You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરકાશીમાં 100થી વધુ ગુજરાતી 'ફસાયા' એ વિસ્તાર કેટલો ખતરનાક ગણાય છે?
ભારતના ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને કારણે ભારે તબાહી થઈ છે.
ઉત્તરકાશીના મંગળવારે ધરાલી ગામમાં ભારે નુકસાન થયું છે.
આ ઘટના અંગે અત્યાર સુધી મળી રહેલી જાણકારી અનુસાર પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલીક સંપત્તિઓનું પણ નુકસાન થયું છે.
ઘટના બાદ આ ક્ષેત્રમાં લગભગ 400 મુસાફરો ફસાયેલા હતા.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે 7 ઑગસ્ટના રોજ ત્રણ વાગ્યા સુધી 274 લોકોને બચાવાયા છે. તેમાંથી ગુજરાતના 131, મધ્યપ્રદેશના 21, મહારાષ્ટ્રના 12, ઉત્તર પ્રદેશના 12, રાજસ્થાનના 6, આસામના પાંચ, તેલંગણાથી ત્રણ અને પંજાબના એક તીર્થયાત્રી સામેલ છે.
નોંધનીય છે કે ગુજરાતમાંથી પણ અનેક લોકો ઉત્તરાખંડમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સરકારે ફસાયેલા લોકો સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું છે.
ઉત્તરાખંડમાં ગુજરાતીઓની શું સ્થિતિ છે?
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક પૂર આવવાના કારણે સેંકડો લોકો ફસાયા છે.
રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે "પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "ગુજરાત સરકારના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે અને ગુજરાતના 141 પ્રવાસીને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે."
તેમણે કહ્યું કે "હવામાન ખરાબ હોવાથી હાલમાં ગુજરાતી પ્રવાસીઓને ઍરલિફ્ટ કરવા શક્ય નથી. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને જેમને તબીબી મદદની જરૂર છે, તેમને મેડિકલ સહાય અપાઈ રહી છે."
તો પાટણ (હારિજ)ના પ્રવાસીઓ માટે 12 ટૂર ઑપરેટરો સાથે વાત કરવામાં આવી છે. અમદાવાદના 99 યાત્રાળુ મંદાકિની ગેસ્ટ હાઉસમાં સલામત છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના 10 યાત્રાળુ સુરક્ષિત હોવાનું ડીઈઓસી બનાસકાંઠાએ જણાવ્યું છે.
ધરોલીની આસપાસ બંધ રસ્તાઓ ફરીથી ખોલવાનું કામ ચાલી રહ્યું છે એમ સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ઉત્તરાખંડ દ્વારા જણાવાયું છે.
જ્યાં પૂર આવ્યું એ ધરાલી કેટલો ખતરનાક વિસ્તાર છે?
આ ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં છે ખીર ગંગા નદી, જે ભાગીરથીમાં જઈને મળે છે.
ધરાલી ઉત્તરકાશી જિલ્લાનો એક કસબો છે અને ગંગોત્રી તરફ વધતાં હર્ષિલ ખીણનો એક ભાગ છે.
આ ખીણ ચાર ધામમાંથી એક ગંગોત્રી ધામની યાત્રાએ જનારા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ પડાવ પણ છે.
અહીંથી ગંગોત્રી લગભગ 20 કિમી દૂર છે. ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો એ સમુદ્રની સપાટીથી 3100 મીટરની ઊંચાઈએ સ્થિત છે અને પોતાના પ્રાકૃતિક સૌંદર્ય માટે ખ્યાત છે.
ધરાલી કસબામાં હિમાલયનાં ઊંચાં શિખરોમાં ઊતરીને આવે છે ખીર ગંગા. આમ તો એ લગભગ આખું વર્ષ ધીમી ધારે વહે છે, પરંતુ વરસાદના દિવસોમાં નદી પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવે છે.
મંગળવારે ખીર ગંગાએ જેમ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, ઇતિહાસના જાણકાર અને ભૂગર્ભ વૈજ્ઞાનિક પણ માને છે કે આ પહેલાં પણ ખીર ગંગામાં ભીષણ પૂર આવી ચૂક્યું છે.
ભૂગર્વ વૈજ્ઞાનિક પ્રોફેસર એસપી સતી જણાવે છે કે 1835માં ખીર ગંગામાં સૌથી ભીષણ પૂર આવ્યું હતું. ત્યારે નદી આખા ધરાલી કસબા પર ફરી વળી હતી.
પૂરથી અહીં ભારે પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો હતો. તેમનો દાવો છે હાલની વસતી અહીં એ સમયે આવી ગયેલા કાંપ પર જ આવેલી છે.
પાછલાં અમુક વર્ષોમાં ખીર ગંગામાં પાણીના ઝડપી વહેણની ઘટનાઓ સામે આવી હતી, ઘણાં ઘર આ પૂરમાં વહી પણ ગયાં છે, પરંતુ કોઈ જાનહાનિ નહોતી થઈ.
ખીર ગંગા નામની કહાણી
હિમાલયના ઇતિહાસ અને પર્યાવરણ નિષ્ણાત મનાતા ઇતિહાસકાર ડૉ. શેખર પાઠક પણ માને છે કે આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે અને અહીં ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવાં અકસ્માત થવાની સંભાવના રહે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ હિમાલયની ચોખંભા વેસ્ટર્ન રેન્જનો વિસ્તાર છે. વર્ષ 1700માં જ્યારે ગઢવાલમાં પરમાર રાજવંશનું શાસન હતું, ત્યારે પણ મોટું ભૂસ્ખલન આવવાને કારણે ઝાલામાં 14 કિમી લાંબું તળાવ બની ગયું હતું અને તેના પુરાવા આજે પણ જોઈ શકાય છે, કારણ કે અહીં ભગીરથી થંભી ગઈ હોય એવું લાગે છે."
ડૉક્ટર પાઠક કહે છે કે 1978માં ધરાલીથી નીચે ઉત્તરકાશી તરફ આવતા 35 કિમી દૂર ડબરાણીમાં એક બંધ તૂટ્યો હતો, તેનાથી ભાગીરથીમાં આવેલા પૂરમાં ઘણાં ગામ વહી ગયાં હતાં.
એ બાદ ધરાલી અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી વાર વાદળ ફાટવાને કારણે, ભૂસ્ખલનની ઘટના થઈ, પરંતુ કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ.
ખીર ગંગા નામ અંગે સોશિયલ મીડિયા પર ઘણી કહાણીઓ ચાલી રહી છે, એ બધી વાતોને શેખર પાઠક 'સાંભળેલી-સંભળાવેલી વાતો' જ માને છે.
તેમણે કહ્યું, "આ નદી પહેલાં હિમખંડ અને પછી ગાઢ જંગલોમાંથી પસાર થાય છે, તેથી તેનું પાણી શુદ્ધ રહે છે. એટલે કે ઘણી અન્ય નદીઓની માફક તેમાં ચૂનાનું પાણી ભળેલું નથી હોતું. તેથી તેને ખીર નદી કહેવાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન