ગુજરાતમાં ભરઉનાળે ખૂબ ઝડપી પવન સાથે વરસાદ કેમ પડ્યો અને હજી આંધી આવશે?

વરસાદ, હવામાનમાં પલટો, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતનાં કેટલાંક શહેરોમાં અચાનક હવામાન પલટાયું હતું અને કમોસમી વરસાદ થયો હતો (પ્રતીકાત્મક તસવીર)
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગઈ કાલે કમોસમી વરસાદ વરસ્યો હતો, તે બાદ કાળઝાળ ગરમીથી લોકોને મહદઅંશે રાહત મળી હતી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશનાં ઘણાં રાજ્યોમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતનાં કેટલાંક શહેરોમાં અચાનક હવામાન પલટાયું હતું અને કમોસમી વરસાદ થયો હતો.

બપોરના સમયે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ વાદળછાયું થયું હતું અને ઝડપી પવન સાથે વરસાદ આવ્યો હતો.

તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. સાથે જ રાજ્યમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં.

તે સાથે કચ્છમાં માવઠાની અસર જોવા મળી હતી, ભચાઉ તાલુકાનાં ગામડાં વરસાદ વરસ્યો હતો.

તો દાહોદ સાથે ઝાલોદ, લીમડી, ફતેપુરા અને સંજેલી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.

અમરેલીના ધારી ગીર પંથકમાં અને અરવલ્લીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઇક્લોનિક રિંગ પૅટર્નના કારણે પણ હવામાનમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

એક તરફ લોકો ગરમીથી બચવા એસી અને કૂલરનો સહારો લઈ રહ્યા હતા, ત્યાં બીજી તરફ આ વરસાદે વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધારી દીધું છે.

તો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અનેવરસાદની કોઈ શક્યતા છે કે કેમ એ અંગે આ અહેવાલમાં જાણીએ.

ગુજરાતમાં ભરઉનાળે વરસાદ કેમ પડ્યો?

વરસાદ, હવામાનમાં પલટો, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, ઝાલોદમાં ભરઉનાળે માવઠું થયું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અચાનક આવેલા વરસાદ પાછળ એક કરતાં વધારે કારણો જવાબદાર છે અને સાથે તેની અસર મહદઅંશે ગુજરાત થોડાક જ વિસ્તારોમાં રહી શકે છે. સાથે આવનાર બેથી ત્રણ સુધી તાપમાન 38 જેટલું રહી શકે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ-હવામાન વિભાગના પ્રોફેસર ધીમંત વઘાસિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, અત્યારે જે સાઇક્લોનિક રિંગ પૅટર્ન જોવા મળી રહી છે, એના કારણે ભેજનું પ્રમાણ વધારે રહેવાથી કમોસમી વરસાદ થયો હતો.

તેમના મતે, "આગામી દિવસોમાં તેની શક્યતા ઓછી છે."

તો આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિશેષજ્ઞ પ્રો. મનોજ લુણાગરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, "કાશ્મીરની ઉપરની તરફ એક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની ભેગી અસરને કારણે હવામાનમાં પલટો આવ્યો છે."

પ્રો. મનોજ લુણાગરિયા કહે છે, સાથે આ સમયગાળો પવનોમાં બદલાવ થવાનો પણ છે.

તેઓ કહે છે, "ચોમાસાના પવનો આવનાર એક મહિનામાં પોતાની સ્થિતિ લેશે, એટલે ડિસ્ટર્બ પરિસ્થિતિ છે અને ભેજ છે, તેથી વાદળછાયું વાતાવરણ થાય છે. આમાં કોઈ મોટી સિસ્ટમ નથી પણ સ્થાનિક લેવલે આ તોફાન બની રહ્યાં છે."

ગુજરાતમાં કયાં ક્યાં વરસાદ પડી શકે છે?

વરસાદ, હવામાનમાં પલટો, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, bipin tankaria

ઇમેજ કૅપ્શન, પાંચ મેના રોજ રાજકોટ જિલ્લા જેતપુરના જાંબુડી મેવાસા હરિપર ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું હતું

હવામાન વિભાગ પ્રમાણે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે દેશનાં 15 કરતાં વધારે રાજ્યોમાં 5મેથી 7 મે દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ઘટતી જશે.

આગાહી પ્રમાણે ગુજરાતમાં પાંચ મેના રોજ કેટલીક જગ્યાએ પવન સાથે વરસાદ પડ્યો હતો.

પ્રોફેસર ધીમંત વઘાસિયા અનુસાર, વરસાદની વધારે અસર મધ્ય ગુજરાતમાં છે, ત્યાં હજુ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

તેઓ કહે છે, આજે કદાચ રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા અને અમદાવાદ જેવા વિસ્તારો વરસાદની અસર રહી શકે છે.

તો પ્રો. મનોજ લુણાગરિયા જણાવે છે કે ગુજરાતમાં કેટલાક જ વિસ્તારોમાં સ્થાનિક લેવલે થંડર સ્ટોર્મ સક્રિય થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, મોટા ભાગે વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

પ્રો. મનોજ લુણાગરિયા કહે છે "આ પાછળ કોઈ ક્લિયર પૅટર્ન નથી કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અને ત્રણ કે ચાર અપર સાઇક્લોનિક સર્ક્યુલેશન હોવાથી આ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે."

પ્રો. મનોજ લુણાગરિયા કહે છે કે ભારતના અલગ-અલગ વિસ્તારોમાં આ પરિસ્થિતિ હોવાથી હવામાનમાં પલટો નોંધાઈ રહ્યો છે. તેમના મતે, "મોટા ભાગે વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નહિવત્ રહેશે."

ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે?

વરસાદ, હવામાનમાં પલટો, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે

9 અને 10 મેની આસપાસથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપમાન હજી વધશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે.

આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી વધશે અને ભેજ સાથે અહીં ગરમી પડતા અનેક વિસ્તારોમાં બફારાનો અનુભવ થવાની શક્યતા છે.

પ્રોફેસર ધીમંત વઘાસિયા અનુસાર,આગામી ત્રણ દિવસ તાપમાન નીચું જશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન નીચું જોવા મળશે.

પ્રોફેસર ધીમંત વઘાસિયા કહે છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી કે તેના કરતાં તાપમાન વધુ જોવા મળશે.

"શનિવાર પછીથી તાપમાન ઊંચું જોવા મળશે. મધ્ય ગુજરાત, કચ્છમાં તાપમાન ઊંચું જોવા મળી શકે છે. પવનની ઝડપ પણ વધશે. સાથે ગરમ પવન ફૂંકાશે."

પ્રો. મનોજ લુણાગરિયા કહે છે કે "જ્યાં સુધી આ પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવે અને બેથી ત્રણ દિવસમાં વાદળો ખસશે તો તાપમાનમાં વધારો જોવા મળશે."

તેઓ વધુમાં કહે છે, અગાઉ 27 એપ્રિલે તાપમાન ઊંચું ગયું હતું. પાંચ મેના રોજ 38 હતું અને પાછલા દિવસોમાં 37થી 38 જેટલું જ તાપમાન રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન