જૂનાગઢમાં જળબંબાકાર, ધસમસતા પાણીમાં તણાઈ ગાડીઓ, ગુજરાતમાં હજુ કેટલા દિવસ અને ક્યાં પડશે ભારે વરસાદ?

- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના જૂનાગઢ અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
શનિવારે જૂનાગઢમાં સતત ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
બીબીસી સહયોગી બીપિન ટંકારીયાની માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં પડેલા વરસાદના કારણે રાજકોટ ખાતે હાલમાં મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમ હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે.
જૂનાગઢમાં અચાનક અતિભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
શહેરના રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હતી જે ગાંડીતૂર થઈ હોય. કેટલીક સોસાયટીમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયાં હતાં.
પૂરના પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે ગાડીઓ અને અનેક વાહનો રમકડાની જેમ તણાતાં અને ડૂબતાં જોવાં મળ્યાં.
સ્થાનિક પત્રકાર અને બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર હનીફ ખોખરે જણાવ્યું કે જૂનાગઢ શહેરમાં થોડાક જ કલાકોમાં 15 ઈંચ જેટલા વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
શહેરના દરવેશનગર, ગણેશનગર, જોષીપરા જેવા વિસ્તારોમાં પૂર જેવી પરીસ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં મકાનોમાં પણ ગોઠણ સમાં પાણી ઘૂસી ગયાં છે, જેને લીધે લોકો ધાબા પર રહેવા મજબૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મળતી વિગતો અનુસાર કેમ્બ્રિજ સોસાયટી અને યમુનાનગર એ બે વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે.
જૂનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીનું પાણી શહેરમાં ઘૂસી આવ્યું છે. શેરીએ શેરીએ જાણે નદી વહી રહી હોય એવાં દ્રશ્યો સર્જાયા છે. તો શહેરના મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પરથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ જૂનાગઢ તરફ વહેતો જોઈ શકાય એવાં દૃશ્યો વીડિયો મારફતે સામે આવી રહ્યાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જૂનાગઢની શેરીઓમાં ભેંસોનું એક આખે આખું ટોળું તણાઈ ગયું એ નજરે ચડે છે. તો અનેક રહેણાક સોસાયટી પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલી જોવા મળે છે.
અમદાવાદ હવામાન વિભાગની માહિતી મુજબ જૂનાગઢમાં પાછલાં 24 કલાકમાં એટલે કે શનિવાર સવારે 8.30 વાગ્યા સુધીમાં 203 મિમી વરસાદ ખાબકી ચૂક્યો છે. અને ત્યારબાદ પાછલા કેટલાક કલાકોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

નવસારીમાં પણ ભારે વરસાદ બાદ હાલાકી

ઇમેજ સ્રોત, Dharmesh amin
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના નવસારીમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેને લીધે નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાંચ કલાકમાં 13 ઇંચ વરસાદથી જિલ્લો તરબોળ થઈ ગયો છે. શહેરમાં અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નવસારીમાં પણ શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યાં.
સાચાર એજન્સી એએનઆઈના ટ્વિટ અનુસાર મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર પણ આ વરસાદના લીધે વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડામાં અમદાવાદ હવામાન વિભાગની માહિતી અનુસાર પાછલાં 24 કલાકમાં અતિભારે વરસાદને કારણે 257 મિમી વરસાદ ખાબકી ચૂક્યો છે.
તો અમરેલી જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. જેના પગલે અમરેલી, ફતેપૂર, ચાપાથલ, પ્રતાપપરા સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ફારૂક કાદરીએ જણાવ્યું એ પ્રમાણે અમરેલી જિલ્લાના મોટાભાગનાં જળાશયો ભરાઈ ગયાં છે.

હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિસ્તારો પર જે લૉ પ્રેશર એરિયા છે જે આગળ વધી રહ્યો છે અને એના કારણે ગુજરાતમાં આવનારા બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
બીજી તરફ મૉન્સૂન ટ્રફ પણ રાજસ્થાનના જેસલમેર, કોટાથી થઈને મધ્ય પ્રદેશ પરથી બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. જેના કારણે ગુજરાત પર હજી ભારે વરસાદનો ખતરો ટળ્યો નથી, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દ્વારકા તથા જામનગરના અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 તારીખની આસપાસથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, રાજ્યમાં સાવ વરસાદ બંધ નહીં થાય અને છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
બંગાળની ખાડીમાં સતત સર્જાઈ રહેલી સિસ્ટમો મધ્ય ભારત તરફ આવતી હોવાને કારણે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની હજી બે દિવસ સુધી શક્યતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં 24 જુલાઈના રોજ એક નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમ હજી કઈ તરફ જશે એ નક્કી થયા બાદ ગુજરાતમાં ફરી વરસાદ વધશે કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.
23 તારીખના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, ભરૂચ અને સુરતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મોરબી, વલસાડ તથા નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે જૂનાગઢમાં 23 તારીખ માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના બાકીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહી છે.

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે?

ગુજરાતમાં આ વખતે સિઝનનો સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, જોકે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ રહ્યો છે.
21 જુલાઈએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં 118.6 મિલીમીટર, પોરબંદરમાં 94.7 મિલીમીટર, જામનગરમાં 61.3 મિલીમીટર, જૂનાગઢમાં 71.3 મિલીમીટર, રાજકોટમાં 49.9 મિલીમીટર, તો કચ્છમાં 33.2 મિલી મીટર વરસાદ પડ્યો હતો.
ગીર સોમનાથમાં 41.6 મિલીમીટર વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પ્રમાણમાં ઓછો રહ્યો હતો.















