You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: મોદીની પ્રથમ કૅબિનેટમાંથી 37 મંત્રીઓ બહાર, 24 નવા ચહેરા
લોકસભા ચૂંટણી 2019માં 300 બેઠકોના લક્ષ્યને પાર કર્યા બાદ ગુરુવારે મોદીની કૅબિનેટના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ છેલ્લી કૅબિનેટમાંથી 37 મંત્રીઓને ફરી સ્થાન મળ્યું નથી. જેમાં સુષમા સ્વરાજ, મેનકા ગાંધી, ઉમા ભારતી, સુરેશ પ્રભુ અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ જેવા મંત્રીઓ સામેલ છે.
જ્યારે આ કૅબિનેટમાં 24 નવા ચહેરાને સ્થાન મળ્યું છે, જેમાં એસ. જયશંકર જેવા ટૅક્નૉક્રેટને પણ સામેલ કરાયા છે. આ કૅબિનેટની સરેરાશ ઉંમર 60 વર્ષ છે.
ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહ માટે લગભગ છ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડના ચેરમૅન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે હાજર રહ્યા હતાં, તાતા ગ્રુપના ચેરમૅન રતન તાતા અને આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ પણ હાજર રહ્યા હતા.
જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી રજનીકાંત પોતાના પત્ની સાથે, કંગના રણૌત, અનુપમ ખેર, વિવેક ઓબેરોય, સની દેઓલ, અનિલ કપુર, શાહિદ કપુર અને પત્ની મીરા કપુર, ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર અને સિદ્ધાર્થ રોય કપુર, ફિલ્મ ડિરેક્ટર્સ રાકેશ ઓમ પ્રકાશ મેહરા, બોની કપુર, રાજકુમાર હિરાની, વરિષ્ઠ ગાયિકા આશા ભોંસલે, જાણીતા લોક સંગીત અને શાસ્ત્રીય ગાયિકા માલિની અવસ્થી, લેખક અમિશ ત્રિપાઠી, પેટીએમના વિજય શેખર શર્મા સહીતના લોકો જોવાં મળ્યાં હતાં.
કચ્છના અખાતમાંથી બે પાકિસ્તાનીની ધરપકડ
કચ્છના દરિયાની પાકિસ્તાન બોર્ડર પર આવેલા હરામી નાળા વિસ્તારમાંથી ગુરુવારે બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સેપ્રેસમાં પ્રકાશિત અહેવાલમાં મુજબ અધિકારીઓના કહેવા પ્રમાણે બીએસએફના જવાનોએ આ બંને માછીમારોની હોડી જપ્ત કરી લીધી છે. કચ્છના અખાતમાં આ બંને પાકિસ્તાનીઓ ગેરકાયદે ઘૂસી આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે આ વિસ્તારમાંથી લગભગ 15 કરોડની કિંમતનાં 3 પેકેટ નાર્કોટિક્સ મળી આવતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.
નારાયણ સરોવર વિસ્તારમાં વધુ તપાસમાં બ્રાઉન હેરોઇનના વધુ પાંચ પેકેટ મળી આવ્યાં હતાં.
આ પહેલાં 21 તારીખે જખૌ પાસેથી ડીઆરઆઈ દ્વારા છ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમની બોટમાંથી 194 પેકેટ ડ્રગ્ઝ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ગંગાનું પાણી પીવા-નાહવા માટે જોખમી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કહેવા મુજબ ગંગાના પાણીનો સીધો પીવા માટે કે નાહવા માટે ઉપયોગ જોખમી છે. જે વિસ્તારોમાંથી ગંગા પસાર થાય છે, તેમાંથી માત્ર સાત જ સ્થળો એવાં છે, જેનું પાણી શુદ્ધીકરણ બાદ પીવાના ઉપયોગમાં લઈ શકાય.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ જણાવે છે કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થતી ગંગા સૌથી વધુ પ્રદૂષિત છે. જેમાં કેલિફોર્મ બૅક્ટેરિયાનું સૌથી ઊંચું પ્રમાણ છે.
ગંગા નદીમાં 86 લાઇવ મોનિટરિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યાં છે, તેમાંથી માત્ર સાત જ સ્થળો પર પીવા લાયક પાણી છે. 78ને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ માત્ર 18 જ સ્થળોનું પાણી નાહવા લાયક છે.
બિહારનું ભુસૌલાસ, કાનપુર, વારાણસીનો ગોળાઘાટ, રાયબરેલીનું દલમાઉ, અલાહાબાદનો સંગમ, તેમજ ગાઝીપુર, બક્ષર, પટના, ભાગલપુર, પશ્ચિમ બંગાળમાં હાવરા-શિવપુર સહિતના સ્થળો સૌથી વધુ પ્રદૂષિત છે.
મેક્સિકોથી આયાત થતાં દરેક ઉત્પાદન પર ટ્રમ્પે કર લાદ્યા
યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે આયાત પર કાબૂ મેળવવા માટે મેક્સિકોથી આવતાં દરેક ઉત્પાદનો પર કર લગાડી દીધા છે.
એક ટ્વીટમાં તેમણે લખ્યું કે 10 જૂનથી આ કરમાં 5 ટકાનો વધારો કરવામાં આવશે અને જ્યાં સુધી ગેરકાયદે આયાતની સમસ્યા હલ નહીં થાય ત્યા સુધી આ કરનો દર વધતો રહેશે.
તેમણે આ બાબતને દક્ષિણ સરહદ પરથી આવતી રાષ્ટ્રિય સમસ્યા જાહેર કરી છે.
સરહદો પરના એજન્ટે આ નિર્ણયને વધાવ્યો છે, જ્યારે મેક્સિકોના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આ દર નુકસાનકર્તા છે.
વ્હાઇટ હાઉસમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઑક્ટોબર સુધીના સમયગાળામાં આ દર 25 ટકા ન થાય ત્યાં સુધી તેમાં દર મહિને પાંચ ટકાનો વધારો કરવામાં આવશે.
ક્રિકેટ વર્લ્ડ કપ 2019: પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
વર્લ્ડ કપની પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડે દક્ષિણ આફ્રિકાને 104 રનથી હરાવ્યું છે. લંડનમાં રમાયેલી આ મૅચમાં ઇંગ્લૅન્ડે 8 વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા.
જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 207 રન કરીને 40 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બેન સ્ટોક્સ મૅન ઓફ ધ મૅચ રહ્યા, જેમણે 79 બૉલમાં 89 રન કર્યા અને બૉલિંગમાં પણ બે વિકેટ લીધી.
મૅચમાં ઇંગ્લૅન્ડના ચાર ખેલાડીઓએ અર્ધસદી ફટકારી હતી જેમાં જેસન રૉયના 54, જો રૂટના 51, યોન મોર્ગનના 57 અને બેન સ્ટોક્સે 89 રન કર્યા.
જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં લુંગી નગિડીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી તેમજ ઇમરાન તાહીર અને કગિસો રબાડાએ બે-બે વિકેટ લીધી. જ્યારે ક્વિટન ડિ કૉકે સૌથી વધુ 68 રન કર્યા. તેમજ રાસી ડેર ડ્યૂસેને 50 રન કર્યા.
ઇંગ્લૅન્ડના જોપ્રા આર્ચરે ત્રણ વિકેટ લીધી તેમજ બેન સ્ટોક્સ અને લિયામ પ્લંકેટે બે-બે વિકેટ લીધી. મોઇન અલી અને આદિલ રશીદે એક-એક વિકેટ લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો