જ્યારે લગ્નનાં વિઝા પર ઇંગ્લૅન્ડમાં પહોંચતી ભારતીય મહિલાઓનો લંડન ઍરપૉર્ટ પર જ 'ટુ ફિંગર ટેસ્ટ' થતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, જર્નલિસ્ટ, રિસર્ચર
35 વર્ષિય શિક્ષિકા તેમના ભારતીય મૂળના મંગેતર સાથે લગ્ન કરવા 24 જાન્યુઆરી 1979ના રોજ લંડનના હીથ્રો ઍરપૉર્ટ પર પહોંચ્યાં. અહીંથી જ્યારે તેઓ બહાર નીકળ્યાં ત્યારે તેઓ આઘાતમાં હતા અને રક્તસ્ત્રાવ થતો હતો.
તેમનાં મૌનને કારણે તેમના મંગેતરને એ સમજવામાં સમય લાગ્યો કે આવું ઍરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન 'ટુ ફિંગર ટેસ્ટ' (મહિલાની યોનીમાં બે આંગળીઓથી થતી કૌમાર્ય તપાસ)ને કારણે થયું હતું.
મહિલાએ આ વાત બ્રિટિશ વર્તમાનપત્ર ‘ધ ગાર્ડિયન’ને જણાવી. આ બાબતે વધુ રિસર્ચ ઉપરાંત વધતાં વિરોધ પ્રદર્શનો અને બ્રિટિશ સંસદમાં ચર્ચાથી વિશ્વને એ વાતની જાણ થઈ કે આ કોઈ એકમાત્ર કિસ્સો નહોતો પણ પાછલાં 10-12 વર્ષોમાં પ્રવાસી મહિલાઓની આવી તપાસ એ નક્કી કરવામાં આવતી હતી કે તેઓ કુંવારા છે કે નહીં? હકીકતમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે કે પછી તેઓ પહેલાંથી જ પરિણીત છે? અને તેના આધારે તેઓ ખોટી રીતે બ્રિટનમાં પ્રવેશ મેળવવા માગે છે કે કેમ?
ઇમિગ્રેશન અધિનિયમ 1971 હેઠળ જે મહિલાઓને યુકેમાં પ્રવેશ કર્યાંના ત્રણ મહિનામાં લગ્ન કરવાનાં હતાં તેમને વિઝાની જરૂર નહોતી. પણ જો કોઈ મહિલા પોતાના પતિ પાસે જવા ઇચ્છતી હોય તો તેમને વિઝા માટે લાંબી રાહ જોવી પડતી.
તેથી સરકારને શંકા હતી કે મહિલાઓ વિઝા માટે લાંબી રાહ જોવાથી બચવા કુંવારા હોવાનો ડોળ કરે છે અને આવી રીતે શરૂઆત થઈ હતી વિવાદાસ્પદ 'ટુ ફિંગર ટેસ્ટ'ની.
પત્રકાર ઍલન ટ્રેવિસે 2011માં 'ધ ગાર્ડિયન' વર્તમાનપત્રના એક લેખમાં લખ્યું હતું કે “કૌમાર્યનું પરીક્ષણ એ બ્રિટનમાં 1970ના કાળાયુગના પૂર્વાગ્રહોનું પ્રતિબિંબ છે.”
તે સમયના ગૃહવિભાગના દસ્તાવેજો મુજબ ઇમિગ્રેશન, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સંભાળતા લોકો આ માટે જવાબદાર હતા. હીથ્રૉ ઍરપોર્ટ પર એક ઇમિગ્રેશન અધિકારીને તેના મંગેતર સાથે લગ્ન કરવા આવેલી મહિલાની ઉંમરને જોતા શંકા ગઈ કે આ મહિલા પરિણીત હોઈ શકે છે અને તેમણે આ મહિલાના કૌમાર્યની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

ભારત પરત મોકલી દેવાનો ડર

ઇમેજ સ્રોત, TWITTER/@IRRNEWS
જો તેઓ પહેલેથી જ પરિણીત હોય તો, યુકેમાં પ્રવેશ કરવા તેમણે વિઝાની જરૂર પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોફી વ્હાઇટહેડ તેમના સંશોધનમાં લખે છે કે, મહિલાઓને કહેવાતું કે તેમની તપાસ પુરૂષ સ્ત્રીરોગનિષ્ણાત કરશે અને જો તેઓ મહિલા સ્ત્રીરોગનિષ્ણાત પાસે તપાસ કરાવવા ઇચ્છતા હોય તો, તેમણે રાહ જોવી પડશે.
તેમણે ઇમિગ્રેશન અધિકારીઓએ કરેલી તત્કાલ ટેસ્ટની માગને સ્વીકારી લીધી હતી.
જોકે મહિલાએ ગાર્ડિયનને જણાવ્યું કે, તેઓ આવા ટેસ્ટ માટે એટલે તૈયાર થયાં હતાં કારણ કે તેમને ડર હતો કે તેમને ભારત પાછાં મોકલી દેવાશે.
ગાર્ડિયને આ ઘટનાને વાચા આપ્યા પછી તરત જ દરેક ભારતીય વર્તમાનપત્રે મુખ્યપાના પર આ સમાચારને સ્થાન આપ્યું અને આ ઘટનાને ‘એક અપમાનજનક ઘટના’ અને ‘બળાત્કાર’ સમાન ગણાવી.
જવાબમાં ગૃહ વિભાગે ઘટનાની પુષ્ટિ કરી પણ કહ્યું કે આ પ્રકારની આ એકમાત્ર ઘટના હતી.
પણ આ દાવો ખોટો સાબિત થયો જ્યારે પૂર્વ ઇમિગ્રેશન અધિકારી ઍલેક્સ લિયોને કહ્યું કે, જ્યારે તેઓ ગૃહ વિભાગમાં હતા ત્યારે તેમને જાણકારી મળી કે ઢાકામાં ‘કૌમાર્ય ટેસ્ટ’ કરાઈ રહ્યાં હતાં.
તેમણે એમ પણ કહ્યું કે, તેમને જ્યારે એક વાર ખબર પડી કે આવુ કરવામાં આવી રહ્યું છે તો તેમણે આદેશ આપ્યો કે તેને યુકેમાં બંધ કરી દેવામાં આવે.
ગૃહ વિભાગે કહ્યું કે, “લેવિનના આ નિર્દેશો ઇસ્લામાબાદમાં (ઢાકામાં નહીં) એક ઘટના પછી આવ્યા. જ્યાં એક મહિલાની નિયમિત ચિકિત્સા તપાસ પછી ડૉક્ટરને તે મહિલા પરિણીત હોવાના સંકેત મળ્યા. જ્યારે આ મહિલાએ પોતે કુંવારા હોવાનો દાવો કર્યો હતો.”
જોકે, ફિઝિશિયન ફૉર હ્યુમન રાઇટ્સની એક શોધથી ખબર પડે છે કે કોઈ પણ તપાસ વિશ્વસનીય કે ચોક્કસ રીતે એ નક્કી નથી કરી શકતી કે કોઈ મહિલાએ અગાઉ જાતીય સંબંધ બાંધ્યો છે કે નહીં.

ગૃહ વિભાગે 'ટુ ફિંગર ટેસ્ટ'ના ત્રણ કિસ્સાનો સ્વીકાર કર્યો

ઇમેજ સ્રોત, COURTESY GUARDIAN
સંયુક્ત રાષ્ટ્રસંઘ અનુસાર આ પ્રકારની તપાસનો વિચાર જ લિંગભેદવાળો છે.
બાદમાં જ્યારે ગૃહ વિભાગને ખબર પડી કે ભારતીય મહિલાના સાથી તેમની સામે અદાલતમાં જઈ રહ્યા છે, તો તેમણે મહિલાને સમાધાન કરવા માટે 500 પાઉન્ડની ઑફર કરી હતી.
આ પછી બે ઑસ્ટ્રેલિયન શોધકર્તાઓ ઇવાન સ્મિથ અને મેરિનેલા માર્મો જ્યારે બ્રિટિશ ઇમિગ્રેશનના ઇતિહાસમાં થયેલી ભેદભાવની ઘટનાઓ વિશે તપાસ કરી રહ્યાં હતાં તે સમયે આ પ્રસ્તાવિત રકમની ચૂકવણીના પુરાવાઓ તેમને મળ્યા હતા.
શરૂઆતમાં આનાકાની કર્યા પછી આખરે 1979માં ગૃહ વિભાગે 'ટુ ફિંગર ટેસ્ટ'ના ત્રણ કિસ્સાનો સ્વીકાર કર્યો હતો.
ઇવાન સ્મિથે પત્રકાર પેલ્બી મુન્સીને જણાવ્યું કે, તત્કાલિન વિદેશ અને સંયુક્ત રાષ્ટ્રમંડળ કાર્યાલયના 1980ના એક દસ્તાવેજમાં અનુમાન લગાવાયું હતું કે, 1979ના દાયકામાં ઇમિગ્રેશન વિભાગની શંકાના દાયરામાં આશરે 120થી 140 દક્ષિણ એશિયાઈ મહિલાઓની કોઈ પ્રકારની શારીરિક તપાસ કરવામાં આવી હતી.
આમાંથી 73 દિલ્હીમાં, 10 મુંબઈમાં અને 40થી 60 ઢાકામાં બની હતી. ઇસ્લામાબાદ અને કરાચીમાં બનેલી ઘટનાઓની સંખ્યા જાણી નથી શકાઈ.
બ્રિટિશ પત્રકાર હુમા કુરેશીએ 2011માં વર્તમાનપત્ર ‘ધ ગાર્ડિયન’માં લખ્યું હતું કે, "મારા માતાને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે તેઓ પાકિસ્તાનથી બ્રિટન પહોંચ્યાં હતાં. મારા ડૉક્ટર પિતા પહેલેથી જ અહીં હતા. ઇમિગ્રેશન નિયમો અનુસાર મારા માતાને તેમની પાસે પહોંચવા એક વર્ષ સુધી રાહ જોવી પડી હતી."
"તેઓ હીથ્રો ઍરપૉર્ટ પર ઇમિગ્રેશનની લાઈનમાં ઊભાં હતાં ત્યારે બ્રિટનના ઇમિગ્રેશન અધિકારીના આદેશ પર તેમના કૌમાર્યની તપાસ કરાઈ છે. મારા માતાને એ યાદ નથી કે ડૉક્ટર પુરૂષ હતા કે મહિલા પણ તેઓ આજે પણ ખૂબ ક્ષોભ અનુભવે છે. તેમણે કહ્યું હતું કે આ તેમના અધિકારોનું ઉલ્લંઘન છે."

તકલીફદાયક અનુભવ

ઇમેજ સ્રોત, TWITTER/@SUFF66
હુમા અનુસાર કેટલાક પાકિસ્તાની મહિલાઓએ પણ આવી તપાસમાંથી પસાર થવું પડ્યું હતું. હુમાને તેમનાં માતાએ જણાવ્યા અનુસાર તેઓ માત્ર એવાં મહિલાઓને આવી તપાસ કરાવવાનું કહેતા હતા જેઓ એકલાં પ્રવાસ કરી રહ્યાં હતાં.
સત્તાવાર કોઈ દસ્તાવેજોમાં જેમની આ પ્રકારે શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમનાં નામ નથી નોંધાયેલાં.
માર્મો કહે છે કે, "આ ઘણું તકલીફદાયક છે કારણ કે, આનાથી અમારા એ તર્કની પુષ્ટિ થાય છે કે મહિલાઓને માત્ર સામાજિક અને રાજકીય હેતુ માટે માત્ર 'શરીર' રૂપે જોવામાં આવે છે."
હુમાએ લખ્યું, “મારાં માતા-પિતાએ પહેલાં જ વિવાહનું પ્રમાણપત્ર જમા કરાવીને બ્રિટિશ અધિકારીઓ સામે તેમનાં લગ્ન સાબિત કરી દીધાં હતાં અને મારી માતા પાસે પહેલાંથી જ વિઝા હતા. જેણે તેમને યુકેમાં પ્રવેશની પરવાનગી આપી હતી. તો પછી તેમને આ અપમાનજનક શારીરિક તપાસમાંથી કેમ પસાર થવું પડ્યું?”
માર્મો કહે છે, “તેઓ એ વાતથી હેરાન છે કે એક પરિણીત મહિલા જેની પાસે પહેલેથી વિઝા છે તેમની પણ શારીરિક તપાસ કરવામાં આવી હતી.”
શું તેઓ સરકાર પાસેથી માફી ઇચ્છે છે?
હુમા મુજબ તેમના માતાએ જવાબ આપ્યો, “હા, એ વાત યાદ કરીને મને ગુસ્સો આવે છે. હું અહીં કાયદાકીય રીતે મારા પતિ પાસે આવી છું. અમારું આ રીતે અપમાન નહોતું થવું જોઈતું.”

બ્રિટિશ સરકાર પાસે માફીની માગ

ઇમેજ સ્રોત, Reuters
માર્ચ 1977માં પત્રકાર અમૃત વિલ્સનને એક મિત્રના માધ્યમથી એક 16 વર્ષીય પાકિસ્તાની યુવતી વિશે માહિતી મળી કે જેને હિથ્રોમાં અટકાયતમાં લેવાયાં હતાં.
વિલ્સન જે બ્રિટનમાં જાતિ અને લિંગભેદના વિષયો પર લખે છે તેમણે જણાવ્યું કે, "તે યુવતી દુલ્હનના રૂપમાં તૈયાર થઈને હીથ્રો ઍરપૉર્ટ પહોંચી હતી અને તેની અપેક્ષા તેના મંગેતર સાથે લગ્ન કરવાની હતી."
"પણ તેને હાર્મોન્ડસ્વોર્થ અટકાયત કેન્દ્રમાં એક સપ્તાહ સુધી રાખવામાં આવી. અહીં જ તેણે પત્રકારને જણાવ્યું કે કેવી રીતે તેને એક ફરજિયાત શારીરિક તપાસમાંથી પસાર થવુ પડ્યું હતું. જેનો ઉદ્દેશ્ય એ સાબિત કરવાનો હતો કે તેમની ઉંમર તેમણે કરેલા દાવા કરતા ઓછી છે."
વિલ્સને તેમના પુસ્તક ‘ફાઇન્ડિંગ એ વૉઇસ: એશિયન વિમેન ઇન બ્રિટન’માં લખ્યું છે કે, "તેમને એ આરોપ લગાવતા પાકિસ્તાન પરત મોકલી દેવાયાં હતાં કે તેમની ઉંમર 16 વર્ષથી ઓછી હતી."
મુંબઈની એક 18 વર્ષની ગર્ભવતી છોકરી લગ્ન પછી યુકે આવી હતી. દંપતીને હીથ્રો ઍરપૉર્ટ પર અલગ કરી દેવાયાં અને મહિલાને હાર્મોન્ડસ્વોર્થ અટકાયત કેન્દ્રમાં લઈ જવાયાં. વિલ્સનનું કહેવું છે કે ત્યાં ડૉક્ટર અને નર્સે કરેલી તપાસ સમયે તેને પ્રસવ પીડા થઈ. હૉસ્પિટલ પહોંચવામાં મોડું થતાં યુવા માતાના સંતાનનું મૃત્યુ થયું હતુ.
બ્રિટિશ સરકારે ફેબ્રુઆરી 1979માં કૌમાર્ય તપાસ પર પ્રતિબંધ લગાવી દીધો પણ આના માટે માફી નથી માગી.
કૅસંડ્રા વિનોગ્રાડે લખ્યું છે કે, "મેરિનેલા માર્મો અને ઇવાન સ્મિથે 2008થી 2011 વચ્ચે શોધેલા દસ્તાવેજો દર્શાવે છે કે, બ્રિટિશ સરકારે એ સત્ય પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો કે, તેમણે 1970ના દાયકામાં વિવાહ વિઝા પર દેશમાં પ્રવેશવાની આશા રાખતી કેટલી મહિલાઓની કથિત કૌમાર્ય તપાસ કરી હતી."
સરકારે સ્વીકાર્યું કે, દસ્તાવેજો સાચા હતા પણ બ્રિટિશ બોર્ડર એજન્સીના એક પ્રવક્તાએ કહ્યુ, “આ કાર્યવાહી 30 વર્ષ અગાઉ થઈ હતી અને સ્પષ્ટરૂપે અયોગ્ય હતી.”
અધિકારીએ સરકારી નીતિ અનુસાર નામ ના છાપવાની શરતે કહ્યું કે, બ્રિટનની નીતિઓ હવે પ્રવાસીઓના અધિકારોની રક્ષા કરે છે.
વિનોગ્રાદે માર્મોના હવાલાથી લખ્યું, ફાઇલો, પત્રો અને ટિપ્પણીઓ, કેટલીક ટાઇપ કરેલી, કેટલીક હસ્તલિખિત, કેટલીકવાર હાંસિયામાં લખાયેલી, ઇમિગ્રેશનને મર્યાદિત કરવાના વ્યાપક કાર્યસૂચિનો ઉલ્લેખ કરે છે. માર્મોએ એક નોંધ તરફ ધ્યાન દોર્યું જેમાં લખ્યું હતું, “ચાલો, આપણે ડોળ ના કરીએ કે આપણે ભેદભાવ નથી કરતા.”
સંશોધકોનું માનવું હતું કે બ્રિટિશ સરકારે માફી માગવી જોઈએ.
માર્મોએ કહ્યું, “અમે ભૂતકાળને નથી બદલી શકતા પણ ઓછામાં ઓછું રૅકર્ડને યોગ્ય કરી શકીએ છીએ. અમે એકબીજાનો સામનો કરી શકીએ છીએ અને સત્ય બહાર લાવી શકીએ છીએ.”
એટલે તેમણે બ્રિટન પાસે માંગણી કરતાં કહ્યું, “કહો કે આવું થયું હતું. કહો કે અમને તેનો ખેદ છે.”














