'CAA ભારતના બંધારણ અને દેશના પાયા માટે જોખમકારક' : દૃષ્ટિકોણ

    • લેેખક, જસ્ટિસ એ. પી. શાહ,
    • પદ, દિલ્હી હાઈ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ

હાલમાં જ પસાર કરવામાં આવેલા નાગરિકતા સુધારા કાનૂનને કારણે ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. હું તો બહુ જ પરેશાન થઈ ગયો છું. આ કાયદો પોતાની રીતે જ મુશ્કેલી કરનારો છે અને તેને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્ટસ (એનઆરસી) સાથે જોડાશે તેવી વાતને કારણે મુશ્કેલી વધી જાય છે.

આસામમાં લાગુ કરવામાં આવેલી એનઆરસી માટેના પિપલ્સ ટ્રાઇબ્યુનલમાં હું પણ હતો. અમે જોયું કે ભલે અદાલતના માધ્યમથી આ પ્રક્રિયા કરવામાં આવી હોય, પણ તે પ્રક્રિયા બહુ વિનાશકારી હતી અને તેના પરિણામો બહુ ડરાવી દેનારા હતા.

CAAના મુદ્દે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો ચોંકાવનારા છે એટલું જ નહીં, પણ તે પ્રદર્શનમાં સામેલ થઈ રહેલા લોકો સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે તે વધુ ચોંકાવનારો છે.

કાયદો અને વ્યવસ્થા લાગુ કરનારા સરકારી તંત્રે પ્રદર્શન કરનારા સાથે જે વ્યવહાર કર્યો તેના કારણે મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલું વિરોધપ્રદર્શન હિંસક બની ગયું. તેના કારણે દેશભરમાં સંપત્તિને નુકસાન થયું તે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.

આ સ્થિતિ એ દર્શાવે છે કે આપણે કેવી સમયમાં જીવી રહ્યા છે. તેનાથી એવો પણ સંકેત મળે છે કે દેશના યુવાનોએ તેમનો ઘણો બધો સમય આગામી દિવસોમાં એવી નેતાગીરી સામે સંઘર્ષમાં વીતાવવો પડશે, જે કોમવાદી હોવા ઉપરાંત નિરંકુશ પણ છે.

દબાઈ ગયેલું ન્યાયતંત્ર

જે પેઢીએ કટોકટી જોઈ છે અને તેના પરિણામો ભોગવ્યા છે, તે પેઢીની પ્રતિક્રિયા સ્વાભાવિક રીતે જ નવી પેઢી માટે સહાનુભૂતિની હોવી જોઈએ. આ બાબતે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ન્યાયતંત્રનો અવાજ લગભગ દબાઈ ગયો છે. મજબૂત સરકારના દબાણમાં તેનો અવાજ ઘૂંટાઈ રહ્યો છે.

CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલી ધાર્મિક લઘુમતીઓને ફાસ્ટ ટ્રેકની રીતે નાગરિકતા આપવા માટે છે તે રીતે રજૂઆતો થઈ રહી હતી.

તેમાં હિંદુ, શિખ, પારસી, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તીનો સમાવેશ થઈ જાય છે. આ ત્રણ દેશોમાંથી આવનારા આ છ સમૂહોના લોકોને ઘૂસણખોર ગણવામાં આવશે નહીં.

આ માટેનો ખરડો રજૂ થયો અને તે પાસ થયો તે દરમિયાન આપણે જોયું કે આ કાયદા વિશે બહુ પ્રકારના વિચારો વ્યક્ત થવા લાગ્યા હતા.

આ વિશેના અલગ અલગ દૃષ્ટિકોણ આ કાયદાને અને તેના કારણે થઈ રહેલા રાજકારણને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં સૌથી પાયાનો અને કદાચ સૌથી અગત્યનો દૃષ્ટિકોણ એ છે કે આ કાનૂન ગેરબંધારણીય છે.

આ કાયદો મનમાની કરનારો છે અને નાગરિકો વચ્ચે સમાનતા માટેની બંધારણની કલમ 14નો ભંગ કરનારો તો છે, ઉપરાંત બીજા ઘણા કારણોસર પણ તે ગેરબંધારણીય છે. આ કાયદો ઇરાદાપૂર્વક મુસ્લિમોને લઘુમતી તરીકે અલગ પાડવા માટેનો છે.

નાગરિકતા આપવા માટે આ કાનૂનમાં ધર્મનો આધાર લેવાયો છે, જે બંધારણના આત્માને આઘાત પહોંચાડે છે.

માત્ર ધાર્મિક જુલમના આધારે જ નાગરિકતા આપી શકાય તેવો કોઈ કાનૂની તર્ક નથી. આ ત્રણ દેશના નાગરિકોને ફાસ્ટ ટ્રેક રીતે શા માટે નાગરિકતા આપવામાં આવી રહી છે તેનો પણ કોઈ નક્કર તાર્કિક આધાર નથી.

હકીકતમાં માત્ર જુલમનો ભોગ બનેલાને, કોઈ પણ પ્રકારના જુલમનો ભોગ બનેલા શરણાર્થીઓને નાગિરકતા આપવાની જોગવાઈ હોવી જોઈએ.

આ પ્રકારની જુલમની પરિભાષા કરવામાં આવી છે, તે ભારત પ્રજાસત્તાક જેના પર ઊભું થયું છે તેના પાયાને જ નુકસાન પહોંચાડનારી છે.

તેમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાસ્તવિકતાઓને પણ ધ્યાને લેવામાં આવી નથી. આપણે સ્વતંત્રતા હાંસલ એકતા અને વિવિધતાના મૂલ્યો પર ચાલીને કરી છે.

સામા પક્ષનો તર્ક

આ ચર્ચામાં સામી બાજુએ ઊભેલા લોકોનો તર્ક છે કે CAAના કારણે કોઈને નુકસાન થવાનું નથી. આ તો માત્ર જુલમનો ભોગ બનેલા લોકોને ઝડપથી નાગરિકતા આપવાના ઉદ્દેશથી લેવાયેલું પગલું છે.

CAA ગેરબંધારણીય છે તેના કરતાંય તે કોઈને નુકસાન પહોંચાડશે નહીં તેવું કહેવામાં આવે છે, તે વધુ મહત્ત્વનું છે, કેમ કે પેલી 'ગ્રાન્ડ ડિઝાઇન', કે જેનો આ કાનૂન નાનકડો હિસ્સો છે, તેને સાદડીની નીચે છુપાવી દેવા માટેની કોશિશ છે.

તમે મને પૂછશો કે હું કઈ 'ગ્રાન્ડ ડિઝાઇન'ની વાત કરી રહ્યો છે. એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે CAA દ્વારા જેમની ઓળખ મુસ્લિમ તરીકેની છે, તેમને અલગ પાડી દેવાની કોશિશ થઈ રહી છે.

સરકાર કહી રહી છે તે રીતે આ કાનૂન માત્ર બહારથી આવનારા લોકો માટે જ છે, તો પણ આ કાનૂન આપોઆપ મુસ્લિમ શરણાર્થીઓને બીજી કક્ષાના દરજ્જામાં મૂકી રહ્યો છે.

તેઓ હિંદુ કે ખ્રિસ્તી જે કારણસર આવ્યા હોય તેવા કારણસર આવ્યા હોય તો પણ તેઓ બીજી કક્ષામાં ગણાય. જુલમના બીજા કારણોમાં આર્થિક અને રાજકીય જુલમ પણ હોઈ શકે છે.

તમે આ કાયદા વિશેની તમારી સમજ થોડી વિસ્તૃત કરો અને જે રીતે સરકાર પોતે CAA અને NRC બંનેને એકબીજા સાથે જોડી રહે છે તે રીતે જોશો તો પણ આ કાનૂન બધા મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી દે તેવી આશંકા રહેલી છે.

આ રીતે આ કાનૂન અને આ નીતિ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને માત્ર નુકસાન નથી કરતી, તેને નષ્ટ કરી શકે છે. બંધારણના મૂળભૂત સિદ્ધાંતો છે - ધર્મનિરપેક્ષતા, બંધુત્વ અને માનવતા.

હિંદુ રાષ્ટ્રવાદ

આના મૂળમાં છે વિનાયક દામોદર સાવરકર અને તેમના સાથીઓએ આગળ વધારેલી સાંસ્કૃતિક અને ધાર્મિક રાષ્ટ્રવાદની વિચારધારા. તેઓનું માનવું હતું કે 'હિંદુ રાષ્ટ્ર, હિંદુ જાતિ અને હિંદુ સંસ્કૃતિ આદર્શ છે'.

ધાર્મિક રાષ્ટ્રવાદની આ વિચારધારા માને છે કે ભારતમાં હિંદુશાસન હોવું જોઈએ. અખંડ ભારતની કલ્પના એ આધાર પર કરવામાં આવી હતી કે બ્રિટિશરો જતા રહેશે તે પછી આ ધરતી પર માત્ર હિંદુઓનો હક રહેશે, કેમ કે તે તેમની પિતૃભૂમિ અને પુણ્યભૂમિ છે.

આ હિસાબે મુસ્લિમ અને ખ્રિસ્તીઓને વિદેશી માનવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તેમનો ધર્મ બીજી પુણ્યભૂમિમાંથી પેદા થયા છે, તેથી તે લોકો ભારતને પુણ્યભૂમિ માની ન શકે.

મારી પોતાની પૃષ્ઠભૂમિકા આ વાત સાથે જોડાયેલી છે. મારા નાના 1940ના દશકમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા. જીવનમાં પ્રથમવાર મને જે પુસ્તકો જોવા મળ્યા તે સાવરકરના લખેલા પુસ્તકો હતા.

સાવરકર 1938માં લખી રહ્યા હતા ત્યારે હિટલર તેમની ચરમસીમા પર હતા. સાવરકરે યહુદીઓ તરફની હિટલરની નીતિને યોગ્ય ઠરાવી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાની માતૃભૂમિમાંથી તેમને હાંકી કાઢી રહ્યા છે.

સાવરકરે કહ્યું હતું, "એક રાષ્ટ્ર તેમાં વસતિ બહુમતીને કારણે બને છે. યહૂદીઓ જર્મનીમાં શું કરી રહ્યા હતા? તેઓ લઘુમતીમાં હતા એટલે જર્મનીથી તેમને હાંકી કાઢવામાં આવ્યા."

કિશોર તરીકે હું તે વાંચી રહ્યો હતો અને સમજી રહ્યો હતો અને તેમની કવિતાના વખાણ પણ કરી રહ્યો હતો (આજે પણ કરું છું). હું હિંદુ મહાસભા વિશે પણ હંમેશા સવાલો પૂછ્યા કરતો હતો અને એ સમજવાની કોશિશ કરતો હતો કે તેઓ શું કરી રહ્યા છે.

મને તે વખતે પણ ફાસિસ્ટ તાનાશાહો માટેનું સાવરકરનું વળગણ અજબ લાગ્યું હતું. ખાસ કરીને હિટલર અને મુસોલિની માટેનો તેમનો મોહ મને અજબ લાગ્યો હતો.

બહુમતીવાદ અને લઘુમતીને એક કોરાણે કરી દેવાની બાબતમાં હિંદુ મહાસભા અને ત્યાર પછી આવેલા સંગઠનોની નીતિ હંમેશા એકસમાન રહી છે. તેમાં કોઈ ફરક પડ્યો નથી.

આ ક્યારેય ના બદલનારી કલ્પનામાં એક હિંદુ રાષ્ટ્ર છે, અને તે વિચારધારા ભારતની સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક વિવિધતાની વાસ્તવિકતાને વારેવારે ભૂલી જાય છે.

CAA અનૈતિક છે અને તેની સામે જનતાનું આંદોલન થવું સ્વાભાવિક અને અનિવાર્ય પણ છે. એમ ના થાય તો જે મૂળભૂત સિદ્ધાંતોના પાયા પર બંધારણીય ભારત ઊભું છે તેને તોડી દેવામાં આવશે. એક એવી બાબત માટે કે જેનો જખમ હંમેશા માટે રહી જશે.

એક નવો વળાંક

CAA પર વિરોધ ચાલી રહ્યો છે તે વચ્ચે મુખ્ય ન્યાયાધીશને એમ કહેતા ટાંકતા સમાચાર આવ્યા કે દેખાવકારોએ સડક પર જ વિરોધ કરવાના હોય, તો પછી તેમણે અદાલતમાં આવવાની જરૂર નથી.

કેટલાક લોકો તેને એવી રીતે સમજશે કે ન્યાય મેળવવા માટે સારો વ્યવહાર હોવો જરૂરી છે. કોઈ પણ બાબતમાં વિરોધ કરવો અને અદાલતનો દરવાજો ખટખટાવો એ બે વિકલ્પ જનતા માટે હંમેશા ઉપલબ્ધ રહેતા હોય છે.

એ બાબતમાં કોઈ શંકા નથી કે અસહમતી અને તેનું પ્રદર્શન એ લોકતંત્રનો જીવ છે.

આવી સ્થિતિમાં સમગ્ર સમાજ પ્રદર્શન કરી રહ્યો હોય ત્યારે દેખાવકારોને સારા કે ખરાબ ગણી દેવા તે યોગ્ય રીત નથી.

ઐતિહાસિક રીતે ગંભીર મામલે આખરી ફેંસલો આપવાની વાત આવે ત્યારે અદાલતોનો ટ્રેક રેકર્ડ ઠીકઠાક રહ્યો છે. ખાસ કરીને કાર્યકારી પાંખ બહુ મજબૂત હોય ત્યારે અદાલતો ભૂલો કરવા લાગતી હોય છે. કટોકટી વખતે આપણે આ બધું થતા જોયું છે.

આ પેઢીના ન્યાયાધીશો માટે આ એક ઐતિહાસિક વળાંક છે. તેમના સિનિયરોએ 40 વર્ષ પહેલાં કટોકટી વખતે ભારતની જનતા સાથે જે ભૂલો કરી હતી તેને સુધારી લેવાની તક છે. ભૂલ સુધારવામાં આવે તેની ભારે ઉત્સુકતા છે.

(આ લેખકના અંગત વિચારો છે. આ લેખ 28 ડિસેમ્બરે ધ હિન્દુ અખબારમાં પ્રગટ થયો હતો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો