મહિલાઓને જ માથાનો દુખાવો કેમ વધુ થાય છે અને ક્યારે જોખમી સાબિત થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેનિયલ વિલ્હોર
- પદ, ધ કોન્વર્સેશન
માઈગ્રેન એટલે કે આધાશીશી એ માથાના દુખાવા કરતાં વિશેષ છે અને તે નર્વસ સિસ્ટમને કમજોર કરતો રોગ છે.
આધાશીશીથી પીડાતા લોકોને મગજમાં એક બાજુએ સણકા આવતા હોય છે. એ પીડાની સાથે ઊબકા, ઊલટી થતા હોય છે અને અવાજ કે પ્રકાશ પ્રત્યે જરાય સહન થતો નથી.
આધાશીશીનો હુમલો કલાકો સુધી કે દિવસો સુધી ટકી રહેતો હોય છે અને પીડા હળવી કરવા માટે લોકો અંધારા ઓરડામાં એકલા રહેતા હોય છે.
વિશ્વમાં આશરે 80 કરોડ લોકો માઇગ્રેનથી પીડાય છે. માત્ર અમેરિકામાં જ આધાશીશીથી પીડાતા લગભગ 3.9 કરોડ લોકો એટલે કે કુલ વસ્તીના આશરે 12 ટકા લોકો નિયમિત રીતે આધાશીશીથી પીડાય છે.
તેમાં મોટા ભાગની મહિલાઓ છે અને આધાશીશીથી પીડાતા લોકોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓનું પ્રમાણ ત્રણ ગણાથી વધારે છે.
18થી 49 વર્ષ વય સુધીની સ્ત્રીઓ માટે આધાશીશી વિશ્વમાં અક્ષમતાનું મુખ્ય કારણ છે. એ ઉપરાંત સંશોધન દર્શાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને આધાશીશીની તકલીફ વારંવાર થાય છે અને તે લાંબા સમય સુધી ટકી રહે છે.
પુરુષોની સરખામણીએ મહિલાઓ માઈગ્રેન માટે તબીબી સારવાર અને દવા લેવા પર વધારે ધ્યાન આપે છે. માઈગ્રેનથી પીડાતી સ્ત્રીઓને ચિંતા તથા ડિપ્રેશન સહિતની માનસિક આરોગ્ય સંબંધી તકલીફો વધારે હોય છે.
બોર્ડ દ્વારા પ્રમાણિત ન્યુરોલૉજિસ્ટ તરીકે મને આધાશીશીમાં લિંગભેદ વધારે આશ્ચર્યજનક લાગે છે અને આ તફાવતનાં કેટલાંક કારણો તમને પણ આશ્ચર્યચકિત કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

માઈગ્રેન અને હોર્મોન્સ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુરુષો અને સ્ત્રીઓમાં માઈગ્રેનના હુમલાનો અનુભવ અલગઅલગ હોવાનાં ઘણાં કારણ છે. તેમાં હોર્મોન્સ, જેનેટિક્સ, ચોક્કસ પ્રકારનાં જનીનો અને પર્યાવરણનો સમાવેશ થાય છે.
માઈગ્રેનના સંદર્ભમાં આ બધાં પરિબળો મગજની રચના, કાર્ય અને અનુકૂલનક્ષમતાને આકાર આપવામાં ભૂમિકા ભજવતાં હોય છે.
એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ વિવિધ પદ્ધતિ દ્વારા ઘણા જૈવિક કાર્યોના નિયમનમાં ભૂમિકા ભજવે છે. તેની અસર મગજમાંના વિવિધ કેમિકલ્સને થાય છે.
મગજના ચોક્કસ વિસ્તારોમાં કાર્યાત્મક અને માળખાકીય તફાવતમાં પણ તેનો ફાળો હોય છે. આ બધું માઈગ્રેનના વિકાસમાં સામેલ હોય છે.
એ ઉપરાંત સેક્સ હોર્મોન્સ રક્તવાહિનીઓના કદમાં ઝડપથી ફેરફાર કરતાં હોય છે, જે માઈગ્રેન ઍટેકની સંભાવના સર્જી શકે છે.
બાળપણમાં છોકરાઓ અને છોકરીઓ બન્નેને માઈગ્રેન થવાની સંભાવના હોય છે. લગભગ 10 ટકા બાળકો બાળપણમાં કોઈને કોઈ તબક્કે આધાશીશાથી પીડાતા હોવાનો અંદાજ છે, પરંતુ છોકરીઓ તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે માઈગ્રેન થવાની શક્યતા વધી જાય છે.
તેનું કારણ સેક્સ હોર્મોન્સમાં, ખાસ કરીને તરુણાવસ્થા સાથે સંકળાયેલા એસ્ટ્રોજેનમાં થતી વધઘટ છે. તેમાં પ્રોજેસ્ટેરોન સહિતના અન્ય હોર્મોન્સ પણ સામેલ હોઈ શકે છે.
ઘણી છોકરીઓમાં માઈગ્રેનની શરૂઆત તેમના પ્રથમ માસિક ચક્રથી થાય છે, પરંતુ સ્ત્રીના પ્રજનન ચક્ર દરમિયાન અને બાળજન્મનાં વર્ષો દરમિયાન આધાશીશીની તકલીફ વારંવાર થતી હોય છે અને તે તીવ્ર હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોનો અંદાજ છે કે માઈગ્રેનથી પીડાતી લગભગ 50થી 60 ટકા સ્ત્રીઓ પીરિયડ્ઝ દરમિયાન જ માઈગ્રેન અનુભવતી હોય છે.
તેમને માઈગ્રેનની તકલીફ સામાન્ય રીતે માસિક સ્રાવની શરૂઆતના દિવસોમાં અથવા તો એ સમયગાળા દરમિયાન જ થાય છે. એ સમયગાળામાં એસ્ટ્રોજનના સ્તરમાં થતો ઘટાડો માઈગ્રેનને ઉત્તેજિત કરી શકે છે.
માસિક દરમિયાનની આધાશીશી વધારે ગંભીર હોઈ શકે છે અને તે મહિનાના અન્ય સમયગાળા કરતાં વધુ સમય ચાલુ રહી શકે છે.
માઈગ્રેનની સારવાર માટે ટ્રિપ્ટામાઈન આધારિત દવાઓ (ટ્રિપ્ટન્સ) 1960ના દાયકામાં માર્કેટમાં આવી હતી. અમુક ટ્રિપ્ટન્સનો ઉપયોગ ખાસ કરીને માસિક દરમિયાનના માઈગ્રેનના ઉપચાર માટે કરવામાં આવે છે.
નોન-સ્ટીરોઈડલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી ઔષધો તરીકે ઓળખાતી અન્ય દવાઓ પણ માસિક દરમિયાનના માઈગ્રેનની પીડા ઘટાડવામાં અને તેની અવધિ ઘટાડવામાં અસરકારક છે. તે બર્થ કન્ટ્રોલ પદ્ધતિ માટે પણ લાગુ પડે છે, જે હોર્મોનના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે.

ઓરા સાથેનો માઈગ્રેન

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક સ્ત્રીઓને ઓરા સાથેના માઈગ્રેનની તકલીફ હોય છે. તે અલગ પ્રકારનો માઈગ્રેન છે. આવા માઈગ્રેનથી પીડાતી મહિલાઓએ એસ્ટ્રોજનયુક્ત ગર્ભ-નિરોધક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
આ સંયોજન હૃદયરોગના હુમલાનું જોખમ વધારી શકે છે, કારણ કે એસ્ટ્રોજન લોહીના ગંઠાવાનું જોખમ વધારી શકે છે.
ઓરા સાથેના માઈગ્રેનથી પીડાતી સ્ત્રીઓ માટેના બર્થ કન્ટ્રોલ વિકલ્પોમાં માત્ર પ્રોજેસ્ટેરોનની બર્થ કન્ટ્રોલ ગોળીઓ, ડેપો-પ્રોવેરા (પ્રોજેસ્ટેરોનના કૃત્રિમ પ્રકારનું બ્રાન્ડ નેમ) ઇન્જેક્શન અને ઇન્ટ્રાયુરેટિન ડિવાઈસિસનો સમાવેશ થાય છે.
માઈગ્રેનથી પીડાતા આશરે 20 ટકા લોકોને ઓરા સાથેના માઈગ્રેનની અસર થતી હોય છે. આધાશીશીની તકલીફ પહેલાં લોકોને સામાન્ય રીતે કાળા બિંદુઓ તથા આડીઅવળી રેખાઓ દેખાતી હોય છે.
તેઓ સ્પષ્ટ બોલી શકતા નથી અથવા શરીરમાં એકબાજુ ઝણઝણાટી અથવા નબળાઈ અનુભવતા હોય છે. આ લક્ષણો ધીમે ધીમે વધે છે, કલાક સુધી અનુભવાય છે અને પછી માથામાં દુખાવો શરૂ થાય છે.
આ લક્ષણો હૃદયરોગના હુમલા જેવા હોવા છતાં ઓરા માઈગ્રેન ધીમે ધીમે આગળ વધે છે, જ્યારે સ્ટ્રોક તરત જ આવતો હોય છે.
તબીબી જ્ઞાન ન ધરાવતી હોય તેવી વ્યક્તિ માટે આ બન્ને વચ્ચેનો ભેદ પારખવાનું, ખાસ કરીને હુમલાની વચ્ચે, મુશ્કેલ તથા ખતરનાક સાબિત થઈ શકે છે.
શું ચાલી રહ્યું છે એ વિશે જરા પણ શંકા પડે તો સૌથી પહેલાં ડૉક્ટર પાસે પહોંચી જવામાં સમજદારી છે.

ગર્ભાવસ્થા અને મેનોપૉઝ દરમિયાન માઈગ્રેન

ઇમેજ સ્રોત, Getty Images
માઈગ્રેન, ખાસ કરીને ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમિયાન, સ્ત્રીને કમજોર કરી શકે છે. એ સમયગાળામાં મૉર્નિંગ સિકનેસ સામાન્ય બાબત હોય છે.
એ સમયે ખાવાનું, ઊંઘવાનું કે હાઇડ્રેટ કરવાનું મુશ્કેલ બની શકે છે. સૌથી ખરાબ વાત એ છે કે આ પૈકીની કોઈ પણ બાબતને ટાળવાથી માઈગ્રેન થવાની શક્યતા વધી શકે છે.
સારી વાત એ છે કે ગર્ભાવસ્થાના બાકીના સમયગાળા દરમિયાન આધાશીશીની તીવ્રતા ઘટતી જતી હોય છે. કેટલાક કિસ્સામાં ગર્ભાવસ્થા આગળ વધે તેમ આધાશીશી અદૃશ્ય થઈ જતી હોય છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન આધાશીશીથી પીડાતી સ્ત્રીઓની તકલીફ પ્રસૂતિ પછી વધતી હોય છે.
હોર્મોનના સ્તરમાં ઘટાડો તેમજ ઊંઘનો અભાવ, તણાવ અને ડિહાઇડ્રેશન તેમજ બાળકની સંભાળ સાથે સંકળાયેલી અન્ય બાબતો તેના માટે કારણભૂત હોઈ શકે છે.
મેનોપૉઝ એટલે રજોનિવૃત્તિ તરફના સંક્રમણ કાળ – પેરીમેનોપૉઝ – દરમિયાન આધાશીશીના હુમલામાં વધારો થઈ શકે છે. એ તબક્કે પણ હોર્મોનના સ્તરમાં, ખાસ કરીને એસ્ટ્રોજનના સ્તરમાં વધઘટની સાથે એ સમયમાં થતા ક્રોનિક પેઇન, ડિપ્રેશન અને ઊંઘની સમસ્યા કારણભૂત હોય છે.
જોકે, મેનોપૉઝ આગળ વધે તેમ માઈગ્રેનમાં ઘટાડો થતો જોય છે. કેટલાક કિસ્સામાં તો તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે.
મેનોપૉઝ દરમિયાન આધાશીશીના આવર્તન અને તીવ્રતા બંનેમાં ઘટાડો કરી શકાય તેવી સારવાર ઉપલબ્ધ છે. તેમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થૅરપીનો સમાવેશ થાય છે.
હોર્મોન રિપ્લેસમેન્ટ થૅરપીમાં સ્ત્રી હોર્મોન્સનો સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ, મેનોપૉઝ સંક્રમણ દરમિયાન કે મેનોપૉઝ પછી સ્ત્રીનું શરીર ઓછી માત્રામાં જે હોર્મોન ઉત્પન્ન કરે છે તેના રિપ્લેસમેન્ટ માટે કરવામાં આવે છે.

પુરુષોમાં માઈગ્રેન

ઇમેજ સ્રોત, Getty Images
પુરુષોમાં આધાશીશીની તીવ્રતા તથા આવર્તન 20 વર્ષની વય પછી થોડી વધી જાય છે. તે 50 વર્ષની વયે ટોચ પર પહોંચે છે અને પછી સંપૂર્ણપણે બંધ અથવા અદૃશ્ય થઈ જાય છે.
આવું શા માટે થાય છે તે જાણી શકાયું નથી, પરંતુ આનુવંશિક પરિબળો, પર્યાવરણનો પ્રભાવ અને જીવનશૈલીનું સંયોજન તેના વધવામાં ભૂમિકા ભજવતા હોય છે.
સ્ત્રીઓ અને પુરુષોને માઈગ્રેન શા માટે થાય છે એ વિશે વ્યાપક સંશોધન થવું બાકી છે.
માઈગ્રેન સંબંધી સંશોધનમાં લિંગભેદ દૂર કરવાથી મહિલાઓ સશક્ત બનશે એટલું જ નહીં, પરંતુ સમગ્ર સ્થિતિની સમજણ વ્યાપક બનશે અને માઈગ્રેનની વધુ સારી રીતે સારવાર કરી શકાય તેવું ભવિષ્ય સર્જાશે.
(ડેનિયલ વિલ્હોર અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના એન્ટશુટ્ઝ મેડિકલ કૅમ્પસ ખાતે ન્યુરોલૉજીના પ્રોફેસર તરીકે કાર્યરત્ છે).














