રાજીવ ગાંધી 'INS વિરાટ'માં ફરવા નહોતા ગયા, મોદીનો દાવો ખોટો : પૂર્વ કમાન્ડિંગ ઓફિસર

'પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુદ્ધજહાજનો અંગત ટૅક્સી તરીકે ઉપયોગ કર્યો' વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ આક્ષેપનો છેદ આઈએનએસ વિરાટના પૂર્વ કમાન્ડિંગ ઓફિસરે ઉડાવી દીધો છે.

રિટાયર્ડ વાઇસ એડમિરલ વિનોદ પસરિચા ડિસેમ્બર 1987માં વિરાટના કમાન્ડિંગ ઓફિસર હતા, એ જ વખતે રાજીવ ગાંધીએ આ યુદ્ધજહાજની સવારી કરી હતી.

વાઇસ એડમિરલ પસરિચાએ એ વાતને નકારી કરી દીધી છે કે રાજીવ ગાંધીએ તેમના મિત્રો અને ઇટાલિયન સાસુ માટે આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો.

વિનોદ પસરિચાનું કહેવું છે, "રાજીવ ગાંધી ત્યારે સરકારી કામથી લક્ષદ્વીપ ગયા હતા. આઇલેન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની એક બેઠક હતી અને રાજીવ ગાંધી એમાં જ ભાગ લેવા પહોંચ્યા હતા."

"રાજીવ ગાંધી કોઈ ફૅમિલી ટ્રિપ પર નહોતા ગયા. રાજીવ ગાંધી સાથે તેમનાં પત્ની સોનિયા ગાંધી. પુત્ર રાહુલ ગાંધી અને આઈએએસ અધિકારીઓ હતા."

પસરિચાએ આ વાત ભારતીય ન્યૂઝ ચૅનલોને કહી છે.

રાજીવ ગાંધી સાથે અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધીનાં માતાપિતા યુદ્ધજહાજમાં હોવાની વાતને પસરિચાએ નકારી કાઢી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર આ યુદ્ધજહાજનો અંગત ટૅક્સી તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક ચૂંટણીલક્ષી સભામાં દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીની સાથે તેમનાં સાસુ અને અમિતાભ બચ્ચન પણ હતાં.

પસરિચાનું કહેવું છે કે રાજીવ ગાંધી સિવાય સોનિયા, રાહુલ અને બે આઈએએસ અધિકારી હતાં. તેઓ સેનાના રાજકીયકરણને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવે છે.

પસરિચાનું કહેવું છે, "અમે ત્રિવેન્દ્રમથી નીકળ્યા હતા. ત્યારે ઘણા દ્વીપો પર રાજીવ ગાંધી બેઠકો માટે ગયા હતા. રાજીવ ગાંધીએ ત્રણ દ્વીપોનું નિરીક્ષણ હેલિકૉપ્ટરથી કર્યું હતું."

એડમિરલ એલ રામદાસ વેસ્ટર્ન ફ્લિટના કમાન્ડર ઇન ચીફ હતા અને ત્યારે તેઓ રાજીવ ગાંધી સાથે હતા.

એડમિરલ રામદાસનું પણ કહેવું છે કે રાજીવ ગાંધીએ વિરાટનો ઉપયોગ સરકારી મુલાકાત માટે કર્યો હતો, નહીં કે ફૅમિલી ટ્રિપ માટે.

એડમિરલ રામદાસે સમગ્ર વિવાદ અંગે એનડીટીવીને કહ્યું, "નૌસેના સેર કરવા માટે નથી, ન તો અમે એવું કરીએ છીએ. અમારી આદત છે કે જે પણ મહેમાન આવે તેમનું ધ્યાન રાખીએ છીએ."

"આપણા વડા પ્રધાન લક્ષદ્વીપમાં આઇલેન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની બેઠક માટે આવ્યા હતા. અમારા વેસ્ટર્ન ફ્લિટ પહેલાંથી જ એ વિસ્તારમાં હતાં."

"જ્યારે વિક્રમદિત્ય આવ્યું તો વર્તમાન વડા પ્રધાન ગયા હતા. તેમની સાથે અનેક લોકો હતા. રાજીવ ગાંધીની મુલાકાત પણ સરકારી હતી. અમે લોકો લાડુ-પેંડા વહેંચવા નહોતા ગયા. આ તો સેનાને બદનામ કરી રહ્યા છે."

"તેઓ યુદ્ધજહાજનો ટૅક્સી તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવે છે. મને તો લાગે છે કે હમણાં જ એવું કરાતું હશે. અમે રાજીવ ગાંધીને ત્રિવેન્દ્રમથી સાથે લીધા હતા અને અમે ચારથી પાંચ દ્વીપોની મુલાકાત લીધી હતી."

નરેન્દ્ર મોદીના આ આરોપોની કૉંગ્રેસે આલોચના કરી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "તમે ઇન્ડિયન ઍરફૉર્સના જેટને ટૅક્સી બનાવી રાખી છે."

"ઇલેક્શન ટ્રિપ માટે તમે ઇન્ડિયન ઍરફૉર્સના જેટને 744 રૂપિયા આપીને ઉપયોગ કરો છે. તમે બીજા પર આંગળી ન ઉઠાવો પણ પોતાનાં પાપોથી ડરો."

નરેન્દ્ર મોદીએ 21 નવેમ્બર 2013ના રોજ પ્રકાશિત થયેલા ઇન્ડિયા ટુડેના અહેવાલના હવાલાથી ટ્વીટ કર્યું હતું કે શું કોઈ કલ્પના કરી શકે કે ભારતીય સૈન્ય બળના મુખ્ય જહાજનો ટૅક્સી તરીકે છૂટછાટ લઈને ઉપયોગ કરી શકાય?

વિમાનવાહક આઈએનએસ વિરાટને ભારતીય નૌસેનામાં 1987માં સેવા માટે લેવાયું હતું. આશરે 30 વર્ષ સુધી સેવામાં રહ્યા બાદ તેને સેવામાંથી નિવૃત કરવામાં આવ્યું હતું.

મોદીએ જે અહેવાલના હવાલાથી લખ્યું છે એ પ્રમાણે આ દ્વીપ લક્ષદ્વીપના 36 દ્વીપોમાંથી એક છે અને એનું નામ બંગારામ છે. આ દ્વીપ નિર્જન છે અને અંદાજે અડધા વર્ગકિલોમિટરમાં ફેલાયેલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો