#indigoairlines : એરપોર્ટ પર યાત્રી સાથે મારપીટ, એરલાઇને માગી માફી

દિલ્હીનાં ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓ અને એક યાત્રી વચ્ચે મારપીટનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયો મીડિયામાં આવ્યા બાદ ઇન્ડિગો એરલાઇન્સે યાત્રીની માફી માગી છે. એરલાઇન્સ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મારપીટમાં સામેલ કર્મચારીઓને બરતરફ કરી દેવાયા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પેસેન્જરને ઇંડિગો એરલાઇન્સના બે કર્મચારી કહી રહ્યા છે કે તમે ગાળ કેવી રીતે આપી શકો છો. તમે તમારી ઉંમર જોઇને ગાળ આપો.

આ વાત પર યાત્રીએ કહ્યું કે તમે તમારૂં કામ નથી કરી રહ્યા અને ક્યારેક આ તરફ આઓ, ક્યારેક બીજી તરફ જાઓ કહી રહ્યા છો.

તમને આ વાંચવું પણ ગમશે :

આ વચ્ચે તકરાર વધવા લાગે છે અને ઇંડિગોના બે કર્મચારીઓ પેસેન્જરને નીચે પછાડી દે છે.

એક કર્મચારીએ યાત્રીનું ગળું દબાવીને રાખ્યું છે. (નીચે વીડિયો જુઓ)

'યાત્રિકોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા'

આ સમગ્ર મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ ટ્વીટ કરી ઘટનાને દુઃખદ ગણાવી છે.

ટ્વીટમાં તેમણે કહ્યું, "15 ઓક્ટોબરના રોજ ઇંડિગો પેસેન્જરની સાથે જે કંઈ થયું તે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ હતું. યાત્રિકોની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. મંત્રાલયે આ મામલે ઇન્ડિગો પાસેથી વિસ્તૃત જાણકારી માગી છે. ઇન્ડિગોએ નવી પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું છે કે દોષિત કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છે."

વધુ એક ટ્વીટમાં સિંહાએ કહ્યું, "ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓએ યાત્રી પાસે માફી માગી છે. હું આશા રાખું છું કે યાત્રી તરફથી આપરાધિક કેસ દાખલ કરાશે જેનાથી યોગ્ય કાર્યવાહી થઈ શકે. હું શ્રી કાલરાને મળીશ અને તેમને પૂરતો સહયોગ આપીશ."

આ તરફ એરલાઇન્સે નિવેદનમાં કહ્યું છે કે તેઓ તેમના કર્મચારીની હરકતની નિંદા કરે છે અને તેમણે કડક કાર્યવાહી કરી છે.

ઇન્ડિગોએ તેના માટે માફી પણ માગી છે અને કહ્યું છે કે આ પ્રકારનો વ્યવહાર સહન નહીં કરવામાં આવે.

ઇન્ડિગોના ડાયરેક્ટરે જાહેર કર્યું નિવેદન

એરલાઇનના ડિરેક્ટર આદિત્ય ઘોષ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, "ઘટનાનો વીડિયો અમારી જાણકારીમાં આવ્યો છે. ઘટનાની તપાસ દરમિયાન જ અમે તેમાં સામેલ કર્મચારીઓને બરતરફ કરી દીધા છે."

તેમણે ઉમેર્યું, "મેં યાત્રી સાથે તે જ દિવસે વાત કરી હતી અને માફી માગી હતી. ઉશ્કેરણીનું કારણ ભલે ગમે તે હોય પણ અમારા કર્મચારીઓની ભૂલ હતી અને તેમણે પ્રક્રિયાનું પાલન નથી કર્યું."

આ ઘટના થોડા દિવસ પહેલાંની છે અને જે યાત્રી સાથે મારપીટ થઈ છે તેમનું નામ રાજીવ કટ્યાલ છે.

વીડિયોમાં દેખાય છે કે ઇન્ડિગોના કર્મચારીઓએ કટ્યાલને નીચે પછાડી દીધા હતા અને એક કર્મચારી તેમનું ગળું પકડી રહ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટનાનો રિપોર્ટ માગ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો