You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભારત નસીબદાર છે કે તેને મોદી જેવા નેતા મળ્યા'- વ્લાદિમીર પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક ભારતીય ખાનગી ટીવી ચૅનલને ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે ઑઇલની ખરીદીને લઈને અમેરિકાની બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે "અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ ખરીદતું રહે છે, જે ન્યુક્લિયર રિએક્ટર ફ્યુઅલ તૈયાર કરવા માટે જરૂરી છે. જ્યારે ભારત પર રશિયન ઑઇલની આયાત રોકવા માટે દબાણ કરે છે."
તેમણે કહ્યું કે, "જો અમેરિકાને રશિયાનું ઇંધણ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને પણ તે અધિકાર મળવો જોઈએ."
ગુરુવારે સાંજે પુતિન ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઍરપૉર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં તેમનું સ્વાગત કર્યું હતું. ચાર વર્ષમાં પુતિનની આ પહેલી ભારતયાત્રા છે.
અમેરિકાએ 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઉપરાંત રશિયન ઑઇલની આયાત માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ત્યાર પછી કહેવાય છે કે રશિયાથી ઑઇલની આયાત કરવી ભારત માટે સરળ નહીં હોય.
ગયા નવેમ્બરના આંકડા દર્શાવે છે કે રશિયા પાસેથી ભારતની ઑઇલની આયાત ઑક્ટોબર 2025માં 30 ટકા ઘટી છે.
જોકે, આ ઇન્ટરવ્યૂમાં પુતિને દાવો કર્યો કે 'રશિયાની ભારત સાથે ઍનર્જી ભાગીદારી સ્થિર છે અને તાત્કાલિક ઉતારચઢાવ અથવા યુક્રેનની દુખદ ઘટનાઓથી તેને અસર નહીં પડે.'
જ્યારે ટ્રમ્પના વહીવટીતંત્રનો દાવો છે કે ભારત એ રશિયાના તેલનું સૌથી મોટું ખરીદદાર છે અને આ રીતે તે પુતિનને યુક્રેન યુદ્ધમાં મદદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુતિને પીએમ મોદી વિશે શું કહ્યું?
વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા ભારત પાસેથી વધુમાં વધુ સામાન ખરીદવાના નવા વિકલ્પો શોધી રહ્યું છે, જેથી ભારતની આયાત વધે અને બંને દેશો વચ્ચે વ્યાપાર અસંતુલન ઘટે.
પુતિને કહ્યું કે ભારત અને ચીન બંને તેના નિકટના મિત્રો છે. તેમણે વડા પ્રધાન મોદી અને શી જિનપિંગને 'સમજદાર નેતા' ગણાવ્યા હતા, જેઓ મુશ્કેલ મુદ્દાનો હલ લાવવા માટે દૃઢ છે.
વડા પ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે, "અમારા બહુ વિશ્વાસપાત્ર અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. તેઓ અત્યંત ભરોસાપાત્ર વ્યક્તિ છે. આ મામલે હું બિલકુલ ઇમાનદારીથી વાત કરું છું. ભારત નસીબદાર છે કે તેમને મોદી જેવા નેતા મળ્યા. તેઓ ભારત માટે જીવે છે અને શ્વાસ લે છે."
તેમણે કહ્યું કે, "હું ભારત અને રશિયાના સંબંધોને ઘણાં ક્ષેત્રમાં મજબૂત કરવા સંપૂર્ણ સમર્પિત છું. ખાસ કરીને આર્થિક સહયોગ, સંરક્ષણ, માનવ ભાગીદારી અને ઉચ્ચ ટૅક્નૉલૉજીના વિકાસ જેવા ક્ષેત્રમાં. તેમને મળવું બહુ રસપ્રદ છે."
રાષ્ટ્રપતિ પુતિનને પીએમ મોદીએ ભગવદ્ગીતા ભેટ કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રશિયન ભાષામાં લખાયેલી ગીતા ભેટ કરી હતી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં લખાયેલી ગીતાની એક નકલ ભેટ આપી. ગીતાનું શિક્ષણ દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે."
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ગુરુવારે ભારતની બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી ઍરપૉર્ટ પર તેમનું વિમાન ઊતર્યું હતું, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં જઈને તેમનું સ્વાગત કર્યું હતું.
ઍરપૉર્ટ પર ઔપચારિક સ્વાગત પછી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં બેસીને 7, લોકકલ્યાણ માર્ગે પહોંચ્યા હતા, જે વડા પ્રધાન મોદીનું સત્તાવાર નિવાસસ્થાન છે.
યુક્રેન સાથે લડાઈ શરૂ થયા પછી રાષ્ટ્રપતિ પુતિનની આ પ્રથમ ભારતયાત્રા છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન