You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: કાશ્મીરમાં લૅન્ડલાઇન આજથી શરૂ, પ્રતિબંધો હળવા થશે : સરકાર
કાશ્મીરના ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે જમ્મુ-કાશ્મીરમાં લદાયેલા પ્રતિબંધો હળવા થશે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આજથી લૅન્ડલાઇન શરૂ થઈ જશે. સોમવારથી શાળાઓ પણ ખૂલી જશે.
પત્રકારોને સંબોધતાં સુબ્રમણ્યમે જણાવ્યું કે 5 ઑગસ્ટે કાશ્મીરનો વિશેષાધિકાર છીનવાયા બાદથી આકરા પ્રતિબંધો લદાયા હતા પરંતુ આ દરમિયાન કોઈ પણ જાનહાનિનો બનાવ બન્યો નથી.
સુબ્રમણ્યમ અનુસાર ખીણમાં શાંતિનું વાતાવરણ બની રહે તે હેતુસર ધીમે-ધીમે પ્રતિબંધો હટાવી લેવાશે.
પાકિસ્તાન : નમાઝ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, ચારનાં મૃત્યુ
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદમાં બૉમ્બ-બ્લાસ્ટ થયો, જેમાં ચારનાં મૃત્યુ થયાં હતાં.
'અલ જઝીરા'ના અહેવાલ અનુસાર આ બ્લાસ્ટમાં 20 લોકો ઘાયલ થયા છે.
સમાચાર એજન્સી રૉયટર્સને ટાંકીને ન્યૂઝ વેબસાઇટ લખે છે, "મસ્જિદમાં લાકડાની ખુરશી નીચે વિસ્ફોટક ગોઠવવામાં આવ્યા હતા."
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણ તલાક કહી પત્નીને તલાક આપતા પતિની ધરપકડ
'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર કેરળના કોઝિકોડ શહેરમાં 43 વર્ષની એક વ્યક્તિએ ત્રણ વખત તલાક કહી પત્નીને ત્યજી દીધાંની ઘટના સામે આવી છે.
આ બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
કેરળમાં આ પ્રથમ કેસ છે જે ટ્રિપલ તલાકનો કાયદો બન્યા સામે આવ્યો છે.
પોલીસનું કહેવું છે કે આરોપી વિરુદ્ધ સૅક્શન 3 અને 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સૅક્શન 3માં જોગવાઈ છે કે પતિ દ્વારા 'મૌખિક, લેખિત કે પછી ઑનલાઇન માધ્યમ દ્વારા ત્રણ તલાક આપે તો તે ગુનો બને છે.'
સૅક્શન 4 મુજબ ગુનેગારને ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
ભારતીય સ્પ્રિન્ટર દુતી ચાંદે ગોલ્ડ જીત્યો
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભારતીય સ્પ્રિન્ટર દુતી ચાંદે 'ભારતીય ગ્રાન્ડ પ્રિક્સ'માં 100 મિટરની દોડ સ્પર્ધામાં ગોલ્ડ-મેડલ જીત્યો છે.
દુતી ચાંદે 11.42 સેકંડમાં દોડ પૂરી કરી આ સિદ્ધિ હાંસિલ કરી છે.
આ સાથે જ તામિલનાડુનાં અર્ચના સુસીન્ત્રને 11.53 સેંકડમાં દોડ પૂર્ણ કરી સિલ્વડર મેડલ હાંસિલ કર્યો છે.
પંજાબનાં સ્પ્રિન્ટર મનવીર કૌરે 12.28 સેકંડ સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો