અમેરિકામાં ટ્રમ્પની શપથવિધિ પહેલાં વિરોધ, અનેક લોકો રસ્તા પર ઊતર્યા

    • લેેખક, રેચલ લૂકર
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગટન

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે એ પહેલાં શનિવારે હજારોની સંખ્યામાં લોકો વૉશિંગટન ડીસી ખાતે પ્રદર્શન માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. જેમાં મોટા ભાગે મહિલાઓ હતી.

અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી આ પીપલ્સ માર્ચ વર્ષ 2017થી દર વર્ષે યોજાય છે.

આની વેબસાઇટમાં આપેલી માહિતી અનુસાર ગ્રૂપોના એક ગઠબંધને 'ટ્રમ્પવાદ'નો સામનો કરવાના હેતુ સાથે આ ચળવળ આયોજિત કરી હતી. ન્યૂયૉર્ક અને દેશના સાવ બીજા છેડે સીએટલમાં નાનાં નાનાં પ્રદર્શનો આયોજિત કરાયાં હતાં.

આ રેલીઓ ત્યારે યોજાઈ હતી જ્યારે ટ્રમ્પ સોમવારે પોતાની શપથવિધિ પહેલાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપવા દેશના પાટનગરમાં પહોંચ્યા હતા.

જોકે, વૉશિંગટન ડીસી ખાતે યોજાયેલી આ પીપલ્સ માર્ચમાં શનિવારે પહેલાં કરતાં ઓછા લોકો જોવા મળ્યા.

આયોજકોની 50 હજારની અપેક્ષા સામે પાંચ હજાર લોકો આમાં હાજર રહ્યા હતા.

રેલી માટે લિંકન મેમોરિયલ પહોંચતા પહેલાં પ્રદર્શનકારીઓ ત્રણ પાર્કમાં ભેગા થયા હતા.

વેબસાઇટ અનુસાર આ પ્રદર્શનનાં આયોજક જૂથોને 'પ્રતિચ્છેદક ઓળખ' ધરાવતાં અને ક્લાઇમેટ ચેન્જ, ઇમિગ્રેશન અને મહિલા અધિકાર જેવી 'મુદ્દા આધારિત બાબતો'ના જુદા જુદા હેતુ ધરાવતાં જૂથો તરીકે રજૂ કરાયાં છે.

આ પીપલ્સ માર્ચમાં આવેલી મહિલાઓએ બીબીસીને જણાવ્યું કે તેમના આ માર્ચમાં જોડાવવા પાછળ ઘણાં કારણો હતાં.

બ્રૂક નામનાં એક પ્રદર્શનકારીએ કહ્યું કે તેઓ ગર્ભપાતની સુલભતા માટે પોતાનો ટેકો જાહેર કરવા માગતાં હતાં.

તેમણે કહ્યું, "આપણા દેશે જે રીતે મત આપ્યા એનાથી હું બિલકુલ ખુશ નથી."

"હું એ વાતથી ઘણી દુ:ખી છું કે આપણા દેશે એક એવા રાષ્ટ્રપતિને ચૂંટ્યો છે, જેઓ એક વખત આપણને નિષ્ફળ બનાવી ચૂક્યા છે, તેમજ હું એ વાતથી પણ દુ:ખી છું કે આપણે એક મહિલાને આ પદ પર ન પહોંચાડી."

કેલા નામનાં એક મહિલાએ કહ્યું કે તેઓ લાગણીઓના મિશ્રણને કારણે દેશના પાટનગરના રસ્તા પર ઊતરી આવ્યાં છે.

તેઓ કહે છે કે, "સાચું કહું તો હું માત્ર પાગલ છું, દુ:ખી છું અને અભિભૂત છું."

ટ્રમ્પના એજન્ડા સામે પ્રતિરોધનું પ્રતીક

પીપલ્સ માર્ચની શરૂઆત વર્ષ 2016માં જ્યારે હિલરી ક્લિન્ટન રાષ્ટ્રપતિની રેસમાં હાર્યાં એ સમયે થઈ હતી.

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળની શપથવિધિના એક દિવસ પહેલાં મહિલાઓએ વિરોધપ્રદર્શન માટેની હાકલ કરી અને હજારો મહિલાઓ ભેગી થઈ ગઈ.

આ પ્રદર્શન દેશના પાટનગરથી ક્યાંય આગળ વધી ગયું અને તેમાં આખા દેશમાંથી લાખો મહિલાઓ રિપબ્લિકન રાષ્ટ્રપતિનો વિરોધ કરવા માટે 'પુસ્સી હેટ' સાથે નીકળી પડ્યાં હતાં.

નોંધનીય છે કે 'પુસ્સી હેટ' એ એ ડોનાલ્ડ ટ્રમ્પની એક લીક થયેલી ટૅપનો સંદર્ભ આપતી હતી, જેમાં તેઓ મહિલાઓનાં જનનાંગો પકડ્યાંની વાતની બડાશ હાંકતાં સંભળાય છે.

તેનાં પછીનાં વર્ષોમાં આ વીમેન્સ માર્ચ ટ્રમ્પના એજન્ડા સામેના કહેવાતા પ્રતિરોધના એક ભાગ તરીકે જળવાઈ રહી.

જોકે, પ્રથમ માર્ચ પછી કોઈ માર્ચમાં આટલી ભારે સંખ્યામાં લોકો નથી જોવા મળ્યા.

આ માર્ચના આયોજન દરમિયાન જ ટ્રમ્પ વૉશિંગટન ડીસીમાં આવી પહોંચ્યા, અહીં તેઓ પોતાની શપથવિધિ સમારોહની શરૂઆતના પ્રસંગોમાં હાજર રહેવા આવ્યા હતા.

પહેલાં કરતાં ઓછા લોકો માર્ચમાં જોડાયા

આયોજકોએ કહ્યું કે તેઓ 'આપખુદો સામે ભૂતકાળની સફળતાઓ અને કાર્યક્ષમ વ્યૂહરચનાઓ તરફ ધ્યાન દોરી' ટ્રમ્પનો સામનો કરવાનો હેતુ ધરાવતાં હતાં.

શનિવારે વૉશિંગટન મોન્યુમેન્ટ ખાતે ટ્રમ્પના ટેકેદારોનું પણ એક નાનકડું જૂથ હાજર હતું. લાલ રંગની 'મૅક અમેરિકા ગ્રેટ અગેન' સૂત્રોવાળી ટોપી પહેરેલા લોકોને જોઈને પીપલ્સ માર્ચના એક નેતા મેગાફોનમાં 'નો ટ્રમ્પ, નો કેકેકે'નાં સૂત્રો પોકારતાં આગળ વધતાં દેખાયા.

આ લોકો પૈકી એક ટીમથી વૉલિશે ઍસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેમના મિત્રોએ એક ફેરિયા પાસેથી આ ટોપીઓ ખરીદી હતી.

ઇડાહોના પોકેટેલોના 58 વર્ષીય વૉલિશે કહ્યું કે પીપલ્સ માર્ચના દેખાવકારોને પ્રદર્શનનો 'પૂરો અધિકાર' હતો. જોકે, તેઓ કડવાશને કારણે અવઢવમાં મુકાઈ ગયા હતા.

તેમણે કહ્યું, "આપણે એક દેશ તરીકે ક્યાં છીએ એ વાત ખૂબ જ દુ:ખદાયક છે."

અન્ય એક પ્રદર્શનકારી જેની સાથે બીબીસીએ વાત કરી તેઓ ખાસ માર્ચ માટે જ વૉશિંગટન આવ્યા હતા.

સુશી સાન ફ્રાન્સિસ્કોથી પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યાં હતાં. તેઓ નિકટમાં જ રહેતાં પોતાનાં બહેન સાથે પ્રદર્શનમાં સામેલ થવા ગયાં હતાં. આ બંને બહેનોએ ટ્રમ્પના પ્રથમ શપથવિધિ સમારોહ પહેલાં યોજાયેલી માર્ચમાં પણ ભાગ લીધો હતો.

સુશી વર્ષ 2017માં ભેગી થયેલી ભીડને યાદ કરે છે. તેમણે કહ્યું કે તેમને લાગી રહ્યું હતું કે લોકો ટ્ર્મ્પની નીતિઓ સામે ફરી વાર રસ્તા પર ઊતરી પડશે.

તેમણે કહ્યું, "આ વખત દાવ પર ઝાઝું લાગેલું છે."

"ટ્રમ્પ ઉત્સાહમાં છે, તેની સામે ધનિક વર્ગ અને ટેકનૉલૉજીના માંધાતાઓને પોતાની સામે માથું ઝુકાવી રહ્યા છે."

એને કહ્યું કે આખા અમેરિકામાં પ્રદર્શનકારીઓ 'રંગમાં નથી.' ગત નવેમ્બર માસમાં ટ્રમ્પે સાતેય મુશ્કેલ ગઢ મનાતાં રાજ્યોમાં જીત મેળવીને પૉપ્યુલર મતો હાંસલ કર્યા છે.

પરંતુ તેમણે ઉમેર્યું, "અમે હજુ અહીં જ છીએ અને અમે પ્રતિકાર કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.