વૉટ્સઍપ હૅક કરવાની નવી રીત, આ ભૂલ કરવાથી થઈ શકે છે 'ઘોસ્ટ પેયરિંગ', કેવી રીતે બચી શકો?

વૉટ્સઍૅપ ઘોસ્ટ પેયરિંગ, સાયબર ક્રાઇમ, વૉટ્સઍપ, સોશિયલ મીડિયા ઍપ, બીબીસી ગુજરાતી, એમઇઆઇટી

ઇમેજ સ્રોત, Getty Images/EPA

શું તમે વૉટ્સઍપ વાપરો છો? તો તમારે આ જાણવું જોઈએ, કેમ કે તેલંગણા પોલીસે જાહેરાત કરી છે કે સાયબર ગુનેગારો વૉટ્સઍપનો ઉપયોગ કરીને એક નવા પ્રકારની છેતરપિંડી કરી રહ્યા છે.

આ નવા ગોટાળાને વૉટ્સઍપ ઘોસ્ટ પેયરિંગ નામે ઓળખવામાં આવે છે.

બીજી તરફ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલય (એમઇઆઇટી)એ પણ દેશના લોકોને આ મુદ્દે અંગે સાવધ કર્યા છે.

હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર અને તેલંગણા સાયબર સુરક્ષા બ્યૂરોના ડાયરેક્ટરે લોકોને સાવધ રહેવા અને વૉટ્સઍપથી ફેલાવાતા આ છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે.

વૉટ્સઍપથી છેતરપિંડી કેવી રીતે થાય છે?

વૉટ્સઍૅપ ઘોસ્ટ પેયરિંગ, સાયબર ક્રાઇમ, વૉટ્સઍપ, સોશિયલ મીડિયા ઍપ, બીબીસી ગુજરાતી, એમઇઆઇટી

ઇમેજ સ્રોત, UGC

સાયબર ક્રાઇમ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધતા ગુનેગારો પણ છેતરપિંડીની નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

પહેલા ફોન કૉલ્સ કરીને કે મૅસેજ મોકલીને અને માલવેર દાખલ કરીને છેતરપિંડી આચરવામાં આવતી.

હવે પોલીસે શોધી કાઢ્યું છે કે વૉટ્સઍપ પેયરિંગ (લિંકિંગ)થી છેતરપિંડી કરાઈ રહી છે.

હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર વીસી સજ્જનારે કહ્યું કે આ છેતરપિંડી "અરે... શું તમે મારો ફોટો જોયો?" જેવી લિંક મોકલીને શરૂ થાય છે.

તેમણે સલાહ આપી કે "આ લિંક તમને કોઈ એવી વ્યક્તિ તરફથી આવે, જેને તમે જાણતા હો કે ન જાણતા હો. ભૂલથી પણ તેના પર ક્લિક ન કરવી જોઈએ."

સજ્જનારે કહ્યું કે આવી લિંક પર ક્લિક કરવાથી એક નકલી વૉટ્સઍપ વેબ પેજ ખૂલશે અને કોઈ પણ ઓટીપી કે સ્કેનિંગ વિના વૉટ્સઍપ ઍકાઉન્ટ હૅકરના ડિવાઇસ (કમ્પ્યુટર, લૅપટૉપ અથવા મોબાઇલ) સાથે લિંક થઈ જાય છે.

તેમણે સમજાવ્યું કે એ સમયે વપરાશકારોને તેમના ઍકાઉન્ટમાંથી લૉક આઉટ કરી દેવામાં આવશે.

એક વાર લિંક થઈ ગયા પછી શું થાય છે...

તેલંગણા સાયબર સિક્યૉરિટી બ્યૂરોના ડાયરેક્ટર શીખા ગોયલે જણાવ્યું કે સાયબર ગુનેગારો વપરાશકારોના વૉટ્સઍપ ઍકાઉન્ટ્સને તેમના ડિવાઇસ સાથે લિંક કરીને તેમની વ્યક્તિગત માહિતી ચોરી રહ્યા છે.

તેમણે કહ્યું, "બૅન્ક ઍકાઉન્ટની માહિતી, ખાનગી ચેટ્સ, ફોટા, વીડિયોઝ... આ બધી માહિતી સાયબર ગુનેગારોના હાથમાં આવી જાય છે. તેઓ જે તે વપરાશકારોના યૂઝરનૅમનો ઉપયોગ કરીને અન્ય લોકોને સંદેશા મોકલવા અને છેતરપિંડી કરે છે."

એમઇઆઇટીએ શું કહ્યું?

વૉટ્સઍૅપ ઘોસ્ટ પેયરિંગ, સાયબર ક્રાઇમ, વૉટ્સઍપ, સોશિયલ મીડિયા ઍપ, બીબીસી ગુજરાતી, એમઇઆઇટી

ઇમેજ સ્રોત, UGC

ઑલ ઇન્ડિયા ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલય (એમઇઆઇટી)એ ઘોસ્ટ પેયરિંગ બાબતે લોકો માટે સલાહ અને માર્ગદર્શિકા જારી કર્યાં છે.

એમઇઆઇટીએ જાહેરાત કરી કે 'ગુનેગારો વૉટ્સઍપમાં મોજૂદ ડિવાઇસ લિંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને વૉટ્સઍપ ઍકાઉન્ટ્સ હેક કરી રહ્યા છે. પેયરિંગ કોડનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રમાણિત વિના વૉટ્સઍપ ઍકાઉન્ટ્સ હેક કરાઈ રહ્યાં છે.'

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે કહ્યું કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવી જોઈએ.

શીખા ગોયલે બીબીસીને પણ આ જ વાત કહી. તેમની સલાહ આ રહી...

  • તમારે હંમેશાં વૉટ્સઍપના સેટિંગ્સમાં "લિંક્ડ ડિવાઇસ" વિકલ્પની તપાસ કરવી જોઈએ. જો તમે કોઈ અજાણ્યા ડિવાઇસ સાથે કનેક્ટેડ છો, તો તમારે તરત જ લૉગ આઉટ કરવું જોઈએ
  • તમારે વૉટ્સઍપના સેટિંગ્સમાં જઈને તમારા ઍકાઉન્ટમાં "ટુ-સ્ટેપ વેરિફિકેશન" ફીચર ઍક્ટિવ કરવું જોઈએ

જો તમારું ઍકાઉન્ટ હૅક થઈ જાય તો શું કરવું?

વૉટ્સઍૅપ ઘોસ્ટ પેયરિંગ, સાયબર ક્રાઇમ, વૉટ્સઍપ, સોશિયલ મીડિયા ઍપ, બીબીસી ગુજરાતી, એમઇઆઇટી

ઇમેજ સ્રોત, UGC

પોલીસે ચેતવણી આપી છે કે સાવધાની રાખવા છતાં હેકિંગની ઘટનાઓ હજુ પણ થઈ શકે છે.

શીખા ગોયલનું કહેવું છે કે જો વૉટ્સઍપ અથવા બ્રાઉઝર હૅક થઈ જાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

હૅક સમયે દેખાતા બધા મૅસેજ, લિંક્સ અને પૉપ-અપ્સના સ્ક્રીનશૉટ લેવા એ વધુ સાવધાનીભર્યું છે.

ટ્રાન્ઝેક્શન આઇડી, યુટીઆર નંબર અને કૉલ લોગ સેવ કરી રાખવા જોઈએ.

ઇમેઇલ, બૅન્કિંગ અને સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ માટે તાત્કાલિક પાસવર્ડ બદલી નાખો. જો કોઈ બૅન્ક અથવા પેમેન્ટ ઍૅપમાંથી પૈસા ગાયબ થઈ ગયા હોય, તો તાત્કાલિક ફોન કરીને સંબંધિત સંસ્થાઓને તેની જાણ કરો.

તમારે ગૂગલ ક્રૉમ અને અન્ય ઍપ્સને નવી રીતે સત્તાવાર સંસ્કરણોમાં અપડેટ કરવી જોઈએ.

ફરિયાદ કેવી રીતે કરવી?

તેલંગણા પોલીસ કોઈ પણ સંજોગોમાં કોઈની સાથે ઓટીપી, પિન, સીવીવી અને વૉટ્સઍપ કોડ શૅર ન કરવાની સલાહ આપી છે.

શીખા ગોયલે સૂચવ્યું કે જો તમારી સાથે સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી થઈ હોય અથવા તમારી પાસે સાયબર ક્રાઇમ સંબંધિત કોઈ માહિતી હોય, તો તમારે 1930 પર અથવા cybercrime.gov.in પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન