ગુજરાત : કચ્છના છારી ઢંઢને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલૅન્ડ જાહેર કરાયું, આ વિસ્તારની ખાસિયત શું છે?

છારી ઢંઢમાં પાણી પી રહેલા ઊંટ

ઇમેજ સ્રોત, Mukim Mutva

ઇમેજ કૅપ્શન, છારી ઢંઢમાં પાણી પી રહેલાં ઊંટ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

સંયુક્ત રાષ્ટ્ર સંઘના નેજા હેઠળ કામ કરતી યુનેસ્કો સંસ્થા સાથે જોડાયેલી 'રામસર કન્વેન્શન' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કચ્છના બન્ની નામના ઘાસના મેદાનની કાંધીએ આવેલા છારી ઢંઢ નામના વિશાળ જળપ્લાવિત વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો જળપ્લાવિત વિસ્તાર જાહેર કર્યો છે.

આ સાથે જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

સ્વિટ્ઝર્લૅન્ડ દેશના ગ્લાન્ડ સિટીમાં વડું મથક ધરાવતા રામસર કન્વેન્શને શુક્રવારે સાંજે એક અખબારી યાદીથી જાહેરાત કરી કે ભારતના છારી ઢંઢ અને ઉત્તર પ્રદેશના ઇટા જિલ્લામાં આવેલા 'પટણા પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારો જાહેર કરી તેમને 'રામસર'ની યાદીમાં સમાવાયા છે.

રામસરની યાદીમાં સામાવાયેલા જળપ્લાવિત વિસ્તારોને અંગ્રેજીમાં 'રામસર સાઇટ' એટલે કે 'રામસર સ્થળ' પણ કહેવામાં આવે છે. આ બે જળપ્લાવિત વિસ્તારોના ઉમેરા સાથે ભારતમાં રામસર સાઇટની સંખ્યા 98 થઈ ગઈ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છારી ઢંઢના લિસ્ટિંગને મહત્ત્વનું પગલું જણાવ્યું.

તેમણે કહ્યું, "છારી ઢંઢ વિસ્તારને રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યો છે તે ખૂબ જ મહત્ત્વનું પગલું છે. ગુજરાતમાં આ પ્રકારની તે પાંચમી સાઇટ છે અને વન્ય જીવોના સંરક્ષણમાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે."

"મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર છારી ઢંઢમાં ઇકૉસિસ્ટમને રિસ્ટોર કરવાની કામગીરી કરી રહી છે અને આ તેનું સારું પરિણામ છે. આ માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અભિનંદનને પાત્ર છે."

છારી ઢંઢને આંતરરાષ્ટ્રીય ઓળખ મળતાં હજારો પક્ષીઓ અને હજારો માનવો જેના પર નભે છે તેવો આ જળપ્લાવિત વિસ્તાર વધારે સુરક્ષિત અને જૈવવિવિધતાથી ભરપૂર બનશે તેવો આશાવાદ પક્ષીનિરીક્ષકો અને સરકારી અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

કચ્છના છારી ઢંઢની શું ખાસિયત છે?

છારી ઢંઢ, રામસર સાઇટ, બીબીસી ગુજરાતી, કચ્છ, હેરિટેજ સ્થળ, ઐતિહાસિક સ્થળો, ગુજરાતનાં જાણીતાં સ્થળો, પર્યાવરણ

ઇમેજ સ્રોત, Mukim Mutva

ઇમેજ કૅપ્શન, છારી ઢંઢમાં ખોરાક શોધી રહેલાં ફ્લેમિંગો (હંજ)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છારી ઢંઢ બન્ની ઘાસિયા મેદાનના પશ્ચિમ છેડે આવેલું એક કુદરતી અને છીછરું સરોવર છે. ચોમાસા દરમિયાન તેમાં બન્ની અને આજુબાજુના વિસ્તારનું પાણી એકઠું થાય છે જે શિયાળા સુધી ટકે છે. ઉનાળામાં તે સુકાઈ જાય છે. આમ, આ સિઝનલ જળપ્લાવિત વિસ્તાર છે.

ગુજરાત સરકારે શનિવારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે છારી ઢંઢમાં 250 કરતાં વધારે પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયાં છે અને તે ઉપરાંત ચિંકારા, લોંકડી, હેણોતરા, વરુ અને રણ બિલાડી વગેરે જેવાં પ્રાણીઓનું પણ આશ્રયસ્થાન છે.

કચ્છના વરિષ્ઠ પક્ષીનિરીક્ષક નવીન બાપતે કહ્યું કે રામસર ટેગથી છારી ઢંઢને યોગ્ય ઓળખ મળી છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "છારી ઢંઢ ગુજરાતનું પહેલું અને ભારતનું તેરમું કૉન્ઝર્વેશન રિઝર્વ (સંવર્ધન માટે આરક્ષિત વિસ્તાર) છે. છારી ઢંઢમાં 135 જેટલી પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે છે. તમારે ગ્રે હાઇપોકોલિયસ (મસ્કતી લટોરો) પક્ષી જોવું હોય તો છારી ઢંઢ આવવું પડે. છારી ઢંઢ ખરા અર્થમાં પક્ષી તીર્થ છે. વળી, તેની નજીક જ એશિયાનું સૌથી મોટું એવું બન્નીનું ઘાસનું મેદાન છે જેમાં ચરતી હજારો ભેંસો અને ખારાઈ ઊંટ છારી ઢંઢમાં પાણી પીવાં આવે છે. આમ, છારી ઢંઢ ઘાસ, પક્ષીઓ અને પર્યાવરણની દૃષ્ટિએ ઉત્તમ છે. તેથી રામસર ટેગથી છારી ઢંઢને યોગ્ય ઓળખ મળી છે."

પરંતુ નવીન બાપતે ઉમેર્યું કે છારી ઢંઢને સલામત રાખવા લોકો આજે પણ જરૂર પડ્યે લડત કરે છે. તેમણે કહ્યું, "તેને કૉન્ઝર્વેશન રિઝર્વનું સ્ટેટસ અપાવવા લોકોએ ખૂબ મહેનત કરવી પડી હતી અને તેને સુરક્ષિત રાખવા લોકો હજુ પણ સંધર્ષ કરી રહ્યા છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ એક પાવર કંપનીએ ત્યાં જમીનની માગણી કરી હતી અને છારી ઢંઢને બચાવવા ત્યાંના સ્થાનિક લોકો અને અમારે તે પ્રોજેક્ટનો જાહેર વિરોધ કરવા પડ્યો હતો."

કચ્છના જાણીતા પક્ષીનિરીક્ષક શાંતિલાલ વરુ કહે છે કે છારી ઢંઢની ઇકૉસિસ્ટમ (પરિસરતંત્ર) પણ ઘણી વિશેષ છે.

તેમણે કહ્યું, "ચોમાસામાં અહીં વરસાદનું પાણી ભરાય ત્યારે તે મીઠું હોય છે અને શિયાળાની શરૂઆત સુધી મીઠું રહે છે જે વિવિધ પ્રજાપતિની બતકોને માફક આવે છે. પાણીનું લેવલ ઘટતા તે ખારું થવા લાગે છે, કારણ કે અહીં જમીન મૂળભૂત રીતે ખારી છે. એવું ભાંભરું પાણી લેસ્સર ફ્લેમિંગો (નાના હંજ) જેવાં પક્ષીઓને મોટી સંખ્યામાં આકર્ષે છે. વળી, સરોવર સુકાતા ઊંદરો દેખાવા લાગે છે અને તેને ખાવા માટે કેટલીય પ્રજાતિનાં શિકારી પક્ષીઓ આવે છે. સરોવરમાં રીડ (બરુ) પણ બહુ થાય છે અને ઉનાળામાં તે સુકાઈ જતા સ્થાનિક લોકો તેને ઝૂંપડાં બનાવવામાં વાપરે છે."

રામસર કન્વેન્શનનું ટેગ શું છે?

છારી ઢંઢ, રામસર સાઇટ, બીબીસી ગુજરાતી, કચ્છ, હેરિટેજ સ્થળ, ઐતિહાસિક સ્થળો, ગુજરાતનાં જાણીતાં સ્થળો, પર્યાવરણ

ઇમેજ સ્રોત, Mukim Mutva

ઇમેજ કૅપ્શન, છારી ઢંઢમાં પેલિકન (મોટી ચાંચવાળાં પક્ષી) સાથે અન્ય પક્ષીઓ

1971માં ઈરાનના રામસર શહેર ખાતે યોજાયેલી એક મીટિંગ દરમિયાન વિશ્વના વિવિધ દેશોની સરકારોના પ્રતિનિધિઓએ રામસર કન્વેન્શન ઑન વેટલૅન્ડઝ એટલે કે જળપ્લાવિત વિસ્તારો માટેની રામસરની સંધિ પર સહી કરતા રામસર કન્વેન્શન એક વૈશ્વિક સંધિ બન્યું હતું.

ભારતે પણ આ સંધિ પર સહી કરેલી છે. "વેટલૅન્ડ્ઝનું સંવર્ધન અને વિવેકપૂર્ણ ઉપયોગ" એ ફિલોસોફી રામસર સંધિના હાર્દમાં છે. તેના માટે રામસર કન્વેન્શન વિશ્વમાં ખાસ જળપ્લાવિત વિસ્તારોને વેટલૅન્ડ્ઝ ઑફ ઇન્ટરનૅશનલ ઇમ્પૉર્ટન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારો જાહેર કરે છે.

રામસર કન્વેન્શન અનુસાર આવા વેટલૅન્ડ્ઝ જે દેશમાં આવેલા છે તે દેશ માટે જ નહીં, પરંતુ આખી માનવજાત માટે મહત્ત્વના છે અને તેથી તેના સંવર્ધન અને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી છે.

જે વેટલૅન્ડ રામસર સાઇટની યાદીમાં સમાવેશ પામે છે તેને એક નવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે છે. જે તે દેશ તેના વેટલૅન્ડને આ યાદીમાં સમાવવાની દરખાસ્ત ગ્લાન્ડ સિટીમાં આવેલા રામસર સેક્રેટેરિયેટ (મુખ્ય ઑફિસ)ને મોકલે છે. સામાન્ય રીતે ઋતુ મુજબ એક દેશમાંથી બીજા દેશમાં સ્થાળાંતર કરતા ઇન્ટરનૅશનલ માઇગ્રેટરી એટલે કે આંતરરાષ્ટ્રીય ઋતુપ્રવાસી પક્ષીઓ માટે મહત્ત્વના મનાતા વેટલૅન્ડઝને રામસર કન્વેન્શન તેના લિસ્ટમાં ઉમેરતું હોય છે.

રામસર સાઇટનું ટેગ મળતા વેટલૅન્ડને એક આંતરરાષ્ટ્રીય ઓળખ તો મળે જ છે, પરંતુ તેની સાથે સાથે સંધિ મુજબ તે વેટલૅન્‍ડનું યોગ્ય રક્ષણ, સંરક્ષણ અને જાળવણી કરવાની જે તે દેશની નૈતિક જવાબદારી પણ વધે છે. લિસ્ટમાં સમાવાયેલી સાઇટ્સનું રામસર સેક્રેટેરિયેટ સમયાંતરે મૂલ્યાંકન કરતું રહે છે અને જો વેટલૅન્ડની સ્થિતી કથળે તો તેને લિસ્ટમાંથી કાઢી નાખવાની વ્યવસ્થા પણ છે. હાલ, રામસર સાઇટની યાદીમાં દુનિયાના 2,589 વેટલૅન્ડ્ઝ છે.

વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓનું આશ્રયસ્થાન

છારી ઢંઢ, રામસર સાઇટ, બીબીસી ગુજરાતી, કચ્છ, હેરિટેજ સ્થળ, ઐતિહાસિક સ્થળો, ગુજરાતનાં જાણીતાં સ્થળો, પર્યાવરણ

ઇમેજ સ્રોત, Mukim Mutva

ઇમેજ કૅપ્શન, છારી ઢંઢમાં કુંજ પક્ષીઓ

રામસર કન્વેન્શને તેની અખબારી યાદીમાં જણાવ્યું કે છારી ઢંઢ કેટલીય પ્રજાતિનાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓનું આશ્રયસ્થાન છે.

તેમાં ક્રિટિકલી ઍન્ડેન્જર્ડ એટલે કે પૃથ્વી પરથી વિલુપ્ત થઈ જવાનો જેના પર ભારે ભય છે તેવા ગૂગળના વૃક્ષનો પણ સમાવેશ થાય છે, તેમ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.

કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલું છારી ઢંઢ યુરોપ અને મધ્ય તેમજ ઉત્તર એશિયાના પક્ષીઓ શિયાળો ગાળવા જે રસ્તે ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં આવે છે તે સેન્ટ્રલ એશિયન ફ્લાઈ-વે એટલે કે મધ્ય એશિયાનો ઉડ્ડયનમાર્ગમાં આવેલું એક વેટલૅન્ડ છે.

રામસર કન્વેન્શને તેની અખબારી યાદીમાં કહ્યું, "આ સાઇટ પાણીનાં પક્ષીઓ માટે શિયાળો ગાળવાનું પણ એક મહત્ત્વનું સ્થળ છે અને ક્રિટિકલી ઍન્ડેન્જર્ડ મળતાવડી ટીટોડી, જે વિલુપ્તિની શ્રેણીમાં આવી શકે છે તેવી રાખોડી કારચિયા (બતક) વગેરે પ્રજાતિઓને આશરો આપે છે તેમજ નોંધપાત્ર રીતે દર વર્ષે આશરે 30,000 કુંજને આશરો આપે છે."

છારી ઢંઢનું મૅનેજમૅન્ટ કચ્છ (પશ્ચિમ) વનવિભાગ કરે છે. કચ્છ (પશ્ચિમ) વનવિભાગના નાયબ વનસંરક્ષક હર્ષ ઠક્કરે બીબીસીને જણાવ્યું કે છારી ઢંઢ રામસર સંધિના હાર્દમાં રહેલી 'વિવેકપૂર્ણ વપરાશ"ની ફિલોસોફીનું એક સારું ઉદાહરણ છે.

તેમણે કહ્યું, "કુંજ અને પેલિકન જેવાં ઇન્ટરનૅશનલ માઇગ્રેટરી પક્ષીઓ હજારોની સંખ્યામાં છારી ઢંઢમાં ઊતરે છે અને શિયાળો ગાળે છે. એ ઉપરાંત મળતાવડી ટીટોડીઓ અને હજારોની સંખ્યામાં કુંજ પણ આવે છે. ગુજરાતમાં ખૂબ ઓછાં દેખાતાં કાળી ચાંચ ઢોંક અહીં માળા બાંધે છે. અહીં આજુબાજુમાં આવેલાં ફુલાય, તલ, લૈયારી, મોટી ચૂર વગેરે ગામોમાં માલધારી રહે છે અને તેમની ભેંસો અને અન્ય પશુઓ છારી ઢંઢમાં ચરે છે. પશુઓ ચરી જતા ઘાસ નાનું થાય છે અને પછી કુંજ પક્ષીઓ તેવા ઘાસની ગાંઠો આરોગે છે. આમ, અહીં વન્ય જીવો અને માણસો વચ્ચે સહજીવન છે."

રામસર ટેગ છારી ઢંઢ માટે કેમ વિશેષ મહત્ત્વનું છે?

છારી ઢંઢ, રામસર સાઇટ, બીબીસી ગુજરાતી, કચ્છ, હેરિટેજ સ્થળ, ઐતિહાસિક સ્થળો, ગુજરાતનાં જાણીતાં સ્થળો, પર્યાવરણ

ઇમેજ સ્રોત, Mukim Mutva

ઇમેજ કૅપ્શન, કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલું છારી ઢંઢ

છારી ઢંઢ પહેલાં અમદાવાદ નજીક આવેલા નળસરોવર (વર્ષ 2012માં) તેમજ થોળ ડૅમ (2021), જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્ય (2022) અને વડોદરા જિલ્લામાં આવેલા વઢવાણા ડૅમ (2021) રામસર સાઇટ જાહેર થઈ ચૂક્યાં છે.

નળસરોવર અને ખીજડિયા પક્ષી અભયારણ્યો છે જ્યારે થોળ એક વન્ય જીવ અભયારણ્ય છે અને તેથી તે રામસર સાઇટ્સ જાહેર થયા તે પહેલાંથી જ ત્યાં વન્ય જીવ સંરક્ષણને લગતા કાયદાનો અમલ ચુસ્તપણે થઈ રહ્યો હતો, પરંતુ છારી ઢંઢના 227 ચોરસ કિલોમીટર વિસ્તારને 2008માં એક કૉન્ઝર્વેશન રિઝર્વ એટલે કે વન્ય જીવ સંવર્ધન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો અને આજે પણ તે કૉન્ઝર્વેશન રિઝર્વ જ છે.

અભયારણ્યોની અંદર માત્ર વન્ય જીવોના હિતમાં હોય તેવી જ પ્રવૃત્તિઓ થઈ શકે છે, પરંતુ કૉન્ઝર્વેશન રિઝર્વમાં આવેલાં સંસાધનોનો વન્ય જીવોની સાથે સાથે માણસો પણ ઉપયોગ કરી શકે છે. વઢવાણા એક સિંચાઈ ડૅમ છે અને ત્યાં પણ વન્ય જીવો માટે સંરક્ષણનું લેવલ અભયારણ્યોની સરખામણીએ ઓછું હોય છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાતના અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન ડૉ. જયપાલસિંહે કહ્યું કે ભારત સરકાર મારફત ગુજરાત સરકારે છારી ઢંઢની દરખાસ્ત એકાદ વર્ષ પહેલાં રામસર સેક્રેટેરિયેટને મોકલી હતી અને સેક્રેટેરિયેટે તેને માન્ય રાખી છે.

તેમણે કહ્યું કે રામસર સાઇટનું ટેગ મળતા છારી ઢંઢમાં વન્ય જીવોનું સંરક્ષણ સુદૃઢ થવાની સાથે સાથે સ્થાનિક લોકોને પણ ફાયદો થશે.

છારી ઢંઢ, રામસર સાઇટ, બીબીસી ગુજરાતી, કચ્છ, હેરિટેજ સ્થળ, ઐતિહાસિક સ્થળો, ગુજરાતનાં જાણીતાં સ્થળો, પર્યાવરણ

ઇમેજ સ્રોત, Mukim Mutva

ઇમેજ કૅપ્શન, છારી ઢંઢમાં કાળી ચાંચ ઢોંક (લાલ પગવાળું પક્ષી)

તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, "છારી ઢંઢમાં સરોવર છે અને તેની આજુબાજુ સપાટ જમીનનો મોટો સળંગ ટુકડો છે. કૉન્ઝર્વેશન રિઝર્વની નજીક બન્ની ગ્રાસલૅન્ડનો કેટલોક ભાગ આવે છે તે રક્ષિત વિસ્તાર હોવાથી સુરક્ષિત છે, પરંતુ રિઝર્વમાં ખાનગી માલિકીની તેમજ સરકારી માલિકીની ખરાબાની જમીનો આવેલી છે. ઉદ્યોગો આવી ખરાબાની જમીનોની માગણી કરતા હોય છે, પરંતુ હવે રામસર સાઇટ જાહેર થવાથી છારી ઢંઢ પર આ પ્રકારનું દબાણ ઘટશે તેવી શક્યતા છે અને વન્ય જીવ સંરક્ષણ અને સ્થાનિક લોકોનાં હિતો સચવાય તેવી કામગીરી કરવાની સરળતા થશે."

ડૉ. સિંહે ઉમેર્યું, " સ્થાનિક ગ્રામપંચાયતોએ ઠરાવ કરીને છારી ઢંઢને કૉન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવાની માગણી કરી હતી અને પછી સરકારે તેને સ્વીકારી હતી. આમ, સ્થાનિક લોકોમાં આ વેટલૅન્ડના મહત્ત્વ વિષે જાગૃતિ છે. આ લિસ્ટિંગથી છારી ઢંઢ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું વેટલૅન્ડ બન્યું છે તેના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આકર્ષાશે. ઇકૉટૂરિઝમ વધતા સ્થાનિક લાકોને આર્થિક રીતે પણ ફાયદો થશે. વળી, છારી ઢંઢની બાજુમાં જ બન્નીમાં ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર બની રહ્યું છે અને તેનો ફાયદો પણ લોકોને થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન