વધતા તણાવને પગલે ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો

હવે અમેરિકાનો ટ્રેઝરી વિભાગ ઉત્તર કોરિયા સાથે વ્યાપારી સંબંધો ધરાવતી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓ સામે કાર્યવાહી કરી શકશે.

ટ્રમ્પે માહિતી આપી હતી કે ઉત્તર કોરિયા સાથેનો વેપાર અટકાવવા ચીનની મધ્યસ્થ તથા અન્ય બેન્કોને પણ જણાવવામાં આવ્યું છે.

બે અઠવાડિયા પહેલા ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. જેના પગલે સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેની ઉપર નવેસરથી પ્રતિબંધો લાદ્યા હતા.

વિશ્વભરનું દબાણ વધવા છતાંય તાજેતરના સપ્તાહોમાં ઉત્તર કોરિયાએ સતત પરમાણુ બોમ્બ અને બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યાં છે. જેના કારણે તણાવ વધી ગયો છે.

ઉત્તર કોરિયાના ઉદ્યોગો પર નિશાન

ગુરૂવારે નવા પ્રતિબંધોની જાહેરાત કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ઉત્તર કોરિયા માનવતા વિરૂદ્ધ ખતરનાક હથિયારો વિકસિત કરી રહ્યું છે. આ માટે જ્યાંથી નાણા મળે છે, તેને અટકાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે."

ટ્રમ્પના નિવેદનને ઉત્તર કોરિયાના કોરિયાના કાપડ, મત્સય, આઈટી તથા અન્ય ઉત્પાદક એકમોના સંદર્ભમાં જોડવામાં આવે છે.

ટ્રમ્પે કહ્યું, "પરમાણુ હથિયારો તથા મિસાઇલ કાર્યક્રમોને ફંડ કરવા માટે ઉત્તર કોરિયા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાનો દુરૂપયોગ કરી રહ્યું હતું."

અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રતિબંધો માત્ર એક જ દેશ ઉત્તર કોરિયા વિરૂદ્ધ લગાવવામાં આવ્યા છે.

અગાઉ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધિવેશનમાં ભાષણ આપતી વખતે ટ્રમ્પે કહ્યું હતું, " જો ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા કે તેના કોઈ સહયોગી રાષ્ટ્ર માટે જોખમ જોખમ ઊભું કરશે તો તેને તારાજ કરી દેવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે."

ઉત્તર કોરિયાના વિદેશમંત્રી રી યોંગ-હોએ મંગળવારે ટ્રમ્પની ટિપ્પણીઓની સરખામણી 'કૂતરાના ભસવા' સાથે કરી હતી.

રી યોંગ-હોએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભાષણ આપતી વખતે આ વાત કહી હતી.