સરફરાઝ ખાનના રન આઉટ મામલે રવીન્દ્ર જાડેજાએ માફી માગતા કોની ભૂલ ગણાવી?

રવીન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટૅસ્ટ મૅચમાં ડેબ્યૂ કરનારા સરફરાઝ ખાનના રન આઉટ થવાની ખાસી ચર્ચા થઈ રહી છે.

પોતાની પહેલી જ મૅચમાં તેમણે અર્ધ સદી બનાવી લીધી હતી. પણ તેમના આઉટ થવાની રીત પર ઘણી ચર્ચા થઈ. એટલી ચર્ચા થઈ કે તેઓ ગુરુવારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા.

સરફરાઝ ખાને પોતાના ટેસ્ટ કૅરિયરની પહેલી જ ઇનિંગમાં 9 ચોક્કા અને એક છગ્ગાની મદદથી 66 બૉલમાં 62 રન બનાવ્યા હતા. તેમણે 48 રનમાં જ પોતાની અર્ધસદી પૂર્ણ કરી લીધી હતી.

જ્યારે તેઓ આઉટ થયા ત્યારે રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમમાંથી જે પ્રતિક્રિયા આપી હતી તેની પણ ચર્ચા થઈ. સરફરાઝ ખાનના આઉટ થતા જ રોહિત શર્માએ પોતાની કૅપ ફેંકી દીધી હતી. જોકે, કેટલાક લોકો તેમના આઉટ થવા પર રવીન્દ્ર જાડેજાને જવાબદાર ગણાવે છે.

કેવી રીતે આઉટ થયા સરફરાઝ ખાન? રવીન્દ્ર જાડેજાએ શું કહ્યું?

રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા

ઇમેજ સ્રોત, royalnavghan/instagram

પીચ પર રવીન્દ્ર જાડેજા અને સામે સરફરાઝ ખાન હતા. બન્ને વચ્ચે રન દોડવા બાબતે અસમંજસ સર્જાઈ. સરફરાઝ ક્રીઝની બહાર નીકળી ગયા અને તેઓ રન રાઉટ થઈ ગયા.

મૅચ બાદ રવીન્દ્ર જાડેજાએ મેદાન પર જે કંઈ પણ થયું તેને લઈને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું "સરફરાઝ ખાન માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. તે મારો ખોટો નિર્ણય હતો. વેલ પ્લેઇડ "

જોકે, આ અંગે પત્રકાર પરિષદમાં સરફરાઝ ખાને કહ્યું "થોડું મિસકમ્યુનિકેશન થઈ જાય. આ તો રમતનો ભાગ છે. ક્યારેક તમે રન આઉટ થઈ જાવ છો. આ બધું થતું રહે છે."

આ જ બાબતે રવીન્દ્ર જાડેજા અને સરફરાઝ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં પણ વાત થઈ હતી. આ અંગે સરફરાઝે કહ્યું કે "તે (રવીન્દ્ર જાડેજા) ડ્રેસિંગ રૂમમાં મારી પાસે આવ્યા અને કહ્યું થોડું મિસ કમ્યુનિકેશન થઈ ગયું હતું. મેં તેમને જવાબ આપ્યો આવું તો થતું રહે છે."

પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ સરફરાઝને તેમના અનુભવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "ઘણું સારું લાગ્યું. પહેલીવાર હું ગ્રાઉન્ડમાં આવ્યો. મને કૅપ મળી. મારા પિતા પણ હતા. તેમણે મને છ વર્ષ ક્રિકેટ શીખવ્યું. આ મારું સપનુ હતું તેમના માટે કે તેમના જીવતા જ એક વાર હું ઇન્ડિયન ટીમમાં રમતો જોવા મળું"

સરફરાઝ ખાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સરફરાઝ ખાનના પિતા

સરફરાઝના પિતા ભાવુક થયા, રોહિત શર્માએ પિતા સાથે મુલાકાત કરી

રાજકોટમાં રમાઈ રહેલી મૅચ એ સરફરાઝ ખાનની ડેબ્યૂ મૅચ છે. મૅચ પહેલાં અનિલ કુંબલેએ તેમને ટીમ ઇન્ડિયાની કૅપ આપી હતી. કૅપ આપતા તેમણે કહ્યું " મને તમારા પર ગર્વ છે. તમે જે પરિસ્થિતિમાંથી આવ્યા છો... આ (કૅપ) તમારા માટે છે. ભવિષ્ય માટે શુભેચ્છા. ગૂડ લક..."

સરફરાઝ ખાન

ઇમેજ સ્રોત, ANI

જ્યારે તેમને કૅપ અપાઈ ત્યારે તેમના પિતા નૌશાદ ખાન અને પણ મેદાન પર હતા. આ ક્ષણે તેઓ ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ પણ આવી ગયા. બાદમાં રોહિત શર્માએ પણ તેમની સાથે મુલાકાત કરી. અને હાથ પણ મિલાવ્યા.