ભાજપ સાથે ગઠબંધન : 'ચૂમી લે તો પણ ગઠબંધન શક્ય નથી' એવું કહેનારી શિવસેનાનો યૂ-ટર્ન

અમદાવામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ-શૉ પહેલાં એનડીએની વિજયસંકલ્પ રેલી યોજાઈ, જેમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે અને ભાજપના નેતાઓએ એકબીજાને ભેટીને ગઠબંધનની જાહેરાત કરી છે.

બંને પક્ષો વચ્ચે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ 25 બેઠકો પરથી ચૂંટણી લડશે અને શિવસેના 23 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે.

પરંતુ છેલ્લાં સાડાં ચાર વર્ષથી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનું મુખપત્ર 'સામના' ભાજપ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના આધ્યક્ષ અમિત શાહની કેટલાય મુદ્દે ટીકા કરતાં રહ્યાં છે.

શિવસેના અને ભાજપના આવાં જ નિવેદનો જોઈને લાગતું હતું કે બંને પક્ષોના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. જોકે, આ નિવેદનોમાંથી યૂ-ટર્ન લેતાં શિવસેનાએ ભાજપ સાથેના પોતાના જૂના સંબંધો જાળવી રાખ્યા છે.

1.'મોદી અફઝલ ખાન'

2014માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપ-શિવસેના સાથોસાથ મેદાનમાં ઊતર્યાં હતાં. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઐતિહાસિક વિજય બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધારે બેઠકો માગી. શિવસેનાએ ઇનકાર કર્યો અને ગઠબંધન તૂટી ગયું.

ત્યાર બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન તુલજાપુરમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મોદીની કૅબિનેટ મહારાષ્ટ્રમાં મત માગતી ફરે છે. તેઓ અફઝલ ખાનની સેનાની જેમ મહારાષ્ટ્ર જીતવા માગે છે પણ અમે તેમના મનસૂબા પૂરા થવા નહીં દઈએ."

નોંધનીય છે કે 17મી સદીમાં 'આદિલ કુળ'ના યોદ્ધા અફઝલ ખાને શિવાજી સાથે યુદ્ધ કર્યુ હતું.

2.'અફઝલ ખાનને ઊંધા માથે પાડીશું'

સાડાં ચાર વર્ષ પછી 'સામના'માં ફરી એક વખત અફઝલ ખાનનો ઉલ્લેખ થયો.

23 જાન્યુઆરી 2019માં 'સામના'ના તંત્રી લેખમાં ભાજપની ટીકા કરતાં લખાયું, "શિવસેનાને ખતમ

કરવાનું બીડું ઝડપીને મહારાષ્ટ્રમાં ઘણા અફઝલ આવ્યા અને ઊંધાં માથે પડ્યા. શિવસેનાને રાજકારણના મેદાનમાં માત આપવાનું એલાન કરનારા સમય સાથે જ ખતમ થઈ ગયા."

તમે આ વાંચ્યું કે નહીં?

3.'ભાજપ કુંભકર્ણ છે'

ઉદ્ધવ ઠાકરેએ દશેરાની રેલીમાં અયોધ્યા જવાની જાહેરાત કરી હતી અને તેમણે અયોધ્યાની મુલાકાત પણ લીધી.

આ દરમિયાન તેમણે એક નારો આપ્યો, 'હર હિંદુ કી યહી પુકાર, પહલે મંદિર ફિર સરકાર''

તેમણે કહ્યું, "હું કુંભકર્ણને જગાડવા આવ્યો છુ. આપણા રામ હજૂ વનવાસમાં છે."

'સામના'ના સંપાદકીય લેખ પણ લખાયો, જેનું મથાળું હતું, 'ચૂંટણીમાં રામ યાદ આવે તો અયોધ્યામાં રામમંદિર કેમ નથી બનાવતા?'

4.'ચોકીદાર ચોર હે'

'ગઠબંધન ગયું ખાડામાં, આજકાલ ચોકીદાર પણ ચોરી કરવા લાગ્યા છે.' પંઢરપુર રેલીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવું નિવેદન આપ્યું હતું.

જેના જવાબમાં મુખ્ય મંત્રી ફડણવીસે કહ્યું હતું કે યોગ્ય સમયે શિવસેનાને જવાબ આપીશું.

5.'મોદી લહેરની વાટ'

લાતુરમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે 'સહયોગી દળ સાથે આવે તો ઠીક નહીં તો તેમને પછાડીશું દઈશું.'

ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન પર કહ્યું હતું, "શિવસેનાને પછાડવાવાળા હજૂ પેદા થયા નથી. અમને કોઈ નબળા ન સમજે. ઘણી લહેરો આવી અને ચાલી ગઈ. અમે 'લહેરની વાટ લગાડી' દઈએ છીએ."

6.'મુખ્યમંત્રી ભાનમાં છે?'

પાલઘર લોકસભાની પેટા ચૂંટણીમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની કહેવાતી ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી.

શિવસેનાની રેલીમા પણ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીની એ જ ઑડિયો ક્લિપ રજૂ કરી હતી.

આ ચૂંટણીમાં ભાજપે પૈસા વહેંચ્યા હતા એવો પણ શિવસેનાએ આરોપ લગાવ્યો હતો.

આ સમગ્ર વિવાદને લઈને 'સામના'માં એક લેખ છપાયો, જેનું મથાળું હતું, 'મુખ્ય મંત્રી ભાનમાં છે?'

7.'ચૂમીઓ લીધી તો પણ...'

ભાજપ અને શિવસેનાના ગંઠબંધન બાબતે ઘણી બાબતો સામે આવી રહી હતી.

આ ગઠબંધન આગળ ટકશે કે કેમ એ અંગે અટકળો કરાઈ રહી હતી.

આ દરમિયાન 'સામના'ના તંત્રી સંજય રાઉતે એક કાર્યક્રમમાં કહ્યું, 'ભાજપ ચૂમી લે તો પણ ગઠબંધન શક્ય નથી.'

8.'મુખ્યમંત્રી જુમલાબાજ'

જાન્યુઆરી મહિનામાં મરાઠાવાડાની મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન વિશે કહ્યુ હતું કે ગઠબંધન ગયું ખાડામાં. દેવેન્દ્ર ફડણવીસ પર તેમણે કહ્યું, "આપણું કોણ છે અને જુમલેબાજ કોણ છે એ ઓળખવાનું પણ શીખવું જોઈએ."

9.'રફાલ અને વિમાન પડી ગયું'

રફાલ સોદા પર લાગેલા આરોપ અંગે શિવસેનાએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, "હથિયારોની ખરીદીમાં સરકાર ગોટાળા કરે છે. સરકાર પાપ કરે છે."

તાજેતરમાં જ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ તેમણે લખ્યું,

"ચાર રાજ્યો ભાજપ મુક્ત, હવામાં ઊડનારા પડી ગયા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો