નુસરત ફતેહઅલી ખાન : 48 વર્ષની જિંદગીમાં 'સ્વર્ગના અવાજ'થી દુનિયાના કરોડો ચાહકોને દીવાના કર્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

કેટલાક લોકો તેમને 'એલ્વિસ પ્રેસ્લી ઑફ ઈસ્ટ', તો કેટલાક લોકો 'પાકિસ્તાનના બૉબ માર્લી' કહેતા હતા.

પ્રખ્યાત ગાયક પીટર ગેબ્રિયલે તેમના વિશે કહેલું, "મેં કોઈ અવાજમાં આટલી હદ સુધી આત્માની અનુભૂતિ નથી કરી. નુસરત ફતેહઅલી ખાનનો અવાજ એ વાતનું સૌથી મોટું ઉદાહરણ હતો કે કોઈ એક હદે એક ઊંડો અવાજ આત્માને સ્પર્શી અને હચમચાવી શકે છે."

પિયર એલન બૉડ પોતાના પુસ્તક 'નુસરત: ધ વૉઇસ ઑફ ફેથ'માં લખે છે, "એક ભવ્ય વ્યક્તિ સ્ટેજ પર પલાંઠી વાળીને બેઠા છે, તેમના હાથ ફેલાયેલા છે—જાણે ઈશ્વર સાથે સંવાદ કરી રહ્યા હોય. જાપાનના લોકો તેમને 'ગાતા બુદ્ધ' કહીને બોલાવે છે, લૉસ એન્જલસમાં તેમને 'સ્વર્ગનો અવાજ', પેરિસમાં 'પાવારોતી ઑફ ઈસ્ટ' અને લાહોરમાં 'શહનશાહ-એ-કવ્વાલી' કહેવાય છે."

નુસરત દરેક અર્થમાં સામાન્ય માણસોથી અલગ હતા, ભરાવદાર શરીર, ઊંચા સૂરોના માલિક, સેંકડો રિલીઝ આલબમ અને દુનિયાના દરેક ખૂણે કરોડો પ્રશંસક.

હાર્મોનિયમ અને તબલાંનો રિયાઝ

નુસરતના પાકિસ્તાની જીવનચરિત્રકાર અહમદ અકીલ રૂબી અનુસાર, તેમની વંશાવળી ઓછામાં ઓછી નવ પેઢી જૂની છે. નુસરતના દાદા મૌલાબક્ષ એમના જમાનામાં ખૂબ ખ્યાતનામ કવ્વાલ હતા. તેમના પિતા ફતેહઅલી અને કાકા મુબારકઅલીની ભાગલા પહેલાંના ભારતના પ્રખ્યાત કવ્વાલોમાં ગણના થતી હતી.

ભાગલા પછી તેમણે જાલંધરથી લાહોર જઈને વસવાનો નિર્ણય કર્યો. 13 ઑક્ટોબર, 1948એ ફતેહઅલીના ઘરે એક પુત્રનો જન્મ થયો, નુસરત ફતેહઅલી ખાન. તેમના પિતા ઇચ્છતા હતા કે પુત્ર ડૉક્ટર બને, તેથી તેમણે સમજીવિચારીને તેમને સંગીતના માહોલથી દૂર રાખ્યા.

પરંતુ, એક જાણીતો કિસ્સો છે. એક વાર નુસરત હાર્મોનિયમ વગાડવાની કોશિશ કરતા હતા. તેમને ખબર નહોતી કે તેમના પિતા ફતેહઅલી ચુપચાપ રૂમમાં આવી ગયા છે. જ્યારે તેમણે હાર્મોનિયમ વગાડવાનું બંધ કર્યું, ત્યારે તેમને ખબર પડી કે પિતા પાછળ ઊભા છે.

ફતેહઅલી હસ્યા અને બોલ્યા, "તું હાર્મોનિયમ વગાડી શકે છે, પરંતુ શરત એ છે કે તેનાથી તારા અભ્યાસ ઉપર અસર ન થવી જોઈએ."

ત્યાર પછી નુસરતે હાર્મોનિયમની સાથે સાથે તબલાં પર પણ રિયાઝ શરૂ કરી દીધો.

નુસરતે જ્યારે તબલાં વગાડ્યાં

નુસરતે એટલાં સારાં તબલાં વગાડ્યાં કે ત્યાર પછી ફતેહઅલીએ પોતાના પુત્રને ડૉક્ટર બનાવવાનો વિચાર છોડી દીધો અને નક્કી કર્યું કે હવેથી તેમનો પુત્ર લોકોનાં ઘવાયેલાં દિલ પર સંગીતનો મલમ લગાવશે.

ત્યાર પછીથી ફતેહઅલી પોતાના પુત્રને સંગીતની બારીકીઓ શિખવાડવા લાગ્યા, પરંતુ તે વધુ દિવસ સુધી ચાલ્યું નહીં; કેમ કે, ગળાના કૅન્સરના લીધે 1964માં તેમનું મૃત્યુ થઈ ગયું. એ સમયે નુસરત હાઈસ્કૂલની પરીક્ષા આપવાના હતા.

ઈ.સ. 1996માં નુસરત પર એક ટીવી ડૉક્યુમેન્ટરી બની ગઈ હતી, તેમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે યાદ કર્યું હતું, "મારા પિતાજીના ગયા પછી મને સમજાતું નહોતું કે હું શું કરું? એક દિવસ મેં સપનામાં જોયું કે મારા પિતા મને એક જગ્યાએ લઈ ગયા અને મને કહ્યું, ગાવાનું શરૂ કરો. મેં કહ્યું, હું ગાઈ નથી શકતો. તેમણે કહ્યું, તું મારી સાથે ગા. હું તેમની સાથે ગાવા લાગ્યો. જ્યારે મારી આંખ ખૂલી તો મેં જોયું કે હું ગાઈ રહ્યો હતો."

નુસરતે પોતાના કાકા મુબારકઅલીને પોતાનું સ્વપ્ન કહી સંભળાવ્યું, એ જગ્યાનું વર્ણન કર્યું જે તેમણે સપનામાં જોઈ હતી. એ સાંભળતાં જ તેમણે કહ્યું, તે અજમેર શરીફ હતું, જ્યાં નુસરતના પિતા અને દાદા ઘણી વાર ગાતા હતા.

થોડાં વર્ષ પછી જ્યારે નુસરતને અજમેર જવાની તક મળી ત્યારે, લોકો કહે છે કે, તેમણે એ જગ્યા તરત ઓળખી લીધી અને એ જ જગ્યા પર બેસીને તેમણે ગાયું જે જગ્યા તેમણે સપનામાં જોઈ હતી.

ભારતમાં પહેલી વખત રાજ કપૂરે આમંત્રિત કર્યા

પિતાના મૃત્યુ પછી તેમના કાકા મુબારકઅલીએ તેમને તાલીમ આપવાનું બીડું ઉઠાવ્યું.

અહમદ અકીલ રૂબી લખે છે, "ફતેહઅલીએ પોતાના પુત્રને એ જ પ્રકારે તૈયાર કર્યો જે રીતે માળી બીજ વાવતાં પહેલાં જમીનને તૈયાર કરે છે, પરંતુ તેમના કાકા મુબારકઅલીએ તેમને એ રીતે તૈયાર કર્યા, જેમ માળી નવા ઊગેલા છોડને તૈયાર કરે છે. પાકિસ્તાનથી બહાર નુસરત ફતેહઅલીએ પહેલી વાર ભારતમાં ગાયું. ઈ.સ. 1979માં રાજ કપૂરે તેમને પોતાના પુત્ર ઋષિ કપૂરનાં લગ્નમાં ગાવા માટે બોલાવ્યા."

અમિત રંજને 'આઉટલુક' મૅગેઝિનમાં 3 સપ્ટેમ્બર, 2007માં છપાયેલા પોતાના લેખ 'મ્યૂઝિક હિજ દરગાહ'માં તેમના તબલાંવાદક દિલદારહુસૈનને કહેતા દર્શાવ્યા, "શરૂઆતમાં લોકો આવ્યા તો મહત્ત્વ આપ્યા વગર જતા રહ્યા, પરંતુ થોડી વાર પછી તેમની ગાયકીની અસર દેખાવા લાગી. અમે રાત્રે દસ વાગ્યે મહેફિલની શરૂઆત કરી હતી, જે સવારે સાત વાગ્યે પૂરી થઈ. નુસરતે સતત અઢી કલાક સુધી 'હલકા હલકા સુરૂર' ગાઈને લોકોને ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા."

એ જ યાત્રા દરમિયાન નુસરતે અજમેરશરીફમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની મજારે ગાવા અને પોતાના કિશોરાવસ્થામાં જોયેલા સપનાને પૂરું કરવાની ઇચ્છા વ્યક્ત કરી. એક વિદેશી કવ્વાલને પહેલી વખત દરગાહમાં ગાવાની મંજૂરી આપવામાં આવી.

ઘણા દેશોમાં ગાવાનું આમંત્રણ

ઈ.સ. 1981માં નુસરતને બ્રિટનમાં ગાવા માટેનું આમંત્રણ મળ્યું. તેમને સાંભળનારાઓમાં દરેક ધર્મ અને સમુદાયના લોકો સામેલ થતા હતા. ત્યાં તેમણે ઘણા શીખ ગુરુદ્વારામાં પણ પોતાની કૉન્સર્ટ કરી, જેમાં તેમણે ગુરુ ગ્રંથસાહેબમાં લખેલા ઘણા શબદ ગાયા.

પોતાના પિતાની જેમ તેમણે પણ પંજાબના સૂફી સંતો બુલ્લેશાહ, બાબા ફરીદ અને શાહ હુસૈનની રચનાઓ ગાઈ. જેમ જેમ તેમની ખ્યાતિ ફેલાતી ગઈ, તેમ તેમ તેમને નૉર્વે, સ્વીડન, ડેનમાર્ક અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં ગાવા માટે બોલાવવામાં આવવા લાગ્યા.

તેઓ નિયમિત રીતે ખાડી દેશોમાં પણ જવા લાગ્યા, જ્યાં મોટી સંખ્યામાં પાકિસ્તાની અને ભારતીય લોકો રહેતા હતા. 1988માં તેમની કવ્વાલી 'અલ્લા હૂ'એ આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી.

પહેલાં તો તેઓ જલાલુદ્દીન રૂમી, અમીર ખુસરો અને બુલ્લેશાહની રચનાઓ ગાતા હતા, પરંતુ હવે તેમણે આધુનિક શાયરોની કલમને પણ પોતાનો અવાજ આપ્યો.

જાણીતા સંગીત સમીક્ષક પીટર ગેબ્રિયલે તેમના વિશે કહ્યું હતું, "હું જ્યારે પણ તેમનું સંગીત સાંભળું છું, મારી ગરદનના પાછળના ભાગમાં એક ઝણઝણાટી વ્યાપી જાય છે."

પ્રખ્યાત ગાયક મિક જૅગર પણ નુસરતના શિષ્ય થયા

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પણ નુસરત ફતેહઅલી ખાનના જબરજસ્ત પ્રશંસકોમાંના એક છે.

'એશિયા વીક'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "જ્યારે પણ હું નુસરતને સાંભળું છું, હું આધ્યાત્મિક થઈ જાઉં છું. જ્યારે અમે 1992માં વિશ્વકપ જીત્યા હતા, ત્યારે અમે અમારું મનોબળ વધારવા માટે નુસરત ફતેહઅલી ખાનની કૅસેટ સાંભળતા હતા."

ઇમરાનનાં માતા શૌકત મેમોરિયલ હૉસ્પિટલ માટે ભંડોળ ભેગું કરવાના હેતુથી નુસરતે આખી દુનિયામાં કવ્વાલીના ઘણા શો કર્યા.

ઇમરાને એક અનુભવ યાદ કરતાં કહ્યું હતું, "મેં લંડનમાં નુસરતના એક શોમાં પ્રખ્યાત ગાયક મિક જૅગરને આમંત્રિત કર્યા હતા. તેમણે કહેવડાવ્યું કે તેઓ ખૂબ વ્યસ્ત છે, તેથી ફક્ત પાંચ મિનિટ માટે આવી શકે છે. જ્યારે મેં નુસરતને આ વાત જણાવી, ત્યારે તેમણે કહ્યું કે જો મિક આવશે, તો તેઓ શો પૂરો થયા પહેલાં નહીં જઈ શકે. અને એવું જ થયું."

મિક જૅગર આવ્યા અને નુસરતના અવાજથી એટલા પ્રભાવિત થયા કે સતત ત્રણ કલાક સુધી ત્યાં જ બેઠા અને તેમને સાંભળ્યા.

ઇમરાન ખાને જણાવ્યું હતું કે નુસરતે આ કાર્યક્રમો માટે ક્યારેય તેમની પાસેથી કોઈ પૈસા ન લીધા.

નુસરતે અનેક ફિલ્મોમાં ગાયું

નુસરતનો અવાજ ઘણી ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયો. તેમને ભારતીય ફિલ્મો ખૂબ ગમતી હતી. તેમણે રાહુલ રવેલની ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'માં ગાયું. એ સિવાય તેમણે જાવેદ અખ્તરની સાથે 'સંગમ' આલબમ રિલીઝ કર્યું.

તેમની સાથે કામ કર્યા પછી જાવેદ અખ્તરે કહ્યું હતું, "નુસરતે બનાવેલી ધૂનો સાંભળીને લાગતું નથી કે તેને બનાવવામાં આવી છે; એવું લાગે છે, જાણે સીધી દિલમાંથી નીકળી હોય. તેમના માટે સંગીત ધ્યાન જેવું હતું. ગાતાં ગાતાં તેઓ ઘણી વાર ધ્યાનમાં સરી પડતા હતા."

નુસરતે શેખર કપૂરની ચર્ચિત ફિલ્મ 'બૅન્ડિટ ક્વીન'નું સંગીત પણ આપ્યું હતું. તે સમયે શેખર કપૂરે કહ્યું હતું, "નુસરત સાથે કામ કરવું એ ઈશ્વરની સૌથી નજીક જવા સમાન હતું."

વિદેશમાં નામ કમાયા પછી પોતાના દેશમાં માન મળ્યું

1986માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકે નુસરતને એક અંગત કૉન્સર્ટમાં ગાવા માટે આમંત્રિત કર્યા હતા. ઝિયા ઇસ્લામના કટર સ્વરૂપના સમર્થક હતા, જેમાં સંગીતને ખૂબ સારી દૃષ્ટિએ જોવામાં નહોતું આવતું.

પાકિસ્તાનના જાણીતા માનવવિજ્ઞાની અને નુસરતના દોસ્ત એડમ નૈયરે લખ્યું હતું, "ચર્ચા એ હતી કે નુસરતને જનરલ ઝિયાની પુત્રી ઝૅનની સ્પીચ થૅરપી માટે બોલાવવામાં આવ્યા હતા, જેને બોલવામાં મુશ્કેલી પડતી હતી. આ અફવા ત્યારે ખૂબ ચગી, જ્યારે નુસરત અને ઝૅનની સારવાર કરનાર મનોચિકિત્સક બંનેને રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા."

રસપ્રદ વાત એ છે કે વિદેશમાં ખ્યાતિ મળ્યા પછી જ તેમને પોતાના દેશ પાકિસ્તાનમાં સન્માન મળવાનું શરૂ થયું.

તેમણે એક વખત એડમ નૈયરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "અમારા ફૈસલાબાદમાં ખૂબ સારું કાપડ બને છે, પરંતુ લોકો તેને ત્યાં સુધી નથી ખરીદતા, જ્યાં સુધી તેના ઉપર 'મેડ ઇન જાપાન'નો માર્કો ન લાગી જાય. હું અહીંના ઉચ્ચ વર્ગ માટે ફૈસલાબાદના એ કાપડ જેવો છું."

સિએટલ યુનિવર્સિટીમાં સંગીત ભણાવ્યું

સપ્ટેમ્બર 1992થી માર્ચ 1993 સુધી નુસરત ફતેહઅલી ખાને અમેરિકાની સિએટલ યુનિવર્સિટીમાં સંગીત ભણાવ્યું હતું.

તેમને નજીકથી ઓળખનાર કૅલિફોર્નિયા યુનિવર્સિટીનાં પ્રોફેસર હિરોમી લોરેન સકાતાએ પોતાના લેખ 'રિમેમ્બરિંગ નુસરત'માં લખ્યું હતું, "એ દિવસોમાં નુસરત સિએટલમાં ટી-શર્ટ અને શૂઝ પહેરેલા જોવા મળતા હતા. ઘણી વાર તેઓ સ્થાનિક ભારતીય અને પાકિસ્તાની કરિયાણાની દુકાનોમાંથી ખરીદી કરતા જોવા મળતા. ઘણી વખત બીજા ગ્રાહક તેમને ઓળખીને તેમની સાથે વાત કરવાની કોશિશ કરતા હતા."

તેમનું પાંચ બેડરૂમવાળું ઘર હંમેશાં તેમના દોસ્તો, ચાહકો અને વિદ્યાર્થીઓની ભરેલું રહેતું હતું. નુસરતને અહીંની હળવાશભરી ગુમનામી પસંદ હતી, કેમ કે તેઓ અહીં એ બધું કરી શકતા હતા જેની તેઓ પાકિસ્તાનમાં કલ્પના પણ કરી શકતા નહીં. તેઓ અઠવાડિયાના ત્રણ દિવસ ભણાવતા હતા અને બાકીના દિવસોમાં અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં શો કરતા હતા."

ગાયનની રેન્જ વધારી

આખી દુનિયા અને પાકિસ્તાનમાં ગાયા પછી મળેલા અનુભવથી નુસરતે પોતાના ગાયનની રેન્જ વધારી દીધી હતી.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "શરૂઆતમાં હું મારા પિતા અને કાકાની જેમ શુદ્ધ શાસ્ત્રીય સંગીત ગાતો હતો. પછી મેં તેમાં થોડી છૂટ લેવાની શરૂઆત કરી અને લોકસંગીત અને સુગમ સંગીતને પણ મારા ભાથામાં સામેલ કર્યાં. મેં સમજીવિચારીને ખૂબ ગૂઢ શાસ્ત્રીય રચનાને સરળ બનાવી, જેથી સામાન્ય લોકો પોતાને તેની સાથે જોડાયેલા અનુભવી શકે. પછી મેં રોમૅન્ટિક ગાવાનું પણ શરૂ કરી દીધું."

ઘણાં વર્ષો સુધી સતત ગાવાના લીધે નુસરતના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ રહી હતી. તેમની ખરાબ જીવનશૈલીએ તેમના પહેલાંથી ખરાબ સ્વાસ્થ્યને વધુ બગાડ્યું હતું.

ઈ.સ. 1993માં અમેરિકામાં થયેલી મેડિકલ તપાસમાં ડૉક્ટરોને જાણવા મળ્યું કે તેમને ઘણા હાર્ટ ઍટેક આવી ચૂક્યા છે, જેના વિશે તેમને ખબર નહોતી પડી. તેમના કિડનીના ઑપરેશનમાં ઘણી પથરીઓને કાઢવામાં આવી હતી.

હાર્ટ ઍટેકથી મૃત્યુ

લાહોરમાં નુસરત અત્યંત વ્યસ્ત જીવન જીવતા હતા. તેમને ઘણી સૂફી મજારો અને ખાનગી મહેફિલોમાં ગાવા માટે બોલાવવામાં આવતા હતા. તેમને તેમનાં પત્ની નાહીદ અને પુત્રી નિદાની સાથે પણ સમય પસાર કરવાનો ખૂબ ઓછો સમય મળતો હતો.

ઈ.સ. 1995માં તેમના છેલ્લા યુરોપ પ્રવાસમાં તેઓ ખૂબ બીમાર પડી ગયા હતા. જેના કારણે તેમના ઘણા શો કૅન્સલ કરવામાં આવ્યા. સંગીતના વિવેચકો નોંધી રહ્યા હતા કે તેમની ઊર્જામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.

અમેરિકામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે 11 ઑગસ્ટ, 1997એ તેઓ લાહોરથી અમેરિકા જતા વિમાનમાં બેઠા. રસ્તામાં તેમની તબિયત બગડી અને તેમને લંડનમાં ક્રૉમવેલ હૉસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં 16 ઑગસ્ટે તેમને હાર્ટ ઍટેક આવ્યો અને માત્ર 48 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

આ એક વિચિત્ર સંયોગ હતો કે 20 વર્ષ પહેલાં, 1977માં આ જ દિવસે સંગીતના એક બીજા દિગ્ગજ એલ્વિસ પ્રેસ્લીનું નિધન થયું હતું.

દુનિયાના 50 મહાન ગાયકોની સૂચિમાં સામેલ

2006માં 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'એ તેમને 20મી સદીના સાઠ એશિયન હીરોઝમાંના એક તરીકે પસંદ કર્યા.

2007માં ભારતીય મૅગેઝિન 'આઉટલુક'એ લખ્યું, "તેમના મૃત્યુના એક દાયકા પછી પણ નુસરત દુનિયામાં ભારતીય ઉપખંડના સૌથી વધુ પ્રસિદ્ધ ગાયક છે."

અમેરિકન નેટવર્ક 'નૅશનલ પબ્લિક રેડિયો' અનુસાર, એલ્વિસ પ્રેસ્લી કરતાં પણ નુસરતની વધુ રેકર્ડ વેચાઈ. એનપીઆરે જ તેમને દુનિયાના 50 મહાન અવાજોની યાદીમાં સામેલ કર્યા.

2009માં જ્યારે ભારતીય ફિલ્મ નિર્દેશક મીરા નાયરને પૂછવામાં આવ્યું કે એવું કયું ગીત છે જેને તમે તમારા જીવનનો સાઉન્ડ-ટ્રેક બનવા માગશો? ત્યારે તેમનો જવાબ હતો, નુસરત ફતેહઅલી ખાનનું 'અલ્લા હૂ'.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન