You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાફે કૉફી ડે : વી. જી. સિદ્ધાર્થ જેમણે કૉફીના ખેતરોમાંથી કાફેનું સામ્રાજ્ય ઊભું કર્યું
કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. એએનઆઈના અહેવાલ મુજબ નેત્રાવતી નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
સિદ્ધાર્થ સોમવારથી લાપતા હતા અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઑફ આવતો હતો.
તેમના લાપતા થયાના સમાચાર આવ્યા બાદ નેત્રાવતી નદીમાં તેમને શોધવા માટે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નેત્રાવતી નદી પર આવેલા પુલ પાસેથી સ્થાનિક માછીમારોને તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમના મૃતદેહને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવશે.
આ પહેલાં કહેવામાં આવતું હતું કે તેમણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
કર્ણાટકના પૂર્વ મંત્રી યુ. ટી. ખડેરનું કહેવું છે કે તેમના ચહેરા પર થોડું લોહી દેખાય છે પરંતુ શરીરમાં કોઈ દેખીતી ઈજા નથી.
સિદ્ધાર્થ ભારતના પૂર્વ વિદેશમંત્રી અને હાલ ભાજપના નેતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ હતા.
તેમના ડ્રાઇવરે ફરિયાદમાં કહ્યું છે કે સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર કારમાંથી ઊતરી ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ થોડીવાર અહીં ફરવા માગે છે, જે બાદ તેમણે ડ્રાઇવરને કહ્યું કે તે પુલના બીજા છેડા પર રાહ જોઈ પરંતુ તેઓ એક કલાક સુધી પરત આવ્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી રીતે CCDની શરૂઆત થઈ
વર્ષ 1996માં 37 વર્ષના યુવાન સિદ્ધાર્થ કાફેના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કરે છે.
11, જુલાઈ 1996ના રોજ 1.5 કરોડના ખર્ચે બેંગલુરુના પૉશ વિસ્તાર ગણાતા બ્રિજ રોડ પર પોતાનું પ્રથમ કાફે ખોલે છે.
બે દાયકા પહેલાં બેંગલુરુથી શરૂ થયેલું આ સાહસ હાલ દેશના 198 શહેરોમાં ફેલાઈ ગયું છે.
એક કાફેથી શરૂ થયેલી કંપની પાસે હાલ ભારતમાં લગભગ 1500થી પણ વધારે કાફે છે.
ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક અને મલેશિયા જેવા દેશોમાં પણ CCDની શાખાઓ આવેલી છે.
શરૂઆતના ગાળાથી જ કાફે કૉફી ડે યુવાનોમાં સૌથી વધારે લોકપ્રિય બની ગયું હતું.
કૉમ્યુનિસ્ટ બનવા માગતા સિદ્ધાર્થ બિઝનેસમૅન બની ગયા
1979માં કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા વી. જી. સિદ્ધાર્થે કાફેના બિઝનેસમાં આવવાનું વિચાર્યું ન હતું.
તેમણે ફૉર્બ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ કાર્લ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા.
માર્ક્સના વિચારોને કારણે તેઓ બિઝનેસમાં આવવાને બદલે કૉમ્યુનિસ્ટ નેતા બનવાનાં સપનાં જોઈ રહ્યા હતા.
સિદ્ધાર્થે તે બાદ જે. એમ. ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમૅન્ટ કન્સલટન્સીમાં ઍનલિસ્ટની નોકરી શરૂ કરી હતી.
કૉફી તેમના લોહીમાં વહેતી હતી, કારણ કે તેમનો પરિવાર 1870થી કૉફીની ખેતી કરતો હતો.
જોકે, 1956માં તેમનો પરિવાર અલગ થયો અને સિદ્ધાર્થના પિતાને તેમના ભાગના રૂપિયા અને મિલકત આપી દેવામાં આવી.
જે બાદ તેમના પિતાએ કર્ણાટકના ચિકમગલુરમાં 479 એકરમાં આવેલો એક કોફીનો બગીચો ખરીદી લીધો.
જ્યારે તેમના અન્ય મિત્રો આગળ ભણવા માટે અમેરિકા જવા લાગ્યા ત્યારે સિદ્ધાર્થે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું.
બેંગલુરુથી તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક કંપનીમાં સ્ટૉકબ્રોકર તરીકે કામ કર્યું.
1983થી 1985 સુધી મુંબઈમાં સ્ટૉકબ્રોકર તરીકે કામ કર્યા બાદ તેઓ બેંગલુરુ પરત ફર્યા હતા.
શરૂઆતના વેપારમાં સફળતા
બેંગલુરુ પરત આવ્યા બાદ તેઓ પરિવારના કૉફીના બગીચાના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કરી દીધું.
આ વેપારમાં તેમને એટલી સફળતા મળી કે તેમણે 3,500 એકરના કૉફીના બગીચા ખરીદ્યા.
ફોર્બ્સના એક અહેવાલ અનુસાર તેમણે 1992માં સ્ટૉક-માર્કેટમાં કામ કરવાનું બંધ કરી દીધું.
ગુજરાતી હર્ષદ મહેતા જ્યારે શૅરબજારના કૌભાંડ મામલે સમાચારોમાં ચમક્યા તેના થોડા દિવસો પહેલાં સિદ્ધાર્થે પોતાના બધા સ્ટૉક્સ વેચી દીધા હતા.
જે બાદ તેમણે સંપૂર્ણ રીતે પોતાનું ધ્યાન કૉફીના વ્યવસાયમાં કેન્દ્રીત કર્યું અને તેઓ દેશના સૌથી મોટા કૉફી નિકાસકર્તા બની ગયા.
અંતે કૉફીમાંથી કાફે તરફ
કૉફીના વેપારમાં સફળતા મળ્યા બાદ અંતે 1996માં સિદ્ધાર્થે કાફેના બિઝનેસમાં ઝંપલાવ્યું.
બેંગલુરુમાં તેમણે શરૂ કરેલું પ્રથમ કાફે 2,000 સ્કેવર ફૂટની જગ્યામાં હતું. એ સમયે તેમના આ કાફેમાં IBMનું કમ્પ્યૂટર હતું, જેનો લોકો ઉપયોગ કરી શકતા હતા.
2001 સુધીમાં બેંગલુરુમાં જ CCDનાં 18 આઉટલેટ હતાં. જે બાદ તેમણે દેશભરમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાનો શરૂ કર્યો હતો.
CCDની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે હાલ કંપની પાસે 1482 કાફે અને 530 વૅલ્યૂ એક્સપ્રેસ આઉટલેટ છે.
ચિંકમગલુરમાં આવેલા 10,000 એકરના કૉફીના વિશાળ બગીચામાંથી કૉફીનાં બિન્સ બને છે અને તેને ત્યાં જ રોસ્ટેડ અને પૅક કરવામાં આવે છે.
જે બાદ આ તૈયાર થયેલાં પૅકિંગ સેન્ટ્રલ અને રિજનલ ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરો પર મોકલવામાં આવે છે, જે શહેરોમાં પહોંચે છે.
શહેરોમાંથી કંપનીના કાફે પર અને ત્યારબાદ આપણા કપમાં તેની ખુશબોદાર કૉફી પહોંચે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો