You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1984 શીખ વિરોધી રમખાણો : પ્રથમવાર એકને ફાંસી અને એકને ઉમરકેદની સજા
1984માં દિલ્હીમાં થયેલાં શીખ વિરોધી કોમી રમખાણોના એક કેસમાં ગત બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ અદાલતે બે આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.
આજે આ કેસમાં અદાલતે નરેશ શેરાવત અને યશપાલ સિંહને બે શીખોની હત્યાના કેસમાં સજા સંભળાવી છે.
કોર્ટે યશપાલ સિંહને ફાંસી અને નરેશ શેરાવતને ઉમરકેદની સજાની સંભળાવી છે.
14 નવેમ્બરે જ્યારે આ બંનેને દોષી ઠેરવવામાં આવ્યા હતા ત્યારે અદાલત પરિસરમાં તેમની ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.
આ કારણથી આજના ચુકાદાની સુનાવણી જજ અજય પાંડેએ દિલ્હીની તિહાર જેલમાં કરી હતી.
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અને 1984ના કોમી રમખાણોના દોષીઓને સજા અપાવવા માટે કામ કરનારા વરિષ્ઠ વકીલ એચ. એસ. ફૂલકાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે,દિલ્હીની તિહાર જેલમાં જજ અજય પાંડે દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
બીબીસી સાથે વાત કરતા ફૂલકાએ આને એક મોટી જીત ગણાવી.
તેમણે કહ્યું, "શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા ઘણા અન્ય કેસો પણ હજુ લાંબા સમયથી ચાલે છે, અમને આશા છે કે હવે તેમાં પણ ન્યાય મળશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી, એનડીએ સરકારનાં મંત્રી હરસિમરત કૌરે સજાનું શ્રેય સરકારને આપ્યું છે.
તેમણે ટ્વીટ કર્યું, "આજે એનડીએ સરકારના પ્રયત્નોને કારણે 1984ના શીખ કોમી રમખાણોના બે દોષીઓને સજા મળી.''
''હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે 2015માં એસઆઈટીની રચના કરી, જેણે 1994માં દિલ્હી પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવેલા કેસોને ફરીથી ખોલ્યા.''
''જ્યાં સુધી અંતિમ હત્યારાને સજા નહીં મળે, ત્યાં સુધી અમે આરામથી બેસીશું નહીં."
કેસ શું છે?
દોષીઓ ઉપર દક્ષિણ દિલ્હીના વિસ્તાર મહિપાલપુરમાં હરદેવ સિંહ અને અવતાર સિંહની હત્યાનો આરોપ હતો.
આ કેસ પીડિત હરદેવ સિંહના ભાઈ સંતોષ સિંહની ફરિયાદ ઉપર નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર, "પહેલી નવેમ્બર 1984એ હરદેવ સિંહ, કુલદીપ સિંહ અને સંગત સિંહ પોતાની દુકાનો ઉપર બેઠા હતા."
"એ જ સમયે 800થી 1000 લોકોની ભીડ ગુસ્સામાં લાઠીઓ, હોક્કીઓ, ડંડા અને પથ્થર જેવા હથિયારો લઈને તેમની તરફ આવી."
તમે આ વાંચ્યું કે નહીં?
"તેમણે પોતાની દુકાનો બંધ કરી દીધી અને સુરજીત સિંહના ભાડાના ઘરમાં ઘૂસી ગયા."
"કેટલાક સમય પછી અવતાર સિંહ પણ તેમની સાથે આવી ગયા. તેમણે પોતાની જાતને ઓરડામાં બંધ કરી લીધી."
"દુકાનો સળગાવ્યા પછી ભીડ સુરજીતના ઓરડામાં આવી અને તેમને માર માર્યો."
"હરદેવને ચપ્પુ માર્યું અને અન્યને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા."
"દોષીઓએ ઓરડામાં ઘાસલેટ છાંટીને આગ ચાંપી દીધી. ઘાયલોને સફદરજંગ હોસ્પિટલ લાવવામાં આવ્યા."
"જ્યાં અવતાર અને હરદેવનાં મોત થઈ ગયાં અને અન્યની સારવાર કરવામાં આવી."
1994માં કેસ બંધ થઈ ગયો હતો
દિલ્હી પોલીસે 1994માં પુરાવાઓના અભાવે કેસ બંધ કરી નાખ્યો હતો પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) ફરીથી આ કેસને ખોલ્યો.
1993માં વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો.
સંતોખ સિંહે 9 સપ્ટેમ્બર, 1985ના રોજ શીખ વિરોધી દંગાની તપાસ માટે બનેલા રંગનાથ આયોગની સામે સોગંદનામું દાખલ કરેલું.
તપાસ દરમિયાન દિલ્હી પોલીસ કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ પુરાવા ભેગા કરવામાં સમર્થ ના રહી અને એક ક્લોઝર રિપોર્ટ જમા કરાવ્યો.
જેને કૉર્ટે 9 ફેબ્રુઆરી, 1994ના રોજ સ્વીકારી લીધો હતો.
પહેલાં 1984માં પણ આ ઘટનાની તપાસ થયેલી અને 1985માં જય પાલ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
20 ડિસેમ્બર, 1986ના રોજ એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
ગૃહ મંત્રાલયની દરમિયાનગીરી
એ બાદ ગૃહ મંત્રાલયે એસઆઇટી બનાવી, જેમનું કામ 1984માં શીખો પર થયેલી હિંસાના મામલાઓની તપાસ કરવાનું હતું.
પીડિત સંગત સિંહે એસઆઇટીનો સંપર્ક કર્યો અને નરેશ શેરાવત અને યશપાલ સિંહ પર ગાળિયો નંખાયો.
શેરાવત મહિપાલપુર પોસ્ટ ઑફિસના પોસ્ટમાસ્ટર હતા અને યશપાલ સિંહ એક ટ્રાન્સપોર્ટર હતા.
બંને એ ભીડનો હિસ્સો હતા, જેમણે પીડિતોના ઓરડાના દરવાજે કેરોસીન ફેંકી આગ ચાંપી હતી.
31 જાન્યુઆરી, 2017ની ચાર્જશીટમાં એમનું નામ લખવામાં આવ્યું હતું. એસઆઇટીએ ઇટાલીમાં રહેતા અવતાર સિંહના ભાઈ રતન સિંહની પણ પૂછપરછ કરેલી.
એસઆઇટીએ ચાર્જશીટમાં 18 સાક્ષીઓની જુબાની લખી છે. કૉર્ટે બંને આરોપીઓને સેક્શન 302 (ખૂન), 307 (ખૂનનો પ્રયાસ) અને સેક્શન 324 અંતર્ગત દોષિત પુરવાર કર્યા.
જજમેન્ટ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી. 1984ના નરસંહારના પીડિત પરિવારોને આ નિર્ણયની ઘણા સમયથી રાહ હતી.
આ જ પરિવારજનોમાંથી અમુકે ભારતીય સમાચાર ચેનલ એબીપી ન્યૂઝને કહ્યું, ''આ નિર્ણય અમારી તરફેણમાં હતો, અમને થોડી-ઘણી રાહત થઈ છે.''
''એકને ફાંસી થઈ છે અને એકને ઉમરકેદ, બાકી જે લોકો આમને શરણ આપી રહ્યા હતા હવે એમને સજા મળવી જોઈએ.''
કૉર્ટની બહાર ઊભેલી અન્ય એક મહિલાએ કહ્યું કે બંનેમાંથી એક આરોપીને માત્ર ઉમરકેદ થઈ છે, એટલા માટે એ આનાથી પણ મોટી અદાલતમાં ફાંસીની સજાની આશા રાખે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો