સોશિયલ મીડિયા પર ધાર્મિક નફરત ફેલાવતા વીડિયોને કેવી રીતે ઓળખવા?

એક નાટકીય વીડિયોમાં બુરખો પહેરેલી એક વ્યક્તિ બાળકનું અપહરણ કરતી હોય એ દરમિયાન પકડાઈ ગઈ હોવાનું બતાવાયું છે

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, એક નાટકીય વીડિયોમાં બુરખો પહેરેલી એક વ્યક્તિ બાળકનું અપહરણ કરતી હોય એ દરમિયાન પકડાઈ ગઈ હોવાનું બતાવાયું છે
    • લેેખક, અખિલ રંજન
    • પદ, બીબીસી ગ્લોબલ ડિસઇન્ફર્મેશન ટીમ

દેશમાં લાખો લોકોએ શૅર કરેલા અને જોયેલા એક વીડિયોમાં કાળો બુરખો પહેરીને તથા બાળકને તેડીને ઊભેલી એક વ્યક્તિ પર એક અન્ય વ્યક્તિ હુમલો કરતી જોવા મળે છે. એ પછી તે બાળકને પકડીને ઊભેલી વ્યક્તિનો બુરખો બળજબરીથી ઉતરાવે છે ત્યારે ખબર પડે છે કે બુરખામાંની વ્યક્તિ મહિલા નહીં, પણ પુરુષ છે.

એ વીડિયો ક્લિપ સાથેના સંદેશમાં હિન્દીમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જે બુરખાનો ઉપયોગ મુસ્લિમ સ્ત્રીઓ કરે છે તેનો ઉપયોગ 'બાળકોના અપહરણ માટે' કરતા ગુનેગારોથી લોકોએ 'સાવધ' રહેવું જોઈએ.

આ વર્ષની શરૂઆતમાં યૂટ્યૂબ પર પ્રકાશિત થયેલો આ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો એ પહેલાં 2.9 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો હતો, પરંતુ તેમાં વાસ્તવિક ઘટના દર્શાવવામાં આવી ન હતી. તે નાટકીય સ્વરૂપ હતું. તેની ભજવણી અવેતન કળાકારોએ સ્ક્રિપ્ટ મુજબ કરી હતી.

સ્ક્રિપ્ટેડ વીડિયો દેખીતી રીતે મનોરંજન માટે બનાવવામાં આવે છે, પરંતુ ભારતમાં આવા વીડિયોને સાચી ઘટના તરીકે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શૅર કરાઈ રહ્યા છે. ઘણી વાર વીડિયોમાં ખોટા દાવા પણ કરવામાં આવે છે, જે ધાર્મિક દ્વેષ તથા દુરાચારને પ્રોત્સાહન આપે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મે, 2014માં સત્તા પર આવ્યો ત્યારથી દેશમાં ધાર્મિક સમુદાયો વચ્ચે, ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સમુદાયોને નિશાન બનાવતી ઘણી ખોટી કથાઓ મહિલાઓ વિરુદ્ધના નૈતિક પોલિસિંગને પણ પ્રોત્સાહિત કરે છે.

આવા નાટકીય વીડિયોનું ચલણ હિંદી, તામિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી અને તેલુગુ સહિતની અનેક ભારતીય ભાષાઓ સુધી પહોંચી ગયું છે. આવા વીડિયોને ક્યારેક સ્થાનિક મીડિયાએ પણ સાચા સમાચાર સમજી લીધા હોય તેવું બન્યું છે.

આવા ઘણા સ્ટેજ્ડ વીડિયોમાં બાળકોનું અપહરણ કરતા લોકો બુરખો પહેરતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેની વાસ્તવિક જીવનમાં માઠી અસર થઈ શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશનાં અનેક રાજ્યોએ ફેક ન્યૂઝ સામે ચેતવણી બહાર પાડવી પડી છે, કારણ કે ભીડે બુરખો પહેરેલા લોકોને અપહરણકર્તા માનીને તેમના પર હુમલા કર્યા હતા.

ગ્રે લાઇન

આવા વીડિયો શા માટે જોખમી છે?

સીપનાના એક વીડિયોમાં એક દરજી મહિલા સાથે ગેરવર્તન કરતો દેખાય છે

ઇમેજ સ્રોત, YOUTUBE

ઇમેજ કૅપ્શન, સીપનાના એક વીડિયોમાં એક દરજી મહિલા સાથે ગેરવર્તન કરતો દેખાય છે

દુષ્પ્રચારની વ્યૂહરચના સાથેના આવા ડ્રામેટાઇઝ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર દર્શકોને ભ્રમિત કરી શકે છે. કેટલાકમાં ડિસ્ક્લેમર હોય છે, પરંતુ તે વીડિયોના મધ્ય કે અંતમાં છુપાયેલું હોઈ શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોટા ભાગના કિસ્સામાં ટેક્સ્ટ અંગ્રેજીમાં હોય છે, જેને બધા દર્શકો સમજી શકતા નથી.

ઑલ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ફૅક્ટ ચેકિંગમાં બહાર આવેલી માહિતી મુજબ, બુરખો પહેરેલી વ્યક્તિની ક્લિપમાં ડિસ્ક્લેમર હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ 'કલ્પના આધારિત છે,' પરંતુ તે માત્ર એક સેકન્ડ પૂરતું જ જોવા મળતું હતું. એ વીડિયો બાદમાં નિર્માતાઓએ હઠાવી દીધો હતો.

અન્ય નિર્માતા વીડિયો સત્ય લાગે એવું સુનિશ્ચિત કરવા માટે તેમાં સીસીટીવી ટેમ્પ્લેટ જોડી દેતા હોય છે.

આવો જ એક વીડિયો ડિસેમ્બર, 2021માં વાઇરલ થયો હતો. તે અનેક ભાષામાં કોઈ પુરાવા વિના શૅર કરવામાં આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ પુરુષો ભોજનમાં નશીલો પદાર્થ મેળવીને હિન્દુ છોકરીઓને નશાની લત લગાડવાના પ્રયાસ કરે છે.

વીડિયો નીચેના કૉમેન્ટ સૅક્શનમાં ઘણા યૂઝર્સે ઇસ્લામના ભયસંબંધી કૉમેન્ટ કરતાં તેને સાચો માની લીધો હતો. એક યૂઝરે એવી કૉમેન્ટ કરી હતી કે "લવ જેહાદથી સાવધાન રહો."

'લવ જેહાદ'ના કાવતરાની એક થિયરીનો ઉલ્લેખ કરે છે. એમાં એવો દાવો કરવામાં આવે છે કે મુસ્લિમ પુરુષો હિન્દુ છોકરીઓને તેમનું ધર્મપરિવર્તન કરાવવા આકર્ષી રહ્યા છે.

ગ્રે લાઇન

'જાગૃતિ ફેલાવવાના' દાવા સાથે મુકાઈ રહ્યા છે વીડિયો

બે નાટકીય વીડિયોમાં એક હિંદુ વ્યક્તિ તેની જ બહેન સાથે લગ્ન કરી રહી હોય એવું બતાવાયું છે

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, બે નાટકીય વીડિયોમાં એક હિંદુ વ્યક્તિ તેની જ બહેન સાથે લગ્ન કરી રહી હોય એવું બતાવાયું છે

હૈદરાબાદસ્થિત સર્જક વેંકટ સીપાના દ્વારા બનાવવામાં આવેલા મોટા ભાગના વીડિયોમાં સીસીટીવી ક્લિપ્સ જેવી રેકૉર્ડિંગ સાઇન અને ટાઇમ-સ્ટેમ્પ હોય છે. તેમની યૂટ્યૂબ ચેનલ પર 12 લાખથી વધુ સબર્સ્કાઇબર અને 400થી વધુ વીડિયો છે.

એક વીડિયો ક્લિપમાં એક દરજીને એક મહિલા સાથે ગેરવર્તન કરતો દર્શાવવામાં આવ્યો હતો. તે વીડિયો ટ્વિટર તથા ફેસબુક પર અનેક વખત શૅર કરવામાં આવ્યો હતો.

તેમાં દાવો કરાયો હતો કે અહીં મુસ્લિમ પુરુષ હિન્દુ મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ''હિન્દુ બહેનો અને પુત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મુસ્લિમોની દુકાનો પર ન જાય. તેઓ ખરાબ માનસિકતા ધરાવતા લોકો છે.''

વેંકટ સીપાનાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમણે એ વીડિયો "જાગૃતિ ફેલાવવા અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિ દર્શાવવા માટે" બનાવ્યો હતો.

પત્રકાર અને ડિસઇન્ફર્મેશન રિસર્ચર અલીશાન જાફરીના જણાવ્યા મુજબ, જે નાટ્ય રૂપાંતર વાઇરલ થાય છે તેનાથી શારીરિક હિંસા નથી થતી, પરંતુ તે હાલના ધાર્મિક પૂર્વગ્રહોને બળવત્તર બનાવે છે.

અલીશાન કહે છે, "આવા વીડિયો પહેલાંથી જ વિભાજિત અને ધ્રુવીકરણ પામેલા સમાજની આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. એ પૈકીના મોટા ભાગના વીડિયો અમુક સમુદાય, ખાસ કરીને મુસ્લિમોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. એ વાઇરલ થાય છે ત્યારે લઘુમતી સમુદાય વિરુદ્ધની માળખાગત હિંસામાં ઉમેરો કરે છે."

ગૂંચવાડો સર્જતા આવા સ્ક્રિપ્ટેડ વીડિયોનો ઉપયોગ કેટલીકવાર ઓનલાઇન ખોટી માહિતી ફેલાવવા માટે થાય છે. કેટલાક વીડિયોમાં મિત્રો, પરિવારના સભ્યો અને ઉંમરમાં મોટો તફાવત હોય તેવા લોકો વચ્ચેના ગેરકાયદે સંબંધનું ચિત્રણ કરવામાં આવે છે.

હિન્દુ સમુદાય પર હુમલો કરવાના ખોટા દાવા સાથેના બે સ્ટેજ્ડ વીડિયો ગત મે માસમાં વ્યાપકપણે શૅર કરવામાં આવ્યા હતા.

પ્રથમ વીડિયોમાં હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા ભગવા રંગનો પોશાક પહેરેલા એક માણસને દેખાડવામાં આવ્યો હતો, જે દાવો કરતો હતો કે એ તેની સગી બહેન સાથે લગ્ન કરી રહ્યો છે.

બીજા વીડિયોમાં એ જ મહિલા તેની પાસે બુરખો પહેરીને ઊભી હતી. એ પુરુષ કહેતો હતો કે આ મહિલાને હિન્દુ બનાવવા માટે હું તેની સાથે લગ્ન કરી રહ્યો છું.

કેટલાક લોકોએ આ વીડિયોની ક્લિપ ટ્વિટર પર શૅર કરાઈ હતી અને દાવો કર્યો હતો કે આ એક હિંદુ વ્યક્તિ છે જે તેમનાં બહેનને મુસ્લિમ મહિલા દર્શાવી રહ્યો છે.

બન્ને વીડિયોમાં જોવા મળતા પુરુષ અને સ્ત્રી, અન્ય કેટલાક વીડિયોમાં અલગ-અલગ પાત્રો ભજવતાં જોવા મળ્યાં છે.

ઑરિજિનલ ક્લિપ ચાર લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી એક યૂટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ છે. આ ચેનલ સામાન્ય રીતે સ્ક્રિપ્ટેડ વીડિયો પોસ્ટ કરતી રહે છે.

શું તમે જાણો છો કે આવા વીડિયોને લોકો સાચા માની લે છે, એવા સવાલના જવાબમાં તે ચેનલના માલિક વિક્રમ મિશ્રાએ બીબીસીને જવાબ આપ્યો હતો કે “આપણે બધા હિટ સાબિત થવા ઇચ્છીએ છીએ. હું સમાજના વલણને સુસંગત હોય તેવા વીડિયો બનાવું છું.”

તેમના મુજબ, આવા વીડિયો માત્ર “મનોરંજન અને વ્યૂઝ માટે જ બનાવવામાં આવે છે, કારણ કે અમારી 12 લોકોની ટીમ અમારી યૂટ્યૂબ ચેનલ મારફત જ આજીવિકા રળે છે.”

સંદર્ભવિહોણા ડ્રામેટાઇઝ્ડ વીડિયો વિશેની નીતિ બાબતે માહિતી મેળવવા બીબીસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સનો સંપર્ક પણ સાધ્યો હતો.

મેટાના પ્રવક્તાએ કહ્યું હતું કે “ફેસબુક પર હિંસા ઉશ્કેરતી સામગ્રીને પ્રતિબંધિત કરતા સ્પષ્ટ નિયમો છે” અને એ નિયમોનો ભંગ કરતી કોઈ પણ સામગ્રીને હઠાવી લેવામાં આવે છે.

યૂટ્યૂબે પણ જણાવ્યું હતું કે, “હિંસક અથવા ગ્રાફિક સામગ્રી, ખોટી માહિતી અને ગંભીર નુકસાનનું જોખમ ધરાવતી ભ્રામક તથા છેતરામણી સામગ્રી પર પ્રતિબંધની કડક નીતિનું પાલન કરવામાં આવે છે.”

અગાઉ ટ્વિટર નામે ઓળખાતા એક્સ પ્લૅટફૉર્મે એવો ઓટો-રિપ્લાય મોકલ્યો હતો કે અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક સાધીશું.

બીબીસી ગુજરાતી

સ્ક્રિપ્ટેડ વીડિયોને કેવી રીતે ઓળખવા?

ભારત અને એશિયાના અન્ય દેશોમાં કાર્યરત ફેક્ટ ક્રેસેન્ડોના મૅનેજિંગ એડિટર હરીશ નાયરના કહેવા મુજબ, ઘણા બધા વીડિયો સ્ટેજ્ડ હોય એવા દેખાય તથા અનુભવાય છે. એવા વીડિયો અન્ય દેશોમાં પણ બનાવવામાં અને શૅર કરવામાં આવે છે, પરંતુ એ વીડિયોને ભારતીયો સાચા માની લે છે અને દેશમાં વાઇરલ થાય છે, કારણ કે તે રૂઢિચુસ્ત પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય છે.

નાયર એવું પણ માને છે કે “આવા વીડિયો જાહેર હિતના હેતુસરના છે એવું ભારતીય લોકો માને છે અને તેથી તેને શૅર કરે છે.”

તેમના જણાવ્યા મુજબ, સ્ટેજ્ડ વીડિયો ભારતમાં પ્રચલિત મિસઇન્ફર્મેશન ટ્રેન્ડ નથી, પરંતુ “તેનો સમાજ પર વ્યાપક પ્રભાવ પડે છે, કારણ કે એ વીડિયો તેમની માન્યતાઓ તથા લાગણીને સમર્થન આપે છે.”

દિલ્હીસ્થિત ડિજિટલ રાઇટ્સ ઍડ્વોકસી ગ્રૂપ ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના પૉલિસી ડિરેક્ટર પ્રતીક વાઘમારે આ વાત સાથે સહમત થતાં કહે છે, “આ સમસ્યાનું એક પાસું ઓછી મીડિયા સાક્ષરતા છે, પરંતુ આ બધું એવા સમાજમાં થઈ રહ્યું છે, જ્યાં સામાજિક વિભાજન થઈ ગયું છે અને લોકો એવું વિચારવા પહેલેથી જ તૈયાર હોય છે.”

વીડિયો ખરેખર સ્ક્રિપ્ટેડ છે કે નહીં તે ચકાસવાની કેટલીક રીત જરૂર છે.

ભારતસ્થિત બહુભાષી ફેક્ટ-ચેક મીડિયા ન્યૂઝચેકરનાં મૅનેજિંગ એડિટર રૂબી ઢીંગરાએ જણાવ્યું હતું કે દર્શકોએ કૅમેરા ઍંગલ્સ, લોકેશન, રિએક્શન અને વીડિયોમાં વપરાતી ભાષા બાબતે સાવધ રહેવું જોઇએ. લોકો કૅમેરામાં અકસ્માતે ઝડપાઈ ગયા છે કે જાણીજોઈને એવું કરી રહ્યા છે એ જોવાથી, વીડિયોમાંના લોકો સ્વાભાવિક રીતે બોલી રહ્યા છે કે પછી મોટેથી બોલી રહ્યા છે અને ઓવરઍક્ટિંગ કરી રહ્યા છે કે કેમ એ જોવાથી પણ અસલી-નકલીનો ભેદ પારખી શકાય.

ઢીંગરાના કહેવા મુજબ, સ્ક્રિપ્ટેડ વીડિયોની માફક એક જ ઘટના, સમાન સમયમાં એક સાથે અનેક કૅમેરા મારફત રેકૉર્ડ થઈ હોય એવું ભાગ્યે જ બને છે.

રેડ લાઇન
રેડ લાઇન