જ્યારે વાવાઝોડાની વચ્ચે આકાશમાંથી 63 કિલોમીટરની ઝડપે ઍસ્ટરૉઇડ પૃથ્વી પર પડ્યો તો શું થયું?

ખગોળશાસ્ત્ર, ઍસ્ટરૉઇડ, વૈજ્ઞાનિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍસ્ટરૉઇડ પ્રતીકાત્મક તસવીર

ઉત્તર ફિલિપીન્ઝમાં પાંચમી સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ એક અતિશય તેજપુંજ ધરાવતો ચમકદાર અગનગોળો જોવા મળ્યો હતો.

નાસાએ પુષ્ટિ કરી હતી કે આ અગનગોળો એ બીજું કંઈ જ નહીં પરંતુ ‘અતિશય નાનો ઍસ્ટરૉઇડ’ હતો, જે વાતાવરણમાં સળગી ઉઠ્યો હતો.

આ ખગોળીય ઘટના કૅમેરા પર કેદ થઈ હતી અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે તેને લોકોએ શૅર કરી હતી.

યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે, “તે અંદાજે એક મીટર એટલે કે 3.2 ફૂટ જેટલો વ્યાસ ધરાવતો હતો.

આમ, તો એ કોઈને હાનિ પહોંચાડી શકે એટલો મોટો ન હતો પરંતુ તેના કારણે એક ‘તેજસ્વી અગનગોળો’ રચાયો હતો.”

એજન્સીએ કહ્યું હતું કે આટલું કદ ધરાવતો ઍસ્ટરૉઇડ દર બે અઠવાડિયે પૃથ્વી સાથે ટકરાતો હોય છે અને આવું ફક્ત નવમી વાર બન્યું છે કે તે પૃથ્વીના વાતાવરણને અસર કરે એ પહેલાં જ દેખાયો હોય.

આ ઍસ્ટરૉઇડ દેખાવાની પુષ્ટિ કૅટલિના સ્કાય સર્વેએ કરી હતી. આ સંસ્થા યુનિવર્સિટી ઑફ એરિઝોના ચલાવે છે અને નાસા તેને ફંડ આપે છે.

ઍસ્ટરૉઇડ શું હોય છે?

ખગોળશાસ્ત્ર, ઍસ્ટરૉઇડ, વૈજ્ઞાનિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં ઍસ્ટરૉઇડ્સને ખગોળશાસ્ત્રીઓ દ્વારા 'આકાશમાં દેખાતી જીવાતો' કહીને નકારી દેવામાં આવતા હતા. આ ખગોળશાસ્ત્રીઓ ઉંડાણપૂર્વકના અવકાશી સંશોધનો કરી રહ્યા હોય ત્યારે ઓચિંતા જ તેમની ફોટોગ્રાફિક પ્લૅટમાં આવી ચડતા આવા નાનકડા ગ્રહો તેમના સંશોધનમાં ખલેલ પહોંચાડતા હતા.

આજે વિશ્વભરના ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો અને વૈજ્ઞાનિકો માટે ઍસ્ટરૉઇડ્સ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

સામાન્ય શબ્દોમાં તેમને ખગોળીય પિંડ કહેવામાં આવે છે કે જેઓ બ્રહ્માંડમાં વિચરણ કરતા હોય છે. તેઓ ગ્રહો કરતાં આકારમાં નાનાં અને ઉલ્કાપિંડો કરતાં મોટા હોય છે.

મોટાભાગના ઍસ્ટેરૉઇડ્સ ગુરુ અને મંગળ ગ્રહની વચ્ચેની કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. મોટા ગ્રહોના ગુરુત્ત્વાકર્ષણને કારણે તેઓ મોટા ગ્રહો કે બ્રહ્માંડની મોટી ચીજો સાથે ટકરાતા નથી.

યુરોપિયન સ્પેસ એજન્સી પ્રમાણે, થોડાં ઍસ્ટરૉઇડ્સ એ સૂર્યંમંડળના બાહ્ય ભાગમાં એટલે કે શનિ અને યુરેનસ ગ્રહની વચ્ચે જોવા મળે છે.

ઍસ્ટરૉઇડ્સ કેટલા મોટા હોય છે?

ખગોળશાસ્ત્ર, ઍસ્ટરૉઇડ, વૈજ્ઞાનિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યમંડળની પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વૈજ્ઞાનિકોએ અને ખગોળશાસ્ત્રીઓએ અત્યાર સુધીમાં હજારો ઍસ્ટરૉઇડ્સ શોધ્યા છે અને દર વર્ષે આવા વધુને વધુ ઍસ્ટરૉઇડ્સ મળી આવે છે.

તેમાંથી અમુક ઍસ્ટરૉઇડ્સ જ એટલા મોટા હોય છે કે જેમને આપણે નાનો ગ્રહ કહી શકીએ.

સીરેસ નામનો ઍસ્ટરૉઇડ્સ સૌથી મોટો છે જેનો વ્યાસ 933 કિલોમીટર છે. એ સિવાય અત્યાર સુધીમાં 26થી વધુ ઍસ્ટરૉઇડ્સ એવા મળી આવેલા છે કે જેમનો વ્યાસ 200 કિલોમીટર કરતાં વધુ હોય.

મોટાભાગના ઍસ્ટરૉઇડ્સ કોલસા જેવા અતિશય કાળા હોય છે અને કાર્બનથી ભરપૂર હોય છે.

યુરોપિયન સ્પેસ એજન્સી અનુસાર, એવી સંભાવના છે કે કાર્બનથી ભરપૂર આ ઍસ્ટરૉઇડ્સ એ 4.7 અબજ વર્ષો પહેલાં બનેલી સોલર સિસ્ટમમાંથી બચી ગયેલા અવશેષો હશે.

એ સિવાય કેટલાક ચમકદાર અને પથરાળ ઍસ્ટરૉઇડ્સ પણ જોવા મળે છે જે નિકલ-આયર્ન અને મેગ્નેશિયમથી બનેલા હોય છે. અમુક એવા પણ હોય છે જે સંપૂર્ણપણે શુદ્ધ નિકલ અને આયર્નના બનેલા હોય છે.

તાજેતરમાં દેખાયેલા ઍસ્ટરૉઇડ્સનું નામકરણ વૈજ્ઞાનિકોએ RW1 કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.