મુંબઈમાં કેમ અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈના મરોલ વિસ્તાર(અંધેરી પૂર્વ)માં સોમવારના પાંચ માળની ઇમારતમાં આગ લાગવાને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં અને 130થી વધુ લોકો ઘાયલ થયા.
ઈએસઆઈસી હૉસ્પિટલમાં લગભગ સાંજના ચાર વાગે આગ લાગી હતી તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ.
ગભરામણમાં અમુક લોકો હૉસ્પિટલ પરથી કૂદી ગયા, જેને કારણે ઇજાગ્રસ્ત પણ થયા.
ફાયર-બ્રિગેડના અધિકારીઓ જણાવ્યું કે સૌપ્રથમ આગ હૉસ્પિટલના નીચેના ભાગમાં લાગી હતી.
એમઆઈડીસી વિભાગના પ્રમુખ વી. એમ. ઓગલેએ બીબીસીને જણાવ્યું,
"ઇમારતને જે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવામાં આવ્યું હતું જે અસ્થાયી હતું. એવાં ઘણાં કારણો હતાં જેના કારણે સંપૂર્ણ એનઓસી આપવામાં નહોતું આવ્યું."
તેમણે એવું પણ ઉમેર્યું, "આ હૉસ્પિટલ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે તેથી મારા મતે આગની આ ઘટનાની જવાબદારી પણ કેન્દ્ર સરકારની છે."

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મુંબઈમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે.
માત્ર ચાલુ વર્ષે જ 12થી વધુ આગની ઘટનાઓ બની છે.
ત્યારે સવાલ થાય કે શું મુંબઈમાં ગીચ અને નજીકના અંતરે ઊંચી-ઊંચી ઇમારતો આવેલી હોવાને કારણે આગની ઘટના રોકવી મુશ્કલે છે?
આગ લાગવાની આટલી ઘટનાઓનું કારણ શું છે?
'તમામ વસ્તુ કાગળો પર જ છે'

બીબીસીએ ડઝાસ્ટ્રર મૅનેજમૅન્ટ કંપની 'ચેકમૅટ ગ્રુપ'ના પ્રમુખ અને આગથી બચવાની તાલીમ આપતા વિક્રમ માહુરકર સાથે આ અંગે વાત કરી.
માહુરકરે કહ્યું, "આગના સંદર્ભમાં ઘણાં કાયદાઓ છે પણ તે લાગુ કરવામાં આવી રહ્યાં હોય તેવું નથી લાગતું. ભવનો અને હૉસ્પિટલો માટે અલગ-અલગ કાયદાઓ છે."
તેમણે કહ્યું, "મુંબઈમાં રસ્તાઓ સાંકડા છે, જેને કારણે અગ્નિશામક કર્મીઓને ઘટનાસ્થળ પર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફાયર-બ્રિગેડના કર્મીઓ પાસે આધુનિક સાધનોનો પણ અભાવ છે."
માહુરકરે ઉમેર્યું, "મુંબઈમાં ઈમારતની લંબાઈ તો વધી ગઈ પણ ઇમારત સુધી ફાયર-બ્રિગેડની ગાડીઓનું પહોંચવું મુશ્કેલ છે."
"અગ્નિશામક કર્મચારીઓને 'રિયલ ફ્યૂલ રિયલ ફાયર' એટલે કે જીવંત આગની તાલીમ આપવી જરૂરી છે.

અધિકારીઓની સંડોવણી ?

આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી કહે છે,"ફાયર ઑડિટ વિશે કોઈ કશું કહેતા નથી. મેં સૂચનાના અધિકાર થકી આ અંગે માહિતી માગી હતી પણ મને માહિતી આપવામાં આવી નહોતી."
"આ જાણકારી દર ત્રણ મહીને અપડેટ કરીને ઑનલાઈન ઉપલબ્ધ કરાવવાની માગ પણ કરી છે કારણકે આ ઑડિટ મુદ્દે બેદરકારી દાખવવામાં આવે છે."
અનિલ ગલગલી આરોપ લગાવે છે, "અગ્નિશામક વિભાગ સ્થાનિક અધિકારીઓની આમાં સંડોવણી હોય છે. જેને કારણે આગથી સુરક્ષા માટેની પદ્ધિતિ જ લગાવવામાં આવતી નથી."તેઓ આગને માનવનિર્મિત દુર્ઘટના પણ ગણાવે છે.
આ અંગે બીબીસીએ મુંબઈના મેયર વિશ્વાનાથ મહાડેશ્વરની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો.
તેમણે કૉર્પોરેશનના અધિકારીઓ સાથે જોડાયેલા પ્રશ્નને ટાળીને કેંદ્ર સરકારને આના માટે જવાબદાર ઠેરવી દીધી.
તેમણે કહ્યું, "ફાયર ઑડિટ થવું જ જોઈએ કારણકે મુંબઈના દરેક વ્યક્તિનો જીવ મહત્ત્વપૂર્ણ છે."
"આજે જે ઈએસઆઈસી હૉસ્પિટલમાં આ દુર્ઘટના થઈ તે એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)ના ક્ષેત્રમાં આવે છે જેને કારણે આ હૉસ્પિટલની જવાબદારી રાજ્ય અને કેંદ્ર સરકાર અંતર્ગત આવે."
તેમણે કહ્યું, '' અહીંયા 2009થી ફાયર ઑડિટ કરવામાં નથી આવ્યું, ફાયર ઑડિટ બહુ જરૂરી છે અને આની તપાસ કરવામાં આવશે."
"આગ કેમ લાગી હતી તેની પણ તપાસ ચાલુ છે. આ વિભાગ કૉર્પોરેશન અંતર્ગત નથી આવતો, તો પણ અમે ત્યાં 12 ગાડીઓ મોકલી. અમારા અગ્નિશામકર કર્મીઓ ત્યાં પહોંચ્યા અને તેમણે આગ પર કાબુ મેળવ્યો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












