"બાળકો ભૂખ્યાં ન રહે માટે માબાપ એક ટંક જ જમે છે," યુકેમાં ગરીબીએ લાખો લોકોના કેવા હાલ કર્યા?

- લેેખક, ડ્રાફ્ટિંગ
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
પાંચ બાળકોનાં માતા અને ઉત્તરપશ્ચિમ ઇંગ્લૅન્ડમાં ગ્રેટર માન્ચેસ્ટર ખાતે રહેતાં નિકોલના પતિ ફુલ ટાઇમ કામ કરવા છતાં ગુજરાન ચલાવવા પૂરતા પૈસા નથી કમાઈ શકતા.
તેઓ કહે છે કે તેમનાં બાળકો પાસે જરૂરિયાતની બધી વસ્તુઓ તો છે, છતાં તેમણે પોતાનું પેટ ભરવા માટે દાનમાં મળેલા ભોજન પર મદાર રાખવો પડે છે.
યુનાઇટેડ કિંગડમમાં સૌથી જરૂરિયાતમંદ લોકોને મળતા સામાજિક લાભને શંકાની દૃષ્ટિએ જોતા લોકોએ ઊભા કરેલા સામાજિક દબાણ છતાં સ્થિતિ કંઈક આવી છે.
બીબીસી સાથે ગત નવેમ્બરમાં કરેલી વાતચીતમાં બે કરતાં વધુ બાળકો ધરાવતાં ઘરો માટે શક્ય એવી સામાજિક મદદમાં વધારાની વાત અંગે નિકોલે કહ્યું હતું કે, "પહેલાં હું દાનમાં મળેલા ભોજનનો ઉપયોગ કરવાની વાતથી ક્ષોભ અનુભવતી. ખાસ કરીને ત્યારે જ્યારે મારા પતિ પાસે નોકરી છે. પરંતુ ઘણા લોકો કામકાજ કરવા છતાં (નાણાકીય) મુશ્કેલીઓનો સામનો કરનારાં કુટુંબોની મુસીબત નથી સમજતા."
તેઓ કહે છે, "તેમને એ વાતની સમજ નથી હોતી કે બધાના સંજોગો અલગ અલગ હોય છે. અને આના કારણે બાળકો મુશ્કેલી અનુભવે છે, લોકો આને નજરઅંદાજ કેવી રીતે કરી શકે?"
આવી મુશ્કેલીનો સામનો એકલો નિકોલનો પરિવાર નથી કરી રહ્યો.
સરકારના અંદાજ પ્રમાણે, ઘર સંબંધિત ખર્ચાની ચુકવણી બાદ દેશમાં એક કરોડ 42 લાખ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે.
યુકેમાં ગરીબીમાં જીવતાં બાળકોની સંખ્યા 2002થી જ્યારે તુલનાત્મક દસ્તાવેજો રાખવાની શરૂઆત થઈ ત્યારથી સૌથી વધુ નોંધાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારના ગરીબીની વ્યાખ્યા માટેના આધિકારિક માપદંડ પ્રમાણે એપ્રિલ 2024 સુધીમાં 45 લાખ બાળકો સાપેક્ષપણે ઓછી આવક ધરાવતાં ઘરોનો ભાગ હતાં.
આ સંખ્યા સરકારના કાર્ય અને પેન્શન્સ વિભાગ દ્વારા બહાર પડાઈ છે. આંકડા મુજબ સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ એક લાખ બાળકોનો ઉમેરો થયો છે અને આ કુલ સંખ્યા દેશનાં કુલ બાળકોના 31 ટકા જેટલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
2021થી આ સંખ્યામાં નાટકીય વધારો થયો છે. યુકેમાં બાળ ગરીબી પર સંશોધન કરતી બિનસરકારી સંસ્થા ચાઇલ્ડ પોવર્ટી ઍક્શન ગ્રૂપ (સીપીએજી)ની આગાહી છે કે હાલની લેબર સરકારના કાર્યકાળના અંત ભાગ (2029-30) સુધીમાં 48 લાખ બાળકો ગરીબીમાં હશે.
રેઝોલ્યૂશન ફાઉન્ડેશન નામની થિંક ટૅન્કના અર્થશાસ્ત્રી એડમ કોરલેટે બીબીસીને માર્ચમાં જણાવ્યું હતું કે "બ્રિટનનાં લગભગ ત્રીજા ભાગનાં બાળકો ગરીબીમાં જીવે છે, આ તાજા આંકડા પરિવારોમાં અભાવની તીવ્રતા તરફ આપણું ધ્યાન દોરે છે."
ક્રિસમસ પર ખતરો
ચાર બાળકોનાં માતા ડેનિએલ જાન્યુઆરીમાં પોતાના પાર્ટનરથી છૂટાં પડ્યાં એ પહેલાં 15 વર્ષ સુધી તેમની સાથે રિલેશનશિપમાં રહ્યાં હતાં.
હવે તેઓ એકલાં અને બેરોજગાર છે. પોતાનું એક બાળક વિકલાંગ હતું, તેથી તેની સંભાળ રાખવા માટે તેમણે પોતાની નોકરી મૂકી દીધી હતી.
નવેમ્બરમાં બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમણે આ નાતાલે પોતે પોતાનાં બાળકોને 'ઝાઝું' નહીં આપી શકે એ વાતે ચેતવવાં પડ્યાં હતાં.
તેમણે કહ્યું, "હવે હું એકલી છું અને આ મુશ્કેલ છે."
પોતાના પાર્ટનરથી છૂટાં પડ્યા બાદ તેમને અને તેમનાં બેથી 13 વર્ષની વયનાં બાળકોને ધ વેલિક નામની ઘરવિહોણા માટેની ધર્માદા સંસ્થા પાસેથી મદદ મળી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
એનજીઓમાં કામ કરતા જેમી-લી કોલ કહે છે કે, પરિવારને કામચલાઉપણે રહેવાની સગવડ કરી અપાઈ હતી, પરંતુ આ ફેરફારનો અર્થ એ થયો કે "પરિવારે પોતાનો સપોર્ટ નેટવર્ક ગુમાવી દીધો."
32 વર્ષીય ડેનિએલે કહ્યું કે, "અને હવે હું એવી સ્થિતિમાં છું, જેમાં હું કામ પર નથી જઈ શકતી, પરંતુ મને આશા છે કે એક દિવસ હું એવું કરી શકીશ."
તેમણે કહ્યું કે તેમનાં બાળકો પાસે "ઘણી વસ્તુઓનો અભાવ" છે, જે અંગે તેઓ આ રજાની સિઝનમાં ચિંતિત છે.
તેઓ કહે છે, "આજકાલ કંઈ સસ્તું નથી."
"મેં તેમને કહી દીધું છે કે મને જે પરવડી શકે એ તેમને મળશે, અને જો તેમની પાસે એ નથી, તો તેમાં હું કંઈ નહીં કરી શકું."
ડેનિએલ અને નિકોલ, બંનેએ જુદા જુદા દિવસે કરાયેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વડા પ્રધાન કિએર સ્ટાર્મરની લેબર સરકાર દ્વારા પ્રચારિત કરાઈ રહેલી નવી નીતિ તેમનાં કુટુંબો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
જોકે, આ પહેલ 2026 પહેલાં અમલમાં નહીં મુકાય.
સહાયમાં વધારો
2017થી ડેવિડ કેમેરોનની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા અપનાવાયેલી નીતિને કારણે યુનાઇટેડ કિંગડમનાં કુટુંબો બે કરતાં વધુ બાળકો માટે સહાય નથી મેળવી શકતાં.
નવેમ્બરમાં બીબીસી ન્યૂઝ દ્વારા પ્રકાશિત ડેટા દર્શાવે છે કે આનો અર્થ એ થયો કે મોટાં કુટુંબોનાં 16 લાખ બાળકો સહાય માટે અરજી નહીં કરી શકે.
નવું બજેટ રજૂ કરતી વખતે રેચલ રીવ્સે કરેલી જાહેરાત મુજબ આ મર્યાદા એપ્રિલ 2026થી હઠાવી દેવાશે.
ફૂડ બૅન્કનું નેટવર્ક ચલાવતી સંસ્થા ટ્રસેલ ચૅરિટી પ્રમાણે બે બાળકોની મર્યાદા એ "બાળ ગરીબીનું મુખ્ય કારણ" છે અને તેને હઠાવી દેવાનું પગલું "યોગ્ય" હશે.
આ સંસ્થાએ કહ્યું કે આ મર્યાદાને કારણે લાખો કુટુંબો ભારે મુશ્કેલીમાં ધકેલાયાં અને એ બાળકોને "જીવનમાં સારી શરૂઆત" કરતાં રોકે છે.
ટ્રસેલમાં પૉલિસી ડિરેક્ટર હેલન બર્નાર્ડ કહે છે કે, "દર અઠવાડિયે, ટ્રસેલ નેટવર્ક દ્વારા સંચાલિત ફૂડ બૅન્ક્સ પોતાનાં બાળકોને ભૂખમરાથી બચાવવા માટે બધું કરી છૂટેલાં માબાપની મદદ કરે છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ ઉમેરે છે કે તેઓ અઠવાડિયાં સુધી એક ટંકનું ભોજન લેતા જ નથી, જેથી તેમાં બાળકો માટે પૂરતું ભોજન રહે. હીટર ચાલુ ન કરવું પડે એ માટે તેઓ પોતાની જાતને રમત રમતમાં ધાબળાથી ઢાંકી દે છે, તેઓ એવો દેખાડો કરે છે કે બધું ઠીક છે. પણ એવું નથી.
લેબર સરકારે આના માટે સંસદમાં વિપક્ષી ટીકાનો સામનો કરવો પડ્યો, જેમનો દાવો છે કે સરકારે તેની કલ્યાણ પ્રણાલી પરનો કાબૂ ગુમાવી ચૂકી છે, અને આ પગલાંનો બોજો કરદાતાઓ પર પડશે.
રીવ્સ પ્રમાણે તેમની પાસે 'પૂરતાં નાણાં' છે, કારણે કે તેમના વહીવટી તંત્રે કલ્યાણ પ્રણાલીમાં છેતરપિંડી અને ભૂલો પર ધ્યાન આપ્યું છે. આ સિવાય તેમણે કરચોરી સામે પગલાં લેવાની સાથોસથ જુગાર પ્રવૃત્તિ ટૅક્સમાં સુધારા કર્યા છે.
ગેરમાન્યતા
નિકોલ કહે છે કે આવી રીતે સરકારી સહાય મેળવતાં કુટુંબો માટે એક 'ગેરમાન્યતા' પ્રવર્તી રહી છે.
જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
તેઓ કહે છે કે, "હું 13 વર્ષની ઉંમરથી કામ કરું છું, મેં સિસ્ટમમાં હંમેશાં ચૂકવણી કરી છે, અને હવે, જ્યારે મારે જરૂર છે, મને લાગે છે કે અમારા માટે એ મદદ ઉપલબ્ધ નથી."
લેબર અને પેનશન્સ વિભાગ પ્રમાણે, બે બાળકવાળી મર્યાદાવાળાં 59 ટકા ઘરોમાં કામકાજ કરનારા લોકો છે.
નિકોલનું કહેવું છે કે તેમના અંતિમ બાળક બાદથી ગુજરાનનો ખર્ચ વધ્યો છે. હવે તો તેઓ સતત પૈસાની ચિંતામાં રહે છે.
"મને લાગે છે કે બે કરતાં વધુ બાળક હોવાની મને સજા અપાઈ રહી છે."
તેઓ કહે છે કે, "અમારાં બાળકો પાસે તેમની જરૂરિયાતની બધી વસ્તુઓ હંમેશાં હોય છે. અમે એ બાબત સુનિશ્ચિત કરીએ છીએ, પણ આ સતત ચાલતી રહેતી ચિંતા છે. ભોજન, પુસ્તકો, સ્કૂલ યુનિફૉર્મ વગેરે."
30 વર્ષીય મહિલા કહે છે કે, "હું છેલ્લાં 12 વર્ષથી એક જેવાં જ કપડાં પહેરું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












