ભારતે ઇંગ્લૅન્ડને ચોથી ટેસ્ટમાં હરાવ્યું, એ ખેલાડી જેની બેટિંગે મૅચ જ નહીં સિરીઝ પણ જીતાડી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મૅચની શ્રેણીને ભારતે 3-1થી જીતી લીધી છે.
રાંચીમાં રમાઈ રહેલી શ્રેણીની ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લૅન્ડને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે.
બીજી ઇનિંગમાં જીત માટે મળેલા 192 રનના લક્ષ્યનો પીછો કરતા રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીએ આક્રમક અને ઝડપી રમતનું પ્રદર્શન કર્યું હતું.
ટેસ્ટના ચોથા દિવસની શરૂઆતની રમતમાં તેમની બેટિંગ જોઈને એવું લાગતું હતું કે ભારત આસાનીથી જીત મેળવી લેશે પરંતુ અચાનક ભારતની વિકેટો પડી જતાં મૅચ રોમાંચક બની ગઈ હતી.
પરંતુ ધ્રુવ જુરેલ અને શુભમન ગિલની જોડીએ ઇનિંગને સંભાળી હતી અને ભારતને જીત અપાવી હતી. અણનમ રહીને શુભમન ગિલે 52 રન અને ધ્રુવ જુરેલે 39 રન ફટકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ શ્રેણીમાં ભારતે ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે અને તેમણે તેમના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે.
ધ્રુવ જુરેલે ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યું

ઇમેજ સ્રોત, Getty Images
રાંચી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને પ્રમાણમાં સારી શરૂઆત કરી હતી.
ઇંગ્લૅન્ડ તરફથી જૉ રૂટે 122 રન નોંધાવીને સદી ફટકારી હતી. એ સિવાય પૂંછડિયા બૅટ્સમૅનો રોબિન્સનના 58 રન અને ફૉક્સના 47 રનની મદદથી ઇંગ્લૅન્ડે 353 રનનો સ્કોર બનાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભારતનું પ્રદર્શન પહેલી ઇનિંગમાં એટલું પ્રભાવશાળી રહ્યું નહોતું. ઓપનર યશસ્વી જયસ્વાલે 73 રનની ઇનિંગ રમી હતી પરંતુ ત્યારબાદ ભારતની વિકેટો ટપોટપ પડવા લાગી હતી.
એક તબક્કે ભારતનો સ્કોર તો 7 વિકેટે 177 રન થઈ ગયો હતો.
પરંતુ કારકિર્દીની બીજી ટેસ્ટ મૅચ રમી રહેલા યુવા વિકેટકીપર બૅટ્સમૅન ધ્રુવ જુરેલે એક છેડો સાચવી રાખ્યો હતો. તેમણે પૂંછડીયા બૅટ્સમૅનોના સહયોગથી ભારતના સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું.
ધ્રુવ જુરેલે 90 રન ફટકાર્યા હતા અને ભારતની ટીમનો સ્કોર 307 રન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જેને કારણે ઇંગ્લૅન્ડને પ્રથમ ઇનિંગમાં નજીવી 46 રનની લીડ મળી હતી.
અશ્વિન-કુલદીપની ફિરકી સામે ઇંગ્લૅન્ડ ધ્વસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
46 રનની સરસાઈ બાદ મેદાન પર ઊતરેલા ઇંગ્લૅન્ડની નજર મોટું લક્ષ્ય આપવા પર હતી પરંતુ તેમની શરૂઆત સારી રહી ન હતી.
માત્ર 19 રનમાં જ ઇંગ્લૅન્ડની બે વિકેટો પડી ગઈ હતી.
ત્યારબાદ સતત અશ્વિન અને કુલદીપ યાદવની દમદાર બૉલિંગને કારણે અને ઇંગ્લૅન્ડની વિકેટો પડવાની શરૂ રહી હતી.
અશ્વિને પાંચ વિકેટ અને કુલદીપ યાદવે ચાર વિકેટો ઝડપી હતી. જાડેજાએ એક વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની તમામ વિકેટો સ્પિનરોએ લીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડની સમગ્ર ટીમ 145 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને 192 રનનો પડકાર મળ્યો હતો.
ભારતે બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ ઝડપથી તેણે વિકેટો ગુમાવી હતી અને એક તબક્કે તેનો સ્કોર પાંચ વિકેટે 120 રન થઈ ગયો હતો.
ત્યારબાદ ફરી બીજી ઇનિંગમાં પણ ઘ્રુવ જુરેલે છેડો સંભાળ્યો હતો અને શુભમન ગિલે અડધી સદી ફટકારી હતી.
ચોથા દિવસે લંચ બાદ ભારતે જીત મેળવી હતી. ઇંગ્લૅન્ડના યુવા સ્પિનર બશીરે આ મૅચમાં આઠ વિકેટ ઝડપી હતી અને ભારતીય બૅટ્સમૅનોને પરેશાન કર્યા હતા.
આકાશદીપે પણ પ્રથમ મૅચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
રાંચી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ડૅબ્યૂ કરનાર આકાશદીપ એકદમ છવાઈ ગયા હતા કારણ કે તેમણે પહેલી ઇનિંગમાં જ ઇંગ્લૅન્ડના ટોપ ઑર્ડરને જ શરૂઆતી ઓવરોમાં જ પેવેલિયન ભેગું કરી દીધું હતું.
તેમણે મૅચના પહેલા દિવસે જ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટના પહેલા દિવસના પ્રદર્શન બાદ આકાશદીપે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “2015માં તેમણે તેમના પિતા અને ભાઈને ગુમાવી દીધા હતા. આજે મારા પિતા જીવિત હોત તો ન જાણે કેટલા ખુશ હોત. ત્રણેય વિકેટ અને મારું પ્રદર્શન તેમને સમર્પિત છે.”
તેમણે કહ્યું કે ઈંગ્લિશ ટીમ સામે આ પ્રકારનું પ્રદર્શન પ્રોત્સાહક જ નહીં પરંતુ મોટી જવાબદારીનો અહેસાસ પણ કરાવે છે. તેઓ દેશ માટે વધુ સારું કરવાનો પ્રયાસ કરશે.
બિહારમાં કૈમૂર પહાડીઓની તળેટીમાં આવેલા તેમના વતન બડ્ડી ગામમાં ચારેતરફ ખુશીનો માહોલ છે.
જીત બાદ ભારતીય કૅપ્ટને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જીત બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, "અત્યાર સુધીમાં આ શ્રેણી ખૂબ લડાયક અને મુશ્કેલ રહી છે, પણ શ્રેણી જ્યારે અંત તરફ જઈ રહી છે ત્યારે મને ટીમના ખેલાડીઓ પર ગર્વ થાય છે. અંતે અમે જે મેળવ્યું છે તેનાથી હુંં ખુશ છું. જુરેલે પ્રથમ ઇનિંગમાં અતિશય સ્થિરતા અને ગંભીરતા સાથે બેટિંગ કરી હતી અને બીજી ઇનિંગમાં પણ અતિશય સુંદર શોટ્સ રમ્યા અને જીત અપાવી. બહારથી આખી ટીમ પર ઘણું પ્રેશર હતું. આ પ્રકારના પ્રદર્શનથી તેમને પ્રેરણા મળે છે."
ધ્રુવ જુરેલને 'પ્લૅયર ઑફ ધી મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે 2013 પછી ભારતમાં રમાયેલી આ પ્રથમ મૅચ છે જેમાં બીજી ઇનિંગમાં 150થી વધુનો સ્કોર કોઈ ટીમે ચેઝ કર્યો હોય.
શ્રેણીની અંતિમ અને ઔપચારિક મૅચ હવે ધરમશાલામાં 7મી માર્ચથી રમાશે.












