મોખા વાવાઝોડા બાદ હિંદ મહાસાગરમાં સર્જાયું બીજું વાવાઝોડું, ગુજરાતને અસર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું મોખા અતી પ્રચંડ વાવાઝોડું બનીને મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકિનારે ટકરાયું હતું.
મોખા બાદ હવે ભારતના દરિયામાં બીજું વાવાઝોડું સર્જાયું છે અને તેનું નામ 'ફેબીયન' આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું દક્ષિણ હિંદ મહાસાગરમાં સર્જાયું છે અને તે પણ ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
એપ્રીલ અને મે મહિનામાં ભારતના દરિયામાં ચોમાસા પહેલાં વાવાઝોડાં સર્જાતાં હોય છે પરંતુ મોખા વાવાઝોડું લગભગ બે દાયકામાં પ્રથમ એવું વાવાઝોડું હતું કે જે આટલું પ્રચંડ તાકત ધરાવતું બન્યું હોય.
મોખા વાવાઝોડું જ્યારે કિનારા પર ટકરાયું ત્યારે તેના પવનની ગતિ 195 કિલોમિટર પ્રતિકલાકની હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે અને હજારો ઘરો તૂટી ગયાં છે.
જે બાદ હવે હિંદ મહાસાગરમાં એટલે કે ભારતના દક્ષિણ તરફ બીજું વાવાઝોડું સર્જાયું છે અને તે પણ ભારે તાકતવર બને તેવી શક્યતા છે.

ગુજરાતમાં આ વાવાઝોડાની કોઈ અસર થશે ખરી?
સામાન્ય રીતે અરબી સમુદ્રમાં જે વાવાઝોડાં સર્જાય તેની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. બંગાળની ખાડીમાં સર્જાતાં કે દક્ષિણ હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી હોતી નથી.
ફેબીયન નામનું આ વાવાઝોડું વિષુવવૃતની બીજી તરફ સર્જાયું હોવાથી હાલ તે દરિયામાં જ આગળ વધી રહ્યું છે પરંતુ તેને દરિયામાંથી વધારે તાકત મળી રહી હોવાને કારણે તે ભીષણ ચક્રવાત બનવા તરફ જઈ રહ્યું છે.
ફેબીયન નામનું આ વાવાઝોડું ભારત તરફ ન આવતાં ઊલટી દિશામાં જઈ રહ્યું છે એટલે કે તેની અસર હાલ ભારતને થાય તેવી શક્યતા દેખાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેનો સાદો અર્થ એ થયો કે આ વાવાઝોડું દક્ષિણ હિંદ મહાસાગરમાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં પ્રવેશવાનું નથી. હાલ તે દરિયામાં જ સમાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
જો ફ્રેડી વાવાઝોડાની જેમ તે લાંબો સમય સુધી દરિયામાં ટકી રહે તો પણ તે આફ્રિકાના દેશો તરફ આગળ વધે તેવું હાલ લાગી રહ્યું છે.

ગુજરાત પર આવતા ચોમાસાને આ વાવાઝોડું અસર કરશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાં બે પ્રકારે આગળ વધતાં હોય છે, જેમાં ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાં ઉત્તર તરફ અને દક્ષિણ હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાં દક્ષિણ કે પશ્ચિમ તરફ સામાન્ય રીતે આગળ વધતાં હોય છે.
ઉત્તર હિંદ મહાસાગરમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો સમાવેશ થાય છે. અહીં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે ભારતને અસર કરતાં હોય છે.
ભારતના હવામાન વિભાગે હજી સુધી આ મામલે કોઈ વિગત આપી નથી કે ફેબીયન વાવાઝોડું ભારતમાં આવતા ચોમાસાને અસર કરશે.
મોખા વાવાઝોડું ચોમાસા પર અસર કરશે કે તે અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દિલ્હી સ્થિતિ ભારતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમારે કહ્યું હતું કે ચોમાસાને હજી ભારત સુધી પહોંચવામાં સમય છે અને ચોમાસા પર બંગાળની ખાડી સિવાયની ઘણી બાબતો અસર કરતી હોય છે.
તેમણે કહ્યું, "વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું હતું અને ભારતમાં ચોમાસું હજી આવવાને સમય છે. બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં રહેલાં ફેક્ટર્સ ચોમાસાને અસર કરતાં હોય છે. માત્ર બંગાળની ખાડીની હલચલ જ ચોમાસાને અસર કરતી નથી. જેથી આ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર થાય તેવી શક્યતા નથી."
હાલ ફેબીયન વાવાઝોડું દક્ષિણ તરફ એટલે કે ભારતથી ઊંધી દિશામાં આગળ વધી રહ્યું છે અને તે ભારતના ભૂ-ભાગને અસર કરે તેવી કોઈ શક્યતા નથી.
જોકે, આ વાવાઝોડું વધારે દિવસો સુધી દરિયામાં ટકી રહે તો કદાચ તે ચોમાસાના પવનોને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.
વેધરના વિવિધ મોડલ્સ અનુસાર આ વાવાઝોડું 20 મે સુધીમાં ખૂબ જ તાકતવર બની જશે અને તેના પવનની ગતિ 195 કિલોમિટર પ્રતિકલાક સુધી પહોંચે તેવી શક્યતા છે.
જો વધારે દિવસો સુધી તે દરિયામાં રહે અને તે આફ્રિકા તરફ આગળ વધે તો ત્યાંના દેશોને અસર કરે તેવી શક્યતા છે.

મોખા વાવાઝોડાએ કેવો વિનાશ વેર્યો?
શક્તિશાળી વાવાઝોડું મોખા બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા વચ્ચે ટકરાયું હતું. જેણે ભારે નુકસાન કર્યું છે.
બીબીસી બાંગ્લા સેવા અનુસાર, બાંગ્લાદેશના કૉક્સ બાઝાર જિલ્લામાં આનાથી લગભગ 10 હજાર ઘરોને નુકસાન થયું છે.
વાવાઝોડું ત્રાટક્યા બાદ મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અનેક સ્થળોએ વૃક્ષો ઊખડી ગયાં હતાં.
કૉક્સ બાઝારમાં રોહિંગ્યા માટેની રાહત શિબિરોમાં લોકોનો સામાન વિખેરાયેલો પડ્યો હતો.
મોખા વાવાઝોડું ટકરાયા બાદ નબળું પડી ગયું હતું પરંતુ તેની અસર મ્યાનમાર પર લાંબો સમય રહેશે. ભારતનાં પૂર્વોત્તરના રાજ્યોમાં પણ તેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
બીજી તરફ મ્યાનમારમાં પણ વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી તો અનેક વિસ્તારોમાં ઘરો તૂટી પડ્યાં હતાં.
માનવામાં આવે છે કે ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થયું છે અને હજારો વૃક્ષો ઊખડી પડ્યાં છે.
















