છેલ્લી ઓવરમાં 19 રન, સતત બે છગ્ગા બાદ પણ ધોની કેમ મૅચ જિતાડી ન શક્યા?

ઇમેજ સ્રોત, ANI
આઈપીએલમાં ફરી એક વાર મૅચ છેલ્લી ઓવરના અંતિમ બૉલ સુધી ચાલી અને રાજસ્થાન રૉયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી દીધું.
ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 40 રન બનાવવાના હતા. રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોનીએ ચાર છગ્ગા ફટકાર્યા હતા.
અંતિમ ઓવરમાં 19 રન બનાવવાના હતા અને રાજસ્થાન રૉયલ્સ માટે 20મી ઓવર સંદીપ શર્મા ફેંકી રહ્યા હતા.
ધોનીએ આ ઓવરમાં સતત બે છગ્ગા માર્યા અને અંતિમ બૉલ પર ચેન્નાઈને જીતવા માટે પાંચ રનની જરૂર હતી, ધોની સ્ટ્રાઇક પર હતા, પરંતુ ચેન્નાઈ 3 રનથી મૅચ હારી ગયું.
ધોની 17 બૉલમાં એક ચોગ્ગો, ત્રણ છગ્ગાની મદદથી 32 રન બનાવીને અણનમ રહ્યા, સાથે બીજા છેડેથી રવીન્દ્ર જાડેજાએ 15 બૉલમાં અણનમ 25 રન બનાવ્યા.
આ જીત સાથે જ રાજસ્થાન રૉયલ્સ આઈપીએલના પૉઇન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગયું છે. સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમા સ્થાને યથાવત્ છે.
રવિચંદ્રન અશ્વિનને તેમના ઑલરાઉન્ડર પ્રદર્શન માટે “પ્લેયર ઑફ ધ મૅચ” આપવામાં આવ્યો હતો.

ચેન્નાઈની ઇનિંગ

ઇમેજ સ્રોત, ANI
મૅચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને આઠ વિકેટે 175 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અજિંક્ય રહાણે અને ડેવન કૉનવેએ બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી નિભાવી હતી.
10 ઓવર પૂરી થવા સુધી ચેન્નાઈ સુપર કિંગ્સે બે વિકેટે 80 રન બનાવ્યા હતા.
અશ્વિને મૅચની 12મી (પોતાની ત્રીજી) ઓવરમાં શિવમ દૂબેને પણ એલબીડબ્લ્યૂ આઉટ કરી દીધા હતા. દુબે 9 બૉલમાં માત્ર 8 રન જ બનાવી શક્યા હતા.
અશ્વિને તેની ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી.
ત્યારબાદ મોઇન અલી આવ્યા, પરંતુ રાજસ્થાનના સ્પિનરોએ રન બનાવવા મુશ્કેલ બનાવી દીધા અને રન ઝડપી બનાવવાના પ્રયાસમાં અંબાતી રાયડુ, મોઇન અલી અને ડેવન કૉનવે આઉટ થઈ ગયા.
આ દરમિયાન 15મી ઓવરમાં ડેવન કૉનવેએ તેમની અર્ધી સદી પૂરી કરી હતી. આ આઈપીએલમાં તેમની ચોથી અર્ધી સદી છે, પરંતુ એ જ ઓવરના છેલ્લા બૉલમાં કૉનવેને પણ ચહલે આઉટ કરી દીધા હતા.
રાયડુને પણ ચહલે જ આઉટ કર્યા હતા.
કૉનવેના આઉટ થવા પર અને 15મી ઓવર પૂરી થવા સુધી ચેન્નાઈનો સ્કોર છ વિકેટ પર 113 રન હતો.
હવે જીતવા માટે 30 બૉલમાં 63 રન બનાવવાના હતા. ધોની પીચ પર ઊતર્યા, બીજા છેડે જાડેજા હતા.
મૅચની 16મી ઓવરમાં માત્ર 4 રન અને 17મી ઓવરમાં 5 રન મળ્યા હતા.
યુજવેન્દ્ર ચહલે તેમની ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ લીધી હતી.

અંતિમ ઓવરમાં મૅચ હાર્યું

ઇમેજ સ્રોત, ANI
ત્યારબાદ 18મી ઓવરમાં બૉલ એડમ જૅમ્પાના હાથમાં હતો. આ ઓવરમાં ધોનીએ પહેલા ચોગ્ગો પછી છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં 14 રન બન્યા હતા.
હવે બે ઓવર બાકી રહી હતી અને ચેન્નાઈને 40 રન બનાવવાના હતા. આ ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અને ચેન્નાઈએ આ ઓવરમાં 21 રન બનાવ્યા હતા.
અંતિમ ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે 19 રન બનાવવાના હતા. આ ઓવર નાખવા સંદીપ શર્મા આવ્યા.
તેઓએ શરૂઆત બે વાઇડથી કરી. ધોની પ્રથમ બૉલમાં એક પણ રન બનાવી શક્યા નહીં.
બીજા બૉલમાં ધોનીએ છગ્ગો ફટકાર્યો હતો. ધોનીએ પછીના બૉલ પર ફરી છગ્ગો ફટકાર્યો.
અને એ પછીના બે બૉલમાં માત્ર એક રન થયો હતો.
છેલ્લા બૉલમાં પાંચ રન બનાવવાના હતા, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ 3 રનથી મૅચ હારી ગયું.
આ પહેલા રાજસ્થાન રૉયલ્સે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 176 રનનું લક્ષ્ય રાખ્યું હતું.
ટૉસ જીત્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મૅચ બાદ ધોનીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, IPL/BCCI
મૅચ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ આ હારનું કારણ મધ્ય ઓવરમાં રન ન બનાવી શકવાનું જણાવ્યું.
તેમણે કહ્યું, “આ પીચ સ્પિનર્સ બહુ અનુકૂળ નહોતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં ઘણા બધા ડૉટ બૉલ પડ્યા. જો બૉલ પીચ પર ઘૂમતો હોય અથવા અટકી અટકીને આવી રહ્યો હોય, તો તેને વાજબી ગણી શકાય, પરંતુ અહીં એવું ન હતું.”
ધોનીએ કહ્યું, “અમે (જાડેજા અને ધોની) અંતિમ બેટિંગ જોડી હતી. નેટ રન રેટ અને બાકી રહેલી ઓવરને જોતા તમે મોટા શૉટ્સ ન મારી શકો.”
ધોની અને જાડેજાની હાજરીમાં 16મી અને 17મી ઓવરમાં માત્ર 9 રન બન્યા હતા.
ધોનીએ બૉલિંગની પ્રશંસા કરી, પરંતુ બૅટ્સમૅન વિશે કહ્યું, “શરૂઆતની ઓવરોમાં ઘણું ઝાકળ હતું અને થોડી ઓવર બાદ પીચ સરળ થઈ ગઈ હતી. અમારે બેટથી સારું પ્રદર્શન કરવું જોઈતું હતું.”














