અમદાવાદની યુવતીની કહાણી : ‘જ્યારે મને ખબર પડી કે હું કોરોનાથી સંક્રમિત છું’

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં જે પ્રથમ વ્યક્તિને COVID-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ હું સુમિતી સિંઘ છું અને આ મારી કહાણી છે.

હું એસવીપી હૉસ્પિટલના આઇસોલેશન આઈસીયુમાં 18મી માર્ચે દાખલ થઈ, ત્યાં અન્ય 4-5 Covid-19ના શંકાસ્પદ દર્દીઓ હતા. મને ખ્યાલ હતો કે અમારામાંથી જ કોઈક અમદાવાદના પ્રથમ પૉઝિટિવ કેસ તરીકે નોંધાશે.

મારા ટેસ્ટ કરવામાં આવ્યા, 20મી માર્ચે મારો COVID-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો.

મેં ડૉક્ટરને પૂછ્યું, ‘તમે ચોક્કસ છો?’ તેઓ ચોક્કસ હતા! મને આઘાત લાગ્યો, પણ હું ગભરાઈ નહીં.

મને વિશ્વાસ નહોતો થતો કે હું માહિતગાર હતી, કાળજી લઈ રહી હતી; છતાં મારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો.

થોડી જ મિનિટોમાં મે મારી જાતને સ્થિતિ સામે લડવા માટે શાંત કરી.

મારો પરિવાર મારી માટે ચિંતિત હતો અને હું તેમની માટે. ડૉક્ટરે મને અને મારા પરિવારને માર્ગદર્શન આપ્યું.

line
કોરોના વાઇરસ
line
કોરોના વાઇરસ

હું વિચારતી હતી કે હવે પછી શું થવાનું છે અને કેવાં લક્ષણો દેખાશે... શ્વાસ લેવામાં તકલીફ થશે? તાવ આવશે? કંઈક બીજું થશે કે પછી બધું જ એકસાથે થશે? ડૉક્ટર પણ કહી શકતાં નહોતા કે હું શેની માટે તૈયાર રહું.

વર્ષ 2020ની શરૂઆત મેં પોતાને ગિફ્ટ આપીને કરી, એ ગિફ્ટ એટલે ફિનલૅન્ડની યાત્રા.

હું કોરોના વિશે 15 જાન્યુઆરીથી વાંચી રહી હતી, જ્યારે વુહાનમાં સંક્રમણ શરૂ થયું હતું.

મને લાગતું હતું કે વિશ્વ એક અભૂતપૂર્વ ઘટનાનો સામનો કરવાનું છે, મને એમ હતું કે એ ઘટના મારાથી બહું દૂર છે... હું જરૂરી કાળજી રાખીશ... હું પૂરતું જાણું છું... મેં ઘણું વાંચ્યું છે... એટલે હું તેનો ભોગ નહીં બનું.

ફિનલૅન્ડની ફ્લાઇટમાં બેઠી અને મારી સફર શરૂ થઈ.

મેં માસ્ક પહેર્યો, 30 સેકંડ સુધી હાથ ધોયા, સેનિટાઇઝરથી સાફ કર્યા.

મને લાગતું નહોતું કે હું સંક્રમિત થઈશ કેમ કે ત્યારે ફિનલૅન્ડમાં માત્ર 10 પૉઝિટિવ કેસ નોંધાયા હતા.

હું ભારત પરત આવી ત્યારે કોરોનાને મહામારી જાહેર કરી દેવાઈ હતી.

રિપોર્ટ આવ્યો, નિદાન થયું અને એના થોડા જ કલાકોમાં AMCના અધિકારીઓ મારા ઘરે પહોંચી ગયા હતા.

તેમણે મારા પરિવારને ક્વોરૅન્ટીનમાં રહેવા અંગે જાણ કરી, તેમણે એવું પણ કહ્યું કે ડૉક્ટર તેમની તપાસ કરવા માટે આવશે.

મારી પાસેથી મારા પ્રવાસની તમામ માહિતી લેવામાં આવી, બધું એટલું જલદી ઘટવા લાગ્યું કે અનુભવવા માટે સમય જ ન રહ્યો.

14 માર્ચે મને થોડો તાવ આવ્યો અને મેં આઇસોલેશનમાં રહેવાનું શરૂ કરી દીધું.

મારા રૂમની બહાર એક ટેબલ રાખ્યું હતું, જ્યાંથઈ મને ચીજો આપવામાં આવતી હતી.

મને બે દિવસ સુધી તાવ આવ્યો. આ દરમિયાન હું મારા મિત્રોને પણ મળવા નહોતી ગઈ. મેં મારી જાતને સંપૂર્ણ આઇસોલેશનમાં રાખી હતી.

16મી માર્ચે મને થોડો કફ થયો. હું એસવીપી હૉસ્પિટલ ગઈ અને મારી તપાસ કર્યા બાદ કહેવામાં આવ્યું કે COVID-19ના ટેસ્ટ કરાવો.

એ પછી મારો રિપોર્ટ આવ્યો અને ત્યારથી હું સારવાર લઈ રહી છું.

તમે 15 વર્ષના હોવ, 25 વર્ષના હોવ, 35ના કે પછી 45ના; એવું ન વિચારશો કે વૃદ્ધ લોકો જ સંક્રમિત થાય છે.

દસમાં દિવસે મને પહેલી વખત લક્ષણો દેખાયાં હતાં અને ત્યારે હું હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

સોશિયલ મીડિયા પર જે રીતે લોકો મને શુભેચ્છા પાઠવી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, એ જોઈને હું પોતાની જાતને નસીબદાર ગણું છું.

હું મારો અનુભવ ઠાલો જવા દેવા નથી માગતી. કદાચ મારા અનુભવથી ક્યારેક કોઈકને મદદરૂપ થશે એટલે હું મારા અનુભવો લખી રહી છું.

અમદાવાદમાં કોરોનાનો સૌથી પહેલો કેસ સુમતિસિંહનો હતો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો