કર્ણાટક: ભત્રીજાના કથિત 'અશ્લીલ વીડિયો' પર પૂર્વ સીએમ શું બોલ્યા?

જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના

ઇમેજ સ્રોત, @IPRAJWALREVANNA

ઇમેજ કૅપ્શન, જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના

કર્ણાટકમાં જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાના કથિત રીતે અનેક મહિલાઓ સાથે 'અનેક અશ્લીલ વીડિયો'ની તપાસ માટે કર્ણાટક સરકારે અધિક ડીજીપી કક્ષાના અધિકારીના નેતૃત્વમાં એક વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની રચના કરી છે.

સાંસદ રેવન્ના પર મહિલાઓના ઉત્પીડનના આરોપ પણ લાગી રહ્યા છે.

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ એક નિવેદનમાં કહ્યું, 'હાસન જિલ્લામાં અશ્લીલ વીડિયો શૅર કરાઈ રહ્યા છે, એવું પ્રતીત થઈ રહ્યું છે કે મહિલાઓ સામે ગુના થયા છે.'

કર્ણાટક મહિલા આયોગનાં અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીએ રાજ્યના પોલીસ પ્રમુખ આલોક મોહનને આ અંગે પત્ર લખીને એસઆઈટીની રચનાની માગ કરી હતી.

એક પીડિત મહિલાની ફરિયાદ બાદ મહિલા આયોગે પોલીસને પત્ર લકીને ફરિયાદ કરી હતી.

પીડિતાએ પોતાના જીવને પણ જોખમ હોવાનું કહ્યું હતું. આ મામલે હાસનના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાઈ છે.

ગત રવિવારે કથિત રીતે પેનડ્રાઇવમાં રહેલા આ વીડિયો હાસન લોકસભા વિસ્તારમાં વાઇરલ થયા હતા. આ સીટ પર 26 એપ્રિલે મતદાન થયું હતું.

પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે. રેવન્ના હાસન સીટથી ફરી મેદાનમાં છે. રેવન્ના એચડી રેવન્નાના પુત્ર છે, જે હાલ હોલેનારસીપુરથી ધારાસભ્ય છે.

કર્ણાટક પોલીસે સરકારને જણાવ્યું કે પ્રજ્વલ રેવન્ના કાલે જ ભારતથી જર્મની જવા રવાના થયા છે.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી એચડી કુમારાસ્વામીએ પોતાના ભત્રીજા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાના અનેક કથિત 'અશ્લીલ વીડિયો' અંગે કહ્યું કે તપાસથી સત્ય સામે આવવા દો.

પૂર્વ મુખ્ય મંત્રી કુમારાસ્વામીએ કહ્યું કે જો તપાસમાં પ્રજ્વલ રેવન્નાની જરૂર હોય તો તેને પરત લાવવા એ એસઆઈટીની જવાબદારી છે.

તો પ્રજ્વલે પોતાના ચૂંટણી એજન્ટના માધ્યમથી પોલીસમાં પોતાના 'નકલી વીડિયો' વાઇરલ થવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

સુનીતા કેજરીવાલે કહ્યું કે આ લોકો કેજરીવાલને મારી નાખવા માગે છે

સુનિતા કેજરીવાલ

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કથિત ભ્રષ્ટાચારના મામલે જેલમાં બંધ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે એક વખત ફરીથી કહ્યું, “આ લોકો કેજરીવાલને જેલમાં જ મારી નાખવા માગે છે.”

દિલ્હીના કોંડલીમાં જનમેદનીને સંબોધતાં સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદને 22 વર્ષથી ડાયાબિટીસની બીમારી છે.

લોકોને સંબોધતાં સુનીતા કેજરીવાલે કહ્યું, “આ પહેલાં લોકો ત્યારે જેલમાં જતા જ્યારે ન્યાયાલય તેમને દોષી જાહેર કરતું. આ લોકોએ હવે નવી સિસ્ટમ કાઢી છે કે જ્યાં સુધી તપાસ અને કેસ ચાલે ત્યાં સુધી એ લોકોને જેલમાં રાખશે. આ ગુંડાગીરી અને તાનાશાહી છે.”

અરવિંદ કેજરીવાલની બીમારી વિશે સુનીતાએ કહ્યું કે અરવિંદને 22 વર્ષથી ડાયાબિટિસ છે અને તેઓ 12 વર્ષથી ઇન્સ્યુલિન લઈ રહ્યા છે. તેઓ 50 યુનિટ ઇન્સયુલિન રોજ લે છે. તેઓ જેલમાં ગયા ત્યારથી તેમની ઇન્સયુલિન બંધ કરી દેવાયું છે અને એના લીધે તેમનું શુગર લૅવલ 300થી ઉપર છે, જેના લીધે કિડની-લીવર ખરાબ થઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન ન દેવાને કારણે વિવાદ થયો હતો.

દિલ્હીની અદાલતના આદેશ પર મેડિકલ બોર્ડે ગુરુવારે સલાહ આપી કે કેજરીવાલને જેલની અંદર પણ બે વખત ઇન્સ્યુલિનનો ડોઝ આપવામા આવે.

અરવિંદ કેજરીવાલને આ પહેલાં સોમવારે જેલમાં ઇન્સ્યુલિનનો હલકો ડોઝ આપવામા આવ્યો હતો. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે. પ્રવર્તન નિદેશાલયે અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાતારના આરોપમાં 21 માર્ચે ધરપકડ કરી હતી.

મોદી પહેલા વડા પ્રધાન, જે જનતાની સામે ખોટું બોલે છે : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, @PRIYANKAGANDHI

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની ચૂંટણીસભામાં ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

ગુજરાતના વલસાડમાં એક ચૂંટણીસભાને સંબોધતાં ગાંધીએ કહ્યું કે 'નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જે લોકો સામે ખોટું બોલે છે.'

તેમણે કહ્યું કે વડા પ્રધાનને લોકોની ચિંતા નથી અને તેઓ લોકો પ્રત્યે કોઈ પણ સમ્માન વગર બોલે છે.

ગાંધીએ કહ્યું, “જ્યારે વડા પ્રધાન ફરીથી મંચ પર આવે ત્યારે લોકોએ તેમની પાસે માફી મંગાવવી જોઈએ.”

તેમણે ઉમેર્યું, “તેઓ (વડા પ્રધાન) જ્યારે પણ મંચ પર આવે ત્યારે માફી મંગાવો અને પૂછો કે અમારી સામે ઊભા રહીને તમે આવી હલકી વાતો કઈ રીતે કરી શકો? તમે તેમની પાસે માફી મંગાવો અને પૂછો કે તમારી (વડા પ્રધાનની) દેશ કે દેશના લોકો પ્રત્યે જવાબદારી નથી? કે લોકો સામે મંચ પર ઊભા રહો તો સત્ય બોલો. આ જ જવાબદારી હોય છે.”

મોદી પર નિશાનો સાધતાં ગાંધીએ કહ્યું, “વડા પ્રધાન આ જવાબદારી દિલથી નિભાવે છે. મેં તેવા વડા પ્રધાન જોયા છે, હું એમ નથી કહેતી કે માત્રા મારા પરિવારમાં જ આવા વડા પ્રધાન હતા. હાં, ઇંદિરા ગાંધી હતાં જે દેશ માટે શહીદ થઈ ગયાં. રાજીવજીનો મૃતદેહ ટુકડાઓમાં ઘરે આવ્યો હતો. તેઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા. મનમોહનસિંહે દેશમાં ક્રાંતિ લાવી. કૉંગ્રેસ પાર્ટીમાંથી ન જોવું હોય તો વાજપેયીજી પણ હતા, તેઓ એક સભ્ય માણસ હતા.”

તેમણે પોતાની સભામાં કહ્યું, “હું દાવા સાથે કહું છું કે આ દેશના પહેલા વડા પ્રધાન છે કે જે તમારી સામે આ રીતે ખોટું બોલે છે. તેઓ જ્યારે લોકોની સામે બોલે છે ત્યારે તેમના દિલમાં એવી પણ ભાવના નથી કે જ્યારે હું લોકો સામે બોલુ ત્યારે મારે સાચું બોલવું જોઈએ.”

વલસાડ બાદ પ્રિયંકા ગાંધીએ મહારાષ્ટ્રના લાતુરમાં પણ એક જનસભાને સંબોધી હતી.

તેમણે કહ્યું, “તમને દેશની સચ્ચાઈ ટીવી પર દેખાશે નહીં, પરંતુ તમારા જીવનમાં જોવા મળશે. તમે રોજ સવારે ઊઠીને મહેનત કરો છો પૂરી પડતી નથી. તમે બાળકોને શિક્ષા આપી રહ્યા છો પરંતુ તેમની પાસે રોજગાર નથી.”

વડા પ્રધાન મોદી પર નિશાનો સાધતાં ગાંધીએ કહ્યું, “મોદીજીએ છેલ્લાં દસ વર્ષોમાં કંઈ નથી કર્યું એટલે જ કહે છે કે છેલ્લાં 70 વર્ષોમાં કંઈ નથી કર્યું. સત્તા મળવાથી અહંકાર આવી જાય છે, નેતાનો સ્વભાવ પણ સત્તા મળવાથી બદલી જાય છે. નરેન્દ્ર મોદીમાં એટલો અહંકાર આવી ગયો છે કે તેમને તમારી ચિંતા નથી.”

રાહુલ ગાંધીના આરક્ષણ ખતમ કરવાના આરોપ વિશે અમિત શાહે શું કહ્યું?

અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય જનતા પાર્ટીનાં (ભાજપ) નેતા અને ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપની આરક્ષણ ખતમ કરવાની કોઈ ઇચ્છા નથી.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા અમિત શાહે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપો પર વળતો જવાબ આપ્યો હતો.

અમિત શાહે કહ્યું, “રાહુલ ગાંધી ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરે છે. ભાજપની સરકાર 10 વર્ષથી ચાલી રહી છે. બંને વખત સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી.”

“જો આરક્ષણ ખતમ કરવાની ઇચ્છા હોત તો આરક્ષણ ખતમ થઈ ચૂક્યું હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને ગેરેન્ટી આપી છે કે જ્યાં સુધી ભાજપની સરકાર રહેશે આરક્ષણને કોઈ હાથ નહીં લગાવી શકે.”

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર કહ્યું, “ભાજપના નેતાઓ અને નરેન્દ્ર મોદીના નજીકના લોકોના નિવેદનોથી તેમનો ઉદ્દેશ્ય સાફ છે. તેમનો ઉદ્દેશ્ય સંવિધાન બદલીને દેશના લોકતંત્રનો વિનાશ કરવાનો છે. દલિત, પછાત અને આદિવાસીઓનું આરક્ષણ ખતમ કરીને દેશમાં તેમની ભાગીદારી ખતમ કરવા માંગે છે.”

“જોકે, કૉંગ્રેસ સંવિધાન અને આરક્ષણની રક્ષા કરવા માટે મજબૂતીથી ભાજપ સામે ઊભી છે. કૉંગ્રેસ જ્યા સુધી છે ત્યાં સુધી વંચિતો પાસેથી આરક્ષણ દુનિયાની કોઈ તાકત નહીં છીનવી શકે.”

સંજય રાઉતે કહ્યું કે તાનાશાહ કરતા સારું કે ગઠબંધનની સરકાર દેશ ચલાવે

સંજય રાઉત

ઇમેજ સ્રોત, ANI

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)નાં નેતા સંજય રાઉતે કહ્યું કે તાનાશાહથી સારૂ કે ગઠબંધનની સરકાર દેશ ચલાવે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં સંજય રાઉતે કહ્યું, “એક તાનાશાહ દેશમાં દસ વર્ષથી રાજ કરી રહ્યાં છે. આપણે તેમને લોકતાંત્રિક રીતે ચૂંટીને બનાવ્યા હતા. જોકે, તેઓ તાનાશાહ બની ગયા.”

“તેમના કરતા એક ગઠબંધનની સરકાર દેશ ચલાવે તે વધારે સારૂ છે. આપણે કોને વડા પ્રધાન બનાવી તે આપણી મરજી છે. અમે ચાર વડા પ્રધાન બનાવી કે બે, પરંતુ દેશને અમે તાનાશાહી તરફ નહીં જવા દઈએ.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રમાં એક સભામાં દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધને સરકાર બન્યા પછી દર વર્ષે એક વડા પ્રધાન બદલવાની યોજના ઘડી છે.

આ પણ વાંચો