બ્લૉગઃ કર્ણાટકમાં મત મેળવવા માટે કેન્દ્રની બ્લેક કૉમેડી

રાજનાથ સિંહ સાથે મહેબૂબા મુફ્તીની તસવીર

ઇમેજ સ્રોત, HMOINDIA

ઇમેજ કૅપ્શન, કશ્મીરની સ્વતંત્રતાનો મુદ્દો ક્યાં સુધી ઉછળતો રહેશે?
    • લેેખક, વુસતુલ્લાહ ખાન
    • પદ, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

અમે તો ખુશ થઈ ગયા હતા કે હવે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ચીફ દિનેશ્વર શર્માને ગૃહમંત્રી રાજનાથ સિંહે કશ્મીર માટે મંત્રણાકાર તરીકે નિયુક્ત કર્યા છે.

હવે તે અલગતાવાદી હુર્રિયત કૉન્ફરન્સ સહિત ગમે તેની સાથે વાતચીત કરી શકે છે, જેથી કશ્મીરમાં શાંતિની કોઈ યોજના ઘડી શકાય.

70 વર્ષથી ચાલી રહેલા વિવાદાસ્પદ મુદ્દાનો કોઈ ઉકેલ આવી શકે. પરંતુ માત્ર એક અઠવાડિયા બાદ જ મોદીજીએ અમારી ખુશી છીનવી લીધી.

તેમણે કહ્યું કે કોંગ્રેસી નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એમ કહીને સ્વતંત્રતા પ્રેમીઓની તરફદારી કરી કે કશ્મીરમાં આઝાદીનું સૂત્ર એટલા માટે ગૂંજી રહ્યું છે કેમ કે, કશ્મીરના લોકો વધારે સ્વતંત્રતા ઇચ્છે છે.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કશ્મીરનો ઉકેલ ગોળીથી નહીં, ગળે મળવાથી નીકળશે

તેનો મતલબ છે કે દિનેશ્વર શર્મા કશ્મીરી અલગતાવાદીઓ સાથે અધિકાર ઓછા કે વધારે થવાના મુદ્દા પર નહીં, પણ ખીણ પ્રદેશમાં પોલ્ટ્રી ફાર્મિંગના વિસ્તાર, અખરોટના માપ, કશ્મીરી શાલની સબસિડી વધારવા જેવા મુદ્દા પર વાત કરશે.

આ સિવાય જંગલ કપાવાના મુદ્દા, કશ્મીરી જેલનું રિનોવેશન અને પરિસ્થિતિ સુધારવા, લાલને બદલે બ્લૂ રંગના જાફરાનની ઉપજ અને શ્રીનગરમાં નવા ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવાની જરૂર જેવા મહત્વના મુદ્દા પર વાત કરશે.

અને તેનાથી કશ્મીરના સંકટનો કોઈ ઉકેલ આવી શકે. મોદીજી તમે જ તો 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે કશ્મીરનો ઉકેલ ગોળીથી નહીં, કશ્મીરીઓને ગળે મળવાથી નીકળશે.

શું ગળે એ માટે મળવામાં આવે છે કે મનમાં ભરેલી નફરત ઓછી થાય?

કે પછી એ માટે ગળે મળવામાં આવે છે કે કાનમાં કહી શકાય કે કશ્મીરીના બાળક, હવે જો તે બંધારણના આર્ટિકલ 370ને ઑરિજિનલ પરિસ્થિતિમાં મંજૂર કરવાની માગ કરી તો અહીં જ તને મારી નાખીશ.

રાજનાથ સિંહ સાથે દિનેશ્વર શર્મા

ઇમેજ સ્રોત, TWITTER @HMOINDIA

ઇમેજ કૅપ્શન, દિનેશ્વર શર્માને મંત્રણાકાર બનાવાયા ત્યારે મીડિયાએ ભાજપની ટીકા કરેલી

વાતચીત ગમે તેની સાથે થાય, તે સફળ ત્યારે જ થાય છે, જ્યારે સામેવાળી વ્યક્તિને થોડું સન્માન મળે.

છતાં જ્યારે દિનેશ્વર શર્માને મંત્રણાકાર બનાવવાનું એલાન થયું, મીડિયાએ દોટ લગાવી કે ભાજપ ઝૂકી ગયું, પાકિસ્તાની દલાલો સાથે વાતચીતનું એલાન વગેરે વગેરે...

આવી પરિસ્થિતમાં મોદી સરકારે પોતાના પ્રયાસનો બચાવ કરવાને બદલે કોંગ્રેસની ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું.

એવું લાગ્યું જાણે ચિદમ્બરમે કશ્મીરને વધુ સ્વતંત્રતા આપવા નહીં પણ કશ્મીર પાકિસ્તાન બનશે એવું સૂત્ર આપી દીધું હોય.

પી ચિદંબરમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપે પી ચિદમ્બરમને નિશાને લઇને કોંગ્રેસ પર વરસવાનું ચાલુ કર્યું હતું

આવા નાજૂક મામલાને કર્ણાટકના રાજકારણમાં મત મેળવવા માટે એક બ્લેક કૉમેડી તરીકે ઉછાળવું એ બતાવે છે કે દિનેશ્વર શર્માને ગંભીરતા સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે રવાના કરવામાં આવ્યા છે તે પણ ઑક્સિજન સિલિન્ડર વગર.

કર્ણાટકમાં પણ જો કશ્મીર યાદ છે તો આગામી ચૂંટણી રેલીમાં કર્ણાટકના જ એક સુપુત્ર ફતેહ અલી ટીપુ પર પણ એક ટિપ્પણી કરીએ. ક્યાંક એ માટે કંઈક કહેતાકહેતા અટકી ન જતા કે ટીપુએ પણ સ્વતંત્રતાની માગ કરી હતી.

વિશ્વાસ કરો તે કશ્મીરી ન હતો. તેણે અંગ્રેજો પાસે માગ કરી હતી પોતાના ભારત માટે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો