કેવું હતું મિંગ પરિવારનું 'માફિયા' સામ્રાજ્ય, ચીને શા માટે માટે આ કુટુંબના 11 લોકોને મૃત્યુદંડ આપ્યો?

ઇમેજ સ્રોત, CCTV
માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ચીનમાં વિશ્વમાં સૌથી વધુ દેહાંતદંડ આપવામાં આવે છે, જોકે તેનો નક્કર આંકડો ક્યારેય સત્તાવાર રીતે સાર્વજનિક કરવામાં નથી આવતો.
જોકે, તાજેતરમાં એક જ પરિવારના 11 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો અને તેના સમાચાર ચીનના સત્તાવાર મીડિયામાં સાર્વજનિક કરવામાં આવ્યા હતા.
ચીનની સરહદ સાથે જોડાયેલા મ્યાનમારના લૌક્કાઇંગ શહેરમાં મિંગ પરિવારનો દબદબો હતો.
સપ્ટેમ્બર-2025માં ચીનના ઝેંગઝિયાંગની અદાલતે તેમને હત્યા, લોકોને ગોંધી રાખવા, ઠગાઈ તથા જુગારખાના ચલાવવા જેવા ગુના સબબ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
મિંગ પરિવાર બાદ અન્ય ત્રણ પરિવારના સભ્યોનું શું થશે, તેના ઉપર મીટ મંડાયેલી છે. વધુ એક પરિવારના સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, પરંતુ સજા થવાની બાકી છે. જ્યારે અન્ય બે પરિવાર સામે ખટલો નથી ચાલ્યો.
એક શહેર, ચાર પરિવાર

ઇમેજ સ્રોત, CCTV
મ્યાનમારના શાન રાજ્યમાં આવેલું લૌક્કાઇંગ શહેર તથા તેની આસપાસનો વિસ્તાર 1980ના દાયકાથી વંશીય ઉગ્રવાદી સંગઠન એમએનડીએએના તાબા હેઠળ હતો.
જનરલ મિન આંગ હ્યુલંગે સૈન્યઅભિયાન ચલાવીને આ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી એમએનડીએએને હાંકી કાઢ્યું. એ પછી વર્ષ 2009માં આ વિસ્તારમાં મિંગ, બાઉ, વેઇ અને લિયૂ એમ ચાર પરિવારનો દબદબો સ્થાપિત થયો.
જોતજોતામાં મ્યાનમારના પછાત વિસ્તારોમાં ચમકતાં આલિશાન કેસિનો અને વેશ્યાલયો ખુલ્લી ગયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગળ જતાં તેઓ સેનાધ્યક્ષ બન્યા. વર્ષ 2021માં બળવો કરીને તેમણે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં. જેમ-જેમ જનરલ મિન પ્રગતિની સીડીઓ ચઢતા ગયા, તેમ-તેમ આ પરિવારોનું વર્ચસ્વ પણ વધતું ગયું.
મ્યાનમારની સેના અને આ પરિવારો વચ્ચેની નિકટતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લિયૂ પરિવારના સર્વેસર્વાને મ્યાનમારની રાજધાનીમાં "રાજ્યના વિકાસ માટે અસામાન્ય પ્રદાન આપવા બદલ" સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં મ્યાનમારમાં ચૂંટણી યોજાઈ, ત્યારે યુએસડીપી પાર્ટીને મ્યાનમારની સેનાનો ટેકો હાંસલ હતો. આ ચાર પરિવારના કેટલાક સભ્યો યુએસડીપીની ટિકિટ ઉપર ઉમેદવાર પણ બન્યા હતા.
એ ભયાનક બંગલો

ઇમેજ સ્રોત, Xinhua
ચાઇનિઝ વંશ ધરાવતા આ પરિવારો શરૂઆતમાં અફીણ અને મેથામફેટામિન જેવા પરંપરાગત ધંધામાં સંડોવાયેલા હતા, પરંતુ આગળ જતાં તેમણે અહીં જુગારના અડ્ડા અને કેસિનો ખોલ્યા હતા.
આગળ જતાં તેમણે ઑનલાઇન ફ્રૉડના ધંધામાં પણ ઝંપલાવ્યું હતું, જેનું સ્વરૂપ અને કદ સમય સાથે બદલાતું રહ્યું હતું.
આ પરિવારના ધંધા ન કેવળ લૌક્કાઇંગ પણ સમગ્ર મ્યાનમારમાં ફેલાયેલા હતા. ચીનના યુનાન પ્રાંતના વહીવટીતંત્ર સાથે પણ આ પરિવારોની સારાસારી હતી.
યુએનના એક અનુમાન મુજબ, હજારો લાખો લોકોને ફસાવવામાં આવ્યા હતા. ચીન, ભારત, સહિત પૂર્વ અને દક્ષિણ એશિયામાંથી હજારો લોકોને સારી નોકરી અને ભથ્થાની લાલચમાં બોલાવવામાં આવતા.
આ પરિવરો દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા નોકરીવાંચ્છુકોને અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખવામાં આવતા અને ઑનલાઇન ફ્રૉડના ધંધામાં જોતરી દેવામાં આવતા.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકોને ઑનલાઇન રૉમાન્સ કરવા માટે કહેવામાં આવતું અને સામેની વ્યક્તિ જ્યારે વિશ્વાસમાં આવી જાય, ત્યારે તેની પાસેથી નાણાં પડાવવામાં આવતાં.
આ રીતે વર્ષે દહાડે લાખો-કરોડો ડૉલરની છેતરપિંડી કરવામાં આવતી. અગાઉ આ ધંધા સાથે સંકળાયેલા કેટલા લોકો અને અત્યાચારના પીડિત લોકોએ બીબીસી સાથે વાત કરી હતી અને આવા સ્થળોએ પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
જો કોઈ વ્યક્તિ માફિયા પરિવારની ઇચ્છા મુજબ કામ કરવાનો ઇન્કાર કરે તો તેમની ઉપર ત્રાસ ગુજારવામાં આવતો. આના માટે લૌક્કાઇંગમાં આવેલો મિંગ પરિવારનું 'ક્રાઉચિંગ ટાઇગર વિલા' ખૂબ જ કુખ્યાત હતું.
આવી રીતે ફસાયેલાને અનેક લોકોને મદદ કરવા પરિવારજનોએ ચાઇનિઝ તથા પશ્ચિમી સોશિયલ મીડિયા ઉપર પોત-પોતાના દેશોમાં ટહેલ નાખી હતી.
...અને પતનની શરૂઆત થઈ

ઇમેજ સ્રોત, The Kokang Media
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑક્ટોબર-2023માં કેટલાક ચીની નાગરિકોએ કથિત રીતે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગાર્ડ્સે ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલાક ચાઇનિઝ નાગરિક માર્યા ગયા હતા.
એ પછી ચીનની સરકારને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. મ્યાનમારની સેનાને પણ નફાનો એક હિસ્સો મળતો હોવાથી તેણે આ કૌભાંડીઓ સામે આંખ આડા કાન કર્યા હતા, એટલે કથિત રીતે ચીનના આશીર્વાદથી એમએનડીએએ દ્વારા લૌક્કાઇંગ ઉપર હુમલો કરવામાં આવ્યો.
આ કાર્યવાહીમાં ગૃહયુદ્ધમાં ઘેરાયેલી મ્યાનમારની સેનાની પીછેહઠ થઈ અને ફરી એક વખત આ શહેર એમએનડીએએના તાબા હેઠળ આવી ગયું. આ વંશીય સંગઠને આ વિસ્તારમાંથી ઠગાઈ અને છેતરપિંડીના વ્યવસાયને ધરમૂળથી ઉખેડી નાખવાની વાત કરી છે.
સંગઠને આ ચાર પરિવારના 60 જેટલા સભ્યોને પકડીને ચીનની પોલીસને સોંપી દીધા હતા. કથિત રીતે મિંગ પરિવારના સર્વેસર્વા મિંગ જુએચેંગે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ સિવાય પણ સેંકડો સંદિગ્ધોને પકડીને ચીનને સોંપવામાં આવ્યા હતા.
ચીનની અદાલતમાં મિંગ પરિવારનો ખટલો બંધ બારણે ચલાવવામાં આવ્યો હતો અને સપ્ટેમ્બર-2025માં આ પરિવારના સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એ પછી નવેમ્બર મહિનામાં તેમની અપીલને ફગાવી દેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, CCTV
મિંગ પરિવારના 11 સભ્યોને દેહાંતદંડ આપવામાં આવ્યો અને 20 જેટલા સભ્યોને પાંચ વર્ષથી લઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
કથિત રીતે મિંગ પરિવારે વર્ષ 2015થી 2023 દરમિયાન રૂ. 125 અબજની માલમત્તા એકઠી કરી હતી.
ચીનની પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન કથિત રીતે મિંગ પરિવારના એક સભ્યે કબૂલ્યું હતું કે માત્ર તાકત દેખાડવા માટે તેઓ કોઈ બંધકની હત્યા કરી નાખતા.
ચીન દ્વારા આ પ્રકારની માહિતીને સાર્વજનિક કરવામાં આવી રહી છે, જેથી કરીને આ પરિવારો સામે જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને વ્યાજબી ઠેરવી શકાય.
બાઉ પરિવારના પાંચ સભ્યોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો અમલ નથી થયો. જ્યારે વાઇ અને લિયૂ પરિવારના સભ્યો સામે હજુ સુધી ખટલો નથી ચાલ્યો.
ચીને થાઇલૅન્ડ અને કંબોડિયાથી પણ ચીન સહિત વિશ્વભરમાં ઑનલાઇન ફ્રૉડનો ધંધો ચલાવનારાઓને પ્રત્યાર્પિત કર્યા છે. ઑનલાઇન ઠગો સામે હાથ ધરવામાં આવેલી, આ અત્યારસુધીની સૌથી મોટી અને નિર્ણાયક કાર્યવાહી છે.
ચીન ઉપરાંત અમેરિકાએ પણ પૂર્વ એશિયાઈ દેશોમાં સક્રિય ઑનલાઇન ઠગોની ગૅંગો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે મ્યાનમારમાં સક્રિય આવા કેટલાક ઠેકાણાં બંધ થઈ ગયાં છે.
બીબીસીના દક્ષિણ પૂર્વ એશિયાના સંવાદદાતા જૉનાથન હેડના અહેવાલ ઉપર આધારિત. અંગ્રેજીમાં મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












