આંદામાન-નિકોબાર : સેન્ટિનેલી જનજાતિને મળનારા ટી. એન. પંડિત

માનવાધિકાર સમૂહ 'સર્વાઇવલ ઇન્ટરનૅશનલ'નું કહેવું છે કે ભારતીય અધિકારીઓએ અમેરિકન મિશનરી જૉન ઍલિન શાઓના મૃતદેહને પાછા લાવવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.

સમૂહનું કહેવું છે કે આવા પ્રયાસોને કારણે સેન્ટિનેલી જનજાતિના લોકો અને અધિકારીઓ બન્ને માટે જોખમ ઊભું થઈ શકે છે.

તાજેતરમાં જ અમેરિકન મિશનરી જૉન ઍલિન શાઓની હત્યા બાદ આંદામાન-નિકોબારના સેન્ટિનેલ દ્વીપ પર રહેતો આ સમુદાય ચર્ચામાં છે.

17 નવેમ્બરના રોજ 27 વર્ષીય શાઓને નૉર્થ સેન્ટિનેલ લઈ જતાં માછીમારે જણાવ્યું હતું કે તેમણે આ જનજાતિના લોકોને શાઓના મૃતદેહને સમુદ્ર કિનારે દફનાવતા જોયા હતા.

આ માછીમાર બાદમાં અધિકારીઓને એ જગ્યાએ પણ લઈને ગયા હતા જ્યાં તેમણે મૃતદેહને દફનાવવાનો દાવો કર્યો હતો.

આ ઘટના અંગે 80 વર્ષના ભારતીય માનવ વૈજ્ઞાનિક ટી.એન. પંડિતનું કહેવું છે, "એ અમેરિકન યુવાનના મૃત્યુ અંગે મને ખૂબ જ ખેદ છે. પણ ભૂલ તેમની જ હતી."

"પોતાની જાતને બચાવવાની તેની પાસે એક તક હતી પણ તેઓ ત્યાંથી હટ્યા જ નહીં અને પોતાનો જીવ ગુમાવ્યો.''

અને પંડિત સામે ચાકુ કઢાયું

માનવવૈજ્ઞાનિક ટી.એન. પંડિત મુઠ્ઠીભર લોકોમાંથી એક છે કે જેઓ આંદામાન દ્વીપ પર રહેતાં આ સેન્ટિનેલી જનજાતિનાં લોકોને મળ્યા છે.

1991માં સરકારી અભિયાનનો એક ભાગ રહેલા આ પંડિતને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

બીબીસી સાથે ફોન પર વાત કરતા પંડિતે એ લોકો સાથે થયેલી યાદગાર અથડામણની યાદો વાગોળી હતી.

ટી.એન. પંડિત જણાવે છે, ''હું એમને નારિયેળ આપી મારી ટુકડી સાથે દૂર અને કિનારાની નજીક જઈ રહ્યો હતો.''

''એક સેન્ટિનેલી છોકરાએ વિચિત્ર મોઢું કરી, પોતાનું ચાકુ કાઢ્યું અને મારી તરફ ઇશારો કરી જણાવ્યું કે તે મારું માથું વાઢી કાઢશે. મેં તરત જ નૌકા બોલાવી અને પરત રવાના થયો.''

''છોકરાની મુખમુદ્રા પરથી સ્પષ્ટ કળાતું હતું કે ત્યાં મારું સ્વાગત કરવામાં આવ્યું નથી.''

ભયાવહ ચહેરા

1973માં પોતાની પહેલી યાત્રાને યાદ કરતા પંડિતે બીબીસીને જણાવ્યું, ''અમે વાસણ ,માટલાં, નારિયેળ ,હથોડા અને ચપ્પુ જેવા લોખંડના ઓજારો ભેટસ્વરૂપ એ લોકોને આપવા અમારી સાથે લઈ ગયાં હતાં. ''

''અમે અમારી સાથે ત્રણ ઓંગ જનજાતિ( અન્ય સ્થાનિક જનજાતિ)ના પુરુષોને પણ લઈને ગયા હતા જેથી સેન્ટિનેલી જનજાતિના લોકોનો વ્યવહાર અને એમની વાતો સમજવામાં અમને મદદ મળી રહે.''

આ અનુસંધાનમાં એમણે એક લેખ પણ લખ્યો હતો, જેમાં તેમણે પોતાની સાથે બનેલી આ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

જૂની વાતોને યાદ કરતા તેમણે જણાવ્યું,'' સેન્ટિનેલી જનજાતિના લોકો ગુસ્સામાં પોતાની ડરામણી મુખુદ્રા અને તીર-કામઠાં સાથે અમારી સામે આવી ગયાં.''

''તેઓ પોતાની ભૂમિને બચાવવા માટે અહીં આવી જનારા લોકો સામે લડવા માટે સંપૂર્ણ સજ્જ હતા. ઘણી વખત તો અમારી સામે પીઠ ફેરવીને બેસી જતાં હતાં.''

''બંધક બનાવેલું જીવતું ભૂંડ પણ તેમની માટે કંઈ મૂલ્ય ધરાવતું નહોતું, તેમણે એને ભાલાથી મારી નાખ્યું અને બાદમાં રેતીમાં દફન કરી દીધું.''

એમના વિશે ઘણી ઓછી માહિતી છે એટલે સેન્ટિનેલી જનજાતિના લોકો વિશે ઘણી માન્યતા પણ પ્રવર્તે છે.

એ લેખને યાદ કરતાં તેમણે જણાવ્યું, ''દ્વીપો અને પૉર્ટ બ્લેયર (નજીકનો મોટો ટાપુ)માં એક લોકપ્રિય માન્યતા એવી પણ છે કે સેન્ટિનેલ દ્વીપનો ઉત્તરનો ભાગ બ્રિટિશ જેલમાંથી ફરાર થયેલા એક પઠાણ શખ્સનો ગુનેગાર છે.''

1970ના દાયકામાં પંડિત અને એમના સાથીઓએ આ લોકોને સમજવા અને એમનો સંપર્ક સાધવા એક અભિયાન હાથ ધર્યું હતું. જેને 1991માં સફળતા સાંપડી હતી.

''અમને ભારે અચંબો હતો કે તેમણે અમને મંજૂરી કઈ રીતે આપી?''

અમને મળવા માટેની શરતો એમની હતી અને મુલાકાત પણ એમની શરતો પર થઈ હતી.

અમે નાવડીમાંથી બહાર નીકળ્યા અને ગળાડૂબ પાણીમાં ઊભા રહ્યા. એ લોકોને નારિયેળ અને બીજી ભેટો આપી. પણ એમના ટાપુ પર પગ મૂકવાની અમને મંજૂરી નહોતી.''

પંડિત જણાવે છે કે હુમલા થવાનો તેમને કોઈ ભય નહોતો પણ તેઓ સાવચેત ચોક્કસ હતા.

''અમારી વાતચીત દરમ્યાન ઘણી વખત એ લોકોએ અમને ડરાવ્યા હતા પણ અમારો વાર્તાલાપ મારવા કે ઇજા પહોંચાડવા સુધી ક્યારેય પહોંચ્યો નહોતો. જ્યારે પણ તેઓ ઉશ્કેરાઈ જતા અમે તરત જ પાછા વળી જતા.''

''સેન્ટિનેલી જનજાતિના લોકો ના તો લાંબા હોય છે ના તો ટૂંકા.''

''તેઓ સાથે હંમેશાં તીર કામઠાં રાખે છે. તેઓ અરસપરસ વાતો કરતા હતા પણ એમની ભાષા સમજવી અમારા માટે અશક્ય હતી.''

સાંભળવામાં તો આ એકદમ અન્ય સ્થાનિક જનજાતિના લોકો જેવી જણાતી હતી.''

''અમે સાંકેતિક ભાષામાં વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ તો નારિયેળ ભેગા કરવામાં વ્યસ્ત હતા.''

આ સમુદાય તીર-કામઠાં વડે માછલી મારવા માટે જાણીતો છે.

જંગલી ભૂંડ,જમીનમાં ઉગતા ફળ-શાકભાજીઓ અને મધ એમને જીવંત રાખવામાં મદદ કરે છે.

તેઓ દરિયાઈ મુસાફરી કરતા નથી. સરકારે કપડાં વગરના સમુદાય પર અભ્યાસ કરવા અંગેના અભિયાનો સમાપ્ત કરી દીધાં છે.

કડક સુરક્ષા

તેઓ પોતાના ક્ષેત્રની સુરક્ષા કરવા માટે ઘૂસણખોરો પર આક્રમણ કરવા માટે જાણીતા છે.

2006માં નૉર્થ સેન્ટિનેલ આઇલૅન્ડની નજીક જવા બદલ આ સમુદાયે બે માછીમારોને મારી નાખ્યા હતા.

જ્યારે ભારતીય અધિકારીઓને 2004માં આવેલી સુનામી બાદ ઍરિયલ સર્વે હાથ ધર્યું ત્યારે એક સેન્ટિનલી વ્યક્તિએ તીરની મદદ વડે હેલીકૉપ્ટરને તોડી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

વિચિત્ર ઇતિહાસ

આંદામાન-નિકોબાર ચાર 'આફ્રિકન' જનજાતિઓનું ઠેકાણું છે, જેમાં અંદમાની, ઓંગ, જારવા અને સેન્ટિનેલીનો સમાવેશ થાય છે.

નિકોબાર દ્વીપ બે 'મંગોલિયન' જનજાતિઓનું રહેઠાણ છે- શોમ્પેન અને નિકોબારીસ.

બ્રિટિશ કૉલોનીયલ અધિકારીઓએ અહીં એક 'પનિશ્મૅન્ટ કૉલોની'ની સ્થાપના કરી હતી. જેને 1857ના વિદ્રોહમાં સામેલ વિદ્રોહીઓનું ઘર ગણવામાં આવે છે.

બ્રિટિશ રાજ અને 'ગ્રેટ આંદમાનીઝ'ના સૈનિકો વચ્ચે પ્રથમ લડાઈ 1959માં લડાઈ હતી. જેનું પરિણામ પહેલાંથી જ નિર્ધારીત હતું.

લડાઈ અને બીમારી વધવાને કારણે તમામ મૂળ સમૂહની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.

પણ સેન્ટિનેલી જનજાતિના લોકો અલગ દ્વીપમાં રહેવાને કારણે ઉપનિવેશ સાથે સંકળાયેલી તમામ મુશ્કેલીઓથી બચી શક્યા છે.

અહિંસાત્મક

પણ એમની છબી હિંસાપ્રધાન જ રહી છે. પંડિતના મતાનુસાર આ સાચું નથી.

''સેન્ટિનેલી જનજાતિના લોકો શાંતિપ્રિય લોકો છે. એમને આક્રમણ કરવું પસંદ નથી. મુશ્કેલીઓને કારણે તેઓ આસપાસના વિસ્તારોમાં જતાં પણ નથી. આ એક દુર્લભ ઘટના છે.''

ભારતીય નૌકાદળ અને તટના રક્ષક આ ક્ષેત્રની નિયમિત રીતે મુલાકાત લેતા રહે છે.

એવું ભાગ્યે જ થતું હોય છે કે મંજૂરી લીધા વગર અહીંયા કોઈ ઘૂસણખોર કે અન્ય વ્યક્તિ આવી શકે. અમેરિકન પ્રવાસીની વાત એક દુર્લભ બાબત છે.

પંડિત ફરી વખત ભેટ આપનારા અભિયાન અને સેન્ટિનેલ જનજાતિના લોકો સાથે મિત્રતાપૂર્વક સંપર્ક કરવાનું સમર્થન કરે છે.

''આપણે એમની સાથે મર્યાદિત વ્યવહાર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ એમને હેરાન ના કરવા જોઈએ. એમની એકલા જીવન ગુજારવાની ઇચ્છાને આપણે માન આપવું જોઈએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો