપથપત્રમાં ક્રિના પટેલે જણાવ્યું હતું કે તેમના ઘરે શૌચાલય છે. જ્યારે કોમલ પટેલે શૌયાલય વિશે પ્રશ્ન કર્યો તો તેમને કોઈ જવાબ આપ્યો નહોતો.

બાદમાં તેમણે જણાવ્યું કે તેમના ઘરે શૌચાલય નથી. ક્રિના પટેલે આ વાત લેખિતમાં આપતાં તેમનું ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું હતું.

line

'50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને માર્ચથી કોરોના રસી મૂકવામાં આવશે'

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસ્વીર

કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધને જણાવ્યું છે કે માર્ચ મહિનાથી 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવશે.

ટાઇમ્સ નાઉના અહેવાલ અનુસાર હર્ષવર્ધને જણાવ્યું કે માર્ચ મહિનામાં અમે કોરાનો રસી મૂકવાની સ્થિતિમાં હોઈશું. છેલ્લા સાત દિવસમાં દેશના 188 જિલ્લાઓમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી.

તેમણે જણાવ્યું કે એ જરૂરી છે કે રસી લીધા બાદ લોકો કોવિડના નિયમોનું પાલન કરે.

હર્ષવર્ધને જણાવ્યું કે 80-85 ટકા ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં આવી છે અને 20-25 દેશોમાં રસી નિકાસ કરવામાં આવી રહી છે. હાલમાં 18થી 20 રસીઓ પ્રિ-ક્લિનિકલ, ક્લિનિકલ અને ઍડ્વાન્સ સ્ટેજમાં છે.

line
ફૂટર
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો