હરિદ્વારના મનસાદેવીના મંદિરમાં નાસભાગને કારણે 6 શ્રદ્ધાળુઓનાં મોત, 30થી વધુ ઘાયલ

ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં રવિવારે થયેલી નાસભાગમાં છ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર મળી રહ્યા છે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે નાસભાગને કારણે 6 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ભાગદોડનાં કારણોની પાછળ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને તથા ઘાયલોને સહાયતા આપવાની જાહેરાત કરી છે.

હરિદ્વારના કલેક્ટર મયૂર દીક્ષિત સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે "સવારે નવ વાગ્યાની આસપાસ મંદિરમાં નાસભાગ થઈ હતી. અત્યાર સુધી અમને જાણકારી આપવામાં આવી છે કે છ લોકોનાં મૃત્યુ થયાં છે."

મૃતકોમાં ચાર ઉત્તર પ્રદેશના, એક બિહારના તથા એક ઉત્તરાખંડના શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે.

બીજી તરફ હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહે પીટીઆઈને જણાવ્યું છે, "પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને બચાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. લગભગ 35 જેટલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી છ લોકોનાં મૃત્યુ થયાં છે."

નાસભાગમાં ઘાયલ થયેલા લોકોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાય રહ્યો છે. જેમને ઋષિકેશ ઍઇમ્સ ખાતે રીફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોની હરિદ્વાર જિલ્લા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ઍક્સ પર પોસ્ટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે લખ્યું છે, "હરિદ્વારસ્થિત મનસાદેવી મંદિરમાં નાસભાગ થવાને કારણે અત્યંત દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે."

"ઉત્તરાખંડ એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ કર્મચારી ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સંબંધમાં નિરંતર સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છું. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માતા રાનીને તમામ શ્રદ્ધાળુઓ સકુશળ રહે તેવી પ્રાર્થના."

મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ભાગદોડનાં કારણોની પાછળ મૅજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.

આ સાથે જ મૃતકોના પરિવારજનોને તથા ઘાયલોને સહાયતા આપવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની તથા ઈજાગ્રસ્તોને રૂ. 50-50 હજારની સહાયતારકમ જાહેર કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આ દુર્ઘટનામાં શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

ઉત્તરાખંડ સરકારે મૃતકોના પરિવારજનોને બે-બે લાખની સહાય અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ ગઢવાલ ડિવીઝનના કમિશનર વિનયશંકર પાંડેના હવાલાથી જણાવ્યું છે કે તેઓ ઘટનાસ્થળે રવાના થયા છે અને તેની વિસ્તૃત રિપોર્ટ આવવાની બાકી છે.

નાસભાગ કેમ થઈ હતી?

ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસાદેવીના મંદિરમાં રવિવારે જે નાસભાગ થઈ તેના પર સરકારી અધિકારીઓનાં નિવેદનો આવ્યાં છે.

હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહ ડોબાલ અને જિલ્લા કલેક્ટર મયૂર દિક્ષીતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે હાલ ખબર પડી છે કે કરન્ટ કે વીજળીના તારથી જોડાયેલી એક અફવાને કારણે આ નાસભાગ મચી હતી, હાલ આ મામલે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.

પ્રમેન્દ્રસિંહે કહ્યું, "મનસાદેવીના મંદિરનો માર્ગ જે પગથિયાંથી શરૂ થાય છે, તે થોડો સાંકડો છે. ત્યાં એક અફવા ફેલાઈ હતી કે ઇલેક્ટ્રિક કરન્ટ લાગી રહ્યો છે. મને લાગે છે કે આ અફવાથી જ નાસભાગ મચી હોવી જોઈએ."

એસએસપીએ કહ્યું કે હાલ દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

જોકે, આ બંને અધિકારીઓએ એટલું જરૂર કહ્યું કે સચોટ જાણકારી તપાસ બાદ જ આપવામાં આવશે.

બીજી તરફ ઉત્તરાખંડ સરકારે આ દુર્ઘટનાની મૅજેસ્ટ્રિયલ તપાસના આદેશ આપી દીધા છે.

આ વિશેની જાણકારી આપતાં સીએમ ધામીએ કહ્યું, "આ ઘટનાના મૅજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અફવા કેમ ફેલાઈ, કેવી રીતે ફેલાઈ, તેની તપાસ થઈ રહી છે. જે પણ તેમાં દોષિત જણાશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલોને તમામ સંભવ મદદ કરવામાં આવી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન