'એ ખૂબ મોટો બ્લાસ્ટ હતો' દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ જોનારા લોકોએ શું શું જોયું?

ઇમેજ સ્રોત, ANI
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાના તેમજ કેટલાક મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.
દિલ્હીના પોલીસ કમિશનરે આ ઘટનામાં કેટલાંક મૃત્યુ થયાંની વાતની પુષ્ટિ કરી હતી. જોકે, તેમણે કોઈ આંકડો જણાવ્યો નહોતો.
દેશનાં પ્રખ્યાત સ્મારકો પૈકી એક લાલ કિલ્લા પાસે થયેલા આ બ્લાસ્ટને કારણે દેશમાં આશ્ચર્યની લહેર જોવા મળી રહી છે.
હજુ આ ઘટના અંગે વધુ વિગતો સામે આવી રહી છે. જોકે, આ ઘટના બની ત્યારે ઘટનાને નજરે જોનારા પ્રત્યક્ષદર્શીઓએ તેમણે જોયેલાં ભયાનક દૃશ્યો અંગે વાત કરી હતી.
વલી ઉર રહમાન નામના એક સ્થાનિક દુકાનદારે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું, "બ્લાસ્ટ થયો ત્યારે હું દુકાને બેઠો હતો. મેં આજ દિન સુધી ક્યારેય ન સાંભળ્યો હોય એવો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો અવાજ સાંભળ્યા બાદ હું ત્રણ વખત પડ્યો. એ બાદ આસપાસના બધા લોકો ભાગવા લાગ્યા."
'એ ખૂબ મોટો બ્લાસ્ટ હતો'

ઇમેજ સ્રોત, ANI
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં સ્થાનિક રાજધર પાંડેએ કહ્યું, "મેં મારા ઘરની છત પરથી આગની મોટી જ્વાળા જોઈ. તેથી હું તપાસ કરવા માટે નીચે આવ્યો. બ્લાસ્ટનો અવાજ ખૂબ મોટો હતો, ઇમારતની બારીઓ સુધ્ધાં હલી ગઈ."
વધુ એક પ્રત્યક્ષદર્શીએ એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈને શું થયું એ સમજાતું નહોતું અને કેટલીક કારો બળી ગઈ હતી.

બ્લાસ્ટ બાદ તુરંત ઘટનાસ્થળે પહોંચેલા એક પ્રત્યક્ષદર્શીએ ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇરફાન નામની એક વ્યક્તિએ કહ્યું, "હું દરયાગંજમાં હતો અને ખૂબ મોટો બ્લાસ્ટ થયો. કારનું સ્ટિયરિંગ વ્હીલ બીજી દિશામાં ઊડીને પડ્યું. એ ખૂબ જ જોરદાર બ્લાસ્ટ હતો, હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












