સુરત : 'ભણવામાં હોશિયાર અને ડૉક્ટર બનવા ઇચ્છતી' દીકરીના આપઘાત મામલે શું-શું ખુલાસા થયા?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
સુરતના ગોડાદરા વિસ્તાર ધોરણ આઠની વિધાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું ખરું કારણ તો હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ 20 જાન્યુઆરીના દિવસે બનેલી આ ઘટના બાદ શુક્રવારે આ કેસમાં શિક્ષણ વિભાગની તપાસ કમિટીનો વચગાળાનો રિપોર્ટ આવ્યો છે.
વિદ્યાર્થિનીના પરિવારે શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યા છે. તેમનું માનવું છે કે શાળાની ફી સમયસર ન ભરી શકવાને કારણે વિદ્યાર્થીને શાળાના સંચાલકો દ્વારા જાહેરમાં શિક્ષા કરી અપમાનિત કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો છે.
તો શાળા સંચાલકોએ પરિવારના આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં ગોડાદરા પોલીસમથકમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીના આઘાતના આ પ્રકરણમાં હવે સુરતનું રાજકારણ પણ ગરમાયું છે. આપ સહિતની વિપક્ષી રાજકીય પાર્ટીના કાર્યકરો શાળા બહાર વિરોધ પ્રદર્શન કરી શાળા પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

કેવી રીતે બની સમગ્ર ઘટના?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
મૃતક વિદ્યાર્થિની એક સામાન્ય પરિવારની દીકરી હતી, જેના પિતા ડ્રાઇવર તરીકે કામ કરે છે જ્યારે માતા કરિયાણાની દુકાન ચલાવે છે. છ વર્ષની નાની બહેન છે તેમજ ભાઈ કૉમ્પ્યૂટર શીખી રહ્યો છે. પરંતુ અચાનક દીકરીને ગુમાવી દેવાથી પરિવાર હાલ શોકમગ્ન છે.
ભીની આંખો સાથે વિદ્યાર્થિનીનાં માતાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમારે કરિયાણાની દુકાન છે જ્યાં હું રોજ બેસું છું અને સાંજે સાત વાગ્યે જ્યારે ઘરે પૂજાપાઠ માટે જાઉં છું ત્યારે દીકરી દુકાન પર આવે છે એજ રીતે 20 તારીખે સાંજે નાની દીકરી તેને બોલાવવા ગઈ હતી પરંતુ તેને દરવાજો ન ખોલતા હું ઘરે પહોંચી અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેણીએ દરવાજો ન ખોલ્યો જેથી મેં આજુબાજુવાળા લોકોને બોલાવી દરવાજો ખોલાવડવ્યો, ત્યારે મારી દીકરી અંદર પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્યાર્થિનીનાં માતાએ જણાવ્યું કે આ બધું થયું એ દરમિયાન દીકરીના પિતા કામ પર ગયા હતા.
તેમણે જણાવ્યું કે, "તે દરમિયાન તેના પિતા કામ પર ગયા હતા જેમને મેં ફોન કરીને બોલાવ્યા અને ઍમ્બ્યુલન્સ મારફતે અમે તેણીને સ્મીમેર હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે કહ્યું કે તેનું મોત થયું છે."
ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસમથકમાં ગુનો દાખલ થયો છે.
સુરતના ગોડાદરા પોલીસમથકના એસીપી વી.એમ.જાડેજાએ બીબીસીને જણાવ્યું કે ઘટનાની જાણ થતાં 21 જાન્યુઆરીના રોજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર પ્રકરણમાં આડોશી પાડોશી પરિવારજનો અને શાળા સંચાલકોનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે પરંતુ હજી સુધી આપઘાત પાછળના ચોક્કસ કારણની જાણી નથી થઈ.
વી.પી.જાડેજાએ કહ્યું કે,"હાલ સમગ્ર મામલે અમારી ટીમ તપાસ કરી રહી છે."
શું છે વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું કારણ?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સમગ્ર ઘટના બાદ પરિવારે વિદ્યાર્થિની જે શાળામાં ભણતી હતી તે આદર્શ પબ્લિક શાળાના સંચાલકો સામે હેરાનગતિના અને દુષ્પ્રેરણાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારનો આરોપ છે કે સમયસર ફી ન ભરી શકવાને કારણે સ્કૂલ દ્વારા તેને શિક્ષા કરવામાં આવી હતી જે બાદ તેણે આ પગલું ભર્યું છે.
વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા મુજબ 'તેમની દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. છેલ્લી પરીક્ષા માટે 85 ટકા સાથે ઉત્તીર્ણ થઈ હતી. અને મોટી થઈને તે ડૉક્ટર બનવા ઇચ્છતી હતી. પરંતુ આ ઘટના બાદ પરિવારે આશસ્પદ દીકરી ગુમાવી છે.'
વિદ્યાર્થિનીના પિતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, "મારી દીકરી છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ ચિંતાગ્રસ્ત હતી. 10 તારીખના રોજ તેને શાળામાં મૌખિક પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી અને તેને ક્લાસરૂમ બહાર આખો દિવસ ઊભી રાખવામાં આવી હતી. તે દિવસે ઘરે આવ્યા બાદ તે ખૂબ જ રડી હતી અને તેની માતાને સમગ્ર વાત જણાવી હતી."
તેમણે વધુમાં કહ્યું કે, "આચાર્ય દ્વારા કરવામાં આવેલા વ્યવહારને કારણે 10 તારીખ બાદ તે રોજ શાળાએ જતી ન હતી. મારી દીકરીની ચાલુ વર્ષની જ ફી બાકી હતી જેથી મેં અને મારાં પત્નીએ આચાર્યને વાત પણ કરી હતી ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે ફી ભર્યા બાદ અમે તેની મૌખિક પરીક્ષા લઈ લઈશું. પરંતુ ત્યાર બાદ પણ મારી દીકરી મૂંઝાયેલી રહેતી હતી અને આખરે તેણે આ પગલું ભરી લીધું."
ઑડિયા ક્લિપ અને શાળાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
વિદ્યાર્થીના આપઘાત બાદ શાળાના સંચાલકોએ ફી મુદ્દે વાલીઓના આક્ષેપને નકારી દીધા હતા અને તે મુદ્દે કોઈ દબાણ કરવામાં ન આવતું હોવાનું દાવો કર્યો હતો. પરંતુ બાદમાં વિદ્યાર્થિનીનાં માતાએ શાળાના આચાર્ય દ્વારા કરાયેલો ફોનકૉલનો ઑડિયો જાહેર કર્યો હતો.
વાયરલ થયેલી આ ઑડિયો ક્લિપમાં માતા અને આચાર્યની વાતચીતમાં આચાર્ય એ જાતે સ્વીકાર્યું છે કે વિદ્યાર્થિનીની ફી ન ભરી હોવાને કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી.
બીજી તરફ શાળાનો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થિનીને 81 મિનિટ સુધી કૉમ્પ્યૂટર લૅબમાં બેસાડી રાખવામાં આવી હોવાનું જણાય આવે છે .
આ અંગે શાળાના ટ્રસ્ટી મુકેશ પારાસરે મીડિયા સમક્ષ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ફી મુદ્દે તો વાલીઓ સાથે વાત કરી જ શકીએ છીએ, રહી વાત કૉમ્પ્યૂટર લૅબમાં બેસાડી રાખવાની તો તેની પાછળનું કારણ બીજું કોઈ પણ હોઈ શકે છે, તેને અમે ખુરશી પર બેસાડી હતી ના કે નીચે બેસાડી રાખી હતી.
આ પ્રકારના જવાબો આપી શાળાના આચાર્યએ તમામ આરોપોને ફગાવ્યા છે.
શિક્ષણ વિભાગે હાથ ધરી તપાસ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને ફી માટે હેરાનગતિ કરવામાં આવી હતી કે કેમ એ વિશે ગોડાદરા એસીપીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,"આપઘાતનું કારણ જાણવાના પ્રયાસ પોલીસ કરી રહી છે. વિદ્યાર્થિની પર કોઈ પ્રેશર હતું કે કેમ તે તમામ બાબતો તપાસમાં ધ્યાને લેવાય રહી છે. શાળા બાબતની તપાસ છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.જે પણ કસૂરવાર જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે."
તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે વર્ગ 2 ના પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ તપાસ કમિટીએ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે અને શિક્ષકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે."
તેમણે કહ્યું કે, "સમગ્ર મામલે ટીમ દ્વારા સીસીટીવી પણ અને તમામ ઑડિયો ક્લિપ સાંભળી રિપોર્ટ તૈયાર કરાશે ત્યાર બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે."
તપાસ કમિટીના વચગાળાના રિપોર્ટમાં શું છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
શુક્રવારે ગોડાદરા વિસ્તારની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાત બાબતનો રિપોર્ટ તાપસ કમિટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે શાળા એક બંગલામાં ચાલી રહી છે અને આચાર્ય રેગ્યુલર નથી.
જિલ્લા શિક્ષણ અધિકારી પરમારે જણાવ્યું કે રિપોર્ટ પ્રમાણે શાળા દ્વારા બેદરકારી આચરવાનું સામે આવ્યું છે.
તેમણે જણાવ્યું કે દસ તારીખે પરીક્ષા હતી જે વિદ્યાર્થિનીને આપવામાં દેવામાં નહોતી આવી. શાળા મંડળે આ બાબતે ગંભીર બેદરકારી રાખી છે. પરંતુ કહેવામાં આવ્યું છે કે 11 તારીખે તેની પરીક્ષા લેવાઈ હતી ત્યાર બાદથી તે શાળામાં હાજર થઈ નહોતી.
ઉપરાંત તપાસમાં બહાર આવ્યું કે આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી ઍક્ઝિટ અથવા પોતાનું રમતગમતનું મેદાન પણ નથી. શાળા પાસે મેદાન ન હોવાથી તમામ કાર્યક્રમો રસ્તા પર જ કરવામાં આવે છે.
વિદ્યાર્થિનીના આપઘાત બાદ સુરત શહેરમાં રાજકારણીઓ સહિત વિદ્યાર્થી સંઘ પણ શૈક્ષણિક વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સમગ્ર ઘટનાને પગલે એનએસયુઆઈ અને યૂથ કૉંગ્રેસે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષણ અધિકારી સામે જ એનએસયુઆઈ અને યૂથ કૉંગ્રેસે શર્ટ ઉતારી વિરોધ કર્યો અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી હતી.
આ દરમિયાન વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યૂથ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું.
આ પહેલાં ગોડાદરા ખાતે આદર્શ પબ્લિક સ્કૂલ પર પહોંચી આપ અને અન્ય વિપક્ષી પાર્ટીના કાર્યકરોએ શાળા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમણે શાળાના વહીવટીતંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી આ દરમ્યાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ શાંત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















