દિનેશ ત્રિવેદી : મમતા બેનરજીથી છેડો ફાડનાર ગુજરાતી મૂળના દિનેશ ત્રિવેદી કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મમતા બેનરજીના વિશ્વાસુ ગણાતા ગુજરાતી મૂળના નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.
રાજ્યસભામાં પોતાના રાજીનામાની જાહેરાત કરતાં દિનેશ ત્રિવેદીએ કહ્યું, "હું મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને અહીં મોકલ્યો. મારો શ્વાસ રુંધાઈ રહ્યો છે, કેમકે અમે રાજ્યમાં હિંસા સામે કંઈ કરી નથી રહ્યા. મારો આત્મા મને કહે છે કે જો હું અહીં બેસીને કંઈ ન કરી શકતો હોઉં તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. હું પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરતો રહીશ."
દિનેશ ત્રિવેદીએ પોતાના ભાષણમાં મમતા બેનરજીનું કૅમ્પેન સંભાળી રહેલા પ્રશાંત કિશોર પર પણ નિશાન સાધતાં કહ્યું કે ઘણા રાજકારણની એબીસી નથી જાણતા અને મારા નેતા બની ગયા છે.
દિનેશ ત્રિવેદીએ જેવું રાજીનામું આપ્યું તેની સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે દિનેશ ત્રિવેદીમે ભાજપમાં જોડાવું હોય તો તેમનું સ્વાગત છે. તેમણે તૃણમૂલ છોડવામાં એક વર્ષ લગાવી દીધું છે.
ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે, તેમને હું એક વર્ષ પહેલાં મળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે અહીં બધું યોગ્ય ચાલી રહ્યું છે.
ગુજરાતી મૂળના દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાય, તેને લઈને અનેક કયાસ લગાવવામાં આવી રહ્યા છે.
દિનેશ ત્રિવેદી હાલ તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ બે વખત રાજ્યસભાના અને બે વખત લોકસભાના સભ્ય રહ્યા છે.
તેમને પહેલી વખત જનતા દળે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. યુપીએની મનમોહન સિંહની સરકારમાં તેઓ કૅબિનેટ કક્ષાના રેલવેમંત્રી અને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિનેશ ત્રિવેદી ન માત્ર એક રાજ્યસભાના સાંસદ છે પરંતુ ટ્રેઇન પાઇલટ, સારા ગોલ્ફર, ગૅઝેટ્સની શોખીન વ્યક્તિ છે. 2016માં તેમને બેસ્ટ સાંસદનો ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી પિતા રહેતા કરાચીમાં

ઇમેજ સ્રોત, Twitter
દિનેશ ત્રિવેદીનું જીવન રસપ્રદ રહ્યું છે. તેમનો જન્મ ગુજરાતી પિતા હિરાલાલ ત્રિવેદી અને માતા ઉર્મિલા ત્રિવેદીના ઘરે થયો હતો. તેમના પિતા 1947 પહેલાં કરાચીમાં રહેતા હતા.
દિનેશ ત્રિવેદીના તમામ ભાઈ-બહેનોનાં જન્મ પણ કરાચીમાં થયા હતા. તેમના પિતા ભારતના ભાગલા બાદ દિલ્હી આવ્યા હતા, ત્યાં તેમનો જન્મ થયો. તેમના પિતાએ કોલકાતા જઈને હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું.
તેઓ હિમાચલ પ્રદેશની બૉર્ડિંગ સ્કૂલમાં ભણ્યા. ત્યારબાદ તેઓ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા.
રેડિફ.કોમના અહેવાલ અનુસાર જ્યારે તેઓ દસ વર્ષના હતા ત્યારે તેમનું ઇન્ડિયન ઍરફૉર્સમાં જોડાઈને વિમાન ઉડાડવાનું સપનું હતું. જોકે તેઓ બાદમાં ટ્રેઇન પાઇલટ બન્યા હતા.
ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યા પછી તેઓ અમેરિકામાં અભ્યાસ કરવા માટે ગયા, અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાંથી તેમણે એમબીએની ડિગ્રી મેળવી છે.
તેઓ કહે છે, "હું જાણતો હતો કે મારે ક્યારેય મારા જીવનમાં ધંધો કરવો નથી. વેપાર કોઈ પણ કરી શકે છે પરંતુ તમામ લોકો જનતાની મદદ કરી શકતા નથી."
તેમણે અમેરિકાની વિવિધ કંપનીઓમાં સારા પગારની નોકરી કરી હતી.

ઇમેજ સ્રોત, Twitter
પછી નોકરી છોડી તેઓ કોલકાતા પરત આવ્યા અને વેપાર શરૂ કર્યો. તેમણે ઍર ફ્રીટ કંપનીની શરૂઆત કરી. પરંતુ સંતોષ ન થતાં કન્ઝ્યુમર પ્રૉટેક્શન સેન્ટરની પણ શરૂઆત કરી.
રેડિફના અહેવાલ અનુસાર તેમને કૅરિયરની યોગ્ય દિશા મળતી ન હતી. તેમણે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ઍક્ટર બનવાની ટ્રેનિંગ માટે ઍપ્લાય કર્યું હતું, જોકે તે પછી 'ડિરેક્ટર સિરિયસ છે ઍક્ટર સિરિયસ નથી'નો વિચાર આવતાં તેમણે ઍક્ટર બનવાનું માંડી વાળ્યું.
રેડિફ ડોટ કોમ માટેની એક મુલાકાતમાં તેમણે શીલા ભટ્ટને કહ્યું, "હું ભ્રષ્ટાચારથી કંટાળી ગયો હતો. હું વિચારતો હતો કે અહીં વિકાસ નથી. પરંતુ મારા પિતાએ કહ્યું કે ભ્રષ્ટાચાર સામે લડતા શીખો અને તમારો રસ્તો બનાવો."
ત્યારબાદ તેમણે કોર્ટમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરવાનું શરૂ કર્યું.
રાજનેતાઓ અને ગુનેગારોના જોડાણને લઈને વોરા કમિટીનો રિપોર્ટ જાહેર કરવાની માગ સાથે તેમણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી, જેના જજમેન્ટમાં માહિતી અધિકારના કાયદા અને લોકપાલ બિલને સુપ્રીમ કોર્ટે ટાંક્યા અને તેના કારણે તેઓ દિલ્હીમાં જાણીતા બન્યા.
ધ એશિયન એજના અહેવાલ અનુસાર તેઓ સૌથી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા પછી તેઓ કૉંગ્રેસ છોડીને જનતા દળમાં જોડાઈ ગયા.
તેઓ જનતા દળમાંથી 1990માં પહેલી વખત ગુજરાતથી રાજ્યસભાના સભ્ય બન્યા.
1990થી 1996 સુધી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય રહ્યા, 1998માં મમતા બેનરજીએ તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી શરૂ કરી અને તેઓ તેમાં જોડાઈ ગયા. તૃણમૂલ કૉંગ્રેસમાં તેઓ જનરલ સૅક્રેટરી બન્યા હતા.
દિનેશ ત્રિવેદી 2002માં પશ્ચિમ બંગાળથી ફરીથી રાજ્યસભાના સંસદસભ્ય બન્યા. 2009ની લોકસભાની ચૂંટણીઓમાં તેઓ પશ્ચિમ બંગાળની બરાકપોર લોકસભાની સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમને મનમોહન સિંહની સરકારમાં આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
એનડીટીવીના અહેવાલ અનુસાર અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના સમર્થનમાં તેમણે મંત્રીપદેથી રાજીનામુ આપ્યું હતું.
મમતા બેનરજી 2011માં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી બનતાં દિનેશ ત્રિવેદી દેશના રેલવેમંત્રી બન્યા હતા.

રેલવેમંત્રી તરીકે જેમ્સ બોન્ડની ફિલ્મમાં ફેરફાર કરાવ્યો

ઇમેજ સ્રોત, Twitter
દિનેશ ત્રિવેદી જ્યારે રેલવેમંત્રી બન્યા ત્યારે જેમ્સ બોન્ડની ફિલ્મનું શૂટિંગ ભારતમાં થવાનું હતું. જેમાં ફિલ્મના મુખ્ય હીરો ડેનિયલ કરૅજ મોટરબાઇક લઈને ટ્રેનના છાપરે બેસેલા લોકોની વચ્ચે કૂદવાના હતા.
રેલવેમંત્રી દિનેશ ત્રિવેદીએ વાંધો ઉઠાવ્યો અને આ સીનને બદલી નાખવામાં આવ્યો હતો. પછી ટ્રેનના છાપરે માત્ર ઍક્શન સીન શૂટ થયો હતો અને તમામ મુસાફરો ટ્રેનની અંદર હતા.
ધ ગાર્ડિયન સમાચાર સંસ્થા એએફપીને આપેલા નિવેદનને ટાંકીને લખે છે કે ભારતમાં ટ્રેનની છત પર બેસીને મુસાફરી કરવી ગેરકાયદેસર છે અને તેને પ્રોત્સાહન આપવું ન જોઈએ, એમ દિનેશ ત્રિવેદીનું કહેવું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અનેક ટ્રેન ભારતમાં છે પરંતુ બધી ટ્રેન આ પ્રકારે ચાલી રહી નથી.
દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, મેં સ્પાયને ભલામણ કરી છે કે તેઓ એવું બોલે કે ભારતીય રેલવે જેમ્સ બોન્ડ જેવી મજબૂત છે.

મમતા બેનરજી અને દિનેશ ત્રિવેદી સામસામે

ઇમેજ સ્રોત, SANJAU DAS
રેલવેમંત્રી તરીકે 2012નું રેલવે બજેટ રજૂ કરતાં તેમણે ભાડામાં વધારાનો વિવાદ થયો. ભાડાવધારાનો વિવાદ તેમની જ પાર્ટીના નેતા મમતા બેનરજીએ કર્યો હતો.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર મમતા બેનરજીએ જાહેરમાં કહ્યું હતું કે આપણે ભાવવધારાને પરવાનગી આપીશું નહીં. અન્ય અનેક નેતાઓએ પણ ભાવવધારાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ભાવવધારા પછી મમતા બેનરજીએ તેમને રાજીનામું આપી દેવા કહ્યું હતું પરંતુ દિનેશ ત્રિવેદીએ લોકસભાના પાર્ટીના ચીફ વ્હિપ પાસે લેખિતમાં આ હુકમની માગ કરી હતી.
પાંચ દિવસ સુધી ભારે વિવાદ બાદ તેમણે રાજીનામું આપ્યું હતું, તેમની જગ્યાએ તૃણમૂલ કૉંગ્રેસના નેતા મુકુલ રોય રેલવેમંત્રી બન્યા હતા. મુકુલ રોય પણ હાલમાં ભાજપ સાથે છે.
ત્યારબાદ દિનેશ ત્રિવેદી 2014માં ફરીથી લોકસભાની ચૂંટણી તૃણમૂલ કૉંગ્રેસમાંથી જ બરાકપોર સીટ પરથી લડ્યા અને જીતી ગયા હતા. એ વખતે તેમની સામે સીપીઆઈ-એમના સુભાષિની અલી ઉમેદવાર હતા. જોકે, 2019માં તેમનો ભાજપના નેતા અર્જુન સિંઘ સામે પરાજય થયો.
2020માં તેઓ ફરીથી રાજ્યસભાના સભ્ય તરીકે પશ્ચિમ બંગાળથી ચૂંટાયા હતા. શુક્રવારે તેમણે રાજ્યસભામાંથી તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
તેમનું રાજીનામું ફક્ત પશ્ચિમ બંગાળમાં જ નહીં ગુજરાતમાં પણ ચર્ચામાં છે. ગુજરાતમાં રાજ્યસભાની સીટની ચૂંટણી થવાની છે અને એમ કહેવાઈ રહ્યું છે કે દિનેશ ત્રિવેદીનું નામ એમાં આવી શકે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો













