વર્લ્ડકપ સેમિફાઇનલ: ભારતને ન્યૂઝીલૅન્ડથી જોખમ કેમ છે?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્લ્ડકપની પહેલી સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ આજે મુંબઇમાં ચાલી રહી છે.

ભારત પાસે ન્યૂઝીલૅન્ડે 2019માં આપેલી હારનો બદલો લેવાનો આ સુવર્ણ અવસર હશે.

જોકે, વર્લ્ડકપ સહિત આઇસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલૅન્ડનો ભારત સામે રેકૉર્ડ કાયમ સારો રહ્યો છે.

અત્યાર સુધી આઇસીસી ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે 10 મૅચ રમાઈ છે જેમાંથી 8 મૅચમાં ન્યૂઝીલૅન્ડ વિજેતા થયું છે.

જોકે, લીગ મૅચ દરમિયાન ભારતે ધર્મશાળામાં ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. આમ જોવા જઇએ તો 2003 પછી આઇસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલૅન્ડ સામે મળેલી આ પ્રથમ જીત છે.

વર્લ્ડ કપની લીગ મેચોમાં ભારતે તેની તમામ નવ મૅચ જીતી છે.

જ્યાં સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપમાં ભારતની શ્રીલંકા સાથેની મૅચની વાત છે, તો તે મૅચમાં ભારતે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતે આ મેદાન પર અત્યાર સુધી 21 મેચ રમી છે, જેમાં 12માં જીત અને 9માં હાર થઈ છે.

બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર વાનખેડેની પીચ બૅટ્સમેનો માટે અનુકૂળ જણાય છે. જોકે, સૂરજ આથમ્યા પછી અહીં ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે.

શ્રીલંકા સામે ભારતીય બૉલરોએ સૂરજ આથમ્યા પછી જાણે કે કહેર વર્તાવ્યો હતો અને સમગ્ર ટીમને 55 રનમાં ઑલઆઉટ કરી દીધી હતી.

અહીં ઝાકળનો પ્રભાવ પણ પડી શકે છે એટલે ટૉસની ભૂમિકા અગત્યની રહેશે.

બંને દેશોના રેકૉર્ડ તૂટશે

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં થનારા વર્લ્ડકપની સેમિફાઇનલમાં એક મોટો રૅકર્ડ તૂટશે એ નક્કી છે.

ન્યૂઝીલૅન્ડે અલગ અલગ ફૉર્મેટમાં ભારતને પાછલા ચાર નૉકઆઉટ મૅચમાં લગાતાર હરાવ્યું છે.

જ્યારે ખુદ ન્યૂઝીલૅન્ડ પાછલા ત્રણ વનડે વર્લ્ડકપ આયોજિત કરનારા દેશોમાં લગાતાર ત્રણવાર હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે.

બુધવારે બપોરે જ્યારે ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમો આમને સામને હશે તો તેમના મનમાં એ વાતો જરૂર હશે કે હવે એક નવો રૅકોર્ડ તો બનવાનો જ છે ભલે કોઈના પણ પક્ષમાં બને.

એક દિવસીય વિશ્વ કપના ઇતિહાસ પર નજર કરો તો ન્યૂઝીલૅન્ડની ટીમની સ્થિરતાનો અંદાજ સરળતાથી આવી જશે. 2007થી આ ટીમે દરેક વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

જેમાંથી 2015 અને 2019માં ન્યુઝીલૅન્ડમાં ફાઇનલ સુધી પહોંચ્યું હતું અને 2019માં ફાઇનલમાં તો અત્યંત રોમાંચક મુલાબલા પછી ટીમ હારી ગઈ. 2021માં આ ટીમે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશીપની ફાઇનલમાં હરાવ્યું હતું.

હાલની ટુર્નામેન્ટમાં કૉમેન્ટરી કરી રહેલા ન્યૂઝીલૅન્ડના પૂર્વ વિકેટકીપર અને બૅટ્સમૅન ઇયાન સ્મિથે બીબીસીને જણાવ્યું, “ન્યુઝીલૅન્ડ હાલની અને પાછલી કેટલીય ટીમોમાં એક ખૂબી રહી છે. ટીમ માત્ર એક, બે કે ત્રણ સ્ટાર પ્લેયર્સ આસપાસ નથી રમતી. ટીમ ઑલરાઉન્ડ પર્ફૉર્મન્સમાં વિશ્વાસ કરે છે જે ખેલાડીના હાલના ફૉર્મ પર નિર્ભર કરે છે.”

2019 વિશ્વ કપની કડવી યાદો

ગત વિશ્વકપમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે મળેલી હારની યાદો આજે પણ તાજી છે અને તે ટીમના મોટાભાગના ખેલાડીઓ આ વખતની પ્લેઇંગ ઇલેવનમાં પણ છે. માન્ચેસ્ટરમાં રમાયેલી એ મૅચમાં ન્યૂઝીલૅન્ડના 239 રનનો પીછો કરતા ભારતીય ટીમના ટૉપ ઓર્ડર બૅટ્સમૅનોએ આવા રન બનાવ્યા હતા.

કે. એલ. રાહુલ – 1 રન

રોહિત શર્મા – 1 રન

વિરાટ કોહલી – 1 રન

દિનેશ કાર્તિક – 6 રન

ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ 32-32 રન બનાવ્યા હતા અને ધોની મુશ્કેલીથી ધીમી રમત રમીને 50 રન બનાવી શક્યા હતા. તેઓ તેમના ફૉર્મમાં નહોતા.

માત્ર રવિન્દ્ર જાડેજાએ ઝડપથી રમતા માત્ર 59 બૉલમાં 77 રન બનાવ્યા હતા પણ એ અપૂરતા રહ્યા.

ન્યૂઝીલૅન્ડનું પાછા ફરવું

2023 વિશ્વકપમાં ન્યૂઝીલૅન્ડે સારી શરૂઆત કરી હતી અને પહેલી ચારેય મૅચ જીતી લીધી જેમાં હાલના ચૅમ્પિયન ઈંગ્લૅન્ડને પહેલી જ મૅચમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.

ધર્મશાલામાં તેમને ચાર વિકેટથી હરાવીને સ્પર્ધામાં તેમનો વિજય રથ ભારતે જ રોક્યો હતો.

આ પછી ન્યૂઝીલૅન્ડને ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાને હરાવીને નંબરમાં ઘણું પાછળ ધકેલી દીધું હતું અને પોતાની છેલ્લી મૅચ જીતીને જ ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં પહોંચી શક્યું છે.

પણ એ યાદ રાખવું જરૂરી છે કે 400+ રનોનો સ્કોર બનાવ્યા છતાં વરસાદને કારણે તેઓ પાકિસ્તાનથી હારી ગયા જ્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા સાથેની મૅચમાં હારનું માર્જિન ઓછું રહ્યું હતું. પરિણામો બદલાઈ શકે તેમ હતાં.

ઈંગ્લૅન્ડન પૂર્વ કપ્તાન નાસિર હુસૈનને લાગે છે કે, “ન્યૂઝીલૅન્ડને ટુર્નામેન્ટ વચ્ચે જે ઝટકાઓ લાગ્યા તેમાંથી તેણે શીખ મેળવી હશે અને તેમાંથી બહાર પણ આવી ગઈ હશે ટીમ. હવે માત્ર બે મૅચની વાત છે અને તેમની બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ સુધીની સારી અને ખરાબ બધી જ તૈયારીઓ થઈ ગઈ હશે.”

ભારતને શું જોખમ છે?

ન્યૂઝીલૅન્ડની બેટિંગ આ ટુર્નામેન્ટની શરૂઆતથી જ કમાલ બતાવી રહી છે. રચિન રવિન્દ્ર રનનો ઢગલો કરી રહ્યા છે. તો કૅપ્ટન કેન વિલિયમ્સન ઈજાગ્રસ્ત થયા પછી પાછા ફર્યા છે અને ફૉર્મમાં છે.

જોકે ડેવન કૉનવે પોતાના ફૉર્મથી થોડા દૂર છે પણ ડેરિલ મિચેલ લગાતાર મોટો સ્કોર બનાવી રહ્યા છે અને ઝડપી બૉલિંગમાં સારું રમે છે.

જો કૅપ્ટન વિલિયમ્સન અને રચિન ભારતીય પેસ ઍટેકનો સફળતાથી સામનો કરી લેશે તો વચલી ઓવરોમાં તેમને રન બનાવતાં રોકવા મુશ્કેલ બની શકે છે.

પણ ભારતીય બૅટ્સમૅનને જેમનાથી જોખમ ઊભું થઈ શકે છે તેમના નામ છે ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉથી અને લૉકી ફર્ગ્યૂસન. વાનખેડેની પીચ પર સાંજ પછી બૉલ સારો સ્વિંગ થાય છે અને છેલ્લી કેટલીય મૅચમાં આ સ્પષ્ટ જોવા મળ્યું છે.

ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને અહીં જ 55 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. અફઘાનિસ્તાનના ફાસ્ટ બૉલર્સે ઑસ્ટ્રેલિયાના ચાર બૅટ્સમૅનોને માત્ર 50 રનોના સ્કોર પર આઉટ કરી દીધા હતા.

જોકે ભારતના ભાગે જો બીજી ઇનિંગ્સમાં બૉલિંગ આવી તો તેનો ફાયદો બુમરાહ, શમી અને સિરાઝને પણ થઈ શકે છે. આ ત્રણેય આ વિશ્વકપમાં અત્યારસુધી 45 વિકેટો ઝડપી ચૂક્યા છે.

બીજી બાજુ ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅન ડેવન કૉનવે કહી ચૂક્યા છે, “ભારતને હરાવવા માટે ટીમ તેના સિનિયર ખેલાડીઓના અનુભવો પર પણ વિશ્વાસ કરશે.”

ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે જારી કરેલા એક વીડિયોમાં કૉનવેએ કહ્યું. “અમને બધાને ખબર છે કે ભારતની ટીમ કેટલી સારી છે. તે મજબૂત હોવા સાથે સારા મોમેન્ટમ સાથે રમી રહી છે પણ અમે પણ આ પડકારની રાહ જોઈ રહ્યા છીએ.”

ભારતની તૈયારી કેવી છે?

ભારતીય ટીમે છેલ્લી નવ મૅચોમાં જે પ્રકારનું ક્રિકેટ રમ્યું છે તે કોઈ ડ્રીમ રનથી ઓછું નથી.

'ધ ગાર્ડિયન' વર્તમાનપત્રના ક્રિકેટ સમીક્ષક અલી માર્ટિન મુજબ, “ભારતીય ટીમને પણ ટુર્નામેન્ટ શરૂ થાય તે અગાઉ નવ મૅચોમાં 18 અંક મળવાની આશા નહીં હોય. પણ દરેક મૅચ પછી તેમનું મનોબળ વધતું ગયું અને ટીમે જૂની ભૂલોમાંથી પણ શીખ મેળવી છે.”

સૌથી વધારે ફેર દેખાયો છે ભારતની ઝડપી બૉલિંગમાં કારણ કે બુમરાહ, સિરાઝ અને શમીના બૉલે સામેની ટીમના બેટ્સમેનોના હોશ ઉડાડી રાખ્યા છે. ટુર્નામેન્ટમાં શમીએ પાંચ મૅચમાં મળીને કુલ 16 વિકેટ લીધી છે. બુમરાહે કુલ 9 મૅચમાં અત્યાર સુધી 17 વિકેટ લીધી છે તો સિરાઝે પણ 9 મૅચોમાં અત્યાર સુધીમાં 12 વિકેઝ ઝડપી છે.

મતલબ ત્રણેય મળીને અત્યાર સુધી 45 વિકેટ લઈ ચૂક્યા છે જેમાં દરેક ટીમના મોખરાના બૅટ્સમૅનની વિકેટ છે.

ભારતીય બેટિંગે પોતાની પ્રતિભા અનુસાર આખી ટુર્નામેન્ટમાં પ્રદર્શન કર્યુ છે જેમાં રોહિત શર્મા અને ગિલની આક્રમક શરૂઆત, વિરાટ કોહલીનું મધ્યક્રમમાં ક્રિઝ પર આવીને લાંબો સ્કોર બનાવવું, શ્રેયસ ઐય્યરનું સતત સારું થતું જઈ રહેલું પ્રદર્શન અને કે. એલ. રાહુલનો સપોર્ટ સામેલ છે.

ભારતે આ મૅચમાં મજબૂતી માટે શરૂઆતની 10 ઓવર વિકેટ ગુમાવ્યા વિના રમવી પડશે. ખાસ કરીને જો પહેલા આવનારા બૅટ્સમૅન હારી જાય એ સ્થિતિમાં તેણે ન્યૂઝીલૅન્ડના સ્કોરનો પીછો કરવો પડશે.

આ માટ વાનખેડે સ્ટેડિયમમાં ટૉસની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે કારણ કે જે પણ ટીમ ટૉસ જીતશે તે પહેલા બેટિંગ કરવા ઇચ્છશે.

સાથે જ ભારતની આશા રહેશે કે તેના ઝડપી બૉલર્સ પણ જલદી અસરદાર સાબિત થાય કારણ કે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં જાડેજા અને કુલદીપ પર દબાણ વધેલું રહેશે.

એ યાદ રાખવું જરૂરી છે કે ધર્મશાલામાં જ્યારે બંને ટીમો ટકરાઈ હતી ત્યારે જાડેજાને તેમની 10 ઓવરમાં એક પણ વિકેટ નહોતી મળી.

ભારતીય કોચ રાહુલ દ્રવિડે સેમિફાઇનલ પહેલા સ્ટાર સ્પૉર્ટ્સ સાથે વાત કરતા કહ્યું,“જો હું એમ કહું કે સેમિફાઇનલ પહેલા કોઈ દબાણ નથી એમ કહું તો ખોટું ગણાશે. ક્રિકેટની રમતમાં કોઈ રમતને જીતવાની કોઈ ખાતરી નથી હોતી. તમે માત્ર સારી રીતે તૈયારી કરી શકો છો અને અમે પણ એ જ કરી રહ્યા છીએ.”