ઊંઘવાની સૌથી સારી પોઝિશન કઈ છે? ખોટી રીતે ઊંઘવાથી કેવી તકલીફો થાય?

ઊંઘવું

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ક્લાઉડિયા હેમન્ડ
    • પદ, બીબીસી ફ્યુચર

તાજેતરમાં ગરમીના મોજાંથી પ્રભાવિત થયેલી કોઈ જગ્યાએ તમે રહેતા હશો તો, આરામનો અનુભવ કરવા જુદી જુદી પોઝિશન અજમાવતાં તમે તમારી રાત પડખાં બદલવામાં વિતાવી હોય તે શક્ય છે, પરંતુ ઊંઘવાની સૌથી સારી પોઝિશન બાબતે વિજ્ઞાન શું કહે છે?

માલવાહક જહાજો પરના નાવિકોથી માંડીને નાઇજીરિયામાં વેલ્ડર તરીકે કામ કરતા ઘણા લોકો પર કરવામાં આવેલા અભ્યાસનું તારણ આપણને આ સવાલનો જવાબ મેળવવામાં મદદરૂપ થઈ શકે.

અલબત, ઊંઘના આપણા માટેના મહત્વને ધ્યાનમાં લેતાં આ સંદર્ભમાં બહુ ઓછા વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા છે તે આશ્ચર્યની વાત છે.

સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે કે લોકો કેવી પોઝિશનમાં કે સ્થિતિમાં ઊંઘતા હોય છે.

તમે બેશક પૂછી શકો, પરંતુ આપણને, આપણે ઊંઘવાનો પ્રયાસ કરતા હતા ત્યારની અને આપણે જાગીએ ત્યારની પોઝિશન જ યાદ રહેતી હોય છે.

આ બાબતે વધુ માહિતી મેળવવા માટે સંશોધકોએ સંખ્યાબંધ ટેકનીકો અજમાવી છે. તેમાં લોકો ઊંઘે છે ત્યારનું ફિલ્માંકન કરવામાં આવે છે અથવા તેમની હિલચાલ પર દેખરેખ રાખવા માટે વેરેબલ ટેકનૉલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

બાળકની ઊંઘવાની રીતો

ઇમેજ સ્રોત, Getty Images

હૉંગકૉંગમાં સંશોધકો એક એવી સિસ્ટમ વિકસાવી રહ્યા છે, જેમાં ઇન્ફ્રારેડ ડૅપ્થ કૅમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. એ કૅમેરા જાડો ધાબળો ઓઢીને સૂતેલી વ્યક્તિની પોઝિશન પણ ડિટેક્ટ કરી શકે છે.

ડેન્માર્કના સંશોધકોએ, તેમના સ્વયંસેવકો(સંશોધનમાં સ્વૈચ્છાએ જોડાયેલા લોકો)ની ફેવરિટ પોઝિશન જાણવા માટે એ સ્વયંસેવકોના પગ, પીઠ તથા હાથ પર નાના મૉનિટર સેન્સર્સનો ઉપયોગ કર્યો હતો.

તેમને જાણવા મળ્યું હતું કે પથારીમાં વિતાવેલા સમય દરમિયાન અડધાથી થોડો વધુ સમય લોકો પડખાભેર, 38 ટકા પીઠભેર અને સાત ટકા પેટભેર સૂતા હતા. વયમાં મોટા લોકોએ વધુ સમય પડખાભેર વિતાવ્યો હતો.

પડખાભેર સૂવાનું આ વલણ આપણા મોટા થવાની સાથે વિકસિત થાય છે, કારણ કે ત્રણ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો પડખાભેર, પીઠભેર અને પેટભેર લગભગ સમાન સમયગાળા સુઘી ઊંઘતા હોય છે.

બીજી તરફ, શિશુઓ મોટાભાગે પીઠભેર જ સૂતા હોય છે, કારણ કે તેમને સલામતીના કારણોસર ઢબૂરીને સૂવડાવવામાં આવે છે.

આમ પડખાભેર સૂવું તે સૌથી સામાન્ય પોઝિશન છે અને શ્રેષ્ઠ પોઝિશન કઈ કહેવાય તે જાણવા આપણે લોકોના શાણપણ પર વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ આ બાબતમાં વિજ્ઞાન શું કહે છે?

બીબીસી ગુજરાતી

નસકોરાં

નસકોરાં

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નાના પાયા પરના એક અવલોકનાત્મક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જમણે પડખે ઊંઘતા સ્વયંસેવકો, ડાબે પડખે ઊંઘતા સ્વયંસેવકો કરતાં વધુ સારી રીતે ઊંઘી શકે છે. એ પછી પીઠભેર ઊંઘતા લોકોનો ક્રમ આવે છે.

એક અન્ય અભ્યાસમાં માલવાહક જહાજ પર કામ કરતા ખલાસીઓ કેવી રીતે ઊંઘે છે તેની તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે પીઠભેર ઊંઘતા ખલાસીઓમાં નસકોરાં જેવી શ્વસનની સમસ્યા વધારે સામાન્ય હતી.

કેટલાક નસકોરાનું કારણ ગંભીર અવરોધક સ્લીપ એપ્નિયા હોય છે, જેમાં વ્યક્તિ ઊંઘતી હોય છે ત્યારે શ્વાસ લેવાનું બંધ થાય છે અને ફરી શરૂ થાય છે. સતત પીઠભેર ઊંઘતા લોકોમાં આ બાબત સામાન્ય છે.

તેને બદલે પડખાંભેર સૂવાથી તમારા વાયુમાર્ગને સાફ રાખવામાં મદદ મળે છે. એ તમારા યુવ્યુલા (તમારા ગળાના પાછળના ભાગમાંનો માંસલ હિસ્સો) અને જીભને ગળામાં અટકાઈ જતી અટકાવે છે, જેના પરિણામે નસકોરાનું પ્રમાણ ઘટે છે.

વાસ્તવમાં, કેટલાક કિસ્સામાં મોટેભાગે પીઠભેર ઊંઘવાને બદલે પડખાભેર ઊંઘવાથી સ્લીપ એપ્નિયાની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ થઈ શકે છે.

પડખાભેર સૂવાના અન્ય ફાયદા પણ છે. દાખલા તરીકે, નાઇજીરિયામાં માલવાહક જહાજો પરના વેલ્ડર્સની ઊંઘની પેટર્ન વિશેનું સંશોધન દર્શાવે છે કે પડખાભેર સૂતા લોકોની સરખામણીએ પીઠભેર સૂતા લોકોને પીઠનો દુખાવો થવાની શક્યતા વધુ હોય છે.

બીબીસી ગુજરાતી

વ્યક્તિગત પસંદગી

ઊંઘ

ઇમેજ સ્રોત, Getty Images

તેનો અર્થ એ નથી કે પડખાભેર સૂવાથી બધી બાબતોમાં ઉપકારક છે અથવા તમામ દુખાવા તથા પીડાનો રામબાણ ઇલાજ છે.

તેનો આધાર તમારી સમસ્યાઓ પર અને તમે ઊંઘતા હો છો ત્યારની તમારી પોઝિશન પર હોય છે.

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ સ્વયંસેવકોની ઊંઘ દરમિયાનની હિલચાલનું બેડરૂમમાં રાતે 12 કલાક ઑટોમેટેડ કૅમેરા વડે નિરીક્ષણ કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે ઊંઘમાંથી જાગ્યા ત્યારે ગરદન અકડાઈ ગઈ હોવાનું જે લોકોએ જણાવ્યું હતું તેઓ ઊંઘ દરમિયાન લાંબો સમય પડખાભેર સૂતા રહ્યા હતા.

તેનો અર્થ, પડખાભેર શરીર વાંકુ કરીને, એક જાંઘ પર બીજી જાંઘ ચડાવીને અને કરોડરજ્જુ વાંકી વળે તેમ ઊંઘવું એવો થાય.

તેનાથી વિપરીત, જે લોકો સીધી પોઝિશનમાં વધુ ટેકા સાથે સૂતા હતા તેમની ગરદનમાં ઓછો દુખાવો નોંધાયો હતો.

ઊંઘ દરમિયાન લોકો પડખાભેર લાંબો સમય સૂતા રહ્યા એ કારણે તેમની ગરદનમાં દુખાવો થતો હતો કે પછી ગરદનના દુખાવાને કારણે એ પોઝિશનમાં સૂવાનું વધુ આરામદાયક હતું એટલે લોકો એ પોઝિશનમાં સૂતા હતા એ આ અભ્યાસમાં જાણી શકાયું ન હતું.

લોકો ઊંઘતી વખતે નવી પોઝિશન ટ્રાય કરે ત્યારે તેમના પીડાના અનુભવમાં કોઈ ફરક પડે છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ.

પોર્ટુગલમાં પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા વૃદ્ધ લોકો પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં પીઠનો દુખાવો ધરાવતા લોકોને પડખાભેર સૂવાનું કહેવામાં આવ્યું હતું અને ગરદનનો દુખાવો ધરાવતા લોકોને પીઠભેર સૂવાનો પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું હતું.

અભ્યાસમાં સહભાગી બનેલા લોકો પૈકીના 90 ટકા લોકોએ ચાર સપ્તાહ પછી જણાવ્યું હતું કે તેમની પીડામાં ઘટાડો થયો છે. જોકે, આ અભ્યાસમાં માત્ર 20 લોકોએ ભાગ લીધો હતો. તેથી પોઝિશનમાં આટલો સાદો ફેરફાર કરવાથી, ગરદન અને પીઠના દુખાવાથી પીડાતા તમામ લોકો પર આટલી હકારાત્મક થશે જ તેવું તારણ કાઢવાનું શક્ય નથી.

વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં કાયમ બને છે તેમ આ સંદર્ભે વધારે અભ્યાસ કરવાની જરૂર છે.

બીબીસી ગુજરાતી

રિફ્લક્સ પોઝિશન

રિફ્લક્સ પોઝિશન

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ ચોક્કસ તબીબી સમસ્યા માત્ર પડખાભેર સૂવાનો મામલો નથી હોતી. તે ખાસ સમસ્યા હોય છે.

શરીરમાં એસિડ રિફ્લક્સ થાય છે ત્યારે પેટમાંથી ગેસ્ટ્રિક જૂસ નીકળે છે. તેનાથી છાતીમાં બળતરા થાય છે. તેમાં રાહત મેળવવા માટે ડોક્ટરો ક્યારેક અનેક ઓશિકા પર માથું રાખીને સૂવાની સલાહ આપતા હોય છે.

તેમ છતાં છાતીમાં બળતરા થતી રહે તો તેને ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ રોગ ગણવામાં આવે છે. તેના ગંભીર પરિણામ હોઈ શકે છે.

આવું શા માટે થાય છે તે સ્પષ્ટ નથી, પરંતુ કેટલીક સંભવિત વ્યાખ્યા એવી છે કે ડાબે પડખે સૂવાથી પેટ અને અન્નનળી વચ્ચેનું જંકશન ગેસ્ટ્રિક એસિડના સ્તરથી ઉપર રહે છે. જમણા પડખે સૂવાથી અન્નનળીના નીચલા હિસ્સાને આરામ મળે છે, જેનાથી એસિડને બહાર નીકળવામાં મદદ મળે છે.

સાચો જવાબ ભલે ગમે તે હોય, પરંતુ તમને છાતીમાં બળતરા થતી હોય તો ભવિષ્યમાં ડાબા પડખે વધુ સૂવાનો પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી.

બીબીસી ગુજરાતી

ઊંધા પડખે સૂવાય?

પેટભેર ઊંઘવું

ઇમેજ સ્રોત, Getty Images

બહુ ઓછા લોકો ઊંધા પડખે ઊંઘતા હોય છે, પરંતુ તેમનું શું?

એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે તમને જડબામાં દુખાવો થતો હોય તો આમ કરવું યોગ્ય નથી અને એ આશ્ચર્યજનક નથી.

ચહેરો ઓશિકામાં દબાવીને સૂવાથી એ વધારે ખરાબ થઈ જાય?

પ્લાસ્ટિક સર્જનોના એક જૂથે એક કૉસ્મેટિક સર્જરી જર્નલમાં જણાવ્યું હતું કે તમે યોગ્ય રીતે સારસંભાળ રાખો તો ચહેરા પરની ત્વચાને સ્વસ્થ રાખી શકાય.

તેથી તમે ઊંઘતા હો ત્યારે તમારા ચહેરા પર ઓછામાં ઓછું દબાણ આવવું જોઈએ અને પેટભેર ઊંઘવું ન જોઈએ.

સારી ઊંઘ મેળવવા કરતાં ત્વચાની તંદુરસ્તી જાળવી રાખવાનું અથવા પીડા તથા રિફ્લક્સનો સામનો કરવાનું તમારા માટે વધારે મહત્વનું હોય તો પડખાભેર સૂવું એ પણ આદર્શ સ્થિતિ નથી.

આ બધામાંથી આપણે શું તારણ કાઢી શકીએ.

પ્રથમ તો પડખાભેર સૂવાના ફાયદા ઘણા હોય તેવું લાગે છે, પરંતુ તમારી ચોક્કસ મુદ્રા ગરદન અને પીઠના દુખાવા પર અસર કરી શકે અને તમે ડાબા કે જમણા, જે પડખાભેર સૂતા હશો તેનાથી છાતીમાંની બળતરમાં વધારો કે ઘટાડો થઈ શકે.

તમે પીઠભેર ઊંઘશો તો તમારા નસકોરાંમાં વધારો થશે, પરંતુ તે ઊંઘવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

તમારી વર્તમાન પોઝિશનને લીધે તમે સારી રીતે ઊંઘી ન શકતા હો તો નવી પોઝિશન અજમાવવામાં કશું ખોટું નથી. અલગ-અલગ પોઝિશનમાં અટવાઈ ન જવાય તેનો ખ્યાલ રાખવો. અન્યથા ચિંતા કરવાથી તમારી ઊંઘ હરામ થઈ જશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી