You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંગીતકાર શેખરે અમદાવાદની હોટલમાં 3 ઈંડાંના રૂપિયા 1672 ચૂકવ્યા?
બૉલીવૂડના સંગીતકાર શેખર રવજિયાનીને અમદાવાદની 'હયાત રેજન્સી' હોટલમાં 3 ઈંડાં માટે 1672 રૂ.નું બિલ ચૂકવવું પડ્યું છે. વિશાલ-શેખરની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીમાંના એક શેખરે એક ટ્વીટ મારફતે બિલની તસવીર શેર કર્યા બાદ તેમની પોસ્ટ વાયરલ થઈ હતી.
ટ્વીટમાં તેમણે 3 બાફેલાં ઈંડાં માટે હોટલ દ્વારા રૂપિયા 1672નું બિલ અપાતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. બૉલીવૂડમાં પોતાના સંગીત માટે જાણીતા શેખર રવજિયાનીના આ ટ્વીટ વિશે હાલ સોશિયલ મીડિયા પર યુઝર્સ ઘણી ચર્ચા કરી રહ્યા છે.
આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, "3 બાફેલાં ઈંડાં માટે રૂપિયા 1672? "
આ ટ્વીટ સાથે તેમણે હોટલનું બિલ પણ શૅર કર્યું હતું. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.
શું કહે છે હોટલ પ્રશાસન?
આ બાબતે જ્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ હોટલ હયાત રેજન્સી સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે હોટલના જનરલ મૅનેજર રાહુલ રાજે જણાવ્યું કે, "રૂમ સર્વિસના અમારા મેનુમાં તમામ વાનગીઓ સામે તેના ભાવ પણ મૂકેલા જ હોય છે. અમને ખબર નથી કે શેખરજીએ આ ભાવ જોયા હતા કે કેમ? પરંતુ આ બાબતે તેમણે હોટલ સ્ટાફ પાસેથી કોઈ પણ પ્રકારનો ખુલાસો માગ્યો નહોતો."
"આટલું જ નહીં તેમણે અમને આ વાનગીના ભાવ વિશે પણ કોઈ જ ફરિયાદ કરી નહોતી."
જ્યારે હોટલના જનરલ મૅનેજર રાહુલ રાજને પૂછવામાં આવ્યું કે ઈંડાંમાં એવું શું હતું કે આટલું બિલ થયું તો તેમણે જવાબમાં કહ્યું કે, "આ બિલ માત્ર 3 બાફેલાં ઈંડાંનું નથી. આ વાત ખોટી રીતે રજૂ કરાઈ રહી છે."
"અસલમાં તો અમારી હોટલના મેનુ પ્રમાણે આ બિલ 3 'ઍગ પૉર્શન' માટેનું છે. એટલે કે આ વાનગીમાં માત્ર 3 ઈંડાં જ સામેલ નહોતાં. તેમાં અલગઅલગ વિકલ્પો સાથે 3 વ્યક્તિઓનાં ભોજનનો સમાવેશ થઈ જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેથી હું ખાતરીપૂર્વક કહીં શકું કે માત્ર ઈંડાં બદલ અમારી હોટલે આટલા પૈસા વસૂલ્યા નથી. તેમજ અમે મેનુમાં દર્શાવેલા ભાવ મુજબની જ રકમ વસૂલી છે."
અહીં નોંધનીય છે કે સામાન્ય રીતે સ્થાનિક બજારમાં એક ઇંડાની કિંમત પાંચથી છ રૂપિયા સુધીની હોય છે. પણ જો બિલને ધ્યાનથી જોવામાં આવે તો જણાશે કે તેમાં 18 ટકા જીએસટી, 5 ટકા સર્વિસ ચાર્જ પણ વસૂલાયો છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં જૂન, 2019માં અભિનેતા રાહુલ બોઝને પણ એક હોટલમાં 2 કેળાં માટે 442 રૂ. ચૂકવવા પડ્યા હતા.
રાહુલ બોઝે ટ્વિટર મારફતે આ વાતની જાણકારી આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેમની પોસ્ટ વાયરલ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો