વાહનોમાં ગેરકાયદેસર લગાવવામાં આવતી સફેદ એલઈડી લાઇટ કેમ જોખમી બની રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
રાત્રે વાહન ચલાવનાર ઘણા લોકોને એવો અનુભવ થયો હશે કે સામેથી આવતાં વાહનોમાંથી ક્યારેક અતિશય પ્રકાશ ફેંકતી લાઇટ જોવા મળે છે.
આ પ્રકારે વધારે પ્રમાણમાં પ્રકાશ ફેંકતી લાઇટ પ્રતિબંધિત છે, તેમ છતાં કેટલાક વાહનચાલકો તેમનાં વાહનમાં કંપની તરફથી લગાવેલી લાઇટ કાઢી નાખીને આ પ્રકારની લાઇટ લગાવે છે.
વધારે પ્રકાશ માટે કંપની સિવાયની લગાવવામાં આવતી એલઈડી (લાઇટ ઍમિટિંગ ડાયોડ) સફેદ લાઇટ રોડ સેફ્ટી માટે જોખમી છે. આ પ્રતિબંધિત એલઈડી સફેદ લાઇટને કારણે વાહનોનો અકસ્માત સર્જાવાનો પણ ભય રહેતો હોય છે.
આ અંગે નાગરિકોએ અવારનવાર વાહનવ્યવહાર વિભાગને રજૂઆતો પણ કરી છે. તાજેતરમાં રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા આ પ્રકારની લાઇટ સામે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતનાં તમામ શહેરો અને જિલ્લાઓના તમામ રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસરોને વાહનોમાં ગેરકાયદેસર લગાવવામાં આવતી એલઈડી સફેદ લાઇટ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
હાલમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના તમામ જિલ્લામાં વાહનોમાં ગેરકાયદેસર લાગેલી સફેદ એલઈડી લાઇટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન જે વાહનમાં પ્રતિબંધિત એલઈડી લાઇટ જોવા મળે છે તેને કઢાવવા માટેની નોટિસ આપીને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
એલઈડી લાઇટ કેમ જોખમી છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો અનુસાર, એલઈડી લાઇટમાં ડિફ્યૂઝર લગાવવામાં આવતાં ન હોવાથી લાઇટ એક જ જગ્યાએ પડે છે જેને કારણે સામેથી આવતા વાહનચાલકની આંખો અંજાઈ જાય છે. જેને કારણે અકસ્માત સર્જાઈ શકે છે.
રાજ્ય સરકારના વાહનવ્યવહાર કમિશનર દ્વારા તાજેતરમાં તમામ રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસરોને એક પત્ર લખવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પત્રમાં જણાવાયું છે કે "વાહનો ઉપર અનઅધિકૃત એલઈડી સફેદ લાઇટ તેમજ વધુ તીવ્રતાવાળા હૅડલૅમ્પને કારણે આંખ અંજાઈને વાહનોને અકસ્માત થવાની સંભાવના અંગે અત્રે વારંવાર રજુઆત મળેલી છે. આ પ્રકારનાં વાહનોને લીધે અન્ય વાહનચાલકોને તકલીફ પડે છે. જેના કારણે અકસ્માત સર્જાતા હોવાની અને ક્યારેક અકસ્માતથી મૃત્યુ પણ થતાં હોવાથી વાહનોમાં અનઅધિકૃત એલઈડી સફેદ લાઇટ ધરાવતાં વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ છે."
"આ સિવાય તમામ ડીલરોને ત્યાં ચેકિંગ કરીને અનઅધિકૃત રીતે એલઈડી સફેદ લાઇટ આપવામાં ન આવે તે અંગે સુનિશ્ચિત કરવાનો આદેશ કરવામાં આવે છે."
વાહનવ્યહાર વિભાગે પત્રમાં જણાવ્યું છે, "આ પ્રકારની લાઈટ અંગે નાગરિકો દ્વારા તેમને અવારનવાર ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. જેથી આ લાઇટ સામે કડક અમલવારી કરવામાં આવે."

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ શહેરના રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસર નીરવ બક્ષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, " કેટલાક લોકો ફૅશન માટે પોતાનાં વાહનમાં કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી લાઇટ હઠાવી દે છે અને તેની જગ્યાએ પોતાનાં વાહનોમાં વધારે વૉલ્ટેજ ધરાવતી સફેદ એલઈડી લાઇટ લગાડે છે."
"સફેદ એલઈડી લાઇટ લાગી હોય તેવાં વાહનો જ્યારે રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે તે સામેથી આવતા વાહનચાલકની આંખોને આંજી દે છે. તેના કારણે વાહનચાલકોનું વિઝન બ્લર થઈ જાય છે, જેથી અકસ્માતનો ખતરો સર્જાય છે. કંપની દ્વારા ફીટ કરવામાં આવતી લાઇટના પ્રકાશને ઓછો કે વધુ દર્શાવવા એટલે કે 'લો-બીમ' કે 'હાઇ-બીમ' કરી શકવાની વ્યવસ્થા હોય છે. જ્યારે વાહનોમાં ગેરકાયદેસર રીતે લાગતી આ સફેદ એલઈડી લાઇટમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા હોતી નથી."
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે " અમે વાહનોના ડીલરોનો સંપર્ક કરીએ છીએ અને તેમને વાહનોમાં એલઈડી સફેદ લાઇટ ન લગાડવા માટે સૂચના આપીએ છીએ. આ ઉપરાંત હાલમાં શહેરમાં વાહનોના ચેકિંગની ઝુંબેશ કરવામાં આવી રહી છે."
તેમણે આપેલી માહિતી અનુસાર, 2026ના જાન્યુઆરી મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં 315 વાહનો પકડાયાં હતાં. આ તમામ વાહનોમાં ગેરકાયદેસર એલઈડી લાઇટ જોવા મળી હતી અને તમામ વાહનોને નોટિસ આપીને પ્રતિ વાહન એક હજારનો દંડ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં એલઈડી લાઇટની તપાસ કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વાહનોમાં એલઈડી લાઇટની તપાસ કેવી રીતે કરવામાં આવે છે કે અંગે વાત કરતાં નિરવ બક્ષી જણાવે છે કે, "વાહનોની લાઇટની ક્ષમતા લ્યુમિન્સમાં માપવામાં આવે છે. સરકાર દ્વારા દરેક કંપનીની ગાડીનાં મૉડલની લાઇટ નક્કી કરવામાં આવેલી છે. અમે વાહનો ઊભાં રાખીને તેની લાઇટ જોઈએ છીએ તેમજ તેના કંપનીનાં મૉડલમાં કઈ લાઇટની માન્યતા છે તે તપાસીએ તો ખબર પડે છે કે લાઇટ નિયમ મુજબની છે કે નહીં."
ગુજરાત સરકારના વાહનવ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા વાહનોમાં લાગતી લાઇટના લ્યુમિન્સ સહિતના નિયમો નક્કી કરેલા હોય છે."
તેમના જણાવ્યા પ્રમાણે, "આ નિયમો પ્રમાણે જ વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા તેમનાx વાહનોમાં લાઇટ ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા વાહનોમાં લગાડેલી લાઇટ નીકાળીને અન્ય લાઇટ લગાડવી તે ગેરકાયદેસર છે. હાલ તે અંગેની ચકાસણી ચાલી રહી છે. આ ચેકિંગ દરમિયાન નિયમનું ભંગ કરનારાં વાહનોને પકડીને તેને દંડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે."
વાહનોનાં લ્યુમિન્સ માપવા માટે લક્સ મશીન આવે છે જો કે મળેલી માહિતી મુજબ રાજ્યના આરટીઓ વિભાગ પાસે આ મશીન ઉપલબ્ધ નથી.
આ અંગેના સવાલના જવાબમાં રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, "આ પ્રકારનાં મશીનની જરૂર નથી. આરટીઓએ તેના લ્યુમિન્સ ચેક કરવાના હોતા નથી. જે પણ ગાડીમાં કંપની ફીટેડ લાઇટ સિવાયની લાઈટ લગાવેલી છે તેને દંડ કરવાનો છે. તમારાં વાહનમાં આરટીઓની પરવાનગી સિવાય તમે કોઈ પણ બદલાવ કરી ન શકો. આરટીઓ દ્વારા વાહનોમાં અલગથી સફેદ લાઇટ લગાવવાની પરવાનગી આપવામાં આવતી નથી."
સફેદ એલઈડી લાઇટ કેમ જોખમી છે, નિષ્ણાતોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સફેદ એલઈડી લાઇટ કેમ જોખમી છે તે અંગે વાત કરતાં અમદાવાદ શહેરની એલ. ડી. એન્જીનિયરિંગ કૉલેજના પ્રોફેસર કિન્નર વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "વાહનોની કંપની દ્વારા જે લાઇટ લગાવવામાં આવે છે તેમાં ડિફ્યૂઝર હોય છે જ્યારે જે વાહનચાલકો બહારથી પોતાનાં વાહનોમાં એલઈડી વ્હાઇટ લાઇટ લગાડે છે જેમાં ડિફ્યૂઝર હોતું નથી. જેના કારણે આ લાઇટનો પ્રકાશ સીધો જ સામે આવતાં વાહન પર પડે છે."
તેમના મત પ્રમાણે આ પ્રકારની લાઇટની અસર આંખો પર પણ પડે છે.
"લાઇટનું ફૉક્સ એક જ જગ્યાએ પડે છે. જેથી વાહનચાલકોની આંખ અંજાય છે. આ સફેદ એલઈડી લાઇટ એ ઍક્સેસિવ લાઇટ છે જેની આંખો ઉપર અસર થાય છે. ઉદાહરણ તરીકે, સૂર્યની સામે જુઓ કે પછી સ્ટ્રીટ લાઇટ સામે જુઓ અને તમે તુરંત અન્ય જગ્યાએ જુઓ તો તમારી આંખો થોડીક સેકંડ માટે અંજાય છે. તે સામાન્ય થતાં અમુક સેકંડ થાય છે. આ ગણતરીની સેકંડમાં અકસ્માત થઈ શકે છે."
કંપની બહાર લગાવવામાં આવતી એલઈડી લાઇટ પોતાનાં વાહનમાં લગાવનાર વાહનચાલકો માટે પણ જોખમી હોવાનું જણાવતા કિન્નર વાઘેલા કહે છે કે "જે વાહન ચાલકો આ વ્હાઇટ લાઇટ લગાવે છે તેમની માટે પણ જોખમી જ છે. તેમના વાહનની લાઇટથી સામેનો વાહનચાલક અંજાઈ જશે અને તેને કંઈ દેખાશે નહી તો તેનું વાહન તેમનાં વાહન સાથે અથડાઈ શકે છે. જેથી વાહનચાલકો આ પ્રકારની લાઇટ લગાવીને પોતાના માટે પણ જોખમ નોતરી રહ્યા છે."
કિન્નર વાઘેલા માને છેકે વ્હાઇટ એલઈડી લાઇટ અંગે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ.લોકો જાગૃત થશે અને ગંભીરતા સમજતા થશે તો લગાવશે નહીં.
રોડ સેફ્ટી ઍક્સપર્ટ અમિત ખત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " વાહનોમાં ગેરકાયદેસર લગાડવામાં આવતી સફેદ એલઈડી લાઇટના કારણે ગ્લૅરની સમસ્યા સર્જાય છે. જે વાહનમાં સફેદ એલઈડી લાઇટ લાગેલી હોય તેવાં વાહનની સામેની બાજુએથી આવતાં વાહનના વાહનચાલકની આંખમાં ગ્લેર આવે છે. જેના કારણે બે ત્રણ સેકંડ માટે તેના વિઝનને અસર થાય છે. આથી, આવા સંજોગોમાં અકસ્માત થવાનો ભય ઊભો થાય છે."
તેઓ કહે છે કે, "અત્યારે રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા વાહનોમાં ગેરકાયદેસર લાગેલી સફેદ એલઈડી લાઇટ સામે ઝુંબેશ કરવામાં આવી રહી છે, પણ આ દૂષણને ડામવા માટે આ લાઇટ ફીટ કરનારા, વેચનારા કે પછી ઇન્સ્ટૉલ કરી આપનારા તમામ સામે પણ કાર્યવાહી કરવી જોઇએ. જેથી કરીને તેનો વપરાશ સંપૂર્ણપણે બંધ થઈ શકે. રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે વાહનોમાં લાગતી ડાર્ક ફિલ્મ સામે કડક ઝુંબેશ કરી હતી જેના કારણે વાહનોમાં ડાર્ક ફિલ્મનો વપરાશ સાવ ઘટ્યો છે. તેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












