You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં આગ, 'દાદી ઘર છોડીને જવા માગતાં નહોતાં', સ્વજનો ગુમાવનારની વ્યથા
- લેેખક, ડૅવિડ મર્સર
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાના લૉસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ અનેક વિસ્તારોમાં સતત ફેલાઈ રહી છે. તેમાં જાહેર અને ખાનગી સંપત્તિનું ભારે નુકસાન થયું છે. વિસ્તારમાં હવામાનને કારણે આ આગ પર કાબૂ મેળવવો આસાન નથી.
આ આગને કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયાં છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં હજુ અનેક અઠવાડિયાં લાગી શકે છે કારણ કે ફિંગરપ્રિન્ટ અને ચહેરાથી તેમની ઓળખ થઈ શકે તેમ નથી.
અહીં અમે એવા લોકોની પીડા રજૂ કરી રહ્યા છીએ કે જેમણે અમેરિકાના મીડિયા સાથે વાતચીતમાં તેમના સ્વજનોનાં મૃત્યુ વિશે જણાવ્યું છે.
અક્ષમ પિતા અને લકવાગ્રસ્ત પુત્રનું મૃત્યુ
એન્થની મિશેલના પરિવારે જણાવ્યું હતું કે ઍન્થની અને તેમના પુત્ર જસ્ટિન એ અલ્ટાડેનામાં તેમના ઘરમાં જંગલની આગથી બચવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યાં છે.
એન્થનીનાં પુત્રી હાઝીમ વ્હાઇટે, ધ વૉશિંગ્ટન પોસ્ટ અખબારને જણાવ્યું હતું કે તેમને તેમના 67 વર્ષીય પિતાનો ફોન આવ્યો હતો કે, "યાર્ડમાં આગ લાગી છે."
અખબારના અહેવાલ મુજબ, મિશેલ શારીરિક રીતે અક્ષમ હતા અને નિવૃત્ત સેલ્સમૅન હતા. તેઓ તેમના 20 વર્ષના પુત્ર જસ્ટિન સાથે રહેતા હતા, જે પણ મગજના લકવાથી પીડાતો હતો.
વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, એન્થની મિશેલનો બીજો પુત્ર જોર્ડન પણ તેમની સાથે રહેતો હતો, પરંતુ બીમારીને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્હાઇટે અખબારને જણાવ્યું કે તેમને મિશેલ અને જસ્ટિનના મૃત્યુના સમાચાર મળ્યા. તેમણે કહ્યું, "એવું લાગ્યું જાણે કે મારા પર એક ટન ઈંટો પડી ગઈ હોય."
વ્હાઇટે જણાવ્યું કે એન્થની મિશેલ ચાર બાળકોના પિતા, 11 બાળકોના દાદા અને 10 બાળકોના પરદાદા હતા.
ઘરને બચાવવામાં જીવ ગયો
આગનો ભોગ બનેલી અન્ય એક વ્યક્તિ વિક્ટર શૉના પરિવારે જણાવ્યું હતું કે અલ્ટાડેનામાં પોતાના ઘરને આગથી બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેમનું મૃત્યુ થયું હતું.
ટીવી નેટવર્ક કેટીએલએ અનુસાર, 66 વર્ષીય શૉનો મૃતદેહ તેમના ઘરની નજીક રસ્તાની બાજુમાં મળી આવ્યો હતો, તેમના હાથમાં બગીચાનું સાધન હતું. રિપોર્ટ અનુસાર, શૉના પરિવાર પાસે લગભગ 55 વર્ષથી આ મિલકત હતી.
શૉ તેમની નાની બહેન શારી સાથે ઘરમાં રહેતા હતા, જેમણે કહ્યું કે મંગળવારની રાત્રે આગ નજીક આવતાં તેમણે શારી શૉને પણ ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
શારીએ કેટીએલએને કહ્યું કે તેમના ભાઈએ ભાગી જવાની ના પાડી, કારણ કે તેઓ આગને કાબૂમાં લેવા માગતા હતા. તેમણે કહ્યું કે, "જ્વાળાઓ વિશાળ હતી અને વાવાઝોડાની જેમ હવા ફૂંકાતી હતી, આથી તેમને ભાગવું પડ્યું."
શૉએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે તેમને તેમના મોટા ભાઈની ખૂબ જ યાદ આવશે.
"મને તેની સાથે વાત કરવાની, તેની સાથે મજાક કરવાની, તેની સાથે મુસાફરી કરવાની ખૂબ જ યાદ આવશે. મને તેની ખૂબ જ યાદ આવશે. મને એ વાતનું ખૂબ જ દુ:ખ છે કે તેને આ રીતે આ દુનિયા છોડીને જવું પડ્યું."
'હું કાલે અહીં જ રહીશ'
રોડની નિકર્સનની પુત્રીના જણાવ્યા અનુસાર, તેમનું અવસાન અલ્ટાડેનાસ્થિત તેમના ઘરે થયું. તેમનાં પુત્રીએ કહ્યું કે તેમના પિતા માનતા હતા કે જંગલની આગ "ઓલવાઈ જશે."
કિમિકો નિકર્સને કેટીએલએને જણાવ્યું હતું કે તેમના પિતાએ આ મિલકત 1968માં ખરીદી હતી અને છેલ્લા દાયકાઓમાં ત્યાં ઘણી વાર આગ લાગી છે.
તેમણે કહ્યું કે નિકર્સનને 'એવું લાગ્યું હતું કે આ આગ ઓલવાઈ જશે અને તેઓ પોતાના ઘરે જ રહેશે.'
નિકર્સને સીબીએસ ન્યૂઝને તેમના પિતાએ કહેલી છેલ્લી વાત કહી, એ હતી, "હું કાલે અહીં જ રહીશ."
તેમણે સીબીએસ ન્યૂઝથી પુષ્ટિ કરી છે કે તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
દાદી ઘર ખાલી છોડીને જવા માગતાં ન હતાં
83 વર્ષીય ઍર્લીન કેલીના પરિવારને આશંકા છે કે લૉસ એન્જલસની આગના પીડિતોમાં તેઓ પણ સામેલ છે. તેમણે લૉસ એન્જલસ ટાઇમ્સને કહ્યું કે તેમને છેલ્લી વાર વાત થયાને 48 કલાકથી વધુનો સમય થઈ ગયો છે.
અખબાર અનુસાર, બ્રિયાના નવારોએ કહ્યું કે તેમના દાદા જીદી હતાં, તેઓ ઘર ખાલી કરવા માગતાં નહોતા, કેમ કે અગાઉ ક્યારેય અલ્ટાડેનામાં તેમના ઘરે આગ નહોતી લાગી.
નવારોએ જણાવ્યું કે તેમનાં માતાએ સોશિયલ મીડિયા લૉસ એજન્લસ ફાયર ઍૅલર્ટ્સની પોસ્ટ જોઈ, જેમાં કેલીનું સરનામું પણ હતું અને કહેવાયું કે સળગતા ઘરની અંદર કોઈ ફસાયું છે.
નવારોએ જણાવ્યું કે તેમનાં "માતા ભાંગી" પડ્યાં અને "જાણી ગયાં કે મારી દાદી કદાચ નહીં બચે અને તેમણે મારા માટે પણ એક પ્રકારની પુષ્ટિ કરી દીધી છે."
અગાઉ અભિનેત્રી જેનિફર ગાર્ડરને શુક્રવારે એમએસએનબીસીને જણાવ્યું હતું કે તેમણે આગમાં એક મિત્રને ખોયાં છે.
તેમણે કહ્યું, "સમયસર બહાર ન નીકળવાને કારણે મેં તેમને ગુમાવ્યાં છે."
ગાર્નરે જણાવ્યું કે તે 25 વર્ષથી પૅલિસેટ્સ અને તેની આસપાસ રહેતી હતી. તેમણે તેમના મિત્ર અંગે કોઈ વધુ માહિતી આપી નહોતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન