સિંગાપોર સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ સીજેઆઈ દીપક મિશ્રાનો નિર્ણય રદ કર્યો, કહ્યું - 'નિર્ણયનો મોટો ભાગ કૉપી-પેસ્ટ'

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં સિંગાપોરની સુપ્રીમ કોર્ટે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી પૅનલના મધ્યસ્થતા સંબંધી નિર્ણયને રદ કરી દીધો છે. આ નિર્ણય માટે એવી દલીલ પર આધાર રખાયો હતો કે હુકમનો મોટો ભાગ 'કૉપી-પેસ્ટ' છે.
નિવૃત્ત ન્યાયાધીશ મિશ્રા અન્ય બે નિવૃત્ત જજો સાથે રેલવે ફ્રેટ કૉરિડૉરના મૅનેજમેન્ટ માટે કેટલીક કંપનીઓને ચૂકવવાના વળતર મામલે થયેલ વિવાદની સુનાવણી કરી રહ્યા હતા.
મામલો એવો છે કે ભારત સરકારે વર્ષ 2017માં લઘુતમ વેતનદરોમાં વધારો કર્યો હતો, જેના કારણે ફ્રેટ કૉરિડૉર મૅનેજમેન્ટ માટે વધારાની ચુકવણી મામલે વિવાદ ઊભો થયો હતો.
આ વિવાદ ત્રણ લવાદ સુધી પહોંચ્યો - જે પૈકી બે ભારત અને એક સિંગાોપરમાં હતો. મિશ્રા ત્રણેયમાં મુખ્ય મધ્યસ્થ તરીકે હતા.
અહીં નોંધનીય છે કે લવાદ એ કોર્ટની બહાર ઉપયોગમાં લેવાતી સમાધાન માટેનીની ગોઠવણ છે, જેમાં પક્ષો વિવાદના સમાધાન માટે તટસ્થ નિષ્ણાતોની પૅનલ પસંદ કરે છે. વેપાર સંબંધી લેવડદેવડમાં આ ગોઠવણનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે. આ પૅનલ દ્વારા કરાયેલ નિર્ણય બધા પક્ષો મંજૂર રાખવા બંધાયેલા હોય છે.
જોકે, કોર્ટ પાસે અમુક થોડાં કારણોને આધારે લવાદનો નિર્ણય રદ કરી શકે છે. સિંગાપોરના લવાદના નિર્ણયને સિંગાપોરની કોર્ટમાં પડકારાયો હતો.
આ કેટલો મોટો મામલો છે?

ઇમેજ સ્રોત, Getty Images
8 એપ્રિલના રોજ સિંગાપોરની સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે નિવૃત્ત ન્યાયાધીશ મિશ્રાના વડપણવાળી પૅનલે આપેલા નિર્ણયનો લગભગ અડધા જેટલો ભાગ 'કૉપી' હતી. 451માંથી 212 પૅરેગ્રાફ એ નિવૃત્ત જસ્ટિસ મિશ્રાના ભારતીય લવાદના નિર્ણયના હતા.
સિંગાપોરની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની ભારત અને વિશ્વના નિષ્ણાતોએ નોંધ લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૅશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોર ખાતે લવાદના ચૅર પ્રોફેસર સ્ટાવ્રોસ બ્રેકુલાકિસના મતે આંતરરાષ્ટ્રીય લવાદના નિર્ણયને રદ કરવાનું આ પગલું 'અદ્વિતીય' અને 'અસાધારણ પગલું' છે.
બીબીસી સાથેની વાતચીતમાં ઘણા લવાદ પ્રોફેસર બ્રેકુલાકિસના મત સાથે સંમત થયા.
નવી દિલ્હીસ્થિત વકીલ અને પંચ (આર્બિટ્રેટર) અસીમ સૂદે કહ્યું કે તેમણે આવા હોદ્દા પર રહી ચૂકેલા પંચ માટે આંતરરાષ્ટ્રીય કોર્ટથી આવો નિર્ણય નથી જોયો.
નોંધનીય છે કે નિકટના ભૂતકાળમાં દીપક મિશ્રા ભારતની સુપ્રીમ કોર્ટના સૌથી વિવાદાસ્પદ જજો પૈકી એક રહ્યા છે.
વર્ષ 2017માં જ્યારે તેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, એ સમયે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ એવા ચાર જજોએ તેમના પર વહેંચણીના નિયમોની દરકાર કર્યા વગર સંવેદનશીલ કેસો અમુક બેન્ચોને જ સોંપવાનો આરોપ કર્યો હતો.
આ સંદર્ભે બીબીસીએ ઇમેઇલ અને ટેક્સ્ટ મૅસેજ મારફતે નિવૃત્ત ન્યાયાધીશ મિશ્રાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
સુપ્રીમ કોર્ટના વધુ એક નિવૃત્ત ન્યાયાધીશ મદન લોકુરે આ અંગે કહ્યું કે, "આ પહેલાં પણ લવાદના નિર્ણયો રદ કરાયા છે. પરંતુ આ મામલામાં શરમિંદા કરનારી વાત એ છે કે આ નિર્ણય ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશનો નિર્ણય હતો અને તેને રદ કરવાનું કારણ એ હતું કે એ નિર્ણય કૉપી કરેલો હતો. જોકે, આ મામલામાં અન્ય બે પંચો પણ જવાબદાર છે, કારણ કે તેમણે પણ આ નિર્ણયમાં કંઈ ખોટું ન દેખાયું."
સિંગાપોરની કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલો સિંગાપોરની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો એ પહેલાં ત્યાંની એક કૉમર્શિયલ કોર્ટે પણ 'કૉપી-પેસ્ટ'ની દલીલને આધારે આ નિર્ણયને રદ કરવાનો આદેશ આપ્યો હતો.
આ નિર્ણયને સિંગાપોરની સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. જેમાં અરજદારે એવી દલીલ કરી હતી કે લવાદ દ્વારા અન્ય સમાંતર લવાદના નિર્ણયોના પૅરેગ્રાફનો ઉપયોગ કરાયે એ વાત 'વાંધાજનક' નહોતી.
અરજદારે કહ્યું કે, "જજ આ લવાદના નિર્ણય અને સમાંતર લવાદના નિર્ણયોની સમાનતા મામલે ખોટી રીતે અને અનુચિતપણે 'બેચેન' હતા. આ વાતની આ લવાદના નિર્ણય પર ખરા અર્થમાં કોઈ અસર નહોતી."
જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલો ફગાવી દીધી.
કોર્ટે નોંધ્યું કે માત્ર કૉપી કરવાની વાત વાંધાજનક ન પણ હોઈ શકે. પરંતુ કૉપી કરેલી સામગ્રીમાં કરાર સંબંધી કલમો, દલીલો અને કાયદાકીય પૂર્વવર્તી ચુકાદા સામેલ હતા, જે સિંગપોરની કોર્ટ સમક્ષ કરાયેલા લવાદનો હિસ્સો પણ નહોતા.
સિંગાપોર સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે આ વાત બતાવે છે કે મિશ્રા દ્વારા કેસનો ચુકાદો 'પૂર્વનિર્ધારિત' હતો અને આ કેસમાં નિર્ણય પર આવવાની પ્રક્રિયા 'ગેરવાજબી' હતી.
કોર્ટે નોંધ્યું કે, "નિર્ણયઘડતરની પ્રક્રિયાની પ્રામાણિકતા સાથે સમાધાન થયું હતું અને સ્પષ્ટપણે પક્ષપાતનો આરોપ કરાયો છે."
ભારતીય મધ્યસ્થતા
આ નિર્ણય એવા ટાણે આવ્યો છે જ્યારે ભારત પોતાની જાતને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીના હબ સ્વરૂપે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતમાં મધ્યસ્થીના ક્ષેત્રને 'ઓલ્ડ બૉય્ઝ ક્લબ' કહેવાય છે, જેમાં નિવૃત્ત જજોનું વર્ચસ્વ છે. મધ્યસ્થીના કેન્દ્રમાં મનાતા અન્ય દેશોમાં આને ફુલ ટાઇમ વ્યવસાય તરીકે જોવામાં આવે છે.
પ્રોફેસર બ્રેકોઉલાકિસ જણાવે છે કે, "એક વ્યાપક ધારણા છે કે ભારતીય મધ્યસ્થીનું નેતૃત્વ સામાન્ય રીતે નિવૃત્ત જજો કરે છે, જે પોતાની ભૂમિકાને ન્યાય માનસિકતા અને અધિકારની ભાવના સાથે ભજવે છે. આ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની અપેક્ષાઓ અને માપદંડો સાથે મેળ નથી ખાતો."
જોકે, આને સુધારવાના પ્રયાસ કરાયા છે. બ્રેકોઉલાકિસ માને છે કે "વારસાની આદતો આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીના કેન્દ્ર સ્વરૂપે ભારતની વિશ્વસનીયતાને કમજોર કરી રહી છે."
તેમણે કહ્યું કે આ નિર્ણય મધ્યસ્થી તરીકે જસ્ટિસ મિશ્રાની પ્રતિષ્ઠાને પણ "પ્રભાવિત" કરી શકે છે.
કેટલાકને ભય છે કે આનાં હજુ વધુ ખરાબ પરિણામ આવી શકે છે.
સૂદે આશંકા વ્યક્ત કરી કે આ પ્રકારના નિર્ણય "સંભવિતપણે" ભારતીય મધ્યસ્થીઓ વિશે એક નિશ્ચિત દૃષ્ટિકોણને વેગ આપી શકે છે.
જાણકારોએ એવું પણ કહ્યું છે કે આ ઉદાહરણ એટલા માટે ઉલ્લેખનીય છે, કારણ કે મધ્યસ્થીઓના આદેશોને રદ કરતી વખતે તેમનું નામ લેવાની વાત અસામાન્ય છે.
ન્યાયિક લેખન

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરની કોર્ટના આ નિર્ણયના કારણે ભારતમાં ન્યાયિક લેખન અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ભારતના ન્યાયિક લેખનની ટીકા એ વાતે પણ થાય છે કે એ ખૂબ લાંબું હોય છે, અને ઘણી વાર યોગ્ય ઉલ્લેખો વિનાનું હોય છે.
દિલ્હીના એક વકીલ દીપક જોશી કહે છે, "ભારતીય નિર્ણયો ઘણી ખરી હદે અગાઉનાં ઉદાહરણો પર આધારિત હોય છે, જ્યાં તેઓ ભૂતકાળના નિર્ણયો અને પૅરેગ્રાફનો ભરપૂર પ્રમાણમાં સંદર્ભ રજૂ કરે છે."
તેમણે કહ્યું કે, "ન્યાયિક વ્યક્તિઓને વર્ષોથી જે પ્રકારની ટ્રેનિંગ અપાઈ રહી છે, તેની અસર મધ્યસ્થી પર પણ પડી છે."
દીપક જોશી કહે છે કે ઘણા અન્ય દેશોની સુપ્રીમ કોર્ટના નિર્ણય ભારતની સુપ્રીમ કોર્ટ કરતાં ખૂબ ટૂંકા હોય છે.
દીપક જોશીએ ભારતીય શિક્ષણવિદ ડૉ. ઉપેન્દ્ર બક્ષીના એક લેખ તરફ ઇશારો કર્યો, જેમાં તેમણે લખ્યું છે કે 1980ના દાયકા પહેલાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોમાં બંધારણીય કાયદાના સ્કૉલર વીકે ત્રિપાઠીનાં કાર્યોમાંથી "આખો પૅરેગ્રાફ"નો ઉપયોગ તેમનો હવાલો આપ્યા વગર કરાતો હતો.
ભૂતકાળમાં ભારતીય કોર્ટો સામે 'કૉપી-પેસ્ટ' અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.
વર્ષ 2015માં, દિલ્હી હાઇકોર્ટે બે શિક્ષણવિદો દ્વારા એવું બતાવાયા બાદ માફી માગી હતી કે એક નિર્ણયમાં તેમનાં સંશોધનપત્રોના ઘણા પૅરેગ્રાફને યોગ્ય શ્રેય આપ્યા વગર જ સામેલ કરી લેવાયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












