શીલા દીક્ષિતનું નિધન, 'તેઓ કૉંગ્રેસ માટે દીકરી સમાન હતાં' - રાહુલ ગાંધી

દિલ્હીનાં પૂર્વમુખ્ય મંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે.

શીલા દીક્ષિત કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા હતાં અને તેઓ વર્ષ 1998થી 2013 સુધી દિલ્હીનાં મુખ્ય મંત્રી રહ્યાં હતાં. 2014માં તેમણે રાજીનામું આપ્યું.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હીમાં તેમનું નિધન થયું છે.

તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને હૃદયરોગની સારવાર ચાલી રહી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શીલા દીક્ષિતને અંજલિ આપી હતી, તેમણે દિલ્હીના વિકાસમાં શીલા દીક્ષિતના યોગદાનને નોંધનીય ગણાવ્યું હતું.

કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે શીલા દીક્ષિત કૉંગ્રેસનાં દીકરી સમાન હતાં, જેમની સાથે મારું ભાવનાત્મક જોડાણ હતું.

તેમણે એવું પણ લખ્યું હતું, "તેમના પરિવારજનો અને દિલ્હીના નાગરિકો માટે હું સહાનુભૂતિ ધરાવું છું. તેમણે ત્રણ ટર્મ સુધી મુખ્ય મંત્રી તરીકે સેવા આપી છે."

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને શીલા દીક્ષિતને અંજલિ આપી હતી.

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે શીલા દીક્ષિતના નિધનના સમાચારથી હું વ્યથિત છું અને દિલ્હીના વિકાસના યોગદાનમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો