સુરત : ગાડીમાં જતાં RFO મહિલા માથામાં ગોળી મારવાના કેસમાં પતિની ધરપકડ, મહિલાનું મોત, શું છે મામલો?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સુરતમાં મહિલા રેન્જ ફૉરેસ્ટ ઑફિસર સોનલ સોલંકી પર તેમની કારમાં થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે સોનલના પતિ નિકુંજ અને તેના એક સાથીદારને પકડ્યા છે.
મહિલાના માથામાં ગોળી વાગ્યા પછી સર્જરી કરીને ગોળી કાઢવામાં આવી છે, પરંતુ તેઓ કોમામાં હતાં.
કામરેજ ડિવિઝનના પોલીસ અધિકારી આરઆર સરવૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "છ નવેમ્બરના દિવસે ઘટના ઘટી ત્યારથી સોનલબહેન અરવિંદભાઈ સોલંકી આજ સુધી કોમામાં હતાં, આજે એમનું સારવાર દરમિયાન અમદાવાદની સિવિલ હૉસ્ટિપલમાં મોત થયું છે. હવે આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે."
પોલીસે લગભગ એક અઠવાડિયા સુધી તપાસ કર્યા પછી આરોપી પતિને પકડી લીધો છે જેમના પર પહેલેથી શંકા હતી. આ ઉપરાંત પતિના એક સાથીદાર ઈશ્વરપુરી ગોસ્વામીની પણ અટકાયત કરવામાં આવી છે જેના પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.
કેટલાક દિવસોથી ફરાર નિકુંજ ગોસ્વામી બુધવારે શરણે થવા માટે કઠોરની કોર્ટમાં આવ્યો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે કોર્ટે આરોપી પતિની શરણાગતિની અરજી નકારી કાઢી હતી. ત્યાર પછી કોર્ટરૂમમાંથી બહાર આવતા જ પોલીસે તેમને પકડી લીધા હતા.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
પોલીસ અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસથી બચવા માટે નિકુંજ પોતાનું લોકેશન અને મોબાઇલ નંબર વારંવાર બદલી નાખતો હતો અને અલગ અલગ રાજ્યોમાં પણ જઈ આવ્યો હતો.
સુરત પોલીસના એસપી રાજેશ ગઢિયાએ સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું, "ઈજાગ્રસ્ત મહિલાના પતિ નિકુંજ ગોસ્વામીએ તેના મિત્ર ઈશ્વર ગોસ્વામીને સોપારી આપી હતી. તેમણે ઘટનાના ત્રણ દિવસ પહેલા રેકી કરી હતી. ઘટનાના દિવસે ઈશ્વર ગોસ્વામી મહિલા આરએફઓના નિયમિત માર્ગ ઉપર બાઇક લઈને ઊભા રહ્યા હતા."
"આરોપીએ હાથ ઊંચો કરીને મહિલાની કાર રોકી હતી. કાર રોકાતાની સાથે જ ઈશ્વર ગોસ્વામીએ પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા મહિલાએ કારને મારી મૂકી હતી. એ પછી તે ઝાડ સાથે ટકરાઈ હતી."
મહિલાના પતિ તથા ઈશ્વર ગોસ્વામી પહેલાં મહારાષ્ટ્ર અને પછી મધ્ય પ્રદેશ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગનો આખો કેસ શું છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
છઠ્ઠી નવેમ્બરે સોનલ સોલંકી નામનાં રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (આરએફઓ) પોતાના ચાર વર્ષીય બાળકને લઈને કારમાં સ્કૂલે મૂકવા જતાં હતાં ત્યારે રસ્તામાં તેમના પર ફાયરિંગ થયું હતું. મહિલાને માથામાં ગોળી વાગી હતી અને તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈને અટકી ગઈ હતી.
સુરત રૂરલના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (એસપી) રાજેશ ગઢિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "સોનલ સોલંકીના ભાઈને કોઈનો ફોન આવ્યો કે તમારાં બહેનનો અકસ્માત થયો છે. તેમને શરૂઆતમાં કામરેજની હૉસ્પિટલમાં અને પછી બીજી જગ્યાએ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં."
સર્જરીના પ્લાન વખતે ડૉક્ટરના ધ્યાનમાં આવ્યું કે માથામાં ગોળી વાગેલી છે. તેથી પોલીસ અને પરિવારજનો જેને શરૂઆતમાં અકસ્માતનો કેસ ગણતા હતા, તેમાં ઊંડી તપાસ શરૂ થઈ.
તેમણે કહ્યું કે, "સોનલ સોલંકીના ભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ ઍક્ટ અને ઍટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે અને શકમંદ તરીકે સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીનું નામ આપ્યું છે."
નિકુંજ ગોસ્વામી સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
એસપી રાજેશ ગઢિયાએ કહ્યું કે, "અમે એફએસએલની મદદથી બીજા ઍન્ગલની પણ તપાસ કરીએ છીએ. આ ઘટના બની ત્યારે સોનલ સોલંકી સાથે તેમનું બાળક પણ હતું. તેની પાસેથી પણ વિગત મેળવવા પ્રયાસ કરાશે."
મહિલાની કારમાંથી જીપીએસ મળ્યું
પોલીસે જણાવ્યા પ્રમાણે અગાઉ ત્રીજી નવેમ્બરે પણ આ મહિલા અધિકારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમની વેગનઆર કારમાંથી એક જીપીએસ ટ્રૅકર મળી આવ્યું છે. તેમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 78 હેઠળ સ્ટૉકિંગ (પીછો કરવો)નો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
સુરત ગ્રામ્યના એસપી ગઢિયાએ કહ્યું કે, "અમે જીપીએસ કંપનીના નોડલ અધિકારી સાથે વાત કરીને માહિતી મેળવવા પ્રયાસ કરીએ છીએ."
તેમણે એમ પણ કહ્યું કે, "સોનલ સોલંકીના માથામાંથી જે બુલેટ મળી તેને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે. ફૉરેસ્ટ અધિકારીઓએ પોલીસને કહ્યું છે કે નિકુંજ ગોસ્વામીને સરકારે કોઈ વેપન ઇશ્યૂ કરેલું નથી."
'ફટાકડા જેવો અવાજ સંભળાયો'

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સોનલ સોલંકીનો ચાર વર્ષનો પુત્ર એ આ ઘટનાને નજરે જોનાર એકમાત્ર સાક્ષી છે.
પોલીસે સોનલના પરિવારજનોની હાજરીમાં બાળકની સાથે વાત કરી હતી અને ઘટનાના દિવસે શું થયું તે જાણવા પ્રયાસ કર્યો હતો.
છેલ્લી માહિતી પ્રમાણે સોનલ પીપી સવાણી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












