'મારું અપહરણ કર્યું છે અને હું હજુ પણ રાષ્ટ્રપતિ છું', કોર્ટમાં માદુરોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, મૅડલિન હૅલપર્ટ
- પદ, ન્યૂ યૉર્ક કોર્ટરૂમમાંથી
ન્યૂ યૉર્ક સિટીની કોર્ટના દરવાજા ખૂલ્યા તે પહેલાં સાંકળનો અવાજ સંભળાયો. તે વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોના પગમાં બાંધવામાં આવેલી સાંકળનો અવાજ હતો.
કોર્ટમાં પગ મૂકતાની સાથે જ તેમણે રિપોર્ટરો તથા સામાન્ય લોકોથી ભરેલી ગૅલરી તરફ જોઈને કહ્યું કે તેમનું 'અપહરણ' કરવામાં આવ્યું છે.
માદુરોના આગમનની અમુક મિનિટો પછી જજ એલ્વિન હેલરસ્ટીને કાર્યવાહી શરૂ કરી અને માદુરોને પોતાની ઓળખની પુષ્ટિ કરવા માટે કહ્યું.
માદુરોએ શાંત અવાજે સ્પેનિશ ભાષામાં જવાબ આપ્યો, જેનો અનુવાદ અદાલતમાં કરવામાં આવ્યો. "જી હા, હું નિકોલસ માદુરો છું. હું વેનેઝુએલા ગણરાજ્યનો રાષ્ટ્રપતિ છું તથા અપહરણ થયા બાદ ત્રીજી જાન્યુઆરીથી અહીં છું. મને વેનેઝુએલાના કારાકાસમાં મારા ઘરેથી પકડવામાં આવ્યો હતો."
નિકોલસ માદુરોને ટોકતા જજે વચ્ચેથી કહ્યું કે તેમની નિર્દોષતાને પુરવાર કરવા માટે 'સમય અને સ્થાન' નક્કી કરવામાં આવશે.
સોમવારે બપોરે ન્યૂ યૉર્કની એક કોર્ટમાં નાટકીય ઢબે માદુરો તથા તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસની સુનાવણી થઈ. જેમાં તેમણે ડ્રગ્સ તથા હથિયારો સંબંધિત આરોપોમાં પોતાને નિર્દોષ જણાવ્યાં.
માદુરોએ કહ્યું, "હું નિર્દોષ છું. હું સભ્ય વ્યક્તિ છું." તેમનાં પત્ની સિલિયાએ પણ કહ્યું કે તેઓ "સંપૂર્ણપણે નિર્દોષ" છે.
શનિવારે અમેરિકાની સેના તથા વિશેષ દળોએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં 63 વર્ષીય માદુરો તથા તેમનાં પત્નીને 'પકડવા'માં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમને ન્યૂ યૉર્ક લાવવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાતોરાત હાથ ધરવામાં આવેલાં વિશેષ અભિયાનમાં વેનેઝુએલાનાં કેટલાંક સૈન્ય ઠેકાણાં પર પણ હુમલા કરાયા હતા.
સુનાવણી દરમિયાન બંનેએ નીલા અને નારંગી રંગની જેલની શર્ટ તથા ખાખી પેન્ટ પહેરેલાં હતાં. તેમણે સ્પેનિશ અનુવાદ સાંભળવા માટે હેડફોન લગાડેલા હતા.
માદુરોએ પીળા રંગના લિગલ પૅડ પર ધ્યાનપૂર્વક નોટ્સ લખી હતી તથા તેમણે જજ પાસેથી એ વાતની ખાતરી કરી હતી કે એ પૅડ તેઓ પોતાની પાસે રાખી શકે છે.
માદુરો જ્યારે કોર્ટરૂમમાં દાખલ થયા, એ પછી તેમણે પાછળ વળીને દર્શક દીર્ઘામાં રહેલા કેટલાક લોકો તરફ માથું હલાવીને તેમનું અભિવાદન કર્યું.
માદુરોએ કોર્ટમાં શું કહ્યું?
સમગ્ર કાર્યવાહી દરમિયાન માદુરોનો ચહેરો શાંત અને ભાવહીન હતો. પ્રેક્ષક ગૅલરીમાં બેઠેલા એક શખ્સે અચાનક રાડ પાડી હતી - "માદુરો તમે તમારા ગુનાઓની કિંમત ચૂકવશે," ત્યારે પણ તેમનું વલણ ન બદલાયું.
પરંતુ માદુરોએ સ્પેનિશ ભાષામાં એ શખ્સ તરફ વળતો જવાબ આપતા કહ્યું, "હું અપહરણ કરાયેલ રાષ્ટ્રપતિ તથા યુદ્ધબંદી છું."
એ પછી સંબંધિત વ્યક્તિને કોર્ટરૂમમાંથી બહાર લઈ જવાઈ હતી. કોર્ટમાં જે લોકો ઉપસ્થિત હતા, તેમના માટે પણ આ કાર્યવાહી ભાવનાત્મક રહી હતી.
વેનેઝુએલાના રિપોર્ટર મૅબોર્ટ પેટિટે માદુરોના કાર્યકાળ દરમિયાન વેનેઝુએલામાંથી રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માદુરોને પકડવાની કાર્યવાહી અમેરિકા દ્વારા જે મિસાઇલ હુમલા કરવામાં આવ્યા, તેમાં કારાકાસમાં ફુએર્તે તિઉના વિસ્તારમાં આવેલું તેમનું પારિવારિક ઘર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
મૅબોર્ટ પેટીટના કહેવા પ્રમાણે, તેમના પૂર્વ નેતાને અમેરિકન માર્શલોની દેખરેખમાં જેલના ગણવેશમાં અદાલતમાં લાવવામાં આવ્યા, ત્યારે તેમને જોઈને અજબ અનુભવ થયો.
માદુરોનાં પત્ની સિલિયા ફ્લોરેસ ખાસ્સા શાંત જણાયાં. તેમની આંખ તથા માથા પાસે ઈજાના નિશાન જોવા મળ્યાં, તેમના વકીલોએ જણાવ્યું કે શનિવારની કાર્યવાહી દરમિયાન તેમને ઈજા થઈ હતી.
સિલિયાએ વાળને બનમાં વીંટાળેલા હતા અને ધીમા અવાજે પોતાના વકીલો સાથે વાત કરતા જોવા મળ્યાં હતાં.
કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલોએ સિલિયાને યોગ્ય તબીબી સુવિધા આપવાની માગ કરી હતી.
અમેરિકામાં માદુરો પર નાર્કો-આતંકવાદનું કાવતરું, કોકેઇનની આયાતનું કાવતરું, મશીન ગન તથા વિનાશકારી હથિયાર રાખવાનું કાવતરું ઘડવાના આરોપ મૂકવામાં આવ્યા છે.
માદુરો ઉપરાંત તેમનાં પત્ની, પુત્ર સહિત અનેક લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. આ અંગે આગામી સુનાવણી 17 માર્ચના નક્કી કરાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












