ગુજરાત : મૉક ડ્રિલ દરમિયાન શું થયું, કેવા અભ્યાસ કરાયા?

ગત 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં ભારતીય પર્યટકો સહિત 26 લોકોનાં મૃત્યુ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.

આ બાદ 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કેટલાક ભાગો પર ભારતીય સૈન્યે હવાઈ હુમલો કરીને 'આતંકી ઠેકાણાં' નષ્ટ કર્યાનો દાવો કર્યો હતો.

જોકે, પહલગામ હુમલા બાદથી જ ભારત પાકિસ્તાન પર કઠોર સૈન્ય કાર્યવાહી કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી હતી. ભારતના ગૃહમંત્રાલય દ્વારા ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જ્યારે 7 મેના રોજ મૉક ડ્રિલ યોજવાનો નિર્દેશ અપાયો ત્યારે આ વાતની સંભાવના વધુ મજબૂત બની હતી.

નોંધનીય છે કે ભારત સરકારે દેશભરમાં 244 લિસ્ટેડ સિવિલ ડિફેન્સ જિલ્લામાં સિવિલ ડિફેન્સના અભ્યાસ અને રિહર્સલ માટે નિર્દેશ આપ્યા છે.

જેમાં ગુજરાતના અમદાવાદ સહિત 19 જિલ્લામાં મૉક ડ્રિલ હાથ ધરવાની જાહેરાત કરાઈ હતી.

કેન્દ્ર સરકારના નિર્દેશાનુસાર ઘણાં સ્થળોએ મૉક ડ્રિલ યોજીને કટોકટીની સ્થિતિમાં કરવાની કાર્યવાહીનો અભ્યાસ હાથ ધર્યો હતો.

આ સિવાય ગુજરાતમાં ઘણાં સ્થળોએ નક્કી કરાયેલા સમય પ્રમાણે પ્રજાએ બ્લૅક આઉટ પણ કર્યું હતું. જેના કારણે ઘણાં સ્થળોમાં અંધારપટ છવાયા હતા.

ગુજરાતમાં મૉક ડ્રિલ દરમિયાન શું શું થયું?

ગુજરાતના બનાસકાંઠામાં આવેલી ખ્યાત શક્તિપીઠ એવા અંબાજી મંદિર ખાતે કટોકટીની સૂચના માટેનું સાયરન વગાડી આપાત સ્થિતિ માટે અનુકૂળ બચાવ પ્રયુક્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જે બાદ મૉક ડ્રિલના ભાગરૂપે સુરક્ષાકર્મીઓ દ્વારા તાલીમબદ્ધ શ્વાન સાથે સંદિગ્ધ વસ્તુઓની શોધખોળ હાથ ધરાઈ હતી.

આ સંપૂર્ણ કાર્યવાહી માટે પહેલાં સ્થળ પર હાજર પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા લોકોને મૉક ડ્રિલ દરમિયાન ધ્યાનમાં રાખવાની વાતોની વિગતવાર સમજ આપી હતી.

કંઈક આવી જ મૉક ડ્રિલ ગુજરાતના ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા પણ યોજવામાં આવી હતી.

જેમાં સુરક્ષા અને બચાવકર્મીઓએ આપાત સ્થિતિમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે અભ્યાસ હાથ ધર્યો હતો. આ સાથે જ ઈજાગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પણ અભ્યાસ હાથ ધરાયો હતો.

ગુજરાતના મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે મૉક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી.

વરસતા વરસાદમાં આયોજિત આ મૉક ડ્રિલમાં ઍર સ્ટ્રાઇક દરમિયાન બિલ્ડિંગના ભાગને નુકસાન થવાની સ્થિતિમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે શિફ્ટ કરવાનો અભ્યાસ કરાયો હતો.

ગુજરાતના 19 જિલ્લામાં મૉક ડ્રિલનું આયોજન કરાયું

મંગળવારે મીડિયા સાથેની વાતચીતમાં મૉક ડ્રિલ દરમિયાન સામાન્ય નાગરિકોએ શું કરવું એ બાબતની માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, "સામાન્ય નાગરિકોએ સતર્કતા સાથે બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ જેમાં વૉર્નિંગ સિગ્નલ જે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન હોય છે. અને બીજો ઑલ ક્લિયર સિગ્નલ જે ટૂંકો અને સ્થિર સાયરન હોય છે જે ખતરો પસાર થવાનો સંકેત આપે છે."

હર્ષ સંઘવીએ આપેલી માહિતી અનુસાર નાગરિકોએ આ બાબતો સમજવી જોઈએ :

ઇમર્જન્સી પરિસ્થિતિમાં પ્રતિભાવ આપતા નાગરિકોએ બહારની પ્રવૃત્તિઓ બંધ કરીને વૃદ્ધો, બાળકો અને વિકલાંગ નાગરિકોની મદદ કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.

ગુજરાતમાં સાતમી મેના દિવસે કેટલાક જિલ્લાઓમાં સાંજે સાડા સાતથી સાડા આઠ સુધી બ્લૅકઆઉટ રાખવાનું આયોજન કરાયું હતું. આ બ્લૅક આઉટમાં ઘરો, ઑફિસો અને વાહનોમાં લાઇટો બંધ કરવાની અથવા ઢાંકવાની હતી. પ્રકાશનો લીકેજ અટકાવવા માટે બ્લૅકઆઉટ પડદા અખવા ભારે કાપડ વાપરવાનો હોય છે. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લૅશ લાઇટનો ઉપયોગ કરવો નહીં.

સિવિલ સિક્યૉરિટી અધિકારીઓની સૂચનાઓ અને જાહેરાતોનું પાલન કરવું. અફવાઓ ફેલાવવી નહીં. પ્રક્રિયાથી અજાણ લોકો અને પાડોશીઓની મદદ કરવી.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ મૉક ડ્રિલ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હોઈ એટલે કોઈ ભય રાખવાની જરૂર નથી.

ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચિમ (ભુજ, નલીયા), પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબીમાં મૉકડ્રિલ હાથ ધરવામાં આવશે.

મૉક ડ્રિલમાં શું શું કરાય છે?

સામાન્ય રીતે મૉક ડ્રિલમાં એ જોવામાં આવે છે કે ઇમરજન્સીની સ્થિતિમાં લોકો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. તેના માટે ચુનંદા લોકો અને વૉલન્ટિયર્સને તાલીમ અપાય છે.

સામાન્ય રીતે કોઈ પણ હુમલો, દુર્ઘટના અથવા આગજની જેવી ઇમરજન્સીની સ્થિતિ માટે કેવી તૈયારી છે તે જાણવા માટે મૉક ડ્રિલ કરવામાં આવે છે.

મૉક ડ્રિલમાં અનેક પ્રકારના અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં હવાઈ હુમલાની ચેતવણી કેટલી સાચી છે તે જાણવું, કન્ટ્રોલ રૂમના કામકાજને જોવું, સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને હુમલા દરમિયાન કામની તાલીમ આપવી વગેરે સામેલ છે.

આ દરમિયાન લોકોને કેટલાક સમય માટે ઘર અથવા સંસ્થાની તમામ લાઇટ સંપૂર્ણ બંધ રાખવાના નિર્દેશ આપી શકાય છે.

આ મૉક ડ્રિલમાં એ પણ જોવામાં આવે છે કે લાઇટ સાવ બંધ થઈ જાય તો તેવી સ્થિતિમાં શું કરી શકાય છે.

આ ઉપરાંત ઇમર્જન્સીની સ્થિતિમાં સિવિલ ડિફેન્સની પ્રતિક્રિયા, કોઈ ખાસ જગ્યાએથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની તાલીમ વગેરે સામેલ હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન