કેદારનાથ–બદ્રીનાથ સહિત 47 મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની માગ, સ્થાનિક મુસ્લિમો શું કહે છે?

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બીકેટીસી અધ્યક્ષ અનુસાર ગંગોત્રી ધામ (તસવીરમાં) અને યમુનોત્રી ધામમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે
    • લેેખક, આસિફઅલી
    • પદ, બીબીસી માટે
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઉત્તરાખંડમાં કેદારનાથ, બદ્રીનાથ સહિત 47 મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ લાવવાની ચર્ચા થઈ રહી છે.

મંદિર સમિતિઓએ 'ધાર્મિક પવિત્રતા અને પરંપરાઓ જાળવી રાખવા'ને કારણરૂપ આધાર બનાવીને આ પ્રસ્તાવ લાવવાની વાત કરી છે.

કૉંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ, નાગરિક અધિકાર સંગઠનો અને મુસ્લિમ સંગઠનોએ આ પ્રસ્તાવ સામે સવાલ કર્યા છે. તેમનો આરોપ છે કે આ રાજ્યની ભાજપ સરકારના અલ્પસંખ્યક સમુદાય વિરોધી વ્યાપક અભિયાનનો ભાગ છે.

જ્યારે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીનું કહેવું છે કે ધાર્મિક અને પૌરાણિક સ્થળોનું સંચાલન કરનાર ધાર્મિક સંગઠન, તીર્થસભાઓ અને સંતસમાજ જે કંઈ અભિપ્રાય આપશે, તે પ્રમાણે સરકાર આગળ વધશે.

મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધનો મામલો શું છે?

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hemant Dwivedi/Facebook

ઇમેજ કૅપ્શન, મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધનું નિવેદન આપ્યા પછી બદ્રી-કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદી ચર્ચામાં છે

બદ્રી-કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે લાંબા સમયથી એવી માગ થઈ રહી હતી કે બધાં ધામો અને વિશેષ સ્થળોમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાય.

હેમંત દ્વિવેદી અનુસાર, "તમામ પ્રકારનાં અસામાજિત તત્ત્વો, જેવા કે લૅન્ડ જિહાદ અને ગેરકાયદે મજારવાળા લોકોએ અહીંનાં રોનક અને વાતાવરણને બગાડવાની કોશિશ કરી છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને શ્રી બદ્રી-કેદાર મંદિર સમિતિએ આ નિર્ણય કર્યો છે."

તેમણે જણાવ્યું કે બદ્રી-કેદાર મંદિર સમિતિ હેઠળ બદ્રીનાથ, કેદારનાથ સહિત કુલ 47 મંદિર છે. સમિતિનો પ્રસ્તાવ છે કે આ બધાં જ સ્થળોએ એક સીમા નક્કી કરી દેવાશે, ત્યાં સુધી બિનહિંદુઓનો પ્રવેશ વર્જિત રહેશે. તેમનું કહેવું છે કે તેનાથી શ્રદ્ધા અને આસ્થાની પરંપરા જળવાઈ રહેશે.

દ્વિવેદી અનુસાર, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સમિતિએ આ વ્યવસ્થા પહેલાંથી જ લાગુ કરી દીધી છે.

આ જ સંદર્ભમાં ગંગોત્રી ધામ મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે બીબીસીને જણાવ્યું, "ગંગોત્રી ધામ બાબતે બધા પુરોહિતો અને મંદિર સમિતિએ સંયુક્ત બેઠક યોજીને નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ શીખ ધર્મના લોકો માટે નથી."

જ્યારે હેમંત દ્વિવેદીનું કહેવું છે કે આ મુદ્દે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં મળનારી બોર્ડ બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાશે, ત્યાર બાદ તેને સરકારને મોકલવામાં આવશે.

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ આ મુદ્દે કહ્યું છે કે ધાર્મિક અને પૌરાણિક સ્થળોનું સંચાલન કરનાર ધાર્મિક સંગઠન, તીર્થસભાઓ અને સંતસમાજ જે કંઈ અભિપ્રાય આપશે, તે પ્રમાણે સરકાર આગળ વધશે.

મુખ્ય મંત્રી અનુસાર, આ સ્થળો અત્યંત પૌરાણિક મહત્ત્વ ધરાવે છે અને તેના સંચાલન બાબતે પહેલાંથી જ કેટલાક કાયદા છે. સરકાર તેનું અધ્યયન કરી રહી છે અને તેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આવાગમનની સ્વતંત્રતા વિ. ધાર્મિક પ્રતિબંધ

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, કેટલાક મુસલમાન ઘોડા-ખચ્ચર દ્વારા તીર્થયાત્રાળુઓને કેદારનાથ જેવાં દુર્ગમ સ્થળો સુધી પહોંચાડે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉત્તરાખંડ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ કાર્તિકેય ગુપ્તાનું કહેવું છે કે આ પ્રકારના કોઈ પણ પ્રતિબંધને બંધારણનું સમર્થન પ્રાપ્ત નથી.

તેમણે કહ્યું, "ફકરો 19 બંધારણની એકમાત્ર એવી જોગવાઈ છે, જેમાં આવાગમનની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગુ કરી શકાય છે. જોકે, ફકરો 19 આવાગમનની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેમાં બે સ્થિતિ નક્કી કરવામાં આવી છે. પહેલી, જ્યારે સરકાર એવો કાયદો બનાવે, જેનાથી સામાન્ય જાહેર હિત (જનરલ પબ્લિક ઇન્ટરેસ્ટ)નું રક્ષણ થતું હોય. બીજી, જ્યારે અનુસૂચિત જનજાતિઓનાં હિતોના રક્ષણનો સવાલ હોય. આ બંને ઉપરાંત ભારતમાં કોઈ ત્રીજો આધાર નથી, જેના હેઠળ આવાગમનની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગુ કરી શકાય."

કાર્તિકેય ગુપ્તા અનુસાર, "જે કંઈ નિયમ વર્તમાન સમયે બનાવવામાં આવી રહ્યા છે, તે બધા ગેરબંધારણીય છે, કેમ કે, તેમાં કોઈ પણ રીતે સામાન્ય જાહેર હિતની પૂર્તિ નથી થતી. દાખલા તરીકે, કોરોના મહામારી દરમિયાન આવાગમનની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગુ કરાયો હતો, કેમ કે, તે ફકરા 19માં દર્શાવાયેલી પરિસ્થિતિઓ અંતર્ગત આવતી હતી. પરંતુ જો સામાન્ય જાહેર હિતને કશું નુકસાન ન થતું હોય, તો ભારતનો દરેક નાગરિક દેશની દરેક ગલીમાં જવા માટે સ્વતંત્ર છે, ભલે તે મંદિર હોય કે મસ્જિદ. જો ભવિષ્યમાં મસ્જિદો બાબતે પણ આવો કોઈ નિયમ બનાવવામાં આવે, તો તે પણ ખોટો હશે."

તેમણે એમ પણ કહ્યું કે સરકાર કાયદો બનાવી શકે છે, પરંતુ તેના માટે પણ એ જ બે શરતો લાગુ થાય છે, સામાન્ય જાહેર હિત કે અનુસૂચિત જનજાતિઓનું હિત.

તેમને કહેવા અનુસાર, "સરકાર મનસ્વી રીતે ધાર્મિક સ્થળોમાં દખલ ન કરી શકે. એમાં કોઈ પણ પ્રકારનું સામાન્ય જાહેર હિત નથી. તે કેવળ એક વિશેષ સમુદાયનું હિત છે, અને કોઈ એક સમુદાયના હિતના આધારે ફકરા 19 હેઠળ આવાગમનની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગુ કરવાની કોઈ જોગવાઈ બંધારણમાં નથી."

ચૂંટણી, ધ્રુવીકરણ અને રાજકીય આરોપ

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mahavir Negi

ઇમેજ કૅપ્શન, જુલાઈ 2024માં કાંવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં મસ્જિદોને ઢાંકી દેવામાં આવી હતી. આ મુદ્દે પણ ઘણો વિવાદ થયો હતો

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એસએમએ કાઝમીનું કહેવું છે કે આવનારા 11 મહિનાઓમાં થનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં હરિદ્વાર અને ચારધામ સાથે સંકળાયેલા મુદ્દા સીધી રીતે રાજકારણથી પ્રેરિત છે.

2022ની વિધાનસભા ચૂંટણીઓમાં એવો ભય ઊભો કરાયો હતો કે મુસલમાન પહાડો તરફ જઈ રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓથી માંડીને સ્થાનિક નેતાઓએ મુદ્દો ઉછાળ્યો અને તેનો રાજકીય લાભ પણ મેળવવામાં આવ્યો.

એ જ ક્રમમાં અલગ-અલગ 'જિહાદ' સાથે જોડાયેલાં નૅરેટિવ ઊભાં કરવામાં આવ્યાં અને હવે હરિદ્વાર અને ચારધામ મંદિરોનો મુદ્દો સામે છે.

તેઓ કહે છે કે કેટલાક મુસલમાન ઘોડા-ખચ્ચર દ્વારા તીર્થયાત્રાળુઓને કેદારનાથ જેવાં દુર્ગમ સ્થળો સુધી પહોંચાડે છે અથવા તો ટૅક્સીચાલકરૂપે શ્રદ્ધાળુઓને આ તીર્થો સુધી લાવે-લઈ જાય છે. જો પ્રતિબંધ લાગુ થાય, તો તે માત્ર ધાર્મિક આસ્થા સુધી સીમિત ન રહેતાં આજીવિકા અને સામાજિક સંબંધોને પણ અસર કરી શકે છે.

મુસ્લિમ સેવા સંગઠન, ઉત્તરાખંડના અધ્યક્ષ નઇમ કુરેશીનું કહેવું છે કે મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ બાબતે થઈ રહેલી આ ચર્ચા સરકારની મુસલમાનો વિરુદ્ધ અપનાવાઈ રહેલી નીતિને જમીની સ્તરે ઉજાગર કરે છે. આ પ્રકારના પ્રસ્તાવ સંપૂર્ણ ગેરબંધારણીય છે અને સમાજને ધાર્મિક આધારે વહેંચનાર મનુવાદી વિચારધારાને આગળ વધારવાનું કામ કરે છે.

સરકાર પર ધ્યાન ભટકાવવાનો આરોપ

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ganesh Godiyal/Facebook

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે આ કામગીરીને રાજ્યના સળગતા સવાલો પરથી જનતાનું ધ્યાન ભટકાવવાની રાજકીય ચાલ ગણાવી છે

ઉત્તરાખંડ કૉંગ્રેસના અધ્યક્ષ ગણેશ ગોદિયાલે આ સમગ્ર કામગીરીને રાજ્યના મૂળભૂત અને સળગતા સવાલો પરથી જનતાનું ધ્યાન ભટકાવવાની એક રાજકીય ચાલ ગણાવી છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ઉત્તરાખંડમાં એક પછી એક ગામ ખાલી થઈ રહ્યાં છે, મોટા પ્રમાણમાં પલાયન ચાલુ છે, બેરોજગારી ચરમ પર છે, મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે, જંગલી જાનવરોનો આતંક વધી રહ્યો છે અને સતત ભરતી કૌભાંડોના સમાચારો ઉજાગર થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દાના જવાબ આપવાના બદલે સરકાર દર વખતની જેમ આ વખતે પણ સમાજના ભાગલા પાડતા રાજકારણનો આધાર કેમ લઈ રહી છે?

તેમણે એવો સવાલ પણ કર્યો કે ઉત્તરાખંડમાં સત્તાના શીર્ષ પર બેઠેલા ઘણા લોકો, બંધારણીય પદો પર બેઠેલા વ્યક્તિ અને વહીવટી અધિકારીઓમાં પણ મોટી સંખ્યામાં બિનહિંદુ સામેલ છે. આવી સ્થિતિમાં શું આ કથિત નિર્દેશ તેમના પર પણ લાગુ થશે?

ભાકપા (માલે)ના રાજ્ય સચિવ ઇન્દ્રેશ મૈખુરીનું કહેવું છે કે સેંકડો વર્ષથી આ ધાર્મિક સ્થળોનું અસ્તિત્વ છે અને ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારના પ્રતિબંધ લગાડવાની જરૂરિયાત લાગી નથી. તેમણે કહ્યું કે આજે પણ સમાજને આવા કોઈ પ્રતિબંધની જરૂર નથી.

ઇન્દ્રેશ મૈખુરીએ આરોપ કરતાં કહ્યું, "આ નિર્ણય દ્વારા ધાર્મિક ધ્રુવીકરણ અને સાંપ્રદાયિક વિભાજનને બળ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સમાજમાં વૈમનસ્ય અને વિરોધ જન્માવીને પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે ભરાઈ રહેલાં આવાં પગલાં પર તાત્કાલિક નિયંત્રણની જરૂર છે.

'એકતા ખંડિત કરવાનું કામ હશે'

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તરકાશીમાં ઘણા ખચ્ચર સંચાલક મુસલમાન છે

ઇશ્તિયાક અહમદ ઉત્તરકાશીમાં જનરલ સ્ટોર ચલાવે છે. તેમને તાજેતરમાં જ, અખબારોના માધ્યમથી આના વિશે માહિતી મળી છે.

તેમનું કહેવું છે કે મંદિરોમાં બિનહિંદુઓનો પ્રવેશ પર પ્રતિબંધ કરવા જેવો કોઈ પણ નિર્ણય એકબીજા સાથેની એકતાને તોડવાનું કામ કરશે.

ઇશ્તિયાકે કહ્યું, "ઉત્તરકાશી અને ચારધામ યાત્રામાર્ગ પર મુસ્લિમ વાહનચાલક પણ છે. એ સ્થિતિમાં જો કોઈ તીર્થયાત્રાળુના મનમાં એવી ધારણા ઊભી થાય કે મંદિરમાં મુસલમાનોનો પ્રવેશ પ્રતિબંધિત છે, તો તેઓ કદાચ કોઈ મુસ્લિમ ગાડીચાલકની ગાડીમાં બેસતાં પણ ખચકાય."

"ચારધામ યાત્રા દરમિયાન તીર્થયાત્રાળુઓને ખચ્ચરોના માધ્યમથી પણ ધામો સુધી લઈ જવાય છે અને તેમાં ઘણા ખચ્ચર સંચાલક મુસલમાન છે. એ સ્થિતિમાં યાત્રાળુઓનાં મનમાં એ સવાલ પણ આવી શકે છે કે જ્યારે ધામમાં મુસ્લિમનો પ્રવેશ વર્જિત છે, તો તેઓ કોઈ મુસ્લિમ ખચ્ચર સંચાલકની સેવા શા માટે લે?"

આ ઉપરાંત, યાત્રામાર્ગ પર મુસલમાનોની ઘણી દુકાનો પણ છે.

તેમણે કહ્યું, "અમને ગંગોત્રી ધામમાં ઊંડી આસ્થા છે અને અમે ત્યાં જઈ ચૂક્યા છીએ. અમારું આખું બાળપણ મંદિરોની આસપાસ જ વીત્યું છે. અમે અમારા હિંદુ મિત્રોની સાથે ઉત્તરકાશીમાં આવેલા વિશ્વનાથ મંદિરે પણ જતા હતા અને ક્યારેય મનમાં કોઈ પ્રકારનો ભેદભાવ કે અલગ હોવાનો ભાવ નથી આવ્યો."

ઇશ્તિયાકે કહ્યું, "કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવતા આવા સંદેશા સમાજમાં અંતર વધારવાનો પ્રયાસ છે. આવા લોકો એ નથી સમજતા કે ભગવાન એક જ છે, બસ તેનાં રૂપ જુદાં-જુદાં છે."

નફરતી ભાષણોમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રીનું નામ

યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ચારધામ, હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમો, ધર્મ, રાજકારણ, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક અમેરિકન થિંક ટૅન્કના ભારતમાં હેટ સ્પિચ પરના રિપોર્ટ અનુસાર, પુષ્કરસિંહ ધામી 'સૌથી વધારે નફરતભર્યું ભાષણ' કરનારાઓમાં સામેલ છે

અમેરિકાના વૉશિંગ્ટન-સ્થિત એક બિનસરકારી સંસ્થાએ ભારતમાં નફરત ફેલાવનાર ભાષણ કે હેટ સ્પીચ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

'રિપોર્ટ 2025, હેટ સ્પીચ ઇવેન્ટ્સ ઇન ઇન્ડિયા' નામના આ વિસ્તૃત રિપોર્ટમાં ચોંકાવનારા દાવા કરાયા છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં ભારતમાં કુલ 1,318 પ્રત્યક્ષ નફરતી ભાષણ નોંધાયાં. જે 2024ની સરખામણીએ 13 ટકા અને 2023ની તુલનાએ 97 ટકાનો વધારો છે.

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી નફરતી ભાષણ આપવાની બાબતમાં ટોચ પર છે, અને સૌથી વધુ નફરતવાળાં ભાષણ કોઈ રાજ્યમાં નોંધાયાં હોય તો તે ઉત્તર પ્રદેશ છે. ભાજપે આ રિપોર્ટને ધરમૂળથી નકાર્યો છે.

ઍસોસિએશન ઑફ પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સે 21 જાન્યુઆરી 2026એ પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં પોતાનો ફૅક્ટ ફાઇંડિંગ રિપોર્ટ પ્રકાશિત કર્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021 પછી ઉત્તરાખંડમાં જમણેરી હિંદુત્વ સમૂહોએ મુસલમાનોને નિશાન બનાવતાં નફરત, હિંસા અને આર્થિક બહિષ્કારને પ્રોત્સાહન આપ્યું છે, જેનાથી ડર અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન